છૂત-અછૂત, ગરીબી, બાળલગ્ન, ઘરેલુ હિંસાનો ભોગ બની પણ મક્કા મનોબળે વધી આગળ, એક નહીં કેટલાંયે ઉદ્યોગોની માલિક, મેળવ્યો પદ્મશ્રી એવોર્ડ!

છાણા થાપતી એક દલિત છોકરી કેવી રીતે એક સફળ ઉદ્યોગપતિ બની, તે સ્ટોરી ખરેખર જાણવા જેવી છે

0

કલ્પના સરોજ, જેમની ગાણતરી આજે ભારતના સફળ ઉદ્યોગપતિઓમાં થાય છે. જેઓ અનેક કંપનીઓ ચલાવે છે અને કરોડો સંપત્તિના માલિક છે. સમાજસેવાના સ્વભાવના કારણે તેઓ વધુ ચર્ચામાં રહે છે. પરંતુ કલ્પના સરોજના જીવનમાં જે ઘટનાઓ ઘટી છે તે કલ્પના પણ કરી શકાય તેવી નથી. છાણા થાપતી એક દલિત છોકરી કેવી રીતે એક સફળ ઉદ્યોગપતિ બની, તે સ્ટોરી ખરેખર જાણવા જેવી છે.

કલ્પનાની કહાની ઘણી પ્રેરણાદાયી

છૂત – અછૂત, ગરીબી, બાળલગ્ન, સાસરીયાંના હાથે શોષણ, અપમાન... આ તમામ પરિસ્થિતિઓનો અનુભવ કલ્પનાએ કર્યો છે. આ પરિસ્થિતિથી કંટાળીને કલ્પનાએ એક વાર તો આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. કેટલાંયે લોકોનું માનવું છે કે કલ્પનાની જિંદગી એક ફિલ્મી સ્ટોરી જેવી છે. પરંતુ આ લોકો એવું પણ કહે છે કે કલ્પનાએ તેના જીવનમાં જે રીતે દુઃખ દર્દ સહન કરીને સફળતાની જે ઉંચાઈ પ્રાપ્ત કરી છે, તે રીતે તેની સ્ટોરી લોકોને પ્રેરણા આપે છે.

કલ્પના સરોજનો જન્મ મહારાષ્ટ્રના અકોલા જીલ્લાના રોપરખેડા ગામડામાં એક ગરીબ દલિત પરિવારમાં થયો હતો. કલ્પનાના જન્મ સમયે દલિતોની સ્થિતિ સારી ન હતી. દલિતો સાથે ગામમાં ભેદભાવ થતા હતાં. કલ્પનાના પિતા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ હતાં. તેઓ તેમની દીકરી કલ્પનાને ખૂબ જ પ્રેમ કરતા હતાં. તેમની ઇચ્છા હતી કે કલ્પના ખૂબ જ ભણે. તેના પિતાજીએ તેનું એડમિશન એક સ્કૂલમાં કરાવી દીધું, પરંતુ દલિત હોવાના કારણે તેની સાથે ખૂબ જ ભેદભાવ થતા. સ્કૂલના કેટલાક કાર્યક્રમોમાં તેને ભાગ ન લેવા દેવાય, મિત્રો તેને ઘરમાં ઘૂસવા ના દે, જ્યારે કેટલાક બાળકો તો કલ્પનાને અડવાથી પણ ગભરાતા હતાં. પરંતુ ભણતર સામે આ બધા અપમાન તેઓ સહન કરી લેતા હતાં. ઘરમાં પૈસાની મદદ થઇ રહે તે માટે તેઓ છાણા પણ થાપતા અને તેનું વેચાણ કરતા.

એ સમયગાળામાં સમાજમાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સમાજના દરેક લોકોની વાતો માનતા હતાં. કલ્પના સાથે પણ કંઇક આવું જ બન્યું પરિવાર અને સગાસંબંધીઓના કહેવાથી માત્ર 12 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન કરી દેવામાં આવ્યા. જેમના લગ્ન તેમના કરતા 10 વર્ષ મોટી વ્યક્તિ સાથે કરવામાં આવ્યા. લગ્નના કારણે તેમણે તેમનું ભણતર અધવચ્ચે જ છોડી દેવું પડ્યું.

સાસરીયાંઓનો માર પણ સહન કર્યો...

કલ્પનાનો પતિ તેને તેની સાથે મુંબઇ લઇ ગયો. જ્યા તેઓ એક બસ્તીમાં રહેતા હતા. સમસ્યા અહીંથી જ નહોતી અટકતી. તેની સાથે તેના જેઠ-જેઠાણી પણ રહેતા હતાં. જે કલ્પના સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતાં. તેને વાળ પકડીને રોજ મારતા – પિટતા તથા તેને બે ટંકનું પૂરતું જમવાનું પણ મળતું ન હતું. કલ્પનાના આ દિવસો ખૂબ જ દુ:ખદ હતાં. કલ્પનાના પિતા જ્યારે તેને મળવા માટે મુંબઈ પહેંચ્યા ત્યારે પોતાની દિકરીની આ હાલત જોઇ તેમને પણ ખૂબ જ દુ:ખ થયું અને બસ તેમણે પોતાની દીકરીને પોતાની સાથે પાછી લઇ જવાનો નિર્ણય કરી લીધો. તેઓ કલ્પનાને પોતાની સાથે પોતાના ગામડે પાછા લઇ આવ્યા.

કલ્પનાએ સિલાઇકામની સાથે સાથે સ્કૂલમાં પણ ફરી એડમિશન લઇ લીધું. તેણે પોલીસ વિભાગમાં પણ નોકરી માટે કોશિશ કરી પણ સફળતા ના મળી. થોડા સમય બાદ ગામડામાં પણ લોકો હવે કલ્પનાનું અપમાન કરવા લાગ્યા હતાં. આ બધાથી કંટાળીને કલ્પાનાએ આત્મહત્યા કરવા ઝેરી દવા પી લીધી. પરિવારને આ વાતની જાણ થતા તેઓ તરત જ તેને દવાખાને લઇ ગયા અને તેની જિંદગી બચાવી લેવામાં આવી.

માત્ર બે રૂપિયાથી થઇ જિંદગીની નવી શરૃઆત!

હોસ્પિટલથી પરત ફર્યા બાદ કલ્પનાએ નક્કી કર્યું કે હવે તે બીજાની વાતો નહીં સાંભળે. તે પોતાની જિંદગી પોતાની રીતે જીવશે અને જીવનમાં કંઇક મેળવીને જ રહશે. પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે તેમણે ગામડું છોડી ફરીથી મુંબઇ જવાનો નિર્ણય લીધો. તે પોતાના માટે કંઇક કરવા માંગતી હતી. આ માટે મુંબઇમાં એક વિશ્વાસુ સંબંધીને ત્યાં રહેવા લાગી અને હોઝીયરી શોપમાં સિલાઇમશીનનું કામ શરૂ કરી દીધું. આ સ્ટોરમાં કામના બદલામાં કલ્પનાને રોજના માત્ર બે રૂપિયા મળતા હતાં. કામનો સિલસિલો આ રીતે ચાલતો હતો અને અચાનક કલ્પનાની બહેન બીમારી પડી ગઇ. અનેક રૂપિયા ખર્ચ કરવા છતાં પણ તેની જિંદગી બચી શકી નહીં. બસ આ ઘડીએ જ કલ્પનાએ નક્કી કર્યું કે રૂપિયા કમાવવાની સાથે સાથે એવું પણ કંઇક કામ કરવું છે જેનાથી આત્મસંતોષ મળે.

એક નવા બિઝનેસની શરૂઆતે આપી નવી જિંદગી

જિંદગીમાં અનેક પછડાટ ખાધા બાદ કલ્પનાએ હવે પોતાનો કંઇક નવો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. તેણે ફર્નિચરનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું. આ બિઝનેસ દરમિયાન તેની મુલાકાત એક અન્ય ફર્નિચરનો બિઝનેસ કરતી વ્યક્તિ સાથે થઇ જેણે કલ્પનાનું મન જીતી લીધું. કલ્પનાએ આ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા. તેમના ૨ બાળકો પણ છે. પરંતુ જિંદગીએ એક વાર ફરી કલ્પનાથી રિસાઇ ગઇ અને 1989માં તેના પતિ મૃત્યું પામ્યા. તેને વારસામાં તેના પતિ દ્વારા કબાટ બનાવવાનું એક કારખાનું મળ્યું હતું. પરંતુ આ કારખાનું નુક્સાનમાં ચાલી રહ્યું હતું. બાળકોના ભવિષ્ય અને તેમના ભણતર માટે કલ્પનાએ આ કારખાનાને ફરીથી ધગધગતું કરવા માટે ખૂબ જ મહેનત કરી.

1994માં જમીન-મિલકતનો બિઝનેસ કર્યો જ્યારે 1997માં એક વિત્તિય સંસ્થાની મદદથી કલ્પનાએ 4 કરોડ રૂપિયાના ખર્ચે એક કોમ્પલેક્સનું નિર્માણ કર્યું. આ કોમ્પ્લેક્સને વેચીને તેણે ઘણો નફો મેળવ્યો. બસ ત્યારબાદ તેણે બાંધકામ ઉદ્યોગ અને રીઅલ એસ્ટેટમાં પણ બિઝનેસની શરૂઆત કરી દીધી અને નફાની એક મોટી રકમ શેરડીના ઉદ્યોગમાં પણ રોકી. તેમણે અહમદનગરના ‘સાંઈકૃપા શક્કર કારખાના’ના શેર ખરીદી લીધા અને તે કંપનીના ડિરેક્ટર બની ગયા.બસ હવે સફળતા તેના કદમ ચૂમવા લાગી હતી.

કમાની ટ્યુબ્ઝ કંપની દ્વારા હાંસિલ કર્યો એક અનોખો મુકામ

2006માં કલ્પનાની કંપની ‘કલ્પના સરોજ એસોસિયેટ્સ’ દ્વારા ‘કમાની ટ્યુબ્ઝ’ને ટેકઓવર કરવાની જાહેરાત કરવામાં આવી. કલ્પના સરોજની છાંપ કઇક એવી હતી કે કમાની ટ્યુબ્ઝના માલિકો વિચારતા હતાં કે નુક્સાન કરી રહેલી આ કંપનીને કલ્પના જ ખરીદી શકે છે.

કમાની ટ્યુબ્ઝની શરૂઆત પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રામજી કમાનીએ કરી હતી. જે જવાહરલાલ નેહરૂના ખૂબ જ સારા મિત્ર હતાં. પરંતુ પરિવારમાં કેટલાક મતભેદ આવતા આં કંપની નુક્સાન કરવા લાગી હતી. કરોડોનું નુક્સાન હતું. પરંતુ જ્યારે 2006માં કલ્પના સરોજના હાથમાં જ્યારે આ કંપની આવી ત્યારે તેની રૂપરેખા જ બદલાઇ ગઇ. પોતાના નવા નવા વિચારો અને કારીગરોની મહેનતે આ કંપનીને ફરીથી એક નવી ઉંચાઇ પર લાવીને ઊભી કરી દીધી. આજે ભારતના ઉદ્યોગમાં આ કંપનીને એક ઉદાહરણરૂપ જોવામાં આવે છે.

કરોડો સંપત્તિના માલિક બનવા છતાં પણ કલ્પનાએ સમાજસેવા કરવામાં કોઇ કસર છોડી નથી. જેઓ મહિલાઓ, આદિવાસીઓ, દલિતો, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે અનેક પ્રકારના કાર્યક્રમો કરે છે.

કલ્પના સરોજ આજે એક નહીં અનેક ઉદ્યોગોના માલિક છે. છતાં પણ સેવાભાવી સ્વભાવના કારણે તેઓ વધારે ચર્ચામાં રહે છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia