કોણ લખે છે તમારી સ્ટાર્ટઅપ સ્ટોરીની હેડલાઇન?

સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાન ઉદ્યોગસાહસિકોએ મીડિયામાં પ્રસિદ્ધિ મળવાથી હરખાઈ ન જવું જોઈએ. મીડિયા ફંડિંગને સફળતા માને છે!

કોણ લખે છે તમારી સ્ટાર્ટઅપ સ્ટોરીની હેડલાઇન?

Tuesday April 26, 2016,

7 min Read

જ્યારે વર્ષ 2008માં અન્ય લોકોની જેમ મેં સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, ત્યારે હું પણ દુનિયામાં મારા નામ અને કામનો ડંકો વગાડવા આતુર હતી. મીડિયા મારા વિશે અને મારી સફળતા વિશે લખે તેનાથી વિશેષ સિદ્ધિ બીજી શું હોઈ શકે! કમનસીબે મીડિયાએ મારી નોંધ લીધી જ નહીં. હું અત્યંત નિરાશ થઈ ગઈ હતી. સૌથી મોટી કમનસીબી એ હતી કે કે કોઈ મારી વાત સાંભળવા જ માંગતું નહોતું. મેં મારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા કોર્પોરેટમાં સારા પગાર અને હોદ્દાની નોકરી છોડી હતી. મીડિયાએ મારી નોંધ લેવાની જરૂર નહોતી? તેઓ મારા વિશિષ્ટ સાહસની નોંધ ન લઈ શક્યાં હોત? પ્રામાણિકતાપૂર્વક કહું, હું ખરેખર એવું ઇચ્છતી હતી કે મારી જૂની કંપની સીએનબીસી ટીવી18 તેમના હાઇ-પ્રોફાઇલ યંગ તુર્ક (યુવાન ઉદ્યોગસાહસિકો) સાથે સંબંધિત શોમાં મારા વિશે દર્શકોને જણાવે. પણ મારું નસીબ એટલું સારું નહોતું.

image


હકીકતમાં પરંપરાગત મીડિયાએ મારાથી અંતર જાળવ્યું છે (અને આ બદલ હું ખરેખર તેમનો આભાર માનું છું). મને યાદ છે કે થોડાં વર્ષ અગાઉ એક ઉદ્યોગ સંસ્થાએ ત્રણ લોકોને એવોર્ડ એનાયત કર્યા હતા (અને તમારી આ પ્રિય લેખિકા અને આ વેબસાઇટની સ્થાપક એ ત્રણમાં એક હતી). જોવાની ખૂબી એ છે કે આ એવોર્ડની જાહેરાત થયા પછી ભારતના સૌથી વધુ ફેલાવો ધરાવતા બિઝનેસ ડેઇલીમાં અન્ય બે એવોર્ડ વિજેતાની પ્રોફાઇલ અડધા પેજમાં આપવામાં આવી હતી, પણ મને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી. મેં વારંવાર અખબાર જોયુઃ કદાચ મારા વિશે લખાયું હોય, પણ મારાથી ધ્યાન બહાર ગયું હોય, કદાચ અંદર ક્યાંક ખૂણેખાંચરે હોય, કદાચ નાનો પીસ લખાયો, કદાચ એક લાઇન લખાઈ હશે. હું યોરસ્ટોરીનો ઉલ્લેખ થાય એ જોવા માટે આતુર હતી (તમે જાણો છો કો તમારી પાસે તમારી જાતને પ્રમોટ કરવા નાણાં હોતા નથી, ત્યારે તમારો અને તમારા કામનો ઉલ્લેખ અતિ મહત્ત્વ ધરાવે છે). બધા વિચારો કર્યા અને વારંવાર અખબારો જોયા. પણ ક્યાંય મારો કે મારા કામનો ઉલ્લેખ નહોતો. જોકે છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન મેં એ હકીકત સ્વીકારી લીધી છે કે મુખ્ય પ્રવાહના મીડિયા માટે મારી કામગીરી કામની નથી. ચોક્કસ, તેઓ પ્રસંગોપાત ઉલ્લેખ કરે છે અને હું તેમની આભારી છું. પણ મુખ્ય પ્રવાહના મીડિયાએ મારા પ્રત્યે જે ભેદભાવ રાખ્યો તેમાંથી મને વધુ એક પ્રેરણા મળી અને મને યોરસ્ટોરીને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ તથા સતત અવનવી માહિતી આપતી ઓનલાઇન સ્પેસ બનાવી દીધી. યોરસ્ટોરી પર દરેક પોતાનો સંઘર્ષ, પોતાની સફળતા બયાન કરી શકે છે. અત્યાર સુધી યોરસ્ટોરી પર 30,000 લોકોએ પોતાની જીવનની વાત રજૂ કરી છે.

એટલે એક ઉદ્યોગસાહસિક તરીકે હું સંપૂર્ણપણે સમજું છું કે આપણે શા માટે આપણી સ્ટોરી કહેવાની જરૂર છે, મીડિયા સાથે આપણી વાત વહેંચવાની જરૂર છે. મને યાદ છે – જ્યારે હું સીએનબીસી અને યોરસ્ટોરીમાં એકસાથે કામ કરતી હતી, ત્યારે ફ્લિપકાર્ટમાં શરૂઆતમાં જોડાયેલ કર્મચારી (અત્યારે મિત્ર)એ મને સીએનબીસીના યંગ તુર્કમા કવરેજ મેળવવા માટે મને કોલ કર્યો હતો. તેણે મને કહ્યું હતું કે, “મીડિયામાં કવરેજ મળવાથી અમને કર્મચારીઓની ભરતી કરવામાં મદદ મળશે, કારણ કે અમે પ્રીમિયમ કોલેજમાં રિક્રૂટમેન્ટ માટે જઇશું ત્યારે અમને કોઈ ઓળખતું નહીં હોય.” મીડિયામાં કવરેજ મેળવવા માટે આપણા પોતાના કારણો હોય છે અને આ કારણો સમય સાથે બદલાતાં હોય છે. પણ જો તમે બિઝનેસમાં હોવ તો તમારા માટે કમ્યુનિકેશન જરૂરી છે અને આ માટે મીડિયા આદર્શ માધ્યમ છે.

વર્ષ 2008માં યોરસ્ટોરીની શરૂઆત થઈ ત્યારથી ભારતીય મીડિયામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. યોરસ્ટારીની સ્થાપનાને આઠ વર્ષ થઈ ગયા છે અને અત્યારે લગભગ દેશમાં દરેક અખબાર, મેગેઝિન અને ન્યૂઝ વેબસાઇટે સ્ટાર્ટઅપ્સની સ્ટોરી કહેવા દોટ મૂકી છે.

મીડિયાના કહેવાતા માંધાતાઓને કદાચ એકથી બે વર્ષ અગાઉ સમજાયું હતું કે સ્ટાર્ટઅપ્સ વિશે લખવામાં ફાયદો છે. તેમાં ઇ-કોમર્સે ઠાલવેલા નાણાંથી વેગ મેળ્યો છે અને હવે તો સ્ટાર્ટઅપ્સ હેડલાઇન બની રહ્યાં છે. દરરોજ સ્ટાર્ટઅપ ન્યૂઝ હેડલાઇન બને છે અને મોટા ભાગના ન્યૂઝ ફંડિંગ સંબંધિત હોય છે. કોણ બિલિયન-ડોલર ક્લબમાં જોડાયું? કોણ નવું પોસ્ટર બોય છે? કોણ રોકાણ કરી રહ્યું છે? હા, યોરસ્ટોરી જેવા પ્લેટફોર્મ પર હેડલાઇનનું પ્રેશર હોય છે, કારણ કે અમે જાણીએ છીએ કે ઓનલાઇન મીડિયામાં પેજ વ્યૂ મહત્ત્વપૂર્ણ છે.

અને ન્યૂઝ અને હેડલાઇન્સ વિશે વાત કરીએ ત્યારે એક હું તમને બધાને એક પ્રશ્ર પર વિચારવા કહીશઃ

"સ્ટાર્ટઅપ ન્યૂઝને શા માટે હંમેશા અતિરેક સાથે પીરસવામાં આવે છે? સ્ટાર્ટઅપમાં યુફોરિયાથી લઈને બબલ, સ્ટાર્ટઅપને દેશની નવી આર્થિક જીવાદોરીથી લઈને તેને બચાવવાની જરૂર – વગેરે તમામ સમાચારોમાં શા માટે મીડિયા આત્યંતિક ચિત્ર રજૂ કરે છે?"

હું ગયા અઠવાડિયે ઘણી સ્ટોરીઝ વાંચીને લગભગ નિરાશ થઈ ગઈ હતી. અને હા, હું ઉન્માદ જગાવે તેવા ફંડિંગ ન્યૂઝ વાંચીને ઉત્સાહમાં પણ આવી જતી નથી. મારા માટે મોટા ભાગના ઉદ્યોગસાહસિકો માટે ફંડિંગ તેમની ઉદ્યોગસાહસિકતાની લાંબી સફરમાં ફક્ત એક કદમ છે. ગયા અઠવાડિયાની વિવિધ સ્ટોરી વાંચીને એવું જ ચિત્ર ઊભું થતું હતું કે સ્ટાર્ટઅપની દુનિયા ખતમ થવાની અણી પર છે.

હું નિષ્ણાત નથી, પણ મીડિયા અને સ્ટાર્ટઅપનો પરપોટો ફૂટી ગયો છે તેવી વાતો કરતાં લોકોને મારે પૂછવું છે કેઃ કોઈ પણ સફરમાં ચઢાવ-ઉતાર આવતા નથી? શા માટે તમે એક દિવસ કોઈને હીરો બનાવો છો અને થોડા જ મહિનામાં તેને પછાડવા તેની પાછળ પડી જાવ છો ? મીડિયા મૂલ્યાંકન કામગીરીને આધારે કરવાને બદલે અટકળોને આધારે જ શા માટે કરે છે?

મારે ઉદ્યોગસાહસિકોને પૂછવું છેઃ

"આપણે પહેલા પાને ચમકીએ છીએ ત્યારે ગર્વ શા માટે અનુભવીએ છીએ? શા માટે ઘેલાં થવું જોઈએ?"

છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન મેં જોયું છે કે મીડિયાએ સમાચાર પીરસવા દોટ મૂકી હોવાથી આપણા સ્ટાર્ટઅપના ઘણાં હીરોમાં ‘લોં મેં આ ગયા’ જેવી હીરોઇઝમ (અધિનાયકવાદ) ભાવના જન્મી છે. એક ઉદ્યોગસાહસિકે મને કહ્યું હતું,

"મારી પાછળ તો ટીવી ચેનલ્સવાળા પડી ગયા છે. મારી પાસે તેમના માટે પણ સમય નથી, ત્યારે તમને સમય કેવી રીતે ફાળવી શકીશ?"

હું ચોંકી ગઈ હતી. મને નવાઈ લાગતી હતી કે આ પહેલી વાર સફળતાનો સ્વાદ ચાખતા લોકોને અહેસાસ નથી કે મીડિયાનું એટેન્શન ક્ષણભંગુર છે?

મારા કહેવાનો અર્થ એટલો જ છે કે મીડિયા જો મસાલેદાર હેડલાઇન નહીં આપે, તો તેમને વાંચશે કોણ. સામાન્ય રીતે આપણમાંથી મોટા ભાગના લોકો મસાલેદાર અને રસપ્રદ ન લાગે તેવા ન્યૂઝ પર ક્લિક કરતાં નથી. પણ પ્રશ્ર એ છે કે ઉદ્યોગસાહસિકોએ તેમની પોતાની સ્ટોરી ન કહેવી જોઈએ? તેમની પાસે સમય નથી? કદાચ આપણે એવું માનતા હોય કે હજુ આ માટે ઉચિત સમય નથી. આપણામાંના મોટા ભાગના ઉદ્યોગસાહસિકો માને છે કે આપણી વાત રજૂ કરવા પીઆર પર્સન કે કોઈ નિષ્ણાત સ્ટોરી કહેનારની જરૂર છે.

હવે આપણી વાત આપણે પોતે જ રજૂ કરવાનો સમય પાકી ગયો છે. જ્યારે આપણે આ વિષય પર ઉપલબ્ધ છીએ ત્યારે તમારે તમારે સતત ન્યૂઝમાં રહેવાની શું જરૂર છે? હકીકતમાં જો તમે વધુ પડતું કવરેજ મેળવતાં હોય, તો તમારે ચિંતિત થવાની જરૂર છે. શા માટે સોશિયલ મીડિયા મારફતે તમારું પોતાનું મીડિયા કેમ ન ઊભું કરો? અહીં હું પેપરટ્રેપ સ્ટોરીનો ઉલ્લેખ કરીશ. તેના સ્થાપક નવનીત સિંહે તેમનું સાહસ બંધ કરી દીધું અને તેના સમાચારો મીડિયામાં ચમક્યાં ત્યારે તેઓ નાસીપાસ થયા નથી. નવનીતે પોતાની સ્ટોરી અને સફર પોતાના શબ્દોમાં જણાવી હતી. આપણે જાણીએ છીએ કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના. અટકળો તો ફેલાવાની. પણ નવનીતે પોતાની વાત રજૂ કરવાનું સાહસ કર્યું અને તેમની વાતને લોકોએ સાંભળી.

ઘણાં ઉદ્યોગસાહસિકો મને કહે છેઃ

મારું સાહસ આગામી યુનિકોર્ન બનશે અને પછી થોડો સમય હેડલાઇનમાં અમે છવાઈ જઈશું.

હું તેમના આત્મવિશ્વાસને સલામ કરું છું, પણ અંદરખાને પ્રાર્થના કરું છું કે – જો તેઓ ખરેખર હેડલાઇન બને, તો ઈશ્વર તેમને ચઢાવઉતાર સામે ટકી રહેવાની ક્ષમતા આપે. જ્યારે હું આ લખું છું, ત્યારે મને સમાચારોમાં સંતુલન જાળવવા વિશે ફરી કશું શીખવા મળ્યું છે. મને જીવન અને કાર્ય વિશે નવી દ્રષ્ટિ મળી છે. મારે તમને બધાને કહેવું છે કે ચાલો આપણે આપણી હેડલાઇન બનાવીએ અને આપણી પોતાની સ્ટાર્ટઅપ સ્ટોરી લખીએ.

લેખિકા વિશેઃ શ્રદ્ધા શર્મા

image


શ્રદ્ધા શર્મા યોરસ્ટોરીના સ્થાપક અને ચીફ એડિટર છે. તેઓ દરેક વ્યક્તિ, જીવનમાં કોઈને કોઈ સ્ટોરી હોવાનું માને છે. તેઓ દરેક સ્ટોરી વિશિષ્ટ હોવાનું અને તેમાંથી કશું શીખવા મળે છે તેવું માને છે.

અનુવાદકઃ કેયૂર કોટક

સ્ટાર્ટઅપ દુનિયા અંગે વધુ માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો 

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ભીડથી અલગ ચાલો, પોતાને પ્રેમ કરો, બીજાના કામના વખાણ કરો, કામ કરતા રહો, ખુશ રહો, સફળતા ચોક્કસ મળશે- શ્રદ્ધા શર્મા

તમે જ્યાંથી છો, તે સૌને કહો. તમારી 'ભાષા' પર ગર્વ કરો!

આપણે 'આઇ લવ યૂ' કહેવામાં કે કોઈની પ્રશંસા કરવામાં પાછી પાની કેમ કરીએ છીએ!?