11મા ધોરણના વિદ્યાર્થીએ સાકાર કર્યું મોદીનું ‘મેક ઈન ઈન્ડિયા’નું સપનું

0

દેશના વડાપ્રધાનના 'મેક ઈન ઈન્ડિયા'ને ગોરખપુરના 11મા ધોરણના વિદ્યાર્થી અંકુર ત્રિપાઠીએ સાકાર કરી બતાવ્યું છે. યુવાનોમાં અત્યંત લોકપ્રિય વોટ્સએપ, વાઈબર, હાઈક જેવા આંતરરાષ્ટ્રી મેસેજિંગ એપ્લિકેશનની જેમ જ અંકુરની ‘એન્કેપ’ પ્લે સ્ટોર પર ધૂમ મચાવી રહી છે. તે દાવો કરો છે કે તેની એપ વોટ્સએપ કરતા બમણી ક્ષમતા ધરાવે છે અને તેમાં ઘણા સારા ફીચર્સ પણ છે.

ગોરખપુરના રાપ્તીનગર મોહલ્લામાં રહેનારો અંકુર ત્રિપાઠી નવલ્સ એકેડેમીમાં 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. કોમર્સમાં અભ્યાસ કરવા છતાં તેણે મોબાઈલમાં વોટ્સએપ જોઈને પોતાની એક એપ બનાવાનું નક્કી કર્યું. ઘણા દિવસો સુધી રિસર્ચ અને મહેનત બાદ તેને ઈચ્છિત સફળતા મળી ગઈ. પોતાની સફળતા દ્વારા તેણે પોતાના પરિવારજનો, મિત્રો અને શિક્ષકો સહિત તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વોટ્સએપ અને હાલમાં ઉપલબ્ધ તમામ મેસેજિંગ એપ્લિકેશન કરતા વધારે ફીચર્સ સાથે 3 ફેબ્રુઆરીએ અંકુરે પોતાની એન્કેપ નામની એપ પ્લે સ્ટોરમાં રજિસ્ટર્ડ કરાવી. રજિસ્ટર થયા બાદ ધીમે ધીમે પણ તેની એપ્લિકેશન લોકોમાં પ્રસિદ્ધ થતી ગઈ. આજે હજારોની સંખ્યામાં લોકો તેને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી ચૂક્યા છે. ડાઉનલોડની પ્રક્રિયા સતત ચાલુ જ છે. સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના યૂઝર્સે આ એપને 4.5 રેટિંગ આપ્યા છે.

મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા અંકુર ત્રિપાઠીના પિતા ગોરખનાથ ત્રિપાઠી રજિસ્ટ્રી વિભાગમાં કામ કરે છે. તેની માતા ગૃહિણી છે. ત્રણે ભાઈઓમાં અંકુર સૌથી મોટો છે. અંકુરે યોરસ્ટોરીને જણાવ્યું,

"મારા પિતાની વાંરવાર બદલી થતી હોવાથી મારા મિત્રો બનતા અને છૂટી જતા હતા. આ અભાવને પૂરો કરવા માટે મેં ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાણ કર્યું અને સતત નવી ટેકનિક અને ટ્રેન્ડને શીખવાનું શરૂ કર્યું."

ઉલ્લેખનીય છે કે, અંકુરે હાલના આઈટી રેવોલ્યુશનના જમાનામાં વિશેષ પ્રશિક્ષણ અને ટેક્નિકલ સપોર્ટ વગર દુનિયાની તમામ નામચીન મેસેજિંગ એપ્લિકેશન સામે પોતાની સંપૂર્ણ ભારતીય એપ્લિકેશન સાથે પોતાની નોંધ લેવડાવી છે.

એન્કેપ એક સોશિયલ નેટવર્કિંગ એપ છે. વોટ્સએપની જેમ જ તે કામ કરે છે પણ તેના ફિચર્સ વોટ્સએપ કરતા વધારે છે અને બમણી ક્ષમતા સાથે કામ કરે છે. અંકુર જણાવે છે,

"આ એપ દ્વારા મોટી મોટી ફાઈલ્સ પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેના મેસેજ ઓટોમેટિકલી ક્લાઉડમાં સેવ થાય છે જેને ગમે ત્યારે મેળવી શકાય છે. તેની સર્વિસ અન્ય નેટવર્કિંગ એપની જેમ જ ઝડપી છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફ્રી છે અને સંપૂર્ણ ભારતીય છે. એન્કેપ દ્વારા એકસાથે 100 લોકોને મેસેજ મોકલી શકાય છે."

અંકુર ભવિષ્યમાં એપ ડેવલપર બનવા માગે છે. તે એક એવું પ્લેટફોર્મ બનાવવા માગે છે જ્યાં બીજા પ્રતિભાશાળી લોકો આવીને પણ કામ કરી શકે અને પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપે જે દેશના ઉપયોગી બને. આ ઉપરાંત તે સપોર્ટ ડિજિટલ ઈન્ડિયા માટે કામ કરવા માગે છે. અંકુર જણાવે છે કે વોટ્સએપ યૂઝ કરવાથી દેશનું ધન વિદેશમાં જશે. લોકો સ્વદેશી એપ અપનાવશે તો દેશને જ ફાયદો થશે. આપણા પૈસા વિદેશ જતા અટકશે. તે ઉપરાંત અંકુર આઈટી રેવોલ્યુશનમાં મહત્વની ભૂમિકા ભજવવા માગે છે.

લેખક- કુલદીપ ભારદ્વાજ

અનુવાદક- મેઘા નિલય શાહ

Related Stories