'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' માટે ડિસેમ્બરનો મહિનો ખાસ, PM મોદી કરશે અગત્યની જાહેરાત

0

વિવિધ આઇડિયા ઉપર અને જુદી રીતે કામ કરીને ઉદ્યોગની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે દેશમાં તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેની ઔપચારિક શરૂઆત વડાપ્રધાનના 15 ઓગસ્ટનાં ભાષણથી થઈ છે પરંતુ જોતજોતામાં સ્ટાર્ટઅપની દુનિયામાં નવી ચેતના અને નવી ઊર્જાનો સંચાર થયો છે. તેમ દેશના રાજ્યકક્ષાના નાણાંપ્રધાન જયંત સિંહાનું માનવું છે.

જયંત સિંહાનું કહેવું છે કે,

ડિસેમ્બર મહિનો સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. આ મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપ્સ માટે અગત્યની જાહેરાતો કરવાના છે. સ્ટાર્ટઅપ્સને કેવી રીતે વધારે સારા બનાવવામાં આવે, તેમને આગળ કેવી રીતે વધારી શકાય તે સાથે સંકળાયેલી અનેક જાહેરાતો કરવામાં આવશે. કારણ કે સરકાર દેશમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે.


આ અંગેની જાહેરાત રાજ્યકક્ષાના નાણાંપ્રધાન જયંત સિંહાએ TiECon 2015માં જાણીતા મેનેજમેન્ટ ગુરુ કે. સી. પ્રહ્લાદ મેમોરિયલ પ્રવચનમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર એ દિશામાં ખૂબ જ મહેનત કરી રહી છે કે ઉદ્યોગસાહસિકો માટે વેપાર કરવાનું વધુ સરળ બને તેમજ તેની સાથે તેમને નાણાકીય સુવિધા પણ મળી રહે.

જયંત સિંહાએ આશ્વાસન આપ્યું કે સરકાર ઉદ્યોગસાહસિકો માટે સતત કામ કરવાની છે. ઉદ્યોગ સાહસિકોને શ્રેષ્ઠ બનાવવા માટે ઘણી યોજનાઓ પણ રજૂ કરવામાં આવશે. તેમણે તબક્કાવાર એ પણ સમજાવ્યું છે કે આ સમય ઉદ્યોગસાહસિકો માટે કેવી રીતે શ્રેષ્ઠ છે.


અત્યારનો સમય આપણા દેશના ઉદ્યોગસાહસિકો માટે કેવી રીતે અગત્યનો છે?

આપણો દેશ ઉદ્યોગસાહસિકતાના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ ચૂક્યો છે. પહેલો તબક્કો એરટેલ, ઇન્ફોસિસ, વિપ્રો અને અન્ય મોટી આઈટી કંપનીઓનો હતો. ત્યારબાદ બીજો તબક્કો ઉદ્યોગસાહસિકતાનો આવ્યો. આ ગાળામાં મેક માય ટ્રિપ, ઇન્ફોએચ તેમજ અનેક ઇન્ટરનેટ કંપનીઓ સામે આવી. ત્રીજા તબક્કામાં બીપીઓ કંપનીઓ સામે આવી. તેમાં ઇવેલ્યૂ સર્વ, જેનપેક જેવી કંપનીઓ અસ્તિત્વમાં આવી. ચોથા તબક્કામાં ફ્લિપકાર્ટ, સ્નેપડિલ, ક્વિકર અને તેના જેવી ઘણી કંપનીઓ આવી. પરંતુ આજે ઉદ્યોગસાહસિકતામાં એક નવી લહેર આવી છે. આ લહેર અન્ય તબક્કાઓ કરતાં જુદી છે. અલગ એટલા માટે કારણ કે અત્યારે જે સ્થિતિ છે તે સૌથી સારી છે. અત્યારના તબક્કામાં જે તકો રહેલી છે તે સૌથી વધારે છે. આ માત્ર મોબાઇલનો જ નહીં પરંતુ ડિજિટાઇઝિંગ ઇન્ડિયાનો તબક્કો છે. ડિજિટલ ઇન્ડિયાની સાથે સાથે ડિજિટાઇઝિંગ ઇન્ડિયા પણ છે. ડિજિટાઇઝિંગ ઇન્ડિયામાં જન-ધન ઉપરાંત આધાર અને પૈસાનું ઝડપથી ટ્રાન્ઝેક્શન પણ છે. આ યુગમાં એક મોબાઇલ મારફતે તમામ કામ થઈ જાય છે અને તેથી જ ડિજિટાઇઝિંગ ઇન્ડિયામાં એક મોબાઇલે બધાની જિંદગી સરળ બનાવી દીધી છે. તેના કારણે જ હાલનો યુગ ઉદ્યોગસાહસિકો માટે અગત્યનો છે.

ઉદ્યોગસાહસિકતા માટે શ્રેષ્ઠત્તમ તકો

દેશમાં આગામી અનેક દાયકાઓ સુધી પોતાનું સ્થાન મજબૂત રાખવાનું પરિબળ રહેલું છે. સરકાર તે દિશામાં સતત કામ કરી રહી છે. આર્થિક રીતે ભારત પોતાની ઉત્પાદકતાનાં સ્તરને કેવી રીતે વધારે તે દિશામાં સતત કામ થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન પુરવઠા અને રોકાણ ઉપર કેન્દ્રિત છે. તેના કારણે જ દેશમાં આગામી અનેક દાયકાઓ સુધી સારી રીતે વિકાસ સાધી શકાશે. બજારની સ્થિતિ સુધરતી જશે અને તેનો સીધો લાભ ઉદ્યોગસાહસિકોને મળશે. ઉદ્યોગસાહસિકો માટે તકો ખૂબ જ મળશે કારણ કે રોકાણ માટે સારી એવી માત્રામાં નાણાં હશે.


ઉદ્યોગસાહસિકોની શ્રેષ્ઠતા માટે સરકાર કેવી રીતે સહયોગ આપશે?

એક સમય એવો હતો કે જ્યારે ઉદ્યોગસાહસિકોની સ્થિતિ સારી નહોતી. તેઓ જોખમોથી ગભરાતા હતા પરંતુ અત્યારે ઉદ્યોગસાહસિકો માટે એક અલગ કલ્ચર ઊભું થયું છે. એક અનોખું વાતાવરણ રચાયું છે. સરકારની નીતિઓ ઉદ્યોગસાહસિકોને સમજાઈ રહી છે. સરકાર ઉદ્યોગસાહસિકો માટે નીતિઓ સરળ બનાવી રહી છે કે જેથી કરીને તેમનો અને દેશનો વિકાસ થાય. તેના કારણે જ ભારત ઉદ્યોગસાહસિકો માટે એક શ્રેષ્ઠત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. દુનિયાનું બજાર પણ આ વાતને સતત સમજી રહ્યું છે. બીજા એક ક્ષેત્ર ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે એ છે કે નવા પ્રયોગો, યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો મારફતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. આ વર્ષનાં બજેટમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ઘણાં અગત્યનાં પગલાંની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 'ભારતીય આકાંક્ષા ભંડોળ' અને 'અટલ સ્ટાર્ટઅપ્સ મિશન' શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

સરકાર સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ત્રણ પ્રકારે કામ કરે છે...

1. સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિક માટે વેપાર કરવો વધુમાં વધુ સરળ કેવી રીતે બને

2. સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો પાસે વેપાર કરવા માટેનાં નાણાં હોય

3. નવા ઉદ્યોગોની પ્રયોગશાળાના નેટવર્ક મારફતે યુનિવર્સિટી તેમજ રિસર્ચ સેન્ટરમાં નવાં રોકાણને પ્રોત્સાહન આપવું.