વેકેશનમાં મિત્રો સાથે ગપ્પા મારવાના બદલે વડોદરાનાં યુવાને પકડી હઠ! 'ચેન્જ વડોદરા' થકી લાવ્યો કેટલાંયે લોકોના જીવનમાં બદલાવ !

0

વડોદરાના આ યુવાન સાથે જોડાયા કેટલાંયે વડોદરાવાસીઓ!

ગયા વર્ષે વડોદરાના ગોરવા સમતા વિસ્તાર પાસે રહેતો પ્રીન્કિત પટેલ ધોરણ 12ની પરીક્ષા આપીને વેકેશન માણી રહ્યો હતો. વેકેશનમાં શું કરવું તેની મથામણ કરી રહ્યો હતો. તેના બીજા મિત્રો ફરવા જવાનું વિચારતા હતા પણ તેને તેમાં રસ પડ્યો નહીં. તેને વેકેશનમાં કંઇક અલગ કરવું હતું પણ શું કરવું તેની સમજ નહતી પડતી. 

તેણે તેના માતા-પિતાને વાત કરી કે તેને કંઇક સૂઝે, કોઈ રસ્તો મળે. નાનો મોટો બિઝનેસ શરૂ કરવાનો પણ વિચાર આવ્યો અને માતા પિતાને પોતાના વિચારની જાણ કરી. જોકે તેના પિતાને આ વિચાર ગમ્યો નહીં અને કંઇક કરવું જ હોય તો કોઈ સામાજિક કામ કરવાનું કહ્યું. પણ સોશિયલ વર્ક ક્યાં અને કઈ રીતે કરાય? પ્રીન્કિત હજુ પણ મૂંઝવણ માં હતો. તેના પિતાએ એક આઈડિયા આપ્યો. તેના પિતાએ કહ્યું,

“એક કામ કર. લગ્ન સીઝન ચાલે છે. લગ્નમાં ભોજન સમારોહ પછી ઘણું ભોજન વધે છે જેનો બગાડ થાય છે. તેને કચરામાં ફેંકી દેવાય છે. તું આ ભોજન એકત્રિત કરી ગરીબોમાં વહેંચી દે.”

પ્રીન્કિતને આ વિચાર ગમી ગયો. તે પહોંચ્યો તેના ઘરની આસપાસ આવેલા તમામ પાર્ટી પ્લોટસ પર અને તેના આ નવા અભિયાન વિષે પાર્ટી પ્લોટના સંચાલકોને વાત કરી. કેટરર્સને મળ્યો અને ભોજન સમારોહ બાદ વધેલું ભોજન તેને આપવા વિનંતી કરી. અને તેમાં કેટરર્સ સંચાલકોને શું વાંધો હોય? તેમણે હા પાડી અને રાત્રે 12 વાગ્યા બાદ આવવા જણાવ્યું. પ્રીન્કિત પોતાના ઘરમાં રહેલા તમામ નાના મોટા વાસણો લઇ પોતાના મિત્ર સાથે રાત્રે 12 વાગે પાર્ટી પ્લોટ પર પહોંચ્યો અને વધેલું ભોજન એકત્રિત કરી લીધું. વહેલી સવારે પ્રીન્કિત પોતાના મિત્ર સાથે નજીકમાં સમતા મેદાનમાં વસતા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસે વધેલું ભોજન લઇને પહોંચી ગયો અને તમામ ભોજન ગરીબોમાં વહેંચી દીધું. ગરીબોના ચહેરા પર સારું ભોજન મળવાનો આનંદ છલકતો હતો અને પ્રીન્કિતના ચહેરા પર કંઇક સારું કર્યું હોવાનો ભાવ.

બસ, પછી તો આ સિલસિલો શરુ થઇ ગયો અને લગ્ન સીઝનમાં અનેક વખત ભોજન એકત્રિત કરીને વહેંચવા લાગ્યો. તેને તેના મિત્રોનો પણ સહકાર મળવા લાગ્યો. એકલા હાથે શરુ કરેલું કામ આગળ વધવા માંડ્યું. તેની સાથે અભ્યાસ કરતા અને તેના ઘરની પાસે રહેતા તેના મિત્રોનો પણ સહકાર મળ્યો. એટલે તેણે તેના મિત્રોની મદદથી ‘ચેન્જ વડોદરા’ અભિયાન શરુ કર્યું. આ અભિયાનનાં ભાગ રૂપે તેણે વડોદરામાં સફાઈ અભિયાન પણ શરુ કર્યું. પોતાના મિત્રોની સાથે દર રવિવારે વડોદરાનાં વિવિધ વિસ્તારોમાં જઈને ત્યાં સફાઈકામ કરવાનું શરુ કર્યું. ત્યાં વસતા લોકોને તેમનો વિસ્તાર સ્વચ્છ રાખવાની સમજ આપી. 

સ્થાનિક લોકોનો પણ સહકાર મળ્યો એટલે તેણે ગરીબ પરિવારોનાં બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું શરુ કર્યું. આ બાળકો ભણશે તો જ ઉદ્ધાર થશે તેવી સમજણ તેમના પરિવારોને આપી અને ભણાવવાનું કામ શરુ કર્યું. સફાઈ, ભોજન વિતરણ, અક્ષર જ્ઞાન સહીતના વિવિધ પ્રકારનાં સામાજિક કામો થવા લાગ્યા. 

સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ અભિયાનની વધુ ને વધુ જાણકારી મળતી રહી મળે અને વધુ ને વધુ લોકો અભિયાનમાં જોડાય તે માટે પ્રીન્કીતે ‘ચેન્જ વડોદરા’ કેમ્પેઈનનું ફેસબુક પેજ શરુ કર્યું અને તેના દ્વારા અનેક લોકો આ અભિયાનમાં જોડવા લાગ્યા. આજે ઘણાં લોકો આ અભિયાનમાં જોડાઈ ગયા છે. પોતાના વિસ્તારમાં કરેલા કામ ફેસબુક પેજ પર મૂકીને લોકોને પ્રોત્સાહન આપ્યું. પ્રીન્કિત વડોદરાને બદલવા માગે છે અને તે પણ સામાજિક કાર્યો દ્વારા. પ્રીન્કિત કહે છે,

“મેં શરુ કરેલા કામમાં લોકોનો સહકાર મળતો ગયો છે અને આજે ઘણાં લોકો મારી સાથે છે અને હજુ વધુ લોકોને મદદ કરવાની મારી અભિલાષા છે. હજુ તો આ શરૂઆત છે.”

ફેસબુક પેજ

લેખક- દીપ્તિ પંડ્યા

Related Stories