વિદેશી નોકરી છોડીને આદિવાસી મહિલાઓની મદદે આવી આરુષી!

0

અન્ય ભારતીયોની જેમ આરુષી અગ્રવાલ પણ પોતાની દાદીને રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ ઘરે બનાવતા જોઈને ઉછરી હતી. ધીમે ધીમે તેની રૂચિ આ બાબતો પ્રત્યે વધવા લાગી. ગરમ ગ્લાસને પકડવા માટે ભરત કામ કરેલું કાપડ કે પછી શિયાળા માટે ગુંથવામાં આવેલા ગરમ કપડાં વગેરે સરળ અને રોજિંદા જીવનમાં વપરાશમાં આવતી વસ્તુઓએ તેનામાં આકર્ષણ જન્માવ્યું હતું.

સાયન્સની વિદ્યાર્થી હોવા છતાં આરુષીને એન્જિનિયરિંગ કે મેડિકલનો અભ્યાસ નહોતો કરવો. તેને એવો કોઈ કોર્સ કરવો હતો જેમાં સાયન્સ, આર્ટ, ક્રાફ્ટ, હિસ્ટ્રી અને એન્થ્રોપોલોજી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હોય. એક વખત તે પોતાની કઝીનને મળી જે ડિઝાઈનિંગનો એક કોર્સ કરતી હતી અને તેના દ્વારા આરુષીને નવો માર્ગ મળ્યો. પોતાના કોલેજકાળના દિવસોને યાદ કરતા તેણે જણાવ્યું કે, ડિઝાઈન એક એવી બાબત છે જે તમને વિવિધ ક્ષેત્રમાં કામ કરવાનો મહાવરો પૂરો પાડે છે. તેના દ્વારા એવા વિચારોનું સર્જન થાય છે જે રોજિંદા જીવનની વસ્તુઓને સરળ બનાવવામાં મદદ કરે છે. આરુષીએ 2012માં પુણેની ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ ડિઝાઈનમાંથી પ્રોડક્ટ એન્ડ સર્વિસ ડિઝાઈન મેનેજમેન્ટમાં અનુસ્નાતક કર્યું હતું.

કોલેજમાં અભ્યાસ દરમિયાન જે ડેનિશ કંપનીમાં તેણે ઈન્ટર્ન કર્યું હતું તેણે તેને અભ્યાસ બાદ નોકરીની પણ ઓફર કરી. તે જ્યારે નોકરી માટે વર્ક વિઝાની રાહ જોઈ રહી હતી ત્યારે આદિવાસી મહિલાઓ માટે કામ કરતી સતારા સ્થિત એક સંસ્થાએ તેનો સંપર્ક સાધ્યો. તેમણે તેને જણાવ્યું કે, તેમના દ્વારા તૈયાર થયેલી ઘરગથ્થુ વસ્તુઓનું વેચાણ યોગ્ય રીતે થતું નથી. આ વેચાણ વધે તે માટે આરુષી તેમની પ્રોડક્ટને સારી બનાવવા માટે તેમને માર્ગદર્શન આપે. તે સંસ્થામાં કામ કરવાનો પોતાનો અનુભવ રજૂ કરતા આરુષી કહે છે કે, મેં ત્યાં ફિનિશિંગ, ડિઝાઈન અને વિઝ્યુઅલ અપીલ જેવી બાબતોનું ધ્યાન રાખીને હેન્ડિક્રાફ્ટ તૈયાર કરવાના વર્કશોપ શરૂ કર્યા.

તેને થોડા સમયમાં જ અનુભવ થયો કે, આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓની સ્પર્ધા મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં મશીનો દ્વારા તૈયાર કરાતી બેગ સાથે છે. તેણે જણાવ્યું કે, જો આ સ્પર્ધામાં ટકી રહેવું હશે તો સંસ્થાએ કિંમત મુદ્દે સ્પર્ધા કરવાના બદલે એવું કંઈક આપવું પડશે જેની ખરેખર યોગ્ય કિંમત હોય અને તે બેજોડ હોય. આરુષીએ આ દરમિયાન કેટલીક ગોદડી બનાવી અને જોયું કે તે યોગ્ય છે. આ રીતે એક નવી પહેલનો પ્રારંભ થયો.

આરુષીએ મે 2013માં 'ધ ઈનિશિયેટિવ'ની શરૂઆત કરી. આ સામાજિક સાહસ એટલા માટે કરવામાં આવ્યું કે, લોકોમાં હાથ બનાવટની વસ્તુઓ પ્રત્યે આકર્ષણ વધે, કારીગરોમાં પ્રતિબદ્ધતા આવે અને મહિલાઓના માધ્યમથી પારંપરિક વસ્તુઓને યોગ્ય રીતે રજૂ કરી શકાય. તેણે વધુમાં જણાવ્યું કે, આ વિચારો દ્વારા જ મહિલાઓને નિયમિત કામ મળતું ગયું અને તેમની આવક પણ નિયમિત થતી ગઈ.

આરુષી 'ધ ઈનિશિયેટિવ'ની મુખ્ય ડિઝાઈનર અને સ્થાપક છે. તેના ઉપરાંત મેનેજમેન્ટ ટીમમાં આકાશ ધવન અને લારિકા મલિયર છે. લારિકા સ્વયંસેવક તરીકે સંસ્થાનું સોશિયલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશનનું કામ સંભાળે છે જ્યારે આકાશ ડિઝાઈન તરીકે વિવિધ પ્રોડક્ટના રીસર્ચ અને ડેવલપમેન્ટમાં મદદ કરે છે.

'ધ ઈનિશિયેટિવ'ની ટીમ ત્રણ વિભાગમાં વસ્તુઓનું વિતરણ કરે છે, ગોદડી, પેચવર્ક અને ભરતકામ. આ દરેક કેટેગરીમાં તેમની પાસે બે કે ત્રણ પેટા ઉત્પાદન છે જેને વિવિધ રીતે બનાવી અને મગાવી શકાય છે. તેમનો સૌથી મોટો ગ્રાહક નેધરલેન્ડની એક ઈ-કોમર્સ કંપની ધ ફેરલેડિધ ડોટ કેમ છે. તેઓ હાથેથી સીવેલી ગોદડી સાથે યોગાબેગ બનાવે છે. ભારતમાં ધ ઈનિશિયેટિવના ઉત્પાદનો ધ કન્ટેમ્પરરી આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ ફોર્ટ, મુંબઈ ખાતે ઉપલબ્ધ છે.

મહિલાઓ આ સંસ્થાના કરોડરજ્જુ સમાન છે અને તેમના વિકાસ માટે અને તેમની આવડતમાં સુધારો થાય તે માટે ઉપરાંત તેઓ સરળતાથી કામ કરી શકે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવે છે. તહેવારો અને પારિવારિક બાબતો ઘણી વખત મહિલાઓને સમયસર કામ પૂરું કરવામાં અડચણરૂપ બને છે પણ આરુષી તેમને સતત પ્રોત્સાહન આપીને સમજાવે છે કે તેમના જીવનમાં આ કામનો કેટલો મોટો ફાળો છે અને આ કામ તેમના માટે કેટલું જરૂરી છે. પોતાના સાહસ માટે મહિલાઓની નિમણુંક કરવી તે આરુષી માટે સૌથી મોટો પડકાર છે.

આજે લગભગ દોઢ વર્ષની કામગીરી બાદ, આરુષીએ 18 મહિલાઓની ટીમ બનાવી છે જે મુંબઈના ત્રણ અલગ અલગ વિસ્તારોમાં છે. આરુષી આ દરેકને કામ આપે છે અને તેઓ સમયસર નિષ્ઠાપૂર્વક કામ કરી આપે છે.

આરુષીનું એક જ વિઝન છે કે તેના ગ્રાહકોને ગુણવત્તાસભર, કારગર અને યોગ્ય હાથબનાવટની વસ્તુઓ મળી રહે અને સાથે સાથે જે લોકો આ બનાવે છે તેમના જીવનમાં પણ સુધારો આવે, પ્રગતિ થાય. આ પહેલનો વિકાસ કરવાની તૈયારીઓ ચાલી રહી છે પણ આધુનિક ડિઝાઈનના ભોગે પોતાના પારંપરિક અને મહત્વની હાથબનાવટની ડિઝાઈનને વિસરાવા દેવી નથી.

આરુષીનું વર્તમાન લક્ષ્ય પોતાની ટીમનું વિસ્તરણ કરવાનું છે. તેને આશા છે કે 2015 સુધીમાં તેની પાસે 40 મહિલાઓ કામ કરતી હશે. તેનું સ્ટાર્ટઅપ યોગ્ય વિકાસ કરશે. 'ધ ઈનિશિયેટિવ' એવા ટેલેન્ટેડ લોકોની શોધ કરી રહ્યું છે જે આ સાહસને આગળ વધારી શકે.

સામાજિક પરિવર્તન લાવવાની ઈચ્છા અને મન-મસ્તિસ્કમાં ડિઝાઈનના મૂલ્યોને જીવંત રાખીને ધ ઈનિશિયેટિવ ઉજ્જવળ ભાવિ તરફ ડગ માંડી રહ્યું છે.

લેખક – રોહન પોતદાર

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ

Related Stories