ભીડથી અલગ ચાલો, પોતાને પ્રેમ કરો, બીજાના કામના વખાણ કરો, કામ કરતા રહો, ખુશ રહો, સફળતા ચોક્કસ મળશે- શ્રદ્ધા શર્મા

1

“ભીડમાં ચાલવું સહેલું છે, ભીડની વચ્ચે બેસવું પણ સરળ છે. પણ જેવા આપણે ભીડથી હટીને અલગ થઈએ, કંઇક નવું, કંઇક અલગ કરવા ઉભા થઈએ, અને ચાલી નીકળીએ ત્યારે ખબર પડશે કે જિંદગી બિલકુલ સરળ નથી. સ્વાભાવિક છે કે ભીડનો કોઈ ચહેરો નથી હોતો, ભીડની પોતાની કોઈ ઓળખ પણ નથી હોતી. અને એટલે જ ભીડમાં ખોવાઈ જવાનો ડર હંમેશા રહે છે. મોટા ભાગના લોકો એવા હોય છે કે જેઓ ભીડમાં રહીને જ જીવન જીવતાં હોય છે, કંઇ કામ કરી લે છે. પણ કેટલાંક લોકો એવા હોય છે કે જેઓ ભીડથી હટીને પોતાનો અલગ માર્ગ બનાવે છે અને જીવનની નવેસરથી શરૂઆત કરે છે. જે ભીડથી અલગ થઈને ચાલવાનો પ્રયત્ન કરે છે, તેનો સીધો અર્થ છે કે તે પોતાને ખૂબ પ્રેમ કરે છે. પોતાની કદર કરે છે.” આ કહેવું છે YourStoryના સંસ્થાપક તેમજ ‘એડિટર-ઇન-ચીફ’ શ્રદ્ધા શર્માનું. TechSparks 6 દરમિયાન તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના વક્તવ્યમાં ત્યાં હાજર આન્ત્રપ્રેન્યોર્સ અને ટેક સ્ટાર્ટઅપ્સને પોતાના પગ પર ઉભા થઇ, મજબૂતીથી આગળ વધવાના મંત્રો આપ્યા.

પોતાને અને પોતાના કામને પ્રેમ કરો

શ્રદ્ધાનું માનવું છે કે જીવનમાં સૌથી વધુ અગત્યનું છે પોતાનો આત્મવિશ્વાસ અને તેનાથી પણ અગત્યનું છે કે અન્યોની અગત્યતાને સમજવી. શ્રદ્ધા શર્મા પોતાના જ અનુભવ શેર કરતા જણાવે છે કે, “જ્યારે હું 5 વર્ષ પહેલાં બેંગલુરુ આવી હતી ત્યારે એક કાર્યક્રમ દરમિયાન કેટલાંક નામી લોકો સાથે મારી મુલાકાત થઇ. મેં તેમને YourStory વિશે જણાવ્યું તો તેમણે મને પૂછ્યું કે – એ તો બરાબર છે તમે દિવસે શું કરો છો? મેં જવાબ આપ્યો- દિવસે હું YourStory જ કરું છું. તે લોકોએ ફરીથી પૂછ્યું- રાત્રે શું કરો છો? મેં ફરીથી જવાબ આપ્યો – રાત્રે પણ YourStory જ કરું છું. તેમને લાગ્યું કે મારી પાસે કોઈ બિઝનેસ આઈડિયા છે જ નહીં. તે લોકોને લાગ્યું કે મારી સાથે વાત કરવાનો અર્થ છે પોતાનો જ સમય બરબાદ કરવા જેવું. પણ મને તેની કોઈ અસર ન થઇ. મને લાગે છે કે જે કામ આપણે કરી રહ્યાં છીએ તેની સૌથી પહેલાં તો આપણે જ ઈજ્જત કરવી પડશે. કહેવાનો અર્થ એ છે કે જો તમારી પાસે કોઈ કામ છે તો તેને લગાતાર કરવું પડશે, પછી ભલે તે દિવસ હોય કે રાત. એટલે જરૂરી છે કે તમને પોતાને પ્રેમ કરો. પોતાના કામને અઢળક સમય આપો. જો તમે તમારા કામને પ્રેમ કરવા લાગ્યા તો લોકોના કામને પણ ઈજ્જત આપવા લાગશો.

બીજાના કામની સરાહના કરો, તમારા વિષે તેઓ જાણવા લાગશે

સ્ટાર્ટઅપ્સ અને આન્ત્રપ્રેન્યોર્સને પ્રોત્સાહિત કરતા વક્તવ્યમાં શ્રદ્ધા શર્માએ કહ્યું કે તમે જાતે જ પોતાના વિશે લોકોને જણાવો. તે કહે છે, “મેં ટ્વીટર હેન્ડલ વર્ષ 2010માં બનાવ્યું. હકીકતમાં મારી એક ઈચ્છા હતી કે કાશ! મોટા અને જાણીતાં લોકો પણ મારા માટે ટ્વીટ કરે. કાશ! નામચીન લોકો YourStory વિશે ટ્વીટ કરે. પણ કેવી રીતે? હું તો ખૂબ જ સામાન્ય વ્યક્તિ છું, જેના વિશે લોકોને હતું કે આની પાસે તો કોઈ બિઝનેસ આઈડિયા જ નથી. હું તો માત્ર સ્ટોરી લખું છું. એવામાં વર્ષ 2013-14માં મેં એક કામ શરૂ કર્યું. મેં લોકોની ટ્વીટસને રીટ્વીટ કરવાનું શરૂ કર્યું. અને લખવાનું શરૂ કર્યું કે, તમારો આઈડિયા સૌથી અલગ છે, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો. આવું હું કરતી જ રહી. જોતજોતામાં જ ચમત્કાર થવા લાગ્યો. લોકો મને સમજવા લાગ્યાં. એટલે જરૂરી છે કે તમે લોકોને સારી બાબતો કહેવાનું શરૂ કરો. એક સમય આવશે કે તે લોકો તમને પણ જાણવા લાગશે. અને વિશ્વાસ કરો, આજે YourStory જે જગ્યાએ પહોંચ્યું છે તે માત્ર ને માત્ર પોતાના જોરે, નહીં કે કોઈ સંપર્કના કારણે.

ખુશ રહો, ચોક્કસ ફાયદો થશે

શ્રદ્ધા શર્માનું માનવું છે કે, “તમે ખુશ છો, દરરોજ તમારા દિવસની શરૂઆત ખુશીથી થાય છે, પોતાને કોઈનાથી ઓછા નહીં, પણ પોતાને બેટર માનો છો તો ચોક્કસપણે તમારી પાસે ખુશી આવશે જ. તમે પોતાને જ કહેતા રહો કે તમારે દરરોજ ખુશ રહેવાનું છે અને વિચારવાનું છે કે બીજાને પણ કેવી રીતે ખુશ રાખી શકાય. અન્યોની સારી બાબતોની સરાહના કરો, વિશ્વાસ માનો તમારા ચહેરા પર હંમેશા ખુશી રહેશે. જીતનો સૌથી મોટો મંત્ર ખુશી જ છે. આજે YourStoryને રોકાણકારો મળી ગયા તો લોકો કહે છે કે, વાહ! અમે શું કામ કરીએ છીએ, શું આઈડિયા છે! હું પૂછવા માગું છું કે છેલ્લા 7 વર્ષોથી અમે શું કરતા હતાં? આ જ કરી રહ્યાં હતાં જે આજે કરીએ છીએ. બસ, લોકોમાં વિશ્વાસ વધ્યો છે. લોકોને સમજાઈ રહ્યું છે કે આ કામ મોટું છે. બીજા લોકો વિષે સારું બોલવું એ બહુ મોટું કામ છે અને એટલે સૌથી મોટી વાત છે ખુશ રહેવાનું.

જે તમને સારી વ્યક્તિ નથી સમજતા તેમની જોડે વધુ પ્રેમથી વાત કરો

શ્રદ્ધા શર્માએ કહ્યું, “એવા લોકો હશે કે જે તમને સારા નહીં સમજતા હોય, તમારા કામને અગત્યનું નહીં સમજતા હોય, તેવા લોકોને સૌથી વધારે પ્રેમ કરો. જે લોકો તમારી પાસે આવીને એમ કહે કે આ કામ તો તમારાથી નહીં થઇ શકે, તેમની સાથે તો વધારે સારી રીતે અને પ્રેમથી મળો. દિલ ખોલીને મળો. હું અહીં એક વાત કહેવા માગું છું. આજથી 7 વર્ષ પહેલાં જ્યારે મુંબઈમાં આ વાતની જાહેરાત કરી કે હું YourStory કરવા જી રહી છું ત્યારે એક જાણીતી વ્યક્તિએ મને કહ્યું- ખરેખર! હું શરત મારીને કહું છું કે આ એક અઠવાડીયાથી વધુ લાંબો સમય નહીં ચાલે. એ દિવસે હું ઘરે જઈને ખૂબ રડી. ત્યારબાદ મેં મારા પાપાને ફોન કર્યો અને આ કિસ્સો કહ્યો. ત્યારે તેમણે મને ખૂબ મોટી વાત કહી- સાંભળ શ્રદ્ધા, મેં તો કહ્યું હતું કે લગ્ન કરી લે. હવે જો તું રોડ પર ઉભી છે, તો મજબૂત થઈને ઉભી રહે. જો તું રોડ પર ઉભી છે તો રોડવાળા જેવો વ્યવહાર કર, ઘરવાળાની જેમ નહીં. આ રોવા કરવાનું છોડ, અને હિંમતથી લડ, તેનો સામનો કર અને સામેવાળાને જવાબ આપ. 7 વર્ષ બાદ મારી એ વ્યક્તિ સાથે ફરીથી મુલાકાત થઇ. તે વ્યક્તિએ મને કહ્યું- શ્રદ્ધા, મેં તારા માટે એક ફેવર કરી છે. હું તારો ઉત્સાહ વધારવા માગતો હતો એટલે એવું કહ્યું હતું. અને જો, આજે તેના કારણે તું કયા મુકામે ઉભી છે. હું હસવા લાગી અને ધન્યવાદ કહ્યું.

કામ એ એક તપસ્યા છે

શ્રદ્ધા માને છે કે, “પોતાના પગ પર ઉભા થવું, સારું કામ કરવું એ ખરેખર એક તપસ્યા છે. તે બિલકુલ સરળ નથી. તેમાં સતત ઝઝૂમવું પડે છે. સતત પરેશાનીઓનો સામનો કરવો પડે છે. દરેક ક્ષણે પોતાને વધુ મજબૂત બનાવવાની હોય છે.” વાત સાચ્ચી પણ છે, કે મુશ્કેલીમાં લોકો તમારી પરેશાનીઓને નહીં સમજે પણ જ્યારે તમે સફળ થઇ જશો ત્યારે તમારી અને તમારા કામની પ્રશંસા કરશે. એનો અર્થ એમ પણ નથી કે જો તમે સતત કામ કરતા રહેશો, હોંશથી લોકો સાથે જોડતા રહેશો તો તમે ખાલી રહી જશો. તે સત્ય છે કે જે પણ વ્યક્તિ આજે જે મુકામ પર પહોંચી છે તેની પાછળ ઘણો સંઘર્ષ રહ્યો હશે. હકીકતમાં થાય છે એવું કે લોકોનું ધ્યાન સંઘર્ષ પ્રતિ ઓછું અને સફળતા બાજુ વધારે રહે છે. પણ જે સફળતા મળી છે તેની પાછળ એક લાંબો સંઘર્ષ પણ શ્વાસ લઇ રહ્યો હોય છે. તે શ્વાસને જીવતો રાખવાની જરૂર છે. ત્યારે જ તો તમે તમારા સપનાને સાકાર કરી શકશો. કહેવાય છે કે જે જાગરૂક છે તેજ ચેતન છે અને જે ચેતન છે તે સંઘર્ષ કરશે અને સફળતા પણ તેને મળશે.