'કબાડી એક્સપ્રેસ' – આજના સમયની તાતી જરૂરીયાત

0

ભારતમાં નકામા કાગળોનું માત્ર 20 ટકા જ રિસાઇકલિંગ થાય છે જ્યારે ‘ભારતીય’ જીવનશૈલી પ્રમાણે 80 ટકા નકામા કાગળો વસ્તુઓને લપેટવામાં (રેપિંગ) અને વીંટવામાં (પેકિંગ) વપરાય છે અને છેવટે એ કાગળોનો કચરો ગમે ત્યાં ફેંકી દેવાય છે. કાગળની વધતી જતી માગને પહોંચી વળવા માટે આપણે વધુ ને વધુ વૃક્ષોનું નિકંદન કાઢવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં વાર્ષિક 10 લાખ મેટ્રિક ટન વૃક્ષોની જરૂરિયાત છે અને વર્ષ 2025 સુધીમાં આ જરૂરિયાત બેવડાઈ જશે.

કપિલ બજાજ અને સંદીપ સેઠીએ આ સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ફાયનાન્શિયલ માર્કેટમાં 15 વર્ષની કારકિર્દી બાદ વર્ષ 2015ની શરૂઆતમાં બંનેએ કબાડી એક્સપ્રેસ શરૂ કરી છે.

તમારા ઘરઆંગણે

રિસાઇકલિંગની વર્તમાન સ્થિતિ પ્રમાણે નવો કાગળ બનાવવા માટે આપણે કાં તો અગણિત વૃક્ષોનું છેદન કરવું પડે અથવા અન્ય દેશોમાંથી નકામા કાગળો આયાત કરવા પડે. આપણાં પર્યાવરણ અને કુદરતી સ્રોતો માટે આ અતિ ગંભીર પરિસ્થિતિ છે. ભારતમાં એક ઘરમાં દર વર્ષે સરેરાશ 100 કિલો નકામા કાગળો હોય છે. આ સ્થિતિમાં નકામા કાગળોના પુનઃ ઉપયોગ કરવા માટે આપણે લોકોને સમજાવી શકીએ છીએ અને એ રીતે વૃક્ષો બચાવવામાં મદદ કરી શકીએ છીએ.

કપિલ કહે છે, "અમે બંનેએ ડોમેઇન રજિસ્ટર કરાવ્યું અને દોઢ વર્ષ પહેલાં કારકિર્દીને તિલાંજલી આપી." બંનેએ શરૂઆતમાં બજારનું સર્વેક્ષણ કરીને ગ્રાહકોની વિચારપ્રક્રિયા સમજવાનો પ્રયાસ કર્યો. ગયા વર્ષે બંનેએ કામ શરૂ કર્યું અને હાલમાં તેઓ પૂર્વ દિલ્હીમાં કામ કરી રહ્યા છે.

કબાડી એક્સપ્રેસ હાઉસિંગ સોસાયટીઓમાં સંપર્ક કરીને સોસાયટીના પ્રમુખ અને અન્ય સભ્યોને પોતાના કામ અંગે સમજાવે છે. ત્યાર પછી તેઓ દરેક ઘરમાં 15 કિલો નકામા કાગળ ભરાય તેટલી બેગ આપે છે. આ બેગ ભરાઈ જાય ત્યારે ગ્રાહક કબાડી એક્સપ્રેસને ફોન કરે છે અને ત્યાંથી કોઈ વ્યક્તિ જઈને એ બેગ લઈ જાય છે. પારદર્શિતા માટે ડિજિટલ સ્કેલ થકી વજન કરવામાં આવે છે. એક ડગલું આગળ વધીને તેઓ ગ્રાહકને નકામા કાગળ એકઠા કરવાની રસીદ પણ આપે છે અને વૃક્ષો તથા કુદરતી સ્રોતને બચાવવામાં યોગદાન આપવા બદલ આભાર માનતો એસએમએસ પણ મોકલવામાં આવે છે.

કચરો એકત્ર કરવા માટે જે રીતે કચરાપેટીનો ઉપયોગ કરવામાં આવે છે તે જ રીતે નકામા કાગળો એકઠા કરવા માટેની આદત પડે તે હેતુથી બેગનું વિતરણ કરવામાં આવે છે. આ બેગ થકી રિસાઇકલ કરી શકાય તેવા કાગળો એકઠા કરવાની લોકોને આદત પડશે, તેવી કપિલને આશા છે.

નકામા કાગળો એકઠા કરવાનો વ્યવસાય

તેઓ બજારભાવે ગ્રાહકો પાસેથી કાગળો લઈને મિલોમાં વેચી દે છે. 

“અમે ગ્રાહકોને કિલો દીઠ 10 રૂપિયા આપીએ છીએ અને રિસાઇકલિંગ મિલ અમને કિલો દીઠ રૂ. 13.50 આપે છે.”

કપિલ કહે છે, 

"આવકનો આ એક માત્ર મુખ્ય સ્રોત નથી. અમે બેગ પર જાહેરાત પ્રસિદ્ધ કરીને આવક મેળવીએ છીએ, તેનાથી કંપનીઓની પ્રસિદ્ધિ થાય છે અને અમારી આવક વધે છે.” 

અન્ય રિસાઇકલિંગ સ્ટાર્ટઅપ્સ કરતાં કબાડી એક્સપ્રેસ કઈ રીતે જુદું છે તે વર્ણવતાં કપિલ કહે છે, 

"અમે રિસાઇકલિંગ પ્રક્રિયાથી માહિતગાર કરવા ઉપરાંત ગ્રાહકો સાથે સીધી જ ચર્ચા કરીને અને બેગનું વિતરણ કરીને અન્ય કંપનીઓથી અલગ ચીલો ચાતર્યો છે.”

આ વ્યવસાયથી પસ્તીવાળાને નુકસાન થયું?

કપિલ કહે છે, “ના, પસ્તીવાળાને અમે કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. એટલું જ નહીં, અમે સ્થાનિક પસ્તીવાળા સાથે પણ સંપર્કમાં રહીએ છીએ અને તેઓને પણ અમારી ચેનલના માધ્યમથી વધુ આવક રળી શકે તે માટે અમે તેઓને તાલિમ આપવા તૈયાર છીએ.” કપિલ ઉમેરે છે, “જોકે વાસ્તવિકતા એ છે કે તેઓ કબાડી એક્સપ્રેસ સાથે કામ કરવા તૈયાર નથી. કારણ કે, તેઓ પસ્તીના વજન અને ભાવમાં પારદર્શિતા લાવવા માટે તૈયાર નથી.” કબાડી એક્સપ્રેસના માધ્યમથી નવો ટ્રેન્ડ શરૂ થવાની સાથે જૂના ટ્રેન્ડમાં સત્વરે સુધારો આવવાની કપિલને આશા છે.

વર્તમાન સ્થિતિમાં વજન અને ભાવનાં ધોરણો ન જાળવતા સ્થાનિક પસ્તીવાળા પાસે જવા સિવાય ગ્રાહકો પાસે અન્ય વિકલ્પ નથી. કબાડી એક્સપ્રેસ અત્યારે આ મુદ્દો ઉકેલવા સાથે ગ્રાહકોને સારો પ્રતિસાદ આપવા પ્રયાસ કરે છે. કબાડીવાલાઝ સાથે નજીકના ભવિષ્યમાં જ જોડાણ થવાની આશા છે.

લેખક- સ્નિગ્ધા સિહા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો

Related Stories

Stories by YS TeamGujarati