4 મિત્રોએ બિઝનેસ પાર્ટનર્સ બની શરૂ કર્યું ઓટોયાર ડૉટ કૉમ

0

ભરત ઓસવાલ, સુનિલ ગુપ્તા, અમિષા શાહ અને અભિષેક ગુપ્તાએ સાથે મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું જ્યારે અમિષાની કાર અમદાવાદ બહારના વિસ્તારમાં ખરાબ થઈ અને કોઈ મદદ મળી નહીં.

ઓટોમોબાઈલ રિપેરિંગ અંગે સર્ચ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે આ ક્ષેત્રનો 60 ટકા વ્યવસાય બિનઆયોજિત હતો. તે ઉપરાંત ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે પણ ખૂબ જ મોટું અંતર હતું. આ દરમિયાન ઓટોમોબાઈલ ક્ષેત્રના તમામ અભાવો દૂર કરીને ઓક્ટોબર, 2015માં તેમણે ઓટોયાર ડૉટ કૉમની શરૂઆત કરી.

મૂળ અમદાવાદના આ સ્ટાર્ટઅપ પાસે 1,000 ઓટોમોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સની સેવાઓ છે. તેમના માધ્યમથી લોકો ટૂ વ્હીલર, ફોર વ્હીલર અને કાર સ્પાના સર્વિસ પ્રોવાઈડર શોધી શકે છે. 

ભરત જણાવે છે,

"વ્યક્તિ પોતાની જરૂરિયાત, કઈ સેવા લેવી છે અને કયા વિસ્તારમાં જોઈએ છે તેના આધારે સર્વિસ પ્રોવાઈડરની યાદી મેળવવાની સાથે સાથે તેમની તુલના પણ કરે છે. દરેક સર્વિસ પ્રોવાઈડરની ડિટેઇલ્ડ પ્રોફાઈલ, ફોટોગ્રાફ્સ, કઈ સેવાઓ અને સુવિધાઓ આપે છે તે, રેટિંગ્સ વગેરે આપવામાં આવે છે જેથી ગ્રાહકને પોતાની પસંદગી નક્કી કરવામાં સરળતા રહે."

શરૂઆતના દિવસોમાં તેમણે સર્વિસ પ્રોવાઈડર્સને પોતાનો પ્લાન સમજાવવા અને તે અંગે જાગ્રત કરવા ઘણો સમય પસાર કરવો પડ્યો. મેકાટ્રોનિક્સમાં બીટેક થયેલા ભરતે(31) માર્કેટિંગમાં એમબીએ પણ કર્યું છે, તથા તેની પાસે ઓઝ્યોર પાવરમાં છ વર્ષ કામ કરવાનો અનુભવ પણ છે. અભિષેકે(30) એનઆઈટી સુરતમાંથી બીટેક કર્યું છે તથા તેની પાસે તાતા મોટર્સ અને એમ એન્ડ એમમાં કામ કરવાનો સાત વર્ષનો અનુભવ છે.

અમિષા(29)એ બીકોમ અને માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તેની પાસે રેડિયો મિરચી અને વોડાફોન સાથેનો છ વર્ષનો અનુભવ છે. સુનિલ(31) સ્ટેટેસ્ટિક્સમાં એમએસસી થયો છે તથા માર્કેટિંગમાં એમબીએ ધરાવે છે. તેની પાસે કલથિયા ગ્રૂપમાં કામ કરવાનો છ વર્ષનો અનુભવ છે.

પ્રારંભિક મુશ્કેલી

મોટાભાગે ઓટોમોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પારંપરિક રીતે જ કામ કરે છે. સામાન્ય રીતે લોકો ડિજિટલ પ્લેટફોર્મને સ્વીકારવા સહમત ન થતા હોવાથી, તેમને આવા સાહસ સાથે જોડાવાનું અને વિસ્તાર કરવાનું સમજાવવાનું ખૂબ જ મુશ્કેલ કામ હતું. ચોક્કસ ધારાધોરણ નક્કી કરવા અને રેટિંગ આપવા તે પણ આ લોકો માટે મુશ્કેલ હતું.

એપ બનાવવી

ગ્રાહકોને વધુ સારો અનુભવ મળે અને સેવા મળે તે માટે તેઓ ટૂંક સમયમાં જ ઓટોયારની એપ લોન્ચ કરવાના છે. આ એપમાં ‘ઓટોયાર ક્લબ’ જેવા ફીચર્સ હશે, જેના દ્વારા ગ્રાહકો એક જ સ્થળે પોતાના તમામ વાહનોની સંભાળ રાખી શકશે. તેમાં સર્વિસના બાકી દિવસો, પીયુસી, ઈન્સ્યોરન્સ ચાલુ છે કે પૂરો થવા આવ્યો, ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવો વગેરે સેવાઓ મળી રહેશે. એપ દ્વારા ગ્રાહકો સર્વિસ માટે જતા પોતાના વાહનની તમામ વિગત મેળવી શકશે.

અમિષા જણાવે છે,

"અમારી ટીમે માર્કેટમાં ઘણું જ રીસર્ચ કર્યું છે. ત્યારબાદ જ અમે એપ અને વેબસાઈટ ડીઝાઈન કરી છે જેમાં ગ્રાહકોને સરળતાથી સમજાય અને તેમણે આ સર્વિસ લેવામાં સરળતા રહે તે પ્રકારના ઘણા ફીચર્ચ આપવામાં આવ્યા છે."

ધીમો પણ મક્કમ વિકાસ

સ્ટાર્ટઅપ દ્વારા સફળતાપૂર્વક ઘણાં ગ્રાહકો મેળવવામાં આવ્યા છે. તેના નક્કી વિકલ્પો, સર્વિસ પ્રોવાઈડરનું ચેકલિસ્ટ જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ કેપેસિટી, ટેક્નોલોજી, ઓટોમોબાઈલ ક્ષેત્રનો અનુભવ વગેરે દ્વારા સર્વિસની ગુણવત્તા આપવામાં આવે છે.

અભિષેક જણાવે છે,

"અમે લોકો સરળ અને યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસના માધ્યમથી અનુકૂળતા અને પારદર્શકતા લાવીને લોકોના અનુભવમાં સુધારો કરવા માગીએ છીએ."

હાલમાં ઓટોયાર કેટલાક રોકાણકારો સાથે પણ ચર્ચા કરી રહ્યા છે જેથી તેમના સાહસમાં રોકાણ વધે. આગામી છ મહિનામાં ઓટોયાર મુંબઈ, દિલ્હી અને પુણેમાં વિસ્તાર કરવાનું આયોજન ધરાવે છે. તેમાં તેઓ 80 ટકા બિનઆયોજિત સર્વિસ પ્રોવાઈડર્સને પોતાની સાથે સાંકળી લેશે. ઓટોમોબાઈલ સેવા આપવાની સાથે આ સ્ટાર્ટઅપ ટૂંક સમયમાં રોડસાઈડ આસિસ્ટન્સ, એસેસરિઝ, મોડિફેકેશન અને ઈન્સ્યોરન્સની પણ સેવાઓ શરૂ કરશે.

સુનિલ જણાવે છે,

"આ કામ ખૂબ જ ઉત્સાહ અને ઉત્તેજનાસભર છે. અમે માનીએ છીએ કે અમારો આ નાનકડો વિચાર ઓટોમોબાઈલ સર્વિસ ક્ષેત્રની કાયાપલટ કરી નાખશે."

બજાર અને સ્પર્ધા

ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશનના અહેવાલ મુજબ ભારત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટો દેશોમાં સ્થાન ધરાવે છે. તેમાં વર્ષ 2014-15માં 23.37 મિલિયન વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્ર દેશના જીડીપીમાં 7.1 ટકા યોગદાન આપે છે. ઓટોમોટિવ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, રિટેલર, સર્વિસ પ્રોવાઈડર, ગેરેજ સહિતના તમામ વિભાગો ઓટોમોબાઈલ સર્વિસ માર્કેટ ઉભું કરે છે.

ભારતની વાત કરીએ તો તેમાં હાલ પણ કોઈ સરકારી ક્ષેત્ર નથી જે ઓટોમોટિવ મેન્ટેન્સને સહાય કરે કે ટેકો પૂરો પાડે. તેથી રિપેર ઈન્ડસ્ટ્રીમાં ગુણવત્તાનો અભાવ છે અને કિંમતોમાં વિશાળ અંતર છે. ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર આ ક્ષેત્રને એકસૂત્રે સાંકળવા પ્રયાસ કરે છે.

છેલ્લાં બે ત્રણ વર્ષમાં મેરીકાર ડૉટ કૉમ, સ્પેર્સહબ ડૉટ કૉમ, થ્રીએમ કાર કેર, ક્રોસ રોડ્સ, માય ટીવીએસ, કાર્ઝકેર, કાર્ટિસન અને બમ્પર જેવા ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ થયા છે. બેંગલુરુ સ્થિત બમ્પરે એસએઆઈએફ પાર્ટનર્સ પાસેથી પાંચ લાખ ડોલરનું સીડ ફંડિંગ મેળવ્યું હતું. તે ઉપરાંત કાર્ટિસને યુવીકેન વેન્ચર્સ, ગ્લોબલ ફાઉન્ડર્સ કેપિટલ, ટેક્સીફોર સ્યોરના અપરામેય આર તથા અન્ય પાસેથી ઘણું સારું સીડ ફંડિંગ મેળવ્યું છે પણ તેઓ જાહેર નથી કરતા.

યોરસ્ટોરીનો મત

ઓટોયાર હાલમાં અમદાવાદના અલ્પવિકસિત બજારમાં પ્રવેશ્યું છે જેથી તેના વિસ્તાર અને વિકાસની શક્યતાઓ વધારે છે. ટૂ વ્હીલર, ફોર વ્હીલર, ટાયર, બેટરી, કાર સ્પા જેવી સેવાઓ આપીને ઓટોયાર પોતાને બજારમાં સ્થાયી થવા માટે પ્રવૃત્ત છે. દેશના અન્ય ટાયર-2 શહેરોમાં વિસ્તાર કરવાથી આ સ્ટાર્ટઅપને વધારે જોર મળે તેમ છે.

લેખક- અપરાજિતા ચૌધરી

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી અન્ય અપડેટ્સ મેળવવા અમારું Facebook Page લાઈક કરો

Related Stories