સુનિલે પોતાના અંગત નુકસાનને અન્યોની મદદ કરતાં ઑનલાઇન મંચમાં કેવી રીતે બદલી નાખ્યું તે તમે પણ જાણો!

સુનિલે પોતાના અંગત નુકસાનને અન્યોની મદદ કરતાં ઑનલાઇન મંચમાં કેવી રીતે બદલી નાખ્યું તે તમે પણ જાણો!

Wednesday January 27, 2016,

5 min Read

કોઈ પણ વ્યવસાયને શરૂ કરવા માટે લોકોને વિવિધ સ્રોતો પાસેથી પ્રેરણા મળે છે. સુનિલ સૂરીના કિસ્સામાં આવું કરવાનું એક શાનદાર કારણ તેમને થયેલાં એક વ્યક્તિગત નુકસાનના કારણે આવ્યું. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર સુનિલની જિંદગીમાં મોટું પરિવર્તન ત્યારે આવ્યું કે જ્યારે તેની માતાનું મૃત્યુ બ્રેસ્ટ કેન્સરના કારણે થયું. ત્યારબાદ તેમના પિતા પણ મધુપ્રમેહ (ડાયાબિટિસ)ની બીમારીને કારણે મૃત્યુ પામ્યા. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે જો તેમના પિતાનો આહારવિહાર નિયમિત અને ચોક્કસ દિશાનિર્દેશ અનુસાર હોત તો તેઓ લાંબું જીવી શકત ત્યાર પછી ભોજન અને આરોગ્ય તેમનાં જીવનનું એક અગત્યનું અંગ બની ગયાં.

image


આ ઝનૂનના કારણે પોતાના પિતાજીને શ્રદ્ધાંજલિ આપવા સુનિલે 'સ્વદેશ મેન્યૂ પ્લાનર' નામે એક એપ બનાવવાનું નક્કી કર્યું. તેણે આ માધ્યમથી એક એવો મંચ તૈયાર કરવાની કલ્પના કરી કે જેના ઉપર તેઓ પોતાનો ડાયેટ પ્લાન અપલોડ કરી શકે છે. ત્યારબાદ ડાયેટિશિયન તેની તપાસ કરીને તેને સુધારી શકે છે. તેમણે આ એપ્લિકેશન બે મહિના કરતાં પણ ઓછા સમયમાં તૈયાર કરી નાખી. પરંતુ છ મહિના સુધી તેમની આ મફત એપ્લિકેશન અંગે કોઈએ ધ્યાન સુદ્ધાં ન આપ્યું.

અંતે જ્યારે સ્થિતિ વધારે કફોડી થઈ ગઈ ત્યારે તેમણે પોતાનો રસ્તો બદલવાનું વિચાર્યું. જોકે, તે વખતે પણ આરોગ્ય અને ભોજન જ તેમાં કેન્દ્રસ્થાને હતાં. જ્યારે તેઓ પોતાના વપરાશકારોને મેન્યૂ પ્લાનર ઉપયોગ કરવા માટે કહેવાને બદલે તેમના સંપર્કમાં આવીને તેમને ફળો અને શાકભાજી વેચે છે સાથે જ તેમને મફતમાં મેન્યૂ પ્લાનરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

ફળો અને શાકભાજી વેચવા ખૂબ જ મહેનતનું કામ છે, આ ક્ષેત્રમાં ગળાકાપ સ્પર્ધા છે અને આ ક્ષેત્રે ડગ માંડનારા સ્ટાર્ટઅપ્સ છાશવારે નિષ્ફળ થઈ રહ્યા છે તે વાત તેઓ સારી રીતે સમજતા હતા. અંતે તેઓ એ નિર્ણય ઉપર પહોંચ્યા કે બજારમાં આવવા અને વેપાર કરવા માટે તેમની પાસે આ એક જ રસ્તો છે. કારણ કે તેઓ વેપારના કોઈ ચોક્કસ મોડેલને અપનાવી શકે તેમ નહોતું. તેમાં નુકસાન થવાની વધારે શક્યતા હતી. એવામાં જ્યારે એક તરફ અન્ય સ્ટાર્ટઅપ્સ તેમનાં ઉત્પાદનની ડિલિવરી તે જ દિવસે આપવા અંગે મથી રહ્યાં હતાં તેવામાં તેમણે તેના કરતાં બિલકુલ વિપરીત દિશામાં કામ કરવાનું શરૂ કર્યું.

જૂન 2015માં તેમણે 'ફલફૂલ' (Falphool)ની શરૂઆત કરીને એક એવા મંચની સ્થાપના કરી કે જે સાંજે ફળો અને શાકભાજીના ઓર્ડર્સ લે અને બીજે દિવસે સવારે તેની ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં ડિલિવરી કરે.

ફલફૂલના 41 વર્ષના સ્થાપક સુનિલ સૂરી કહે છે,

"આ મંચના માધ્યમથી ગ્રાહક અને કંપની બંનેને લાભ થયો છે. તેના કારણે અમને નુકસાન ઓછું થાય છે. જેમ જેમ ગ્રાહકોની માગમાં વધારો થતો ગયો તેમ તેમ અમે દવાઓ, છોડ અને કરિયાણાંનો સામાન પણ આપવાનું શરૂ કરી દીધું હતું."

તેઓ જણાવે છે કે માત્ર છ મહિના કરતાં ઓછા સમયમાં તેઓ લગભગ 3 હજાર કરતાં વધારે ગ્રાહકોને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યા છે. અને હાલમાં લગભગ રોજ 45 ગ્રાહકો તેમની સેવાનો લાભ લઈ રહ્યા છે. તેમનો આ વેપાર એકમાત્ર એવો વેપાર છે કે જે ગ્રાહકોને ફળો, શાકભાજી, છોડ, દવાઓ અને કરિયાણાંનો સામાન ઉપલબ્ધ કરાવે છે.

અત્યાર સુધી તેઓ આ વેપારમાં અંદાજે રૂ. 7થી 8 લાખનું રોકાણ કરી ચૂક્યા છે. સૂરી જણાવે છે કે તેઓ રોજ લગભગ રૂ. 20 હજારનો વેપાર કરવામાં સફળ થાય છે.

"ગ્રાહકો સુધી પ્રચાર કરવા માટે અમે પેમ્ફ્લેટ્સ અને માઉથ પબ્લિસિટીનો ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધી અમારી આ પદ્ધતિ કારગર નીવડી છે."

વર્ષ 2015ના નવેમ્બર મહિનામાં ગ્રાહકોની માગ વધવાને કારણે તેમણે તેમને અલગ પ્રકારનું વળતર આપવાની શરૂઆત કરી છે. તેઓ કહે છે કે અત્યાર સુધી અમે ગ્રાહકોને વળતર આપવા અંગેની વિચારણા નહોતી કરી. પરંતુ અમે સમજી વિચારીને નિર્ણય લીધો અને વિવિધ ગ્રાહકોને વિવિધ વસ્તુઓ અંતિમ કિંમતે આપવાની શરૂઆત કરી.

તેમણે જણાવ્યું,

"આ એક એવી યોજના છે જે બી2બી સેગમેન્ટ માટે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં સફળ રહેશે. આ પદ્ધતિ અપનાવ્યા બાદ અમારી પાસે ફરીથી આવનારા ગ્રાહકોની સંખ્યામાં 74 ટકાનો વધારો થયો છે. તેમજ આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે."

ભારતના રિટેઈલ બજારમાં કરિયાણાંના સામાનનું પ્રદાન 60 ટકા કરતાં પણ વધારે છે કારણ કે અહીં ભોજન મુખ્ય આવશ્યકતા છે. સલાહકાર કંપની ટેકનોપાર્કના એક અભ્યાસ અનુસાર હાલમાં ભારતમાં ખાદ્ય અને કરિયાણાં ઉદ્યોગ 383 બિલીયન ડોલર કરતાં પણ મોટો છે. અને વર્ષ 2020 સુધીમાં તે 1 ટ્રિલિયન ડોલરને આંબી જાય તેવી શક્યતા છે.

જ્યારે આ દિગ્ગજોની પ્રતિસ્પર્ધા અંગે પૂછવામાં આવ્યું તો સુનિલે જણાવ્યું કે આ તમામ લોકો વેપારની સુવિધા વ્યવસ્થિત કરવા માટે રોકાણકારો તરફથી મળી રહેલાં નાણાં મોટા પ્રમાણમાં ખર્ચી રહ્યા છે. જોકે, તેઓ વધારે નાણાંનો ખર્ચ કર્યા વિના અને નુકસાન કર્યા વિના પોતાનો વેપાર સારી રીતે ચલાવી શકે છે. 

સુનિલના કહેવા પ્રમાણે તેઓ વર્ષ 2016 સુધીમાં બ્રેક ઇવન મેળવવામાં સફળ રહેશે.

તેઓ જણાવે છે,

"અમે એક એવા મોડલને અપનાવી રહ્યા છીએ કે જે અમારા વેપારનું સમર્થન કરે છે. અમે ઉત્પાદનને બીજા દિવસે ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ. તે જ દિવસે ડિલિવરી કરવા માટે અમે ગ્રાહકો પાસેથી રૂ. 45 વધારે લઈએ છીએ."

હાલની અને ભવિષ્યની ઘટનાઓ

આ કંપની દ્વારા અનેક નાના અને મધ્યમ કદના કરિયાણાંના વેપારીઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે. તેઓ પોતાના ગ્રાહકોને વસ્તુઓ વળતરથી આપે છે અને ઝડપથી તેઓ પોતાનાં ઉત્પાદનો 'ફલફૂલ ડૉટ કૉમ'ના માધ્યમથી વેચતા થઈ જશે. સંભવિત ગ્રાહકો પોતાની નજીકની દુકાનોમાં મળતા વળતર અંગે માહિતી મેળવી શકશે. જોકે હાલ તેઓ માત્ર દિલ્હીના દ્વારકા વિસ્તારમાં જ કામ કરી રહ્યા છે.

તાજેતરમાં જ ફલફૂલે રેસિપીની વહેંચણી અંગેનો વિભાગ પણ શરૂ કર્યો છે તેના મારફતે વિવિધ રસોઈયાઓ અને ગૃહિણીઓ વિવિધ વાનગીઓ બનાવવાની રીતો મૂકીને લોકોને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.

ઉપરાંત તેમનો આશય જૂન, 2016 સુધી પોતાના વેપારનું વિસ્તરણ દિલ્હી, નોઇડા, અને ગુડગાંવ ખાતે કરવાનો છે. આ ઉપરાંત સુનિલે જણાવ્યું હતું કે મેન્યૂ પ્લાનરમાં ફેરફાર કરીને તેની નવેસરથી રજૂઆત કરવામાં આવશે. કારણ કે હવે તેમની પાસે નિયમિત ગ્રાહકો છે. છેલ્લે સુનિલ જણાવે છે, "અમે ટૂંક સમયમાં તેને નવેસરથી રજૂ કરીશું અને તેનું નવું રૂપ ખૂબ જ રસપ્રદ અને ખાસ હશે."

વેબસાઈટ


લેખક- તૌસિફ આલમ

અનુવાદક- મનીષા જોશી