'સંગીત માર્તંડ' પંડિત જસરાજનાં જીવનની અછૂતી કથા

0

એક સમય હતો જ્યારે યુવા જસરાજ માતાની દવા શોધવા માટે સાઉથ કોલકાતાથી સેન્ટ્રલ કોલકાતા પગપાળા જતા હતા! જાણીએ પદ્મ વિભૂષણ પંડિત જસરાજના જીવનના એ કિસ્સાઓ જેને આજે પણ વાગોળી તેઓ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે...

કોઈ પણ સફળતા પાછળ સંઘર્ષની એક લાંબી કથા છૂપાયેલી હોય છે. ક્યારેક ક્યારેક આ સંઘર્ષની ગાથાઓ લોકોને ખબર પડે છે પરંતુ ક્યારેક આ કથાઓ અને સંઘર્ષો સફળતાની ઝાકઝમાળમાં ઓઝલ થઈ જાય છે. માંડમાંડ આ પડળો પાછાં ઉખડે છે અને સંઘર્ષની વણસ્પર્શેલી કથાઓ સામે આવે છે. હિન્દુસ્તાનના સંગીત ઇતિહાસમાં લાંબા સમય સુધી ચમકતા રહેલા સૂર્ય સમાન 'સંગીત માર્તંડ' પંડિત જસરાજ આજે સંગીતનાં ક્ષેત્રે સૌથી વરિષ્ઠ કલાકાર તરીકેનું અસ્તિત્વ ધરાવે છે. આખા વર્ષ દરમિયાન તેઓ ભલે ગમે ત્યાં રહે પરંતુ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓ હૈદરાબાદ ચોક્કસ આવે છે. અને જ્યારે તેઓ હૈદરાબાદ આવે છે ત્યારે સંઘર્ષની અનેક સ્મૃતિઓ તેમનાં માનસપટ ઉપર છવાઈ જાય છે. હૈદરાબાદમાં આ સ્મૃતિઓને તાજી કરીને વાગોળવા માટેની એક જ જગ્યા છે. અને તે છે તેમના પિતાની સમાધિ, જ્યાં આગળ કલાકો સુધી બેસીને તેઓ તેમને મળેલી સંગીતની એ ભેટને યાદ કરે છે કે જે તેમને પિતા દ્વારા આપવામાં આવી હતી. ચાર-પાંચ વર્ષની ઉંમર કંઈ વધારે ન કહેવાય અને આ ઉંમરે પિતાની ચિર વિદાયનું દુઃખ એ જ વ્યક્તિ સમજી શકે કે જેના ઉપર તે વીતી હોય અને અહીંથી જ શરૂ થાય છે સંઘર્ષની એક લાંબી યાત્રા...

હૈદરાબાદના અમ્બરપેટમાં પિતાની સમાધિ પાસે યોરસ્ટોરીના ડૉ. અરવિંદ યાદવ સાથે થયેલી ખૂબ જ અંતરંગ વાતચીત દરમિયાન પંડિતજીએ ઘણી બધી વાતો જણાવી. પોતાની આ મોટી સફળતા પાછળ છૂપાયેલા તત્વો વિશે પંડિત જસરાજ સ્પષ્ટપણે સ્વીકારે છે કે તેમનો સંઘર્ષ હજી પણ ચાલુ જ છે. એટલું જ નહીં, તેઓ જીવનની દરેક પળને એક સંઘર્ષ જ માને છે.

આજે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે માતાની દવા શોધવા માટે કોલકાતાની ગલીઓમાં ભટકતા યુવા જસરાજની છે. તે દિવસોની યાદોને વાગોળતા પંડિત જસરાજ કહે છે, "હું પિતાની સેવા નહોતો કરી શક્યો, માતા મારી સાથે હતી પણ તેને કેન્સરે જકડી લીધી હતી. પચાસના દાયકામાં કેન્સર હોવું એટલે શું કહેવાય તેનો અંદાજ આજે કાઢવો મુશ્કેલ છે. ડૉક્ટરે લખી આપેલી દવાઓ લેવા માટે પગે ચાલતો સાઉથ કોલકાતાથી સેન્ટ્રલ કોલકાતા પહોંચ્યો. મોટાભાગની દવાઓની દુકાનોમાં તે દવાઓ જ નહોતી. અંતે એક દવાની દુકાનમાં દવાઓ મળી તો તે મોંઘી દવાઓ ખરીદવા માટે ખિસ્સામાં એટલા રૂપિયા નહોતા. જેટલા રૂપિયા હતા તે બધાં મેં દવાવાળાને આપી દીધા અને કહ્યું કે બાકીના પછી આપીશ. ત્યારે દવાના દુકાનદારે જવાબ આપ્યો કે દવાની દુકાને ક્યારેય ઉધારી જોઇ છે? પણ તે વખતે કોઈએ મારા ખભા ઉપર હાથ મૂક્યો અને દવાવાળાને કહ્યું કે જેટલા રૂપિયા હોય તેટલા લઈને તમામ દવાઓ આપી દો અને બાકીનાં રૂપિયા મારાં ખાતામાં લખી નાખજો... તેઓ દુકાનના માલિક હતા. ખબર નહીં કે મને કઈ રીતે ઓળખતા હતા."

પંડિત જસરાજ માને છે કે સંઘર્ષ, મહેનત, મજૂરી, રિયાઝ આ તમામ વસ્તુઓ જરૂરી છે પરંતુ તેની સાથે તમારા ઉપર ઉપરવાળાની મહેરબાની હોય તે પણ જરૂરી છે. સંઘર્ષમાં એ જ તમારો સાથ આપે છે. પંડિતજીએ અત્યાર સુધી હજારો લોકોને જમીનથી આકાશ સુધીનો માર્ગ ચીંધ્યો છે. તેમનાં પોતાનાં જીવનમાં પણ એવી અનેક કથાઓ છે કે જે બીજાને માર્ગ ચીંધી શકે છે. અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પંડિતજી જણાવે છે, "માતા માટે દવાની વ્યવસ્થા તો થઈ ગઈ હતી પરંતુ ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમને દિવસમાં બે વખત ઇન્જેક્શન આપવાં પડશે. તે વખતે ડૉક્ટરે એક વિઝિટના રૂ. 15 કહ્યા હતા. તે દિવસોમાં દિવસના રૂ. 30 મેળવવા ખૂબ જ કઠિન કામ હતું. પરંતુ માનો સવાલ હતો એટલે મેં હા પાડી દીધી. બીજે દિવસે ડોક્ટર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું કે આજે સાંજે 'ઑલ ઇન્ડિયા રેડિયો' સાંભળજો, હું ગાવાનો છું. તો તેમણે જણાવ્યું કે મને સંગીત સાંભળવાનો શોખ નથી અને હું મારી ભાણીને ત્યાં જમવા જવાનો છું. હું નિરાશ થઈ ગયો. પરંતુ જ્યારે બીજા દિવસે ડૉક્ટર સાહેબ આવ્યા તો તેમનો મૂડ એકદમ બદલાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે મેં તમારું ગીત સાંભળ્યું, તમને ખબર છે મેં મારી ભાણીને ત્યાં તમારું ગીત સાંભળ્યું. મારી ભાણીએ મને કહ્યું કે આ ગાયક કલાકાર પાસે પૈસાની કમી છે. તેમની એ ભાણી બીજું કોઈ નહીં પરંતુ ગીતા રૉય હતી જે પછી ગીતા દત્ત તરીકે પ્રખ્યાત થઈ. તે દિવસ પછી ડૉક્ટરે વિઝિટ ફી તરીકે માત્ર રૂ. 2 લેવાની શરૂઆત કરી દીધી. આમ, સંઘર્ષના દિવસોમાં કોઈને કોઈ મારી સાથે ચાલતું રહ્યું."

પંડિત જસરાજ માને છે કે સંઘર્ષને કારણે જ સફળતા મળે છે પરંતુ સફળતા બાદ મગજમાં રાઈ ન ભરાઇ જવી જોઇએ. જ્યારે માણસમાં અહંકાર આવે છે ત્યારે તેનું પતન થઈ જાય છે અને તેના સંઘર્ષનું મહત્વ પણ ઘટી જાય છે.

પંડિત જસરાજનાં બાળપણના કેટલાક દિવસો હૈદરાબાદની ગલીઓમાં વીત્યા છે. અહીંના ગૌલીગુડા ચમન અને નામપલ્લી જેવા કેટલાક મહોલ્લાઓ છે કે જ્યાં પંડિતજીનાં બાળપણની યાદો રહેલી છે. તેમને સ્કૂલના રસ્તે જતાં વચ્ચે આવતી એક હોટલ પણ યાદ છે કે જ્યાં ઊભા રહીને તેઓ બેગમ અખ્તરની ગઝલ 'દિવાના બનતા હૈ તો દિવાના બનાદે, વરના કહીં તકદીર તમાશા ન બના દે' સાંભળતા હતા. આ ગઝલે તેમની સ્કૂલ છોડાવી દીધી અને પછી તેઓ તબલાં વગાડવા લાગ્યા. વર્ષો બાદ લાહોરમાં તેમને મંચ ઉપર મુખ્ય આકર્ષણ ધરાવતા ગાયક બનવાની ઇચ્છા થઈ અને પછી ગાયક બનવા માટે પણ લાંબા સંઘર્ષનો દોર ચાલુ રહ્યો. પંડિતજી માને છે કે આ લાંબા જીવનમાંથી જો કોઈ પ્રેરણા લેવી હોય તો તે એ છે કે માણસે સતત કામ કરતાં રહેવું જોઇએ. ગાવાનો શોખ હોય તો શીખ્યા કરો અને સતત રિયાઝ કરતા રહો. અને પેલા ઉપરવાળાની મહેરબાનીની રાહ જુઓ.

લેખક- ડૉ.અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી