આવો, આશાઓનાં 25 વર્ષની ઉજવણી કરીએ

આવો, આશાઓનાં 25 વર્ષની ઉજવણી કરીએ

Friday July 22, 2016,

7 min Read

હું એ યુનિવર્સિટીમાં ભણેલો છું કે જે પોતાની ડાબેરી માનસિકતા માટે પ્રખ્યાત છે. જ્યારે મેં યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો ત્યારે માર્ક્સવાદ અને લેનિનવાદની લોકપ્રિયતા હતી. આ વિચારોને સોવિયેત યુનિયન સમગ્ર વિશ્વમાં બળ આપતું હતું જોકે, તે વખતે તે ભંગાણના આરે આવીને ઊભું હતું તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા હતા. સોવિયેત યુનિયનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી મિખાઇલ ગોર્બોચોવ પેરેસ્ત્રોઇકાની વાતો કરતાં હતા એટલે કે સોવિયેત સમાજ અને રાજકારણનું પુનઃગઠન પરંતુ તે વખતે કોઈનેય એવો ખ્યાલ નહોતો કે સોવિયેત યુનિયન આમ અચાનક જ ભાંગી પડશે. તેથી પૂર્વીય યુરોપના અન્ય સામ્યવાદી દેશોની જેમ ભારત પણ સામ્યવાદના રંગે રંગાયું અને દેશમાં થતી ખાનગીકરણ અને બજાર આધારિત અર્થતંત્રની વાતોને હીનતાપૂર્વક જોવામાં આવતી હતી. ભારત પોતાની મિશ્ર અર્થવ્યવસ્થાને ગર્વભેર આગળ વધારતું હતું અને તે ત્રીજા વિશ્વના દેશોમાં આદર્શ બની રહ્યું હતું. પરંતુ જ્યારે 1994માં જ્યારે મેં જેએનયુ છોડી ત્યારે સમગ્ર દેશની વાણી બદલાઈ ચૂકી હતી. બજારને શ્રાપ ગણવામાં નહોતો આવતો. ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. લાઇસન્સ રાજમાંથી ઉદ્યોગજગત અને અર્થતંત્રને મુક્ત કરવાની શરૂઆત થઈ ચૂકી હતી. અર્થતંત્ર આગળ વધવા તૈયાર હતું અને ફૂલગુલાબી ચિત્ર લાગી રહ્યું હતું. 

image


જ્યારે હું 80ના દાયકાના અંતે યુનિવર્સિટીમાં જોડાયો ત્યારે એસટીડી ફોનબૂથ નવી વસ્તુ હતી. દિલ્હીના દરેક ખૂણે તે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. કેમ્પસમાં લોકો રાતે 11 વાગ્યાની રાહ જોઈને બેસતા હતા કારણ કે આ સમય દરમિયાન એસટીડી કોલનો ભાવ તેનાં મૂળ ભાવ કરતાં ચોથા ભાગનો થઈ જતો હતો. ફોન કરવા માટે લાંબી લાઇનો લાગતી હતી. આ મોબાઇલ અને વ્હોટ્સએપના જમાના કરતાં ઘણી જૂની વાત છે. તે વખતે એવું નહોતું કે સ્માર્ટફોન ચાલુ કરીને કોઈ પણ કોઈનીયે સાથે દુનિયાના કોઈ પણ ખૂણેથી વાત કરી શકે. એક શહેરમાંથી બીજાં શહેરમાં ફોન જોડવો એટલે બેથી ત્રણ કલાકનો સમય લાગતો હતો. ફોન કરવા માટે ટ્રન્ક કોલ બુક કરાવવો પડતો હતો અને પ્રિયજનનો અવાજ સાંભળવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. 

ભારતમાં ખૂબ જ ઓછા એરપોર્ટ્સ હતાં અને તેમની હાલત પણ એટલી સારી નહોતી. દિલ્હીનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેના રેલવે સ્ટેશન કરતાં થોડું જ સારું હતું. મધ્યમવર્ગીઓ માટે વિમાનની મુસાફરી લગભગ સપનાં સમાન જ હતી. તે તો સમાજના ભદ્ર વર્ગ માટે અનામત રાખવામાં આવેલી લક્ઝરી સમાન હતી. ત્યારે અત્યારની જેમ ખાનગી એરલાઇન્સ નહોતી. માત્ર એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ જ હતી. ખૂબ જ ઓછાં શહેરો હવાઈ માર્ગથી સાંકળી લેવામાં આવ્યાં હતાં. અમે ક્યારેય મલ્ટિપ્લેક્સિસ વિશે સાંભળ્યું નહોતું સિનેમા હોલ્સ એટલે સિંગલ સ્ક્રીન થિયેટર જ હોય. એક નાના બાળક તરીકે મને યાદ છે કે ફિલ્મના ચાર જ શો હોય 12થી 3, 3થી 6, 6થી 9 અને 9થી 12. પરિવાર સાથે ફિલ્મ જોવા જવું તે જાણે મહાન મનોરંજન મેળવ્યું હોય તેવું લાગતું. કોઈ જ પ્રકારની ચેનલ કે કેબલ નહોતાં. માત્ર દૂરદર્શન હતું કે જેના ઉપર દર રવિવારે સપ્તાહમાં એક વખત ફિલ્મ દર્શાવવામાં આવતી હતી. સમાચાર મેળવવા માટેનું એકમાત્ર માધ્યમ દૂરદર્શનના સમાચારો હતાં. તેના ઉપર સરકારનો પૂરો કાબૂ હતો. ખાનગી ન્યૂઝ ચેનલ્સ નહોતી. કોઈ જ પ્રાઇમ ટાઇમ ચર્ચાઓ કે સ્ટુડિયોમાં થતાં હોબાળા નહોતાં. આજના કેટલાંક એન્કર્સ તો તે વખતે જન્મ્યાં પણ નહીં હોય. ન્યૂઝ રિડર્સ ટીવીનો પરદો શોભાવતા હતા. ટીઆરપી મેળવી લેવાની કોઈ માથાકૂટ નહોતી. પહેલી વખત મેં કોઈ કેબલ ન્યૂઝ ચેનલ વિશે સાંભળ્યું તો તે હતી સીએનએન. તે ખાડીનાં યુદ્ધ વખતે પ્રકાશમાં આવી હતી. ભારત ત્યારે પહેલી વખત ખાડી યુદ્ધનાં જીવંત પ્રસારણનું સાક્ષી બન્યું હતું. 

તે વખતે ભારત ઉભરતું અર્થતંત્ર નહોતું તે ગરીબ હતું. એ સમયે ભારત પોતાનાં મદારીઓ, સાધુઓ અને રસ્તે રખડતી ગાયો માટે પ્રખ્યાત હતું. તે સોવિયેત યુનિયન અને અમેરિકા વચ્ચે પીસાઈ રહ્યું હતું. આખું વિશ્વ મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે વહેંચાઈ ગયું હતું. એ વખતે પણ ભારતમાં એટલો જ ભ્રષ્ટાચાર હતો અને બોફોર્સ કૌભાંડે કોંગ્રેસ પાર્ટીને ભારે બદનામ કરી. સમગ્ર વાતાવરણ 1991માં બદલાવાની શરૂઆત થઈ કે જ્યારે નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. દેશ ત્યારે નાદારીના આરે આવીને ઊભો હતો અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિફોલ્ટ થવાની તૈયારીમાં હતો. કડક પગલાં લેવા પડે તેમ હતું તેવામાં સામ્યવાદી મોડેલ જરા પણ આકર્ષક લાગે તેમ નહોતું. ભારતનો મિશ્ર અર્થતંત્રનો પ્રયોગ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો હવે મુક્ત ભારતીય અર્થતંત્રને અપનાવ્યા સિવાય છૂટકો નહોતો. લાઇસન્સ રાજને વિદાય આપવી પડે તેમ હતી. બજારનાં તર્કને રજૂ કરવો પડે તેમ હતું. નફાકારકતા અને સ્પર્ધા શરૂ કરવી જ પડે તેમ હતી. જ્યારે આખા દેશમાં એક જ સિસ્ટમ ચાલી રહી હોય તેને રાતોરાત બદલી નાખવી તે સરળ નહોતું. પરંતુ માર્ક્સે કરેલી આગાહી અનુસાર રાજ્યો કે દેશો કોમ્યુનિસ્ટ સિસ્ટમને તિલાંજલી આપે તે પહેલાં જ તે સિસ્ટમ પડી ભાંગી. નરસિંહ રાવે ખૂબ જ આકરાં પગલાં લીધાં. તેના માટે સૌથી અગત્યનું પગલું એક હતું તે કે કોઈ ટેકનોક્રેટને દેશનાં નાણાપ્રધાન બનાવવા. મારી દૃષ્ટિએ આઝાદી બાદ કોઈ પણ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલું આ ક્રાંતિકારી પગલું છે કે જેણે દેશની સૂરત બદલી નાખી છે. 

આ કામ શ્રી રાવ માટે સરળ નહોતું મને ખૂબ જ સારી રીતે યાદ છે કે તે વખતે હું યુવાન રિપોર્ટર હતો અને સમગ્ર દેશમાં પત્રકારો સહિત લોકોએ કમ્પ્યૂટરનો કેવો વિરોધ કર્યો હતો. તેને એક એવાં સાધન તરીકે જોવામાં આવતું હતું કે જે લોકોની નોકરી ખાઈ જશે. એવી માન્યતા સામાન્ય રીતે બધામાં પ્રવર્તી ગઈ હતી કે કમ્પ્યૂટરના કારણે બેકારીનું પ્રમાણ વધશે. આઈએમએફ, વર્લ્ડ બેન્ક, ડબલ્યૂટીઓએ પ્રચાર શરૂ કર્યો કે ભારત મૂડીવાદ તરફ ઝઈ રહ્યું છે. બજારને એક પિશાચ માની લેવામાં આવ્યું કે જે અત્યાર સુધી માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓની જ સેવા કરતું હતું. વધારે પડતાં બુદ્ધિજીવીઓ એમ માનવા લાગ્યા હતા કે વિદેશી કંપનીઓ ભારતમાં આવીને ફરીથી તેને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ગુલામ બનાવી દેશે. પરંતુ રાવ સારી રીતે સમજી ગયા હતા. તેમણે રાજકારણનો ભાર પોતાનાં ખભા ઉપર લઈ લીધો અને મનમોહન સિંહના હાથમાં અર્થતંત્ર સોંપી દીધું. આ બેવડી નીતિએ ચમત્કાર કર્યો પરંતુ તે સમય દરમિયાન નરસિંહ રાવ અને તેમનો પક્ષ ચૂંટણી હારી ગયા પરંતુ ભારત એવા આર્થિક રસ્તે આગળ નીકળી ગયું હતું કે ત્યાંથી પરત ફરી શકાય તેમ નહોતું. 

એચ. ડી. દેવગૌડા અને આઈ. કે. ગુજરાલની સરકારોએ પણ ડાબેરીઓના ટેકાથી સરકાર રચી હતી કે જેઓ ખાનગીકરણના વિરોધી છે તેમણે પણ આ નીતિને આગળ ધપાવી હતી. વાજપાયી સરકારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આ જ નીતિને આગળ વધારી. વર્ષ 2004માં વાજપાયી હારી ગયા. ભારતનું અર્થતંત્ર વેગવાન રીતે આગળ વધી રહ્યું હતું. તે વર્ષથી ભારત 9 ટકાના દરે વિકાસ સાધી રહ્યું છે કે જે 2011 સુધી ચાલ્યો હતો. તેમાં 2008નું વર્ષ અપવાદ છે. તે વખતે વૈશ્વિક મંદી આવી હતી. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ સાધતું અર્થતંત્ર છે. ભારત આગળ વધે તેનાં વમળો સમગ્ર વિશ્વમાં ઉઠે છે. આજે હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે ભારત તેની આર્થિક ઉદારીકરણની નીતિની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. છેલ્લાં 25 વર્ષમાં મેં ભારતને બદલાતાં જોયું છે. આજે ભારતને ગરીબ દેશ ગણવામાં આવતો નથી. આજે તેની ગણતરી ભવિષ્યના સુપરપાવર તરીકે થાય છે. નવો મધ્યમવર્ગ ઉભરી રહ્યો છે. સામાન્ય લોકોની ખરીદશક્તિમાં અનેકગણો વધારો થયો છે. આજે ઘણા લોકો માટે બહાર ખાવું તે લક્ઝરી નથી પરંતુ આદત છે. લોકો વિશ્વની મોંઘી બ્રાન્ડ્ઝની વસ્તુઓ ખરીદી રહ્યા છે. રોજ એક નવો મોલ બંધાય છે. ભારત સૌથી વધુ ગ્રાહકો ધરાવતું બજાર બની ગયું છે. ભારતની કંપનીઓ પણ વિદેશમાં જઈને તેમના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્ઝને ટક્કર આપી રહી છે. ભારતીય સીઈઓને ખૂબ જ સક્ષમ માનવામાં આવી રહ્યા છે અને ગુગલ, માઇક્રોસોફ્ટ તેમજ પેસપ્સિકો જેવી કંપનીઓનું સંચાલન કરી રહ્યા છે. સિલિકોન વેલીની ક્રાંતિમાં ભારતે અગત્યની ભૂમિકા ભજવી છે. 1991માં આપણી પાડોશમાં ખૂબ જ ઓછી કાર જોવા મળતી હતી. આજે લગભગ દરેક લોકો પાસે કાર છે. કેટલાંક કુટુંબોમાં તો એક કરતાં વધુ કાર છે. ભારત એક આત્મવિશ્વાસ ધરાવતો દેશ છે. તે સ્પર્ધા કરતાં કોઈનાથીયે ગભરાતો નથી. 

આજે ભારતમાં ઘણી કંપનીઓ છે પરંતુ ભારતીયોને સમગ્ર વિશ્વમાં માન મળી રહ્યું છે. વિદેશી રોકાણ માટે ભારત અગત્યનું કેન્દ્ર છે. બજાર સહેજ પણ ખરાબ નથી જોકે, હજી ઘણું કરવાનું બાકી છે. ભ્રષ્ટાચારનાં અજગરને કારણે ગરીબ અને પૈસાદારની ખાઈ વધતી જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે. સરકારી કામોમાં વિલંબ છે. જો ભારતે વિશ્વ ઉપર વિજય મેળવવો હશે તો તેણે શિક્ષણ તેમજ આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણી લોકશાહી હજી કોલાહલ ભરેલી છે પરંતુ જે છેલ્લાં 25 વર્ષ વીત્યાં છે તેને એક આશા ગણાવી શકાય. આજે પરિસ્થિતિ ડામાડોળ છે તેમ છતાં હું આશાવાદી છું અને દેશ માટે ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છું.

લેખક પરિચયઃ આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)