ડાન્સ કરીને પણ કેવી રીતે કરી શકાય સમાજસેવા? જણાવે છે અમદાવાદની આ યુવતીઓ!

0

21મી સદી યુવાનોની સદી કહેવામાં આવે છે, ત્યારે સમગ્ર વિશ્વ યુવા વિચારોને અમલમાં મૂકી વિકાસના પંથને ધપાવવા માગે છે. આજનો યુવાન ટેક્નોક્રેટ થવા સાથે સમાજ પ્રત્યે પણ એટલો જ જાગૃત થયો છે. તે હરવા ફરવા સાથે સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી ભલે દૂર રહેતો હોય પણ સમાજને જરૂર પડે મદદરૂપ થવામાં ક્યારેય પીછેહઠ કરતો નથી. યુથ ફેસ્ટીવલ મૂડમાં હોય તો મોજશોખ તો કરે જ છે પણ પોતાની ઇન્કમ કે પોકેટમનીમાંથી થોડી બચત કરીને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. પોતાના ખોટા ખર્ચા પર કાપ મૂકીને ગરીબ પરિવારના બાળકોને ભણવામાં, તહેવારોમાં નવા રંગ ભરવામાં, બેસહારાને મદદ કરવામાં આગળ આવી રહ્યો છે. આ બદલાતી પેઢીની નવી વિચારધારા સમાજ તેમજ વિશ્વને આગળ ધપાવવામાં ખૂબજ ઉપયોગી સાબિત થઇ શકશે. હવે જમાનો એટલો આગળ વધી ગયો છે કે આ વર્ષે તો અમદાવાદના કેટલાંક યુવાનોએ ક્રિસમસમાં ડાન્સ પાર્ટીમાં ડાન્સ કરીને સમાજમા જરૂરિયાતમંદ વર્ગને મદદ કરી, પણ એ કેવી રીતે તે આપણે જોઇએ..

અમદાવાદ શહેરમાં એવી કેટલીક જરૂરિયાતમંદ મહિલાઓ છે કે જેમને મદદ કરીને, તેમની આવડત અને પસંદગીના ક્ષેત્રની યોગ્ય ટ્રેઈનિંગ આપવામાં આવે તો તે સ્વનિર્ભર બની શકે તેમ છે, ત્યારે ‘ધ પીંક ફાઉન્ડેશન’ એક એવી સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ અને બાળકોની સર્જનાત્મકતા ખીલવવા પર કામ કરે છે. આ ફાઉન્ડેશન અમદાવાદની યુવતીઓ હરમીત કૌર, મનમીત કૌર અને ભાવિ દ્વિવેદી દ્વારા ચલાવવામાં આવે છે. આ ફાઉન્ડેશન અખબારનગર વિસ્તારની એવી 40 મહિલાઓ સાથે કામ કરે છે, જે પોતાના આર્થિક રીતે નબળી છે પણ પોતાના જીવનમાં કંઇક મહેનતનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માગે છે. આ ફાઉન્ડેશન આ મહિલાઓને ખાસ ઉદ્યોગસાહસિકતા (આંત્રપ્રિન્યોરશિપ)ની ખાસ તાલીમ આપે છે, જેમાં તેમને નાના પાયે ધંધો કઈ રીતે શરૂ કરી શકાય, કયા કયા પરિબળો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કેવી રીતે તે બિઝનેસ ચલાવવો જોઈએ તે મુદ્દે માર્ગદર્શન આપે છે અને તેમાં જોઇતી તમામ મદદ કરે છે. 

હાલ સુધીમાં આ ફાઉન્ડેશને મહિલાઓને સાબુ, ફેન્સી દિવડા બનાવવા સાથે ટી સ્ટોલ જેવા નાના બિઝનેસ કરવા માટેની તાલીમ આપી છે. અને આ મહિલાઓ દ્વારા બનેલા સાબુ અને ફેન્સી દિવડા ફાઉન્ડેશન દ્વારા બજારમાં વેચવામાં આવે છે, તેનાથી થતી આવક મહિલાઓમાં વહેંચવામાં આવે છે. જેના કારણે મહિલાઓને આવક થાય અને સાથે કંઇક કામ કરવાનો આત્મવિશ્વાસ પણ પેદા થાય. જે મહિલાઓ પોતાનો નાનો ઉદ્યોગ શરૂ કરવા માગતી હોય તેમને ફાઉન્ડેશન રો-મટિરીયલ્સ, પ્લેસ ઓન રેન્ટ અથવા ખુદ લારી જેવી સગવડ પોતાના ખર્ચે કરી આપે છે.

‘ધ પીંક ‌ફાઉન્ડેશન’ મહિલાઓ સાથે બાળકો માટે પણ કામ કરી રહી છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે અને દર રવિવારે આ બાળકોના વિકાસ માટે કામ કરે છે. રવિવારના ક્લાસમાં બાળકોમાં રહેલી કલ્પનાશક્તિને ખીલવવાના પ્રયાસ કરાય છે. જેમાં બાળકોને જે વિષયમાં રસ-રૂચિ હોય તે દિશામાં તેમને આગળ વધવામાં મદદ કરે છે, જેના કારણે એક સમય પછી પોતાની આર્થિક પરિસ્થિતિને પગલે જો કદાચ ભણતર છોડી દે તો પણ પોતાનામાં રહેલી સર્જનાત્મકતાને આધારે પેટિયું રળી શકે. 

સ્લમ વિસ્તારમાં કેટલાંક એવા બાળકો પણ હોય છે જેમને પોતાની જન્મ તારીખ પણ ખબર નથી હોતી અને ક્યારેય કેક કાપી ઉજવણી પણ કરી નથી હોતી, ફાઉન્ડેશને મહિનાનો કોઇ પણ એક દિવસ નક્કી કરીને બધાના બર્થડેની ઉજવણી કરવામાં આવે છે. જેને કારણે બાળકોમાં ઉત્સાહ આવે અને એકબીજા સાથે પોતાની વાતો, વિચારોનું આદાન-પ્રદાન કરતા શીખે.

ગયા મહીને જ્યારે આપણામાંના મોટા ભાગના હોટેલ, ક્લબ કે રિસોર્ટમાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યાં હતાં ત્યારે આ ફાઉન્ડેશને બાળકો માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની તમામ તૈયારી બાળકોને સોંપવામાં આવી. પાર્ટીના સ્થળના ડોકોરેશનથી માંડી હોર્ડિંગ્સ અને વોલપેપર બનાવવાનું કામ પણ બાળકોએ જ કર્યું. તેની પાછળનો હેતુ હતો કે બાળકોમાં તહેવારની સમજ આવે સાથે બાળકો ભેગા મ‌ળીને ઇવેન્ટ મેનેજ કરતા પણ શીખી શકે. પાર્ટીમાં બાળકો માટે ડાન્સ, ફૂડ, ગિફ્ટ્સ, ચોકલેટ્સ તમામની સગવડ પણ ફાઉન્ડેશને કરી હતી.

વિશ્વના દરેક શહેરમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બરના રોજ પાર્ટીઓનું આયોજન તો થતું હોય છે, ત્યારે આ વખતે અમદાવાદ શહેરમાં એવી ડાન્સ પાર્ટીનું આયોજન થયું કે જેની આવકનો અમુક હિસ્સો જરૂરિયાતમંદ મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે ફાળવવામાં આવ્યો. એટલે કે હવે તમે ડાન્સ કરીને પણ સમાજના નબળા વર્ગને મદદ કરીને સમાજસેવા પણ કરી શકશો. R event company દ્વારા 31 ડિસેમ્બરે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ‘ધ પીંક ફાઉન્ડેશન’ તેમની સાથે જોડાયું. સમાજમાં આ રીતે જો સોશિયલ ‘એક્ટિવિટી વિથ ફન’ થતું રહે તો આપણે સમાજના નબળા વર્ગના જીવનમાં પણ તહેવારના સપ્તરંગ ભરી શકીએ અને તેમના દિવસોને પણ તહેવારમય બનાવી શકીએ.

Related Stories