'ટોકિંગ સ્ટ્રીટ' આપે છે શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડની તમામ જાણકારી!

'ટોકિંગ સ્ટ્રીટ' આપે છે શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડની તમામ જાણકારી!

Friday January 29, 2016,

4 min Read

તમે ક્યારેય સ્ટ્રીટ વેન્ડર પાસેથી કોઈ વાનગીનો સ્વાદ માણ્યો છે? તમે ક્યારેય અમદાવાદના માણેક ચોકમાં પાણીપુરી કે લસ્સીનો સ્વાદ માણ્યો છે? હું ખાતરી સાથે કહું છું કે ફાઇવ-સ્ટાર હોટેલ કરતાં તમને સ્ટ્રીટ વેન્ડર પાસેથી મળેલો સ્વાદ વધારે યાદ હશે. હકીકતમાં સ્ટ્રીટ ફૂડ ઘર જેવું, સ્વાદિષ્ટ અને સંતોષકારક લાગે છે. તમને ત્યાં ધનિક અને ગરીબ, ધર્મ કે રંગનો ભેદ જોવા મળતો નથી.

મહિમા કપૂરના જણાવ્યા મુજબ, સ્ટ્રીટ ફૂડ કે લોકલ ફૂડ શહેરની પરંપરાનું અભિન્ન અંગ છે. તમારે શહેરની પ્રકૃતિને સમજવી હોય તો સ્ટ્રીટ ફૂડ કે લોકલ ફૂડનો સ્વાદ માણવો જોઈએ. મહિમાને સ્ટ્રીટ વેન્ડર્સની વાત કરવી ગમે છે, તેમના જીવન વિશે જાણવામાં રસ છે. તેમણે કેટલાંક સ્ટ્રીટ વેન્ડર્સ પર ડોક્યુમેન્ટેશન કર્યું છે. તેમાંથી ટોકિંગ સ્ટ્રીટનો જન્મ થયો જે શહેરમાં શ્રેષ્ઠ લોકલ/સ્ટ્રીટ ફૂડ શોધવામાં મદદ કરે છે. સ્થાનિક અને પ્રવાસીઓ બંનેને તેનાથી ફાયદો થાય છે. બેંગલુરુમાં આ ફૂડ ડિસ્કવરી પ્લેટફોર્મની શરૂઆત જુલાઈ, 2014માં થઇ હતી અને તે જ વર્ષે ઓક્ટોબરમાં પ્લેટફોર્મ લાઇવ થયું હતું.

image


ટોકિંગ સ્ટ્રીટ

નાસ્કોમની 10કે ઇકોસિસ્ટમ (10,000 સ્ટાર્ટઅપ માટેની સિસ્ટમ)ના ભાગ ટોકિંગ સ્ટ્રીટે અત્યાર સુધી 325 આઉટલેટને આવરી લીધા છે. તે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક ફૂડ જોઇન્ટ્સની મુલાકાત લે છે અને તેના યુઝર્સને લોકેશન પ્રદાન કરે છે. તેની સાથે યુઝરે આપેલ રિવ્યૂ અને પ્રસ્તુત માહિતી આપે છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્લેટફોર્મ ગોવાના રસપ્રદ ફૂડ કલ્ચરને કારણે તેની કન્ટેન્ટ સાથે લાઇવ થયું હતું. તે કહે છે કે, “ગોવામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને એ ખાસિયતે ટોકિંગ સ્ટ્રીટને મોટી સંખ્યામાં યુઝર્સ માટે પ્રસ્તુત બનાવ્યું હતું.”

image


અત્યારે ટોકિંગ સ્ટ્રીટ યુઝર્સ (વ્યક્તિગત/ઓફિસ)ને બલ્ક-ઓર્ડર લોકલ કે સ્ટ્રીટ ફૂડને આપવાના મોડલનો પ્રયોગ કરે છે. તેમાં યુઝર મર્યાદિત લોકો માટે કોઈ ઇવેન્ટ કે પાર્ટી માટે ઓર્ડર આપશે અને લોકલ કે સ્ટ્રીટ ફૂડ વેન્ડર યુઝર્સના લોકેશન પર ડિલિવરી કરશે. તેમાંથી કુલ રકમ પર ટોકિંગ સ્ટ્રીટ કમિશન મેળવશે.

અનુભવથી આત્મવિશ્વાસ

કોલકાતામાં જન્મેલ અને ઉછરેલ મહિમાએ દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું હતું અને વર્ષ 2002માં અનંતપુરમાં શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2005માં આઇઆઇએમ બેંગ્લોરમાંથી એમબીએ કર્યું હતું.

એફએમસીજી કંપનીઓમાં માર્કેટિંગ અને સેલ્સના નવ વર્ષના અનુભવને બળે ગ્રાહકોની પસંદગીની સમજણ, તેમની કથિત અને અકથિત જરૂરિયાતોનું સોલ્યુશન લાવવું અને તેમને સાંકળતું કમ્યુનિકેશન વિકસાવવું જેવી બાબતોએ મહિમાને પોતાનું સાહસ શરૂ કરવાનો વિશ્વાસ જગાવ્યો હતો.

ખાંડાની ધાર પર ચાલવું

ઉદ્યોગસાહસિકને અનેક પડકારોનો સામનો કરવો પડે છે અને મહિલા પણ તેમાંથી બાકાત નહોતી. તેઓ કહે છે કે, “સંસાધનનો ઉપયોગ મુખ્ય પ્રશ્ર છે, જેનો જવાબ મારે દર મહિને આપવો પડે છે. હું જે રૂપિયાનો ખર્ચ કરું છું તેમાંથી મહત્તમ કેવી મેળવું છું અને તેમાંથી હું કમાણી કેવી રીતે કરું છું વગેરે બાબતો અતિ મહત્ત્વપૂર્ણ છે. એટલે જ અત્યારે મારી ટીમમાં ઓછો લોકો કામ કરે છે અને તમામ દિશામાં ડિલિવરી કરવા સખત મહેનત કરવાની જરૂર છે.”

મહિમાને શરૂઆતમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમને પોતાના સાહસને સફળતા મળશે કે તેવો પ્રશ્રનો સામનો કરવો પડ્યો હતો. પણ પડકારોની સામે હકારાત્મક અભિગમ અપનાવવાથી અને સતત પ્રયાસ કરવાની લગનથી આજે સફળતા મળી છે.

તેમને નાની-નાની સફળતામાં પ્રોત્સાહન મળ્યું છે અને તેણે તેમને ઘણી મદદ કરી છે. તેઓ કહે છે કે, “મારી પાસે સારી, સંતુલિત ટીમ છે. મારા માર્ગદર્શક પ્રેરણાનું ઝરણું છે, જેઓ પોતે ઉદ્યોગસાહસિક છે અને 25 વર્ષનો અનુભવ ધરાવે છે. મારી પાસે લાયકાત ધરાવતા ટેકનિકલ સલાહકાર છે. ઘણી વખત કંપનીમાં નવી પ્રતિભાઓના આગમન સાથે કામ કરવાની પદ્ધતિઓમાં ફેરફાર થાય છે, પણ અમે સુનિશ્ચિત કર્યું છે કે મેં ભરતી કરેલા લોકો અમારી મૂલ્ય-સંચાલિત, પર્યાવરણ પ્રત્યે સભાન, પ્રતિબદ્ધ અને જવાબદાર કાર્યપદ્ધતિમાં ફિટ થઈ જાય.”

આગામી થોડા વર્ષમાં તે ગ્રાહકના અનુભવ સાથે સમાધાન કર્યા વિના પોતાના વ્યવસાયનું વિસ્તરણ કરવા ઇચ્છે છે.

image


બેંગલુરુમાં સ્ટ્રીટ ફૂડ

બેંગલુરુમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચર વિશે મહિલા જણાવે છે કે, “તે ધીમે ધીમે કોસ્મોપોલિટન કલ્ચરનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અહીં ઘણાં રસપ્રદ સ્ટ્રીટ ફૂડ જોઇન્ટ અને ઇટરીઝ છે.” અહીં તે કેટલાંક લોકલ ફૂડ જોઇન્ટની ભલામણ કરે છેઃ અક્કી રોટી, રાગી, પડ્ડુસ જેવી સ્થાનિક વાનગીના શોખીનો માટે વીવી પૂરમ ફૂડ સ્ટ્રીટ. 99 વિવિધ ડોસા જોઇન્ટ્સમાં એક ચાઇનીઝ ડોસા, ઇન્દિરા નગરના 80 ફૂટ રોડ પર શેરોન ટી સ્ટોલ પર હિબિસ્કસ ટી અને વસંત નગરમાં આર આર્સ બ્લૂ માઉન્ટ પર મેક્સિકન ચાટ.


લેખક- તન્વી દુબે

અનુવાદક- કેયૂર કોટક