ડાન્સ માટે કાંઇ પણ કરશે ટેરેંસ લુઈસ!

ડાન્સ માટે કાંઇ પણ કરશે ટેરેંસ લુઈસ!

Wednesday October 21, 2015,

4 min Read

‘બૂગી-વૂગી’એ ડ્રોઇંગરૂમ ડાન્સર્સને એક મંચ આપી પોતાનામાં રહેલો ટેલેન્ટ દુનિયાને બતાવવાની તક આપી જ્યારે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’, ‘નચ બલિએ’ અને ‘ઝલક દિખલા જા’ જેવા ડાન્સ આધારિત રિયાલિટી શોએ આ ટ્રેન્ડને આગળ વધારી દરેકના ઘર સુધી પહોંચાડી દીધો. આવા કાર્યક્રમોની ખાસિયત એ હતી કે આમાં ભાગ લેનાર પ્રતિયોગીયોથી માંડીને જજીસ સુધી બધાને ખૂબ પ્રસિદ્ધી અને પ્રેમ મળ્યો. જાણીતા કોરિયોગ્રાફર ટેરેંસ લુઈસ ‘ડીઆઇડી’, ‘નચ બલિએ’, ‘હિંદુસ્તાન કે હુનરબાજ’ અને ‘ચક ધૂમ ધૂમ’ જેવા શોના જજ રહી ચૂક્યા છે. ટેરેંસની ખાસિયત એ છે કે તેઓ પ્રતિયોગીયોને ખૂબ પ્રોત્સાહિત કરે છે. અને પોતાની કોમેન્ટ્સની મદદથી ડાન્સર્સને બેસ્ટ પર્ફોર્મન્સ આપવા પ્રેરિત કરે છે. જેના કારણે તેઓ આજે પોતાનો અલગ મુકામ બનાવવામાં સફળ થયા છે.

image


ટેરેંસ લુઈસ માઇક્રોબાયલોજિસ્ટ છે અને તેમણે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો છે. જોકે ડાન્સમાં ખૂબ જ રૂચિ હોવાને કારણે ટેરેંસે ડાન્સના ક્ષેત્રમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું અને પોતાના દિલનો અવાજ સાંભળીને એ જ કામ પસંદ કર્યું જેમાં એમનું મન ઓતપ્રોત રહેતુ હતું. શરૂઆતમાં ટેરેંસને પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો પણ ટેરેંસ જાણતા હતા કે તેઓ યોગ્ય રસ્તા પર જઇ રહ્યા છે. ટેરેંસની મહેનત, લગન અને સમર્પણે આજે તેમને ડાન્સના ક્ષેત્રમાં ખૂબ ઊંચો મુકામ અપાવ્યો છે. ટેરેંસનું માનવું છે કે વ્યક્તિએ જીવનમાં એવા જ કામની પસંદગી કરવી જોઇએ જે પોતે કરવા ઇચ્છતી હોય અને આવા કામમાં પોતાનો જીવ રેડી દેવો જોઇએ, અને જે કામ ન ગમતું હોય તે તો ક્યારેય ના કરવું જોઇએ.

આમ તો ટેરેંસને બાળપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો પરંતુ ડાન્સની પ્રોપર ટ્રેઈનિંગ તેમણે 14 વર્ષની ઉંમરે શરૂ કરી. એક વખત તેઓ મુંબઇમાં ઇંટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશનમાં પોતાની સ્કૂલને રિપ્રેઝેન્ટ કરી રહ્યાં હતાં ત્યારે જજ પરવેજ શેટ્ટીએ ટેરેંસમાં રહેલી ટેલેન્ટને ઓળખી લીધી. આ પ્રતિયોગિતામાં ટેરેન્સને પ્રથમ પુરસ્કાર મળ્યો અને ડાન્સ શીખવા માટે સ્કોલરશિપ પણ મળી. ડાન્સ ક્લાસમાં ટેરેંસનું મન એટલું પરોવાઇ ગયું કે તેના મનમાં 24 ક્લાક ડાન્સની જ વાતો ચાલતી રહેતી.

પરવેજ શેટ્ટી બાદ અમેરિકન મોડર્ન કન્ટેમ્પરરી ડાન્સ ટીચર જ્હોન ફ્રિમૈને ટેરેંસના જીવન પર પોતાની છાપ છોડી. વર્ષ 1996-97માં ટેરેંસે ફ્રિમૈન પાસેથી હોટન સ્ટાઇલ શિખી. આ પહેલા ટેરેંસને આવી ડાન્સ સ્ટાઇલ અંગે માહિતી નહોતી. ટેરેંસ આ નવી ડાન્સ સ્ટાઇલથી ઘણા પ્રભાવિત થયા. ત્યાર બાદ ટેરેંસે ન્યૂયોર્કની એલબિન એલી સ્કૂલમાં ડાન્સની તાલિમ પ્રાપ્ત કરી. ત્યાર બાદ સુજૈન લિંકી અને નાકુલા સોમાના જેવા વિદેશી ડાન્સર્સે ટેરેંસમાં રહેલી ટેલેન્ટને વધુ નિખાર આપ્યો.

ટેરેંસે પોતાના ડાન્સિંગ કરિયરની શરૂઆત એક ડાન્સ ટીચર તરીકે કરી. ત્યારબાદ તેમણે માધુરી દીક્ષિત અને ગૌરી ખાન જેવી સેલિબ્રિટીઝને પણ ટ્રેઈનિંગ આપી. ધીરે ધીરે ટેરેંસને સફળતા મળતી રહી અને તેઓ ફેમસ થઇ ગયા. ત્યારબાદ એલીક પદ્મીની મદદથી ટેરેંસને ટીવી જાહેરાત કોરિયોગ્રાફ કરવાની તક મળી. આ કામ માટે ટેરેંસને અન્ય ડાન્સર્સની જરૂરીયાત હતી. નવા ડાન્સર્સ શોધવા માટે ટેરેંસે જુદી જુદી કોલેજમાં ઓડીશન્સ લીધા આમ વર્ષ 2000માં ‘ટેરેંસ લુઈસ કન્ટેમ્પરરી ડાન્સ કંપની’ના પાયા નખાયા. પોતાની કંપનીની મદદથી ટેરેંસ ડાન્સમાં કરિયર બનાવવા ઇચ્છતા યુવાનોને પ્રોપર ટ્રેઈનિંગ આપે છે. વિદેશોમાં ડાન્સિંગ એક કરિયર છે જ્યારે ભારતમાં ડાન્સને આજે પણ ફક્ત હૉબીની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે.

image


ટેરેંસના ડાન્સ કોર્સમાં ઇન્ડિયન ડાન્સિંગ સ્ટાઇલ અને કન્ટેમ્પરરી ડાન્સ સાથે જોડીને ‘ઇન્ડો કન્ટેમ્પરરી સ્ટાઇલ’ બનાવવામાં આવી છે. આ ટેરેંસ ડાન્સ કંપનીની મુખ્ય સ્ટાઇલ છે. જુદી જુદી ડાન્સ સ્પર્ધાઓમાં આ સ્ટાઇલ પ્રમાણે નૃત્ય કરતા યુવાનો જોઇ શકાય છે. અને આ સ્ટાઇલ લોકોને ગમી રહી છે. ઇન્ડો કન્ટેમ્પરરી સ્ટાઇલ ઉપરાંત અન્ય ડાન્સિંગ સ્ટાઇલ શીખવા માગતા યુવાનો માટે જુદા જુદા કોર્સ પણ ચલાવવામાં આવે છે. ટેરેંસ કહે છે કે આ પ્રોફેશને તેમને સફળ ઉદ્યમી બનાવવાની દિશામાં અગ્રેસર કર્યા છે.

ટેરેંસની પ્રોફાઇલ આજે ડાન્સ ટીચર સુધી સીમિત નથી. તેઓ દેશના જાણીતા કોરિયોગ્રાફર છે, ઇન્ડિયન ટેલિવિઝનના જાણીતાં જજ છે. તેઓ કોઈ સ્પર્ધામાં પડદાની પાછળ સલાહકારની ભૂમિકામાં પણ દેખાય છે. તેઓ પોતાની કંપની પણ ચલાવી રહ્યા છે.

image


લોકો ટેરેંસને એક અનુશાસન પ્રિય ડાન્સર અને એક સારા ટીચરની દ્રષ્ટિએ જોવે છે પરંતુ ટેરેંસ હજી પણ પોતાને એક વિદ્યાર્થી જ માને છે. તેઓ કહે છે, “હું દરરોજ કઇંક નવું શીખવાની તૈયારી સાથે જીવનપર્યંત વિદ્યાર્થી જ રહેવા માંગુ છું.” દર વખતે કઇંક નવું કરવાની સ્વભાવને ટેરેંસ પોતાની સફળતા માટે જવાબદાર ગણે છે. આજે તેમની કંપની દિવસે ને દિવસે પ્રગતિ કરી રહી છે.

ટેરેંસ નવા લોકોને સલાહ આપે છે કે દરેક પોતાના કામના એક્સપર્ટ બને. બજારમાં શું ચાલી રહ્યું છે તેના પર નજર રાખો, પોતાનું લક્ષ્ય ખૂબ સ્પષ્ટ રાખો અને જ્યારે પોતાની ટીમ બનાવી રહ્યાં હોવ ત્યારે લોકોની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરો.