50મા વર્ષે પાડી બિઝનેસમાં પા પા પગલી, મા-દીકરી મળીને લાવી રહી છે અન્યના જીવનમાં મીઠાશ

0

કુકીઝથી લઈને કેક સુધીનું મળે છે અહીં...

મા-દીકરી મળીને ચલાવે છે ‘ગિલ્ટ ટ્રિપ’!

50 વર્ષની વયે માંડ્યું બિઝનેસમાં પહેલું ડગલું!

તબ્બસુમ હસને પોતાના પતિની નિવૃત્તિ નિમિત્તે મળેલાં તમામ નાણાં ‘ગિલ્ટ ટ્રિપ’માં રોકીને મોટું સાહસ ખેડ્યું હતું. આ એ સ્ટાર્ટઅપ હતું, જે તેમણે પોતાની દીકરીની સાથે મળીને વર્ષ 2012માં શરૂ કર્યું હતું. તબ્બસુમનું કહેવું છે,

"મને ત્યારે બહુ ડર હતો અને હું સારી રીતે સમજતી હતી કે આ એક મોટું જોખમ છે, કારણ કે માર્કેટમાં પહેલેથી જ જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી હતી. એમાંય અમારા આઉટલેટની નજીકમાં પહેલેથી જ બે આવા સ્ટોર્સ કામ કરી રહ્યા હતા."

મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા પોતાના સ્ટોર અંગે તબ્બસુમ કહે છે કે તે જાણતાં હતાં કે તેમનો સ્ટોર અન્યો કરતાં જુદો છે અને તે લાંબી રેસમાં ટકી રહી શકે છે.

તેમણે પોતાની કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને લાજવાબ ફ્રેન્ચ મેકરોન, અમેરિકન કેક અને કુકીઝની જુદી જુદી ચીજવસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. તબ્બસુમ પોતે બેકર માસ્ટર છે, તે પહેલેથી ઇચ્છતાં હતાં કે બેકિંગને વ્યાવસાયિક ધોરણે કરવામાં આવે, પરંતુ ઘરમાં નાનાં બાળકોને કારણે યુવાનીનાં વર્ષોમાં તેમને તક ન મળી. તબ્બસુમ કહે છે,

"મારા પતિ ઇચ્છતા હતા કે હું બાળકોનો સારી રીતે ઉછેર કરું, કારણ કે તેઓ પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. તેમણે કહેલું કે હું જે કરવા માગું છું એ થોડાં વર્ષો પછી પણ કરી શકીશ."

એટલે તબ્બસુમે ધીરજ રાખીને પોતાનાં બાળકોને ઉછેર્યાં. પતિની નિવૃત્તિના બરાબર એક વર્ષ પહેલાં તબ્બસુમ સામે તેમની બહેન તરફથી એક પ્રસ્તાવ આવ્યો કે ચાલો આપણે બન્ને મળીને બેકિંગના ક્ષેત્રમાં આપણું સ્ટાર્ટઅપ શરૂ કરીએ. તબ્બસુમે આ પ્રસ્તાવ હોંશભેર સ્વીકારી લીધો. આ રીતે તે પ્રેમ અને મીઠાશવાળા આ બિઝનેસમાં 50 ટકાની ભાગીદાર તરીકે જોડાઈ ગયાં.

લગભગ એકાદ વર્ષ સુધી પોતાની બહેન સાથે બિઝનેસ કરતાં કરતાં તેમને લાગ્યું કે તે આ રીતે કામ કરી શકશે નહીં. એટલે તેમણે પોતાનો હિસ્સો પાછો લઈ લીધો. ત્યાર પછી તબ્બસુમે પોતાની દીકરી શીબા સાથે મળીને મુંબઈના ખાર વિસ્તારમાં ‘ગિલ્ટ ટ્રિપ’નો પ્રારંભ કર્યો. તબ્બસુમે બિઝનેસમાં પા પા પગલી માંડી ત્યારે તેઓ 50 વર્ષનાં હતાં. તબ્બસુમનું કહેવું છે,

"ઉંમર ક્યાંય નડતી નથી અને હું સ્ટાર્ટઅપ અંગે બહુ ઉત્સાહિત હતી. આ એક પ્રકારનો નવો પડકાર હતો અને અમે બન્નેએ જુસ્સા સાથે તેનો સામનો કર્યો."

આ કામ શરૂ કરતાં પહેલાં તબ્બસુમે પોતાના બેકિંગના કૌશલ્યને નિખારવા માટે સિંગાપોર જઈને એક મહિનાનો પ્રોફેશનલ કોર્સ પણ કર્યો.

માર્કેટિંગની ડિગ્રી મેળવ્યા પછી શીબાએ એનડીટીવી ઇમેઝન અને ઝી ન્યૂઝમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરેલો, પરંતુ તે ત્યાં લાંબા સમય સુધી ટકી ન શકી. તબ્બસુમનું કહેવું છે કે તે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીની નોકરી કરી શકે એમ નથી, એ બાબતે સ્પષ્ટ હતી અને તે ઇચ્છતી હતી કે કંઈક અલગ કરવામાં આવે. 

30 વર્ષની શીબાનાં લગ્ન તાજેતરમાં જ થયાં છે અને તે પોતાની માતા સાથે મળીને કામ કરી રહી છે. દુબઈની એસ.પી. જૈન સ્કૂલ ઑફ ગ્લોબલ મેનેજમેન્ટમાંથી એમબીએમાં ગોલ્ડ મેડલિસ્ટ શીબા ‘ગિલ્ટ ટ્રિપ’માં ટેક્નોલોજી સાથે જોડાયેલી બાબતોનું ધ્યાન રાખે છે, જ્યારે માતા કિચનમાં નવી વસ્તુઓ બનાવવા અને જુદા જુદા પ્રકારના પ્રયોગો કરવામાં વ્યસ્ત રહે છે. 

આ સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં શીબાએ પણ બેકિંગ સંબંધિત કોર્સ કરેલો છે, જેથી તે પણ આ કામની ઝીણી ઝીણી બાબતોને જાણી-સમજી શકે. તેને વિશિષ્ટ પ્રકારની કેક બનાવવામાં માસ્ટરી હાંસલ છે. તે જુદી જુદી ફ્લેવર અને કસ્ટમાઇઝ્ડ થ્રી ડી કેક બનાવી શકે છે.

‘ગિલ્ટ ટ્રિપ’ના બન્ને સંસ્થાપકોનું આયોજન શહેરમાં આવા વધુ પાંચ સ્ટોર્સ ખોલવાની છે. ફ્રેન્ચાઇઝી સાથે મળીને તેઓ ઈંદૌર અને હૈદરાબાદમાં પણ પોતાના કામનો વિસ્તાર કરવા માગે છે. તબ્બસુમનું કહેવું છે,

"અમારી બે વચ્ચે સારો તાલમેળ છે અને અમે પોતપોતાની જવાબદારી અંગે સારી રીતે વાકેફ છીએ. આજ સુધી અમારી વચ્ચે ક્યારેક વિચારભેદ ઊભો થયો નથી. અમારા બન્નેનો પ્રયાસ છે કે અમે અમારા બિઝનેસનો વિકાસ-વિસ્તાર કરીએ."


લેખક – સાસ્વતી મુખર્જી

અનુવાદક – સપના બારૈયા વ્યાસ

Freelance Journalist

Related Stories