મુંબઈ ટેક્સીઝનું 'મેકઓવર' કરી સમાજમાં 'કલાત્મક' બદલાવ લાવવાનો અનૂઠો પ્રયાસ

મુંબઈ ટેક્સીઝનું 'મેકઓવર' કરી  સમાજમાં 'કલાત્મક' બદલાવ લાવવાનો અનૂઠો પ્રયાસ

Friday October 30, 2015,

6 min Read

ડિઝાઈનર્સ માટે મુંબઈની ટૅક્સીઓ તેમની કલાનું પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગઈ છે જેનો સામાજીક કાર્ય માટે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોઈ પણ કલાકાર માટે, ટૅક્સીનો કૅન્વસરૂપે ઉપયોગ કરીને, પોતાની કલાનું પ્રદર્શન કરવું એક અસામાન્ય વાત છે. પણ સાંકેત અવલાની માટે, આ એક ઉપયુક્ત માધ્યમ બની ગયું, જે કલાકારો માટે તેમના સૌંદર્યલક્ષી સ્પર્શ ઉમેરવાનું પ્લેટફોર્મ બની ગઈ. છતાંય, ઘણાં લોકો માટે આ અણગમતી બાબત પણ હોઈ શકે છે.

સાંકેત અવલાની જણાવે છે, “હું કામ પર જવા માટે દરરોજ ટૅક્સીનો ઉપયોગ કરતો. સીટ પરના કવર મને ઘણાં ગમ્યાં અને મેં તે કાપડના ફોટો લેવાનું શરૂ કરી દીધું અને મારા બ્લોગ પર તેમનું કૅટૅલૉગ બનાવી દીધું. મારા મનમાં વ્યવસાય વિશે વિચાર નહોતો આવ્યો, આ માત્ર એક ડિઝાઈનરની સહજવૃત્તિ હતી, અને આ જ સહજવૃત્તિએ મને જણાવ્યું કે આ જગ્યાનો ઘણી સારી રીતે ઉપયોગ કરી શકાય છે, જે કન્ટેમ્પરરી હોય તથા લોકો સાથે સંપર્ક પણ સ્થાપી શકે. જોકે ઘણાં લોકોએ મને કહ્યું હતું કે, આ એક બ્લાઈન્ડ સ્પોટ છે."

image


ટૅક્સી ફેબ્રિકનો જન્મ, શુદ્ધ અભિરુચિ અને તે જગ્યાને પરિવર્તિત કરવાનાં વલણ સાથે થયો હતો. સાંકેત કહે છે, “અત્યાર સુધી આ એક ડિઝાઈન પ્રોજેક્ટના રૂપમાં શરૂ થયો હતો. પણ મને એ વાતનો અહેસાસ થયો કે, જો હું ટૅક્સી પર ડિઝાઈન બનાવીશ તો હજારો લોકો મારા કામને જોશે. તો એક ડિઝાઈન પ્રોજેક્ટમાંથી, આ પ્રોજેક્ટ હવે, જેઓ ખરેખર લાયક છે એવાં યુવાન અને આગામી ડિઝાઈનરો માટેના પ્લેટફોર્મ તરીકે પરિવર્તિત થઈ ગયું છે."

સાંકેતે, તેના મિત્ર વર્તુળમાં આવેલાં અન્ય ડિઝાઈનરો સાથે મળીને, કેટલીક ટૅક્સીઓ માટે સીટ કવર ડિઝાઈન કર્યા, જે ટૅક્સીની અંદરની ફ્રેમને પણ કવર કરે.

એ મારા પર નિર્ભર હતું કે, હું ડિઝાઈનને ફૅબ્રિક પર કેવી રીતે પરિવર્તિત કરું છું, અને ત્યાર બાદ તેમને ટૅક્સીની જરૂરીયાત મુજબ કેવી રીતે તૈયાર કરું છું. ફૅબ્રિકની ક્વૉલિટીથી તેની સિલાઈ, વેન્ડર્સને શોધવા, કુશળ કારીગરો અને પ્રિન્ટર્સ શોધવાં વગેરેનું કામ શરૂઆતમાં ઘણું જ કપરું અને ભયાનક લાગતું હતું. મને સાથી ડિઝાઈનરો, ટૅક્સીચાલકો, ઉદ્યોગસાહસિકો તથા મિત્રો સાથે વાત કરીને, કાર્યને શરૂ કરી દેવામાં તથા સમયની સાથે શીખવું જ સારું રહેશે એ વાતનો ઉકેલ લાવવામાં એક વર્ષનો સમય લાગ્યો."

image


સાંકેતની કારકિર્દી તેમને એક વર્ષ માટે લંડન લઈ ગયી, પણ તેઓ તેમના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને તેમની સાથે લઈ ગયા હતાં. તેઓ મુંબઈમાં તેમના પ્રોજેક્ટને શરૂ કરવાની તૈયારીમાં જ હતાં, તેવામાં તેમની મુલાકાત નતાલી ગોર્ડન સાથે થઈ જેમને, સાંકેતે તેમની સમસ્ત યોજના વિશે જણાવ્યું. નતાલીએ સાકંતને તેમનો પ્રોજેક્ટ ‘કિક્કસ્ટાર્ટર’ નામક, કલાત્મક પ્રોજેક્ટ્સ માટે ક્રાઉડફંડિગ કરતાં પ્લેટફોર્મ પાસે લઈ જવાનું સૂચવ્યું.

“મેં જોયું કે તેમના ઘણાં બધાં અભિયાનો સફળ રહ્યાં હતાં, અને તેથી મેં એ વાતનું સંશોધન કરવાનું શરૂ કર્યું કે કેવાં પ્રોજેક્ટ્સને ફંડિગ મળતું હતું. થોડાક જ સમયમાં અમે અમારા અભિયાનને લૉન્ચ કરવા માટે તૈયાર હતાં. અમે અમારા પ્રોજેક્ટમાં નિવેશ કર્યો અને શરૂઆતમાં પાંચ ટૅકસી પર કામ કર્યું. ડિઝાઈનર ગૌરવ ઓગલે, અમારી એક ટૅક્સીને તૈયાર કરવા માટે આવ્યાં હતાં. મેં બીજી ટૅક્સીને ડિઝાઈન કરી, અને બાકી બચેલી ટૅક્સીઓ માટે વધુ ત્રણ ડિઝાઈનરોને બોલાવ્યાં. અમે આ પ્રોસેસને તથા અમને મળેલા પ્રતિભાવને ડૉક્યૂમેન્ટ કર્યો અને ‘કિક્કસટાર્ટર’ માં આપ્યો. અમે ત્યાં એવું જણાવ્યું કે આ એક એવું પ્લેટફોર્મ છે, જે ડિઝાઈનરોને મુંબઈના લોકપ્રિય પરિવહન પર તેમની કલાનું પ્રદર્શન કરવાનો અવસર આપશે."

આ વાત તેમના પર અસર કરી ગઈ અને તેઓ GBP-8,000 ફંડરેઝર સુધી પહોંચી ગયાં હતાં, જે આઠ લાખ રૂપિયાની નજીક હતું, જેથી ટૅક્સી ફૅબ્રિક, 25 ટૅક્સીઓનાં કાફલાંને તૈયાર કરી શકે. “અમે આ લક્ષ્ય સુધી માત્ર બે અઠવાડિયામાં જ પહોંચી ગયાં, જોકે અમને એમ હતું કે આમાં ચાર અઠવાડિયા લાગી જશે! લંડનની મારી કંપનીએ મારા પ્રોજેક્ટમાં વિશ્વાસ ધરાવ્યો અને અમને એક લાખ રૂપિયાનું કોર ફંડ આપ્યું. આજે પણ અમારા મોટાભાગના અભિયાનો માટે, અમેરિકાના લોકો જ ફંડ આપે છે."

હવે તે લોકોએ લગભગ 30 ટૅક્સીઓ માટેનું ફંડ ભેગું કરી દીધું છે, તેથી તેઓ હવે તેનો સદુપયોગ કેવી રીતે કરવો એ વિશે વિચારી રહ્યાં છે. ટૅક્સી ડ્રાઈવરો તેમને તેમની ડિઝાઈનને પ્રદર્શિત કરવા માટે મફતમાં જગ્યા આપી રહ્યાં છે, જે આ લોકો માટે ઘણી જ જરૂરી બાબત હતી. સાંકેત જણાવે છે કે, “બદલામાં અમે તેમને ટૅક્સી તૈયાર કરવા દરમિયાન, ટૅક્સીને રોકી રાખવાં માટેનાં પૈસા ચૂકવીએ છીએ.”

બધાં ડિઝાઈનરોને સોંપવામાં આવેલી ટૅક્સી પર, તેમની મરજી મુજબ ડિઝાઈન કરવાની છૂટ આપવામાં આવી હતી, છતાંય બધાં આર્ટવર્કમાં એક જ બહુચર્ચિત થીમ જોવા મળી રહી હતી. મૉર્ડન આર્ટનાં સાફ તથા તરંગી સ્ટ્રોક્સ દ્વારા, શહેરનાં જુનાં અને જાણીતાં ચિહ્નો, દેશ, સંસ્કૃતિ તથા લોકોને, આ ડિઝાઈનમાં સારી રીતે દર્શાવવામાં આવ્યાં હતાં, જે ટૅક્નીકલરના ઉત્તમ કક્ષાનાં વિસ્ફોટ સમાન છે. જ્યાં એક ડિઝાઈનમાં મુંબઈના વિવિધ યુગોને દર્શાવવામાં આવ્યાં હતાં, ત્યાં જ બીજી બાજુ, ઈલેક્ટ્રિક બ્લ્યૂ રંગની પૃષ્ઠભૂમિવાળા એક સાદા સીટ કવર પર, કૅન્ડી બ્રાઉન રંગની મુંબઈની પ્રિય કટિંગ ચ્હાને દર્શાવવામાં આવી હતી. કોઈ પણ ડિઝાઈન ચૂકવા લાયક નહોતી, અને સાંકેતની ટીમને આનંદ આપનારા પ્રતિભાવ મળી રહ્યાં હતાં.

image


“ડિઝાઈનરો માટે, મુંબઈની ટૅક્સીઓ તેમની કલાનું પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગઈ છે, અને તેનો સામાજીક કાર્ય માટે પણ ઉપયોગ કરી શકાય છે. ડિઝાઈન, લોકો સાથે સંપર્ક સાધે છે અને તેનામાં, ભાષણ આપ્યાં વગર સુંદર રીતે બદલાવ લાવવાની તાકાત છે."

image


સ્વતંત્રતા દિવસ માટે આયોજીત કરાયેલું અભિયાન, સાંકેત માટે ખૂબ જ ખાસ છે. “મને એ વાતનું ઘણું દુ:ખ થાય છે કે, આપણાં પાડોશી દેશ સાથેનાં સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યાં છે, અને આજે પણ આપણે સરહદની પેલી પારના લોકો વિશે ઘણી ખોટી ધારણાઓ બાંધીને બેઠા છીએ. અમે કરાચી સ્થિત એક ડિઝાઈનર સામ્યા આરિફ સાથે સંપર્ક સાધ્યો, જેથી અમે કેટલીક કલ્પિત વાતોનું સત્ય સામે લાવી શકીયે. સામ્યાએ મનમાં કોઈ પણ જાતનો સંદેહ રાખ્યાં વગર, તરત જ પ્રત્યુત્તર આપ્યો. આમાં સૌથી મોટી સફળતા તો એ હતી કે, સામ્યાને યુ.એનનાં પ્રતિનિધિ દ્વારા ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો કે, તેઓ અમારા વિશે વાત કરી રહ્યાં છે, અને દુશ્મની માટે કુખ્યાત બે દેશો વચ્ચે શાંતિ લાવવાનાં અમારા પ્રયાસોની તેઓ ઘણી સરાહના કરે છે."

હાલમાં તેમનું વેન્ચર કમાઉ નથી, તેમની સાથે જોડાયેલાં ઘણાં સ્થાપિત ડિઝાઈનરો પોતાના ફૅબ્રિક માટે જાતે પૈસા આપે છે, જેથી ટીમનો ભાર હળવો થઈ જાય છે.

image


અન્ય એક અભિયાન જે તેમણે ચલાવ્યું હતું, તે હતું ‘ઈન્ડિયન સાઈન લેન્ગવેજ પ્રોજેક્ટ’. ભારતમાં બધિર લોકોની વસ્તી, સમસ્ત યુરોપ ખંડના બધિર લોકો કરતા વધારે છે, પણ તેમના માટે સંચાર તથા અભિવ્યક્તિનો અંતર ઘણું આશ્ચર્ય પમાડે તેવું છે. આ બાબતે, ટૅક્સી ફૅબ્રિકનો ઉકેલ એ છે કે, ટૅક્સીને સાઈન લેન્ગવેજનું પાયાનું જ્ઞાન આપવા માટે, સંપૂર્ણ રીતે વપરાશ યોગ્ય ગાઈડ તરીકે કવર કરવામાં આવે. જ્યારે બધિર વિદ્યાર્થીઓને ખાસ તૈયાર કરેલી ટૅક્સી બતાવવામાં આવી, ત્યારે તેમની ખુશીનો પાર નહોતો. તેમણે પહેલી વાર તેમની ભાષાને આવી સાર્વજનિક જગ્યાએ જોઈ હતી.

હાલમાં ટ્રકર્આર્ટ દ્વારા પ્રેરાઈને, ટ્રક પર જેમ વિવિધ સંદેશ લખ્યાં હોય છે, તેમ જ, રોડ સેફ્ટીના સંદેશની ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

આગળ જતાં, વિવિધ સંસ્થાઓની નજરમાં અમે પોતાનું મહત્વ સ્થાપિત કરવા માંગીએ છીએ. અમે કોઈ પણ એવાં બ્રાન્ડ સાથે જોડાવા ઈચ્છીશું, જે સાંસ્કૃતિક રીતે સારા અભિયાન ચલાવી રહ્યું છે. એવાં ઘણાં બ્રાન્સેાં અમારો સંપર્ક સાધ્યો છે, જેઓ ઈચ્છતા હતાં કે અમે તેમના માટે, તેમની રીતે ડિઝાઈન બનાવીયે, પણ હજી સુધી અમે એવાં કોઈ પણ કામને હાથમાં નથી લીધું, જે અર્થપૂર્ણ ડિઝાઈન દ્વારા સમજણ અથવા ઉકેલ આપવાનાં અમારા સત્વને બદલી નાખે. અમારું સપનું છે કે, અમારી કલાને વિવિધ સાર્વજનિક જગ્યાઓ સુધી લઈ જવા માટે, સરકાર અમારો સંપર્ક કરે”.

લેખક- બિંજલ શાહ

અનુવાદક- નિશિતા ચૌધરી