વિશેષ : સમગ્ર દુનિયાને ઑટોગ્રાફ આપતાં અમિતાભ બચ્ચને માગ્યો અમદાવાદના મનજીભાઈનો ઑટોગ્રાફ!

વિશેષ : સમગ્ર દુનિયાને ઑટોગ્રાફ આપતાં અમિતાભ બચ્ચને માગ્યો અમદાવાદના મનજીભાઈનો ઑટોગ્રાફ!

Thursday December 03, 2015,

5 min Read

મળીએ અમદાવાદી ‘પેઇન્ટિંગ કિંગ’ તરીકે જાણીતાં મનજીભાઈ રામાણીને જે આજે કેટલાંયે લોકોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે!

image


ઇશ્વરે પૃથ્વી પર જન્મ આપેલા તમામ જીવોને એકસરખા નથી બનાવ્યા. કોઇ વ્યક્તિમાં વિશેષ કલા હોય છે તો કોઈને કંઇક અલગ રીતે જ કાર્યક્ષમ બનાવે છે પરંતુ તે બધામાંથી જે પરિશ્રમ કરે છે તે જ દુનિયામાં સૌથી આગળ આવે છે. જિંદગીમાં ફક્ત જીવવાનું મહત્વ નથી, મહત્વ છે સ્પર્ધા કરવાનું, મહામુશ્કેલીઓ સામે જુસ્સો ટકાવી રાખવાનું. સામાન્ય માનવી ધારે તો દુનિયાનું કોઇ પણ કાર્ય કરી શકે પરંતુ જ્યારે વાત આવે છે વિકલાંગ માનવીની તો તેણે સૌથી પહેલા તો પોતાની વિકલાંગતા સાથે લડવાનું હોય છે ત્યાર બાદ તે કાર્ય સાથે. સામાન્ય માનવી સાથે વિકલાંગ માનવી સ્પર્ધા કરવા સક્ષમ છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે હવે તો સમય એવો છે કે વિકલાંગ વ્યક્તિ પણ પોતાની કલાશક્તિની મદદથી સમાજમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કરી રહી છે. આવું જ એક ઉદાહરણ છે અમદાવાદના મનજીભાઇ રામાણી.

અમદાવાદના અખબારનગર વિસ્તારમાં રહેતા મનજીભાઇ રામાણી ભલભલા ચિત્રકારને પણ ઢાંકી દે તેવા પેઇન્ટિંગ્સ બનાવે છે પરંતુ તે હાથથી નહીં, મોંઢાંથી પેઇન્ટિંગ કરે છે. 10 વર્ષની ઉંમરે પોતાના ખેતરમાં શેરડીનો રસ કાઢવાના મશીનમાં શેરડી નાંખતી વખતે તેમના બંને હાથ તે મશીનમાં ફસાઇ ગયા હતા, પરિવારના સભ્યો બેબાકળા બનીને તેમને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે પરિવારને જણાવ્યું કે બાળકનો જીવ બચી ગયો છે પરંતુ તેમના બે હાથ સંપૂર્ણ રીતે મશીનમાં ફસાઇ ગયા હોવાથી તેને તાત્કાલિક કાપવા પડશે અને મનજીભાઇએ 10 વર્ષની નાની ઉંમરે જ તેમના બે હાથ કાયમ માટે ગુમાવ્યા હતા. જોકે બે હાથ ગુમાવી ચૂકેલા મનજીભાઇએ હિંમત ન હારી અને જીવન સામે સંઘર્ષ કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં 56 વર્ષના મનજીભાઇ રામાણીએ માઉથ પેઇન્ટિંગની દુનિયામાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે.

image


સ્વનિર્ભર રહેવાનો સંકલ્પ કર્યો

બે હાથ ગુમાવવાનો અર્થ થાય છે જિંદગીના તમામ કામો માટે બીજા પર નિર્ભર રહેવું. ગ્લાસમાં પાણી પીવાથી લઇને અન્ય તમામ રોજિંદા કાર્યો માટે બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું પડે છે પરંતુ મનજીભાઇએ સ્વનિર્ભર રહેવાનો સંકલ્પ કર્યો અને હાથ ન હોવા છતા પણ તમામ કાર્યો પોતાની જાતે જ કરવાની ટેવ પાડી. હાથ ન હોવાથી મનજીભાઇએ મોંઢાં વડે લખવાની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી. આ ઉપરાંત તેઓ મોં વડે ચિત્ર બનાવવાની પ્રેક્ટિસ પણ કરવા લાગ્યા.

ફાઇન આર્ટ્સનો કોર્સ પણ કર્યો

દસમા ધોરણ બાદ મનજીભાઇએ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે ડ્રોઇંગ ક્લાસ શરૂ કર્યા હતા. તેઓ 15 વર્ષ સુધી ઘરે - ઘરે જઇને પેઇન્ટિંગના ટ્યુશન્સ આપવા લાગ્યા હતા. હાથ વડે તો તમામ લોકો પેઇન્ટિંગ કરી શકે પરંતુ મોં વડે પેઇન્ટિંગ કરતા મનજીભાઇની પ્રસિદ્ધી વધતી ગઇ અને તેમને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ મળવા લાગ્યા.

image


Image Credit- imfpa.org

બિગ-બીનું પેઇન્ટિંગ બનાવ્યું અને ‘માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ’ સંસ્થાના સભ્ય બન્યા

મનજીભાઇના માઉથ પેઇન્ટિંગની ખ્યાતિ વધતા તેમની મહેનતની નોંધ ‘એસોસિયેશન ઓફ માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગે’ લીધી. સ્વિટ્ઝર્લેન્ડમાં પોતાનું વડું મથક ધરાવતી આ સંસ્થાના ભારતના પ્રતિનિધિઓએ તેમનાથી પ્રભાવિત થઇને તેમને એસોસિયેશનના સભ્ય બનાવ્યા. આ સંસ્થાના સભ્ય બનવા માટે ભારતના કોઇ પણ સેલિબ્રિટીની હાજરીમાં એસોસિયેશનના કહેવા પ્રમાણે પેઇન્ટિંગ બનાવવાનું હોય છે. મનજીભાઇને બોલિવૂડના બિગ-બીની સામે આ કાર્ય કરવાનું હતું. તેમણે તમામની હાજરીમાં બિગ-બીના ચહેરાનું માઉથ પેઇન્ટિંગ બનાવીને બિગ-બી સહિત ઉપસ્થિત સહુને આશ્ચર્યચકિત કરી દીધા.

“જો હમ હાથ સે નહીં કર શકતો, વો આપને મુંહ સે કર દિખાયા!”

અમિતાભ બચ્ચન સાથે પોતાની યાદગાર પળોને યાદ કરતાં મનજીભાઇએ રામાણીએ જણાવે છે, 

“મારું પેઇન્ટિંગ જોઈ બિગ-બીએ મને કહ્યું કે જો હમ લોગ હાથ સે નહીં કર શકતે વો આપને મુંહ સે કર દીખાયા. ત્યાર બાદ તેમણે સહુને આશ્ચર્યમાં મૂકીને મારો ઓટોગ્રાફ માગ્યો.” 

આખી દુનિયાને પોતાનો ઓટોગ્રાફ આપતા અમિતાભ બચ્ચને ખુદ મનજીભાઇ પાસે તેમનો ઓટોગ્રાફ માગ્યો. અમિતાભ બચ્ચને તેમની કલાની સાચી કદર કરી તે જોઇને મનજીભાઇ સહિતના અન્ય લોકો આશ્ચર્યચકિત થઇ ગયા.

‘માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ’ સંસ્થા દ્વારા દર વર્ષે સ્કોલરશીપ

મનજીભાઇને પોતાની કલા વિસ્તારવા માટે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ નામની સંસ્થા દર વર્ષે સ્કોરલશિપ આપે છે. મનજીભાઇએ ભારત ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાં પોતાની કલાનો જાદૂ પ્રસરાવ્યો છે. તેમણે સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ તથા દોહા જેવા દેશોમાં જઇને માઉથ પેઇન્ટિંગ કર્યા છે.

image


30 થી 35 જેટલા વિદ્યાર્થીઓને ટ્યુશન્સ

મનજીભાઇ રામાણી હાલમાં વસ્ત્રાપુર ખાતે આવેલી ‘સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ્ડ’માં પોતાની કલાનો લાભ અન્ય બાળકોને આપી રહ્યાં છે. મનજીભાઇ આ સંસ્થામાં પોતાના પેઇન્ટિંગના ક્લાસ ચલાવે છે. આ અંગે મનજીભાઇ જણાવે છે, “પહેલા ઘરે ઘરે જઇને ટ્યુશન્સ આપતો હતો પરંતુ હવે ફિઝિકલ હેન્ડીકેપ્ડ સંસ્થાએ મને ડ્રોઇંગ ક્લાસિસ ચલાવવા માટે સંસ્થામાં જ જગ્યા આપી છે. હું રોજના આશરે 30 થી 35 જેટલા વિદ્યાર્થીઓને ટ્યુશન્સ આપું છું.” એક વિકલાંગ વ્યક્તિને સામાન્ય જીવન જીવવામાં પણ કેટલી મુશ્કેલીઓ નડે છે તે મનજીભાઇથી વધારે કોઇને ખબર ન હોય. તેઓ પોતાની સંઘર્ષગાથા ભૂલ્યા નથી. એટલે જ પોતાના ક્લાસિસમાં પેઇન્ટિંગ શીખવા માટે આવતા વિકલાંગ વિદ્યાર્થીઓને મનજીભાઇ વિના મૂલ્યે જ ટ્યુશન્સ આપે છે.

image


આર્ટ ગેલેરી શરૂ કરવાનો લક્ષ્યાંક

બંને હાથ ન હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિને શરમાવે તેવા પેઇન્ટિંગ કરતાં મનજીભાઇનો લક્ષ્યાંક એક માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ માટેની આર્ટ ગેલેરી શરૂ કરવાનો છે. મક્કમ મનોબળ ધરાવતા મનજીભાઇની આર્ટ ગેલેરી ખોલવાની ઇચ્છા પૂરી થાય તેના માટે તેમને સમગ્ર YourStory ટીમ તરફથી ઑલ ધ બેસ્ટ.

મનજીભાઈનું 'માઉથ પેઇન્ટિંગ' કલેક્શન જોવા કે ખરીદવા અહીં ક્લિક કરો

Facebook Page- Mouth and Foot Painting Artists

3 ડીસેમ્બરના દિવસને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ પિપલ વિથ ડીસેબિલીટી’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. જેને ‘ડીસેબિલીટી ડે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના ડિસેબલ (વિકલાંગ) લોકોને લગતા મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરી, વિવિધ આયોજનો કરી તેમના જીવનને વધુ સરળ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે ‘YourStory ગુજરાતી’ પણ આજના દિવસે ગુજરાતના એવા લોકોના જીવનની સંઘર્ષગાથા તમારા સુધી લાવી રહ્યું છે જેઓ સૌ કોઈથી એકદમ અલગ રીતે જ કાર્યક્ષમ છે અને ભલભલાને શરમાવી દે તેવો જુસ્સો અને કલા-કારીગીરી ધરાવે છે. આ છે ‘The story of Differently abled’.