હળીમળીને ખાતાં શીખવાડી રહ્યો છે, બેંકરમાંથી બનેલો 'ડબ્બાવાળો'!

0

ખાવાની વાત આવે ત્યારે દરેક વ્યક્તિને ગરમાગરમ ખાવાનું મળી રહે તે વધારે પસંદ હોય છે, કારણ કે ગરમ ખાવાની વસ્તુનો સ્વાદ જ કંઇક અલગ હોય છે. લંડનમાં માર્ગન સ્ટેનલીમાં બેંકર અક્ષય ભાટિયા કામ કરતા હતાં, જ્યાં તેઓ રોજ ઠંડું ખાવાનું ખાઇને કંટાળી ગયા હતાં. અક્ષયને જમવાનું બનાવતા પણ આવડતું ન હતું. એટલે સુધી કે કેટલીયે વાર તેમના બ્રેડ ટોસ્ટ પણ બળી જતા હતાં. એક ફાઇનાન્સ બેંકમાં લાંબા સમય સુધી કામ કરવાના કારણે તેઓ સ્વાદિષ્ટ ભોજનનો લાભ લઇ શકતા ન હતાં. જેના કારણે તે સેન્ડવિચ, બર્ગર કે પિત્ઝા જેવી વસ્તુઓ પર વધારે નિર્ભર રહેતા હતાં. ઘણીવાર તો તેમને આશ્ચર્ય થતું હતુ કે એક સેન્ડવિચ માટે તેમણે પાંચ પાઉન્ડ ચૂકવવા પડતા હતાં, અને પૈસા આપવા છતાં પણ તે વસ્તુ ઠંડી મળતી હતી. સંઘર્ષોને યાદ કરતા તેમણે સ્વાદિષ્ટ અને સસ્તા ભોજનની શોધ શરૂ કરી.

હળી મળીને ખાવાના વિચારે લંડનમાં જન્મ લીધો!

અક્ષયે લંડનથી વર્ષ 2011માં એકાઉન્ટ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ મોર્ગન સ્ટેનલી માટે કામ કરવા લાગ્યા. તે પોતાના કામ સાથે કંઇક નવું પણ કરવા માગતા હતાં. પરંતુ નોકરીમાં કંઇક નવું કરવાની પરવાનગી મળે નહીં. આ માટે તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું, જેમાં તેઓ પોતાની મરજી પ્રમાણેના બદલાવ લાવી શકે.

અક્ષય પોતાના ઘરથી દૂર લંડનમાં એકલા રહેતા હતાં, આ માટે સ્વાદિષ્ટ ભોજન માટે તેમની નજર હંમેશાં મિત્રોના લંચ બોક્સ પર રહેતી હતી. કારણ કે તેમના કેટલાંક મિત્રો પરિવાર સાથે રહેતા હતાં, જે ઓફિસમાં ડબ્બા લઇને આવતા હતાં. બીજાના ડબ્બામાંથી એક બે કોળીયા ખાવામાં પણ અક્ષયને ઘણી શરમ આવતી હતી. આ માટે તેમણે વિચાર્યું કે તેઓ એક એવું પ્લેટફોર્મ તૈયાર કરશે જ્યાં દરેક મિત્રો હળી મળીને ખાઇ શકે, પરંતુ લંડન જેવા શહેરમાં આવું કરવું થોડું અસંભવ હતું. અહીંના લોકો પોતાના દરેક કામ જાતે જ કરતા રહેતા હોય છે. કોઇ વ્યક્તિનું લંચ બચી જાય તો તે પોતાના ડિનર માટે તેને સાચવીને રાખી લેતા. અક્ષયના મિત્રો તેને કહેતા હતા કે તેને જે પસંદ હોય તે વસ્તુ તેઓ પોતાના ઘરેથી બનાવીને લેતા આવશે, પરંતુ તેના બદલામાં તેઓ પૈસા લેવા તૈયાર ન હતાં. અને એટલે અક્ષયને તે પસંદ ન હતું.

લંડનના વિચારને ભારતમાં અમલમાં મૂક્યો!

અક્ષય જ્યારે રજાઓમાં પોતાના ઘરે મુંબઇ આવ્યા ત્યારે તેમણે નક્કી કરી લીધું કે તેઓ હળી મળીને ખાવાના પોતાના વિચારને એક પ્લેટફોર્મ આપવા માટે ત્યાં જમીનની શોધ કરશે. આ માટે તેમણે સૌથી પહેલા પવઇમાં પોતાની કૉલોનીમાં એક સર્વે કર્યો. આ સર્વેમાં તે લોકોને તેમની ખાવાની આદત વિશે પૂછતા અને જાણવાની કોશિશ કરતા કે શું તેવો બીજાનું બનાવેલું ખાવાનું પસંદ કરશે. સર્વે દ્વારા તેમને જાણવા મળ્યું કે લોકો પાડોશીના ઘરમાં બનતું ભોજન ખાવાનું પસંદ કરે છે. આ રીતે લંડનમાં જન્મેલા વિચારની મૂળ જડો ભારતમાં મળી આવી.

હળી મળીને ખાવાના પ્લેટફોર્મનો વિચાર અમલમાં મૂકતા પહેલા તેઓએ એક એપ તૈયાર કરી જેનું નામ રાખ્યું Mutterfly. શરૂઆતમાં તેનો ઉપયોગ પોતાના એપાર્ટમેન્ટ માટે કર્યો. જેના માટે તેમણે એક કાર્યક્રમનું આયોજન કર્યું અને રવિવારના દિવસે દરેક વ્યક્તિને પોતાના ઘરેથી બ્રેકફાસ્ટ બનાવીને લાવવાનું કહેવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં તેમને ઘણી સફળતા મળી કારણ કે 120 એપાર્ટમેન્ટમાંથી 70 લોકોએ તેમાં ભાગ લીધો જેમની ઉંમર 40થી 60 વર્ષ વચ્ચેની હતી.

ત્યારબાદ અક્ષયે લંડન પાછા જવાની જગ્યાએ પોતાના નવા બિઝનેસની શરૂઆત કરવા માટે પોતાના માતા–પિતાને વિશ્વાસમાં લીધા. પરંતુ આ કામ કરતા પહેલા અક્ષયે તેમની દાદીનો સામનો કરવાનો હતો. કારણ કે તેમની દાદીને લાગતું હતું કે અક્ષય આટલી સારી લંડનની નોકરી છોડી એક ટિફીનવાળો બનવા માંગે છે. તેમને એવું લાગતું હતું કે અક્ષય લોકોને ફોન કરીને ખાવાના ઓર્ડર લેવાનું કામ કરશે.

અક્ષયનું કહેવું છે કે ફૂડ સર્વિસનો બિઝનેસ 50 બિલિયન ડોલરનો છે અને દર વર્ષે તેમાં 16થી 20 ટકાનો વધારો થાય છે. અક્ષયની ટીમમાં ચાર લોકો છે જેમાં એક તેમની માતા ધવલ મહેતા પણ છે. આવનાર કેટલાંક મહિનામાં હળી-મળીને ખાવાની આ યોજનાને આખા મુંબઇમાં લાગુ પાડવાની છે. જેના માટે તેઓ વધુ રોકાણ કરવા માટે ફાઇનાન્સની સગવડ કરી રહ્યાં છે.

જેમ કે કોઇ શેફ પોતાનો બિઝનેસ વધારવા માટે એપની મદદ લે છે, તેવી જ રીતે અક્ષયની યોજના ખાવાના એવા મસાલા તૈયાર કરવાની છે જેનાથી ઓછા સમયમાં ફટાફટ વિવિધ વ્યંજનો તૈયાર થઇ શકે. જેના માટે તેઓ અનેક વિડીયો તૈયાર કરવાનો પણ વિચાર કરી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં ડેઝર્ટ તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવાની ઇચ્છા તેમની છે. જેથી કોઇ પણ પોતાના પાડોશીના ભોજનના બદલામાં મીઠાઇ આપી શકે છે. હાલમાં અક્ષયે બેંકની નોકરી દરમિયાન જે બચત કરી છે તેનો ઉપયોગ પોતાના બિઝનેસમાં કરી રહ્યાં છે.

લેખક – હરિશ બિસ્ત

અનુવાદ – શેફાલી કે. કલેર