પરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'

પરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'

Tuesday September 05, 2017,

4 min Read

જ્યારે નેહા અને પુનીત અગ્રવાલ પોતાના હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને સિંગાપોર ગયા તે પહેલાં તેમણે આ સફરને લગતી માહિતી ઇન્ટરનેટ પરથી ભેગી કરી. પણ જ્યારે તેઓ આ ટ્રીપ પરથી પરત ફર્યા ત્યારે તેમને લાગ્યું કે આ ટ્રીપ વધુ સરસ બની શકે તેમ હતી. ત્યારબાદ તેમનું એક મિત્ર દંપત્તિ હનીમૂન પર જવાનો પ્લાન કરી રહ્યાં હતાં ત્યારે તેમના માટે પુનીત અને નેહાએ તેમના માટે હનીમૂન પ્લાન કરી આપ્યું. અને ધીરે ધીરે અન્ય લોકો પણ હનીમૂનના પ્લાનિંગ માટે તેમની પાસે આવવા લાગ્યા અને આવી રીતે પુનીતે હનીમૂનસ્વામીની સ્થાપના કરી.

image


નેહા અને પુનીતે વર્ષ 2008માં હનીમૂનસ્વામીની સ્થાપના કરી. ફરીદાબાદના પોતાના ઘરમાં જ એક નાનકડી ઓફિસ ખોલી. પુનીતનું કહેવું છે કે એ સમયે તેમનું એકમાત્ર લક્ષ્ય હતું કે કપલ્સનો હનીમૂન પ્લાન એકદમ પરફેક્ટ હોય. તેમણે 50 હજાર રૂપિયાના રોકાણથી આ કામની શરૂઆત કરી.

એ સમયે તેમની પાસ તેમના મિત્રોનું હનીમૂન પ્લાન કરવાનો 2 વર્ષથી વધુનો અનુભવ હતો. એ જ સમયે પુનીતે એક બ્લોગ લખ્યો અને લોકોને જણાવ્યું કે હનીમૂન પર જનારા કપલ્સ માટે કન્સલ્ટિંગ સર્વિસ કેમ જરૂરી છે. બ્લોગ ઘણો લોકપ્રિય બન્યો અને ઘણાં કપલ્સ તેમની પાસે આવવા લાગ્યા. પુનીત એ દિવસો યાદ કરતા કહે છે,

"મને આજે પણ સમીર અને કાનૂ સાથેની એ પહેલી મીટીંગ યાદ છે. એ પહેલું કપલ હતું કે જેણે અમારી સર્વિસ લીધી હતી. હું તેમને નવી દિલ્હીના ગ્રેટર કૈલાશમાં મળ્યો હતો. તેમને અમારો આઈડિયા ઘણો પસંદ પડ્યો. અમે એમને પૂછ્યું કે શું હનીમૂન પ્લાન માટે તેમની કોઈ ખાસ રીક્વેસ્ટ છે? તેમણે જવાબમાં કહ્યું કે પેકેજમાં બ્રેકફાસ્ટ ન રાખતા કારણ કે અમે મોડેથી ઉઠીશું અને ત્યાં સુધી બ્રેકફાસ્ટનો ટાઈમ નીકળી ગયો હશે, સાથે જ તેઓ એક નાનકડા બાર જેવી સુવિધા માંગતા હતાં જે લોકલ બીયર સર્વ કરી શકે."
image


ત્યારે પુનીતને અંદાજો આવ્યો કે જો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હનીમૂનમાં ચાર ચાંદ લાગી શકે છે.

પુનીત કહે છે,

"હનીમૂનસ્વામી એક વન-સ્ટોપ સોલ્યુશન છે જ્યાં એક્સપર્ટ્સની ટીમ હનીમૂન ડીઝાઈન, સફરને લગતી સૂચનાઓ, કપલ્સની પ્રાથમિકતાઓ, પસંદ-નાપસંદના હિસાબે પ્લાન કરવામાં મદદ કરે છે. આવી રીતે કપલ હનીમૂન પ્લાન કરવાની ચિંતા અમારા પણ છોડી શકે છે જેથી તેમના લગ્નને તેઓ એન્જોય કરી શકે."

નેટ સ્ક્રાઇબ રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગ્નનું માર્કેટ આશરે 3500 અરબ રૂપિયાનું છે. પુનીત કહે છે,

"અમારું માનવું છે કે એક કપલ લગ્ન પર જેટલો ખર્ચ કરે છે તેના 10-15% જેટલો ખર્ચો હનીમૂન પર કરે છે. આવી રીતે હનીમૂનનું માર્કેટ 350 અરબ રૂપિયાની આસપાસ છે."

હાલ હનીમૂનસ્વામીમાં નેહા અને પુનીત સિવાય 6 સભ્યોનો ટીમ છે. પુનીતને આજે એ વાતની ખુશી છે કે તેમણે એક સામાન્ય કન્સલ્ટિંગ સર્વિસથી શરૂ કર્યું હતું પણ પહેલાં જ દિવસથી તેઓ નફામાં રહ્યાં.

આમ તો અન્ય કેટલીક મોટી કંપનીઓ પણ હનીમૂન પેકેજ ઓફર કરે છે પણ તેમની પાસે હનીમૂનસ્વામી જેવું કોઈ કન્સલ્ટિંગ મોડલ નથી તેમ પુનીતનું કહેવું છે. વધુમાં તેઓ જણાવે છે,

"અમે હનીમૂન પર જતાં કપલને કન્સલ્ટિંગ સર્વિસ આપીએ છીએ. અને તેઓ હનીમૂન પર જતાં પહેલાં તેમની ઈચ્છા પ્રમાણેનો પ્લાન બનાવી શકે છે. એક વાર જ્યારે તેઓ જગ્યા નક્કી કરી લે, ત્યારબાદ તેમને એ છૂટ હોય છે કે તેઓ અમારી પાસે બૂક કરાવે કે પછી અન્ય કોઈ કંપની પાસેથી. બીજી કંપનીઓને સામાન્ય રીતે પ્રોડક્ટ વેચવામાં રસ હોય છે કે ન તો સલાહ આપવામાં." 

પુનીત એક અગત્યની વાત કહે છે,

"સામાન્ય રીતે હનીમૂનનો વાસ્તવિક ખર્ચ પેકેજથી વધારે હોય છે પણ લોકોને લાગે છે કે પેકેજ લઈને તેમણે એક સારો સોદો કર્યો છે પણ થાય છે તેનાથી ઉલ્ટું."

જોકે હનીમૂનસ્વામીની સામે કેટલાંક પડકારો પણ છે. આજે કોઈ પણ ફોન કરીને કે વેબ પર ફોર્મ ભરીને પળવારમાં વિવિધ ટ્રાવેલ કંપનીઓ તરફથી પેકેજ અને ઓફર્સ મેળવે છે. અને પછી લોકો સફરથી જોડાયેલી માહિતી લેવાના બદલે કિંમતની તુલના કરવામાં લાગી જાય છે. એ સિવાય, મોટા ભાગે કપલ્સ પોતાના પરિવાર અને મિત્રો તરફથી ડેસ્ટીનેશનની સલાહ લે છે પણ તેમને બજેટનો કોઈ અંદાજો નથી હોતો. પુનીત કહે છે,

"લોકો સલાહ ભલે આપતા હોય છે પણ તેઓ ડીટેઇલમાં જાણકારી નથી આપી શકતા કે ના તો બે જગ્યાની તુલના કરી શકે છે. એ સિવાય એમ પણ બને કે લોકોએ અલગ અલગ સિઝનમાં સફર કરી હોય અને તેથી બજેટ પણ અલગ અલગ હોય."


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...