દિવ્યાંગોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનો એક પ્રયાસ!

દિવ્યાંગોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનો એક પ્રયાસ!

Monday March 21, 2016,

4 min Read

થોડા સમય પહેલા સુધી આપણે શારીરિક રીતે કોઇ પણ ખોડ ધરાવતી વ્યક્તિને 'વિક્લાંગ' શબ્દથી પ્રયોજિત કરતા હતા, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના આ ખાસ વર્ગ માટે નવો શબ્દ આપ્યો છે..તે છે ‘દિવ્યાંગ’, આ શબ્દનો હેતુ અને અર્થ સંયોજીતતા કેળવે છે. તેમનામાં કોઈ ખામી છે તેવી રીતે નહીં, પરંતુ દિવ્ય અંગ ગણીને સમાજનો મોભાદાર ભાગ ગણવો જોઇએ તે હેતુ સાર્થક કરવા આ નામ વિચારવામાં આવ્યું છે. એમ કહેવાય છેને કે ઇશ્વર કંઇક છીનવી લેછે તો તેની સામે ચાર ગણું આપે પણ છે. આ દિવ્યાંગો અન્યો કરતા શારીરિક રીતે થોડા નબળા હોવા છતાં પોતાનામાં રહેલી શક્તિને આધારે સમાજમાં દરેક ક્ષેત્રમાં પોતાના કૌશલ્યથી સ્થાન પામી રહ્યા છે. દિવ્યાંગો માટે ખાસ પેરાઓલમ્પિક સ્પોર્ટસ ટુર્નામેન્ટ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી રહે છે.જેમાં ભારત અને ગુજરાતમાંથી ઘણા રમતવીરો ભાગ લઇને દેશનું નામ રોશન કરતા આવે છે. હવે દિવ્યાંગો પણ પોતાની બુદ્વિમતા અને કૌશલ્યના આધારે શારીરિક શ્રમ નહીં પણ માનસિક શ્રમના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં વિક્લાંગો દરેક સારી સંસ્થાઓમાં સારા સ્તરે કામ કરી રહી છે. આ સમાજનો એવો વર્ગ છે જે સક્ષમ તો છે પણ માત્ર આપણા હૂંફની ચાહ રાખે છે.

image


ઓરિસ્સાની એકતા સંસ્થા દ્વારા ‘દિવ્યાંગોના જીવનમાં હકારાત્મક બદલાવ’ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દિવ્યાંગોને પ્રોત્સાહિત કરી તે દરેક ક્ષેત્રને પોતાનું માની તેમાં કરિઅર બનાવવા માટે જરૂરી મદદ પૂરી પાડવાનું નોબલ કાર્ય કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત ઓરિસ્સા રાજ્યના કોરાપુટ, રાયગઢા અને ખુરદા જીલ્લામાંથી બંધાગુડા, લીટીગુડા, જયપોર, સિંગીપુટ, પિતામહલ્લા, મિલીંગન, ગરાદાપર ડી.પી.ઓ. માંથી ૩૦ જેટલા અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ તથા હેંડીકેપ ઈંટરનેશનલ સંસ્થા, દિલ્હી અને એકતા સંસ્થા, ઓરિસ્સાના પ્રતિનિધી ગુજરાતની મુલાકાત માટે આવ્યા. જેમાં તે ગુજરાતના દિવ્યાંગોને મળી રહેલા જુદા જુદા એક્સપોઝરને સમજી, સ્ટડી કરીને પોતાના રાજ્યમાં અમલમાં મૂકવા માગી રહ્યા છે. આ માટે ખાસ પાંચ દિવસની વર્કશોપ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ગુજરાત સ્ટેટ જેન્ડર ડિસેબિલિટી રીસોર્સ સેંટરના સ્ટેટ કૉ-ઓર્ડીનેટર નીતાબેન પંચાલ અને તેમના સહયોગી કાર્યકરો આ મહેમાનોને ગુજરાતમાં દિવ્યાંગોની પરિસ્થિતિ અને તેમને મળી રહેલા એકસપોઝર વિશે જાણકારી આપી રહ્યા છે. આ પાંચ દિવસના વર્કશોપમાં તમામ મહેમાનોને અમદાવાદની મોટી સંસ્થા જ્યાં દિવ્યાંગો કાર્ય કરી રહ્યા છે ત્યાં મુલાકાતે પણ લઇ જવામાં આવી રહ્યા છે. દિવ્યાંગોએ શરમ અને શારીરિક અક્ષમતાની બાધા અને સીમાડા છોડી દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપવા આગળ આવવું જોઇએ. હવેનો સમય કૌશલ્ય અને સ્માર્ટ વર્કનો છે નહીં કે મજૂરીનો...

અમદાવાદની સંસ્થાઓની મુલાકાત

અમદાવાદની લેમન ટ્રી રેસ્ટોરન્ટ, બી-સફલ પ્રોજેક્ટ, શેલ પેટ્રોલ પંપ, પેરાપ્લેજ હોસ્પિટલ જેવી ઘણી સંસ્થામાં દિવ્યાંગોને તેમની ક્ષમતા પ્રમાણે નોકરી આપવામાં આવી રહી છે. ત્યારે આ વર્કશોપ દરમિયાન ઓરિસ્સાના દિવ્યાંગ મહેમાન અને પ્રતિનિધિઓને તમામ ઓફિસની મુલાકાત કરવવામાં આવી છે, અને ઓફિસમાં તેમના કાર્ય અને તેમની સાથે સહકર્મીના વ્યવહાર વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ હૂંફાળું વાતાવરણ મ‌ળે તો દિવ્યાંગ પણ પોતાનામાં રહેલી તમામ ક્ષમતાનો ઉપયોગ કરીને સંસ્થામાં ફાયદાકારક કેવી રીતે સાબિત થઇ શકે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી.

image


ગુજરાતમાં દિવ્યાંગો માટે થતા કાર્યો અને સહકાર

ગુજરાતમાં દિવ્યાંગો માટે કેવી અને કેટલી સંસ્થા કાર્યરત છે અને સરકાર દ્વારા કેવી પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી રહી છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને ગુજરાતમાં કેવી રીતે દિવ્યાંગો આ પ્રકારનું એક્સપોઝર મેળવી રહ્યા છે, દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થાઓએ દ્વારા કેવા પ્રકારની સહાય કરવામાં આવે છે અને તેમને કેવી ટ્રેઈનિંગ આપાવમાં આવે તો સારી કંપનીમાં જોબ મેળવી શકે તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે સારૂ શિક્ષણ મેળવી સારી કંપનીઓમાં ઉંચા હોદ્દા પર બેઠેલા દિવ્યાંગોના ઉદાહરણ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

ગુજરાત સ્ટેટ જેન્ડર ડિસેબિલિટી રીસોર્સ સેંટરના સ્ટેટ કૉ-ઓર્ડીનેટર નીતાબેન પંચાલ આ અંગે જણાવે છે,

"સારી સંસ્થાઓમાં દિવ્યાંગોને મળેલી નોકરીનો અભિગમ સમજવાના હેતુસર એકતા સંસ્થા સાથે ઓરિસ્સાના 30થી વધુ વિક્લાગો પાંચ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ હેતુસર અમદાવાદમાં પાંચ દિવસ ‘મેકીંગ ઈટ વર્ક મેથડોલોજી’ જેવા વિષય પર 17 માર્ચથી 23 માર્ચ સુધી વર્કશોપ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાખવમાં આવ્યો. જેમાં ગુજરાતના દિવ્યાંગોને કેવા પ્રકારનું એકસપોઝર મળ્યું છે, અને કેવા પ્રકારના કાર્યાે દિવ્યાંગો દ્વારા ગુજરાતમાં કરવા આવે છે તે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું."
image


ગુજરાત દરેક ક્ષેત્રે મોડેલ તરીકે ઉભર્યું છે!

વિકાસ હોય કે પછી વાત શિક્ષણ અને રોજગારીની હોય દરેકની ક્ષેત્રની દ્રષ્ટિએ ગુજરાતને મોડેલ તરીકે જોવામાં આવી રહ્યું છે, ત્યારે આજે ફરી એકવાર ગુજરાતના દિવ્યાંગોની સ્થિતિ અને તેમને મળેલા સહકાર, એકસપોઝર, વિકાસના ભાગીદાર તરીકેના માનને ભારતના બીજા રાજ્યો દ્વારા જોવામાં આવી રહ્યા છે. તો હવે ગુજરાતના દિવ્યાંગોની સારી સ્થિતિ અને તેમને મળેલી સફળતાનું પરિક્ષણ કરવા માટે ઓરિસ્સા રાજ્યના પ્રતિનિધિ આવે તે પણ એક ગર્વ લેવા જેવી વાત તો છે જ.