પાણીની આશા નઠારી નિવડી, ક્યાંયથી સહકાર ન મળતાં ગામની મહિલાઓએ જાતે જ ગામમાં કૂવો ખોદી લીધો!

0

મહિલાઓને અબળા સમજનારી વિચારધારા ત્યારે શરમાઈ ગઈ જ્યારે એક વિસ્તારમાં ચમત્કાર થયો. ગામમાં ઈન્દ્ર દેવની મહેરબાની થશે પછી જ પાણી આવશે તેવી વિચારધારા ધરાવનારો સમાજ ત્યારે આશ્ચર્યમાં મૂકાઈ ગયો જ્યારે ખડકોની વચ્ચેથી પાણીની ધાર ફૂટી અને જેને અબળા સમજતા હતા તે હાથમાં કોદાળી, પાવડા અને ધારીયા ખુશીથી નાચી રહ્યા હતા. આ બધું એ વીસ મહિલાઓની ઈચ્છાશક્તિ, સખત મહેનત અને કંઈક કરી બતાવવાની ભાવના હતી જેના કારણે પાણીની અછતથી ઝઝુમી રહેલા વિસ્તારને પાણીની ભેટ મળી. 40 દિવસની અથાક મહેનત બાદ તે મહિલાઓએ કૂવો ખોદીને પાણી કાઢ્યું, જેમને પહેલાં હાંસીને પાત્ર જણાવામાં આવી હતી. કૂવામાંથી પાણી આવ્યા બાદ બંજર જમીનમાં મહિલાઓ આજે શાકભાજી ઉગાડે છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ખાલવા બ્લોકનું લંગોટી ગામ આદિવાસીઓની બહુમતી ધરાવતું ગામ છે. 1900 લોકોની વસતી ધરાવતા આ ગામમાં ઘણા સમયથી પાણીની મુશ્કેલી હતી. ગામમાં બે હેન્ડપંપ હતા તે પણ ધીમે ધીમે સુકાઈ ગયા હતા. વરસાદનો સમય તો પસાર થઈ ગયો. ત્યાર પછી પણ એક મહિનો વિતી ગયો. ત્યારપછી મહિલાઓની મુશ્કેલીઓ વધવા લાગી. 2011 પછી અહીંયા પાણીની મુશ્કેલીઓ વધી ગઈ. આ મુશ્કેલીઓનો સમગ્ર ભાર મહિલાઓના માથે જ આવ્યો. સવારે જાગ્યા બાદ બે થી અઢી કિલોમીટર દૂર ચાલતા જઈને બીજા ગામમાંથી પાણી ભરી લાવવું પડતું. ત્યાં પહોંચ્યા બાદ પણ વીજળી અને ખેતરના માલિકોના આશરે બેસી રહેવું પડતું. ઘણી વખત તેમને ખાલી હાથે પણ પાછા ફરવું પડતું. પાણીની મુશ્કેલીઓ દરરોજ વધતી જતી હતી. દરેક મહિલા પોતાના ઘરના પુરુષોને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કરગરતી હતી. ઘરમાં આ અંગે જેવી ચર્ચા શરૂ થતી કે તરત જ પૂરી પણ થઈ જતી. બીજા દિવસે સવારે ફરીથી પાણી માટે લાચારી અને શરમનો અનુભવ કરવો પડતો.

હવે મહિલાઓની ધીરજ ખૂટતી જતી હતી. ઘરની ચાર દીવાલોમાંથી અવાજ હવે બહાર આવવા લાગ્યો હતો. એક-એક કરીને ગામની મહિલાઓ ભેગી થવા લાગી હતી. ઘરના પુરુષોને તો તેઓ ઘણા સમયથી અરજ કરતી હતી. પાણી લાવવાની જવાબદારી મહિલાઓની હતી તેથી ગામના પુરુષો પર તેની કોઈ જ અસર થતી નહોતી. તેમણે મહિલાઓને કહ્યું કે, અત્યાર સુધી જેમ પાણી લાવતી હતી તેમ જ લાવ્યા કરે. મહિલાઓએ હવે પંચાયત પાસે જવાનું નક્કી કર્યું. તેમણે પંચાયત પાસે જઈને અરજ કરી કે કપિલધારા યોજના હેઠળ તેમના ગામમાં કૂવો ખોદાવવામાં આવે. પંચાયત પણ જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની માનસિકતા જ ધરાવતી હતી. તેમણે મહિલાઓને આશ્વાસન આપીને પાછી ધકેલી દીધી. મહિલાઓ પોતાની જીદ પર અફર રહી. એક દિવસ, બે દિવસ, દસ દિવસ અને મહિના સુધી મહિલાઓની અવરજવર પંચાયતમાં ચાલુ જ રહી. મહિલાઓથી બચવા માટે પંચાયતે ફાઈલ બનાવીને સરકારી કચેરીમાં મોકલાવી દીધી અને મહિલાઓને પણ સરકારી કચેરીનો રસ્તો બતાવી દીધો. સરકારી કચેરીઓમાં પણ ફાઈલની એ હાલત થઈ જે બીજાની થાય. એક ટેબલથી બીજા ટેબલ અને એક કચેરીથી બીજી કચેરી ફાઈલ ફરતી રહી. ફાઈલ બાદ હવે ધક્કા ખાવાનો વારો મહિલાઓનો હતો. ઘણા સમય સુધી સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓના ધક્કા ખાધા પછી મહિલાઓને ખ્યાલ આવ્યો કે સરકારી કામ કરાવવું સરળ નથી.

સરકારી ઉદાસીએ મહિલાઓને માનસિક રીતે હતાશ કરી નાખી હતી. કહેવાય છે કે દરેક સમસ્યાનું સમાધાન ઠોકર ખાધા પછી જ આવે છે. મહિલાઓએ હવે જાતે જ પોતાની સમસ્યાનું સમાધાન લાવવાનું નક્કી કર્યું. બધાએ એકસૂરે નક્કી કર્યું કે તેઓ બીજાના ગામમાંથી પાણી નહીં લાવે. કૂવાને જ પોતાના ગામમાં લાવી દેશે. કોઈ મદદ કરે કે ન કરે પણ તેઓ આ કામ કરશે. ગામની અભણ અને અલ્પશિક્ષિત એવી 20 મહિલાઓએ પોતાના ગામમાં કૂવો ખોદવાનું નક્કી કર્યું. સવાલ એ હતો કે કૂવો ખોદીશું કેવી રીતે. કોઈ પોતાની જમીન પર કૂવો ખોદવા દેવા તૈયાર નહોતું. તેનું સમાધાન પણ એક બેઠકમાં થઈ ગયું. 50 વર્ષની ગંગાબાઈ અને 60 વર્ષની તેમની જેઠાણી રામકલીએ ગામમાં કૂવો ખોદવા માટે પોતાની જમીન મફતમાં આપી દીધી. એટલું જ નહીં રામકલી અને ગંગાબાઈએ કચેરી જઈને કૂવા માટે ગામ આપ્યાનું સોગંદનામું પણ કરી દીધું.

ગામમાં જ્યારે વાત પહોંચી કે મહિલાઓ કૂવો ખોદી રહી છે તો પુરુષોએ આ 20 મહિલાઓની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. લોકો ટોણા મારવા લાગ્યા કે 10 ફૂટ માટી તો ખોદી કાઢશો પણ નીચે પથ્થરો આવશે ત્યારે શું કરશો. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ દ્રઢસંક્લપ ધરાવતી હોય ત્યારે તેને કોઈ નાની-મોટી મુશ્કેલીઓ નડતી નથી. પર્વત જેવી મજબૂત ઈચ્છાશક્તી ધરાવતી મહિલાઓએ નક્કી કર્યું કે જેના ઘરે જમીન ખોદવાના જે ઓજારો હોય તે લેતી આવે. બીજા દિવસે ઘરકામ પતાવીને મહિલાઓ પોતાના ઘરેથી પાવડો, કોદાળી, દાતરડાં, તગારા, હથોડા લઈને નીકળી પડી. ઘરવાળાએ રોકવાનો પ્રયાસ કર્યો પણ મહિલાઓએ કોઈનું માન્યું નહીં. નક્કી કરેલા સમયે ગંગાબાઈ અને રામકલીની જમીન પર મહિલાઓ ભેગી થઈ. નારિયેળ ફોડીને જમીન ખોદવાની શરૂઆત કરવામાં આવી. એક એક કરીને દિવસો પસાર થતા હતા અને બીજી તરફ ધરતી પણ તેમને સાથ આપતી હતી. દરેક સંયુક્ત રીતે કામ કરતા ગયા. આઠ હાથ જેટલી જમીન ખોદાયા બાદ નીચે મોટા મોટા ખડકો આવવા લાગ્યા. હવે મહિલાઓની અગ્નિપરીક્ષા શરૂ થવાની હતી. પુરુષો ફરીથી મહિલાઓની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ જાણવા માગતા હતા કે મહિલાઓ ખરેખર શું કરી શકે છે. મહિલાઓની હિંમત તૂટી નહીં પણ ખડકો તૂટવા લાગ્યા. ધીમે ધીમે મહિલાઓના રસ્તામાંથી ખડકો દૂર થવા લાગ્યા. મહિલાઓ પર હસતા ચહેરા હવે કુતુહલ ધરાવતા થઈ ગયા હતા. કહેવાય છે ને કે નકારાત્મક વિચારો ધરાવતા કંઈ સારું વિચારી શકતા જ નથી. હવે પણ સમાજના એક મોટા ભાગને વિશ્વાસ હતો કે મહિલાઓ ગમે તે કરી લે પણ પાણી સુધી નહીં પહોંચી શકે.

એક દિવસ ગામમાં શોરબકોર થવા લાગ્યો કે, ઘાઘરા પલ્ટન (મહિલાઓનું ઝુંડ)ના કૂવામાંથી પાણી નીકળવા લાગ્યું છે. આખું ગામ કૂવાની આસપાસ ભેગું થઈ ગયું. કૂવાની મોટી શીલા તૂટેલી પડી હતી અને તેમાંથી પાણીની ધાર વહી રહી હતી. 20 મહિલાઓ જમીનથી નીચે 25 ફૂટે એકબીજાના હાથ પકડીને ગીતો ગાતી નાચતી હતી. જોનારા બધા જ આશ્ચર્યમાં હતા. બધા ખુશ હતા પણ ખુશ થવાની કે શાબાશી આપવાની હિંમત ગામના પુરુષોમાં હતી નહીં. ખરેખર ચમત્કાર થયો હતો. ગામ જ નહીં પણ આસપાસના ગામ, પંચાયત અને સરકારી કચેરીઓના લોકો કૂવો જોવા આવ્યા હતા. તેઓ જોવા માગતા હતા કે કેવી રીતે આદિવાસી ગામની 20 મહિલાઓએ પોતાના જોરે ગામમાં કૂવો ખોદી કાઢ્યો.

26 વર્ષની ફુલવતી યોરસ્ટોરીને જણાવે છે,

"મારા હાથ છોલાઈ ગયા હતા, લોહી નીકળતું હતું. બધી જ મહિલાઓની આ જ સ્થિતિ હતી. ખુશીની વાત એ હતી કે હવે અમારે દૂર જઈને પાણી નહોતું લાવવું પડતું કે ન તો તેના માટે શરમમાં મુકાવું પડતું. આજે અમે આ પાણી દ્વારા બંજર જમીનમાં શાકભાજી ઉગાડીએ છીએ."

ગામની મહિલાઓને આ કામમાં મદદ કરનારી સ્પંદન સંસ્થાના સીમા પ્રકાશ યોરસ્ટોરીને જણાવે છે, 

"આ કામ સરળ નહોતું પણ મહિલાઓએ કરી બતાવ્યું. 30 ફૂટ સુધી ખોદકામ કરવું સરળ નહોતું. હવે આ કૂવામાં આખું વર્ષ પાણી રહે છે. મહિલાઓ શાકભાજી પણ ઉગાડે છે. હવે મહિલાઓના ચહેરા પર વિશ્વાસ અને તેજ જોવા જોવા હોય છે."

લેખક- સચિન શર્મા

ભાવાનુવાદ- મેઘા નિલય શાહ 

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories