એક પગ કૃત્રિમ છતાં એવરેસ્ટ સર કરી તોડ્યા બધા રેકોર્ડ્સ, મળો બહાદુર અરુણિમા સિંહાને...

એક પગ કૃત્રિમ છતાં એવરેસ્ટ સર કરી તોડ્યા બધા રેકોર્ડ્સ, મળો બહાદુર અરુણિમા સિંહાને...

Tuesday October 13, 2015,

5 min Read

ભારત સરકારે 66માં પ્રજાસત્તાક દિને જે કેટલાક નામોની જાહેરાતો પદ્મ પુરસ્કારો માટે કરી તેમાં એક નામ અરુણિમા સિન્હાનું પણ હતું. ઉત્તરપ્રદેશની આ યુવતીને અપાયેલું પદ્મશ્રીનું સન્માન ભારત સરકાર દ્વારા અપાતું ચોથા નંબરનું સૌથી મોટું સન્માન છે. પ્રથમ ત્રણ છે ભારતરત્ન, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ. કોઈ પણ ક્ષેત્રમાં થતી અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ પદ્મ સન્માન આપવામાં આવે છે. ખેલકૂદમ ક્ષેત્રે અસાધારણ દેખાવ બદલ સરકારે અરુણિમાને પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કર્યો.

અરુણિમા દુનિયાના સૌથી ઊંચા પર્વત શિખર એવરેસ્ટ પર ચડનારી દુનિયાની સૌ પ્રથમ વિકલાંગ મહિલા છે. 21 મે, 2013ના રોજ સવારે 10. 55 વાગ્યે અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવીને 26 વર્ષની યુવા વયની પહેલી મહિલા બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. જેમ ખેલકૂદના ક્ષેત્રમાં અરુણિમાની સફળતા અસાધારણ છે, તેમજ તેની જીંદગી પણ અસાધારણ છે.

કેટલાક બદમાશ છોકરાઓએ તેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી હતી. કારણ એટલું જ હતું કે તેણે પોતાની સોનાની ચેન લૂંટતા આ બદમાશોને ફાવવા દીધા નહોતા. પણ ટ્રેન બહાર ફેંકાતા અરુણિમા ખૂબ ખરાબ રીતે ઘાયલ થઇ. પણ બચી ગઈ. તે જીવતી રહે તે માટે ડૉક્ટર્સે તેનો ડાબો પગ કાપવો પડ્યો અને આ છતાં રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ રમનારી અરુણિમાએ હાર ન માની. પોતાની અનન્ય હિંમત ન ગુમાવી. ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ અને દેશના સૌથી યુવા પર્વતારોહક અર્જુન વાજપાયી વિશે વાંચીને તેણે પ્રેરણા લીધી. અને એવરેસ્ટ સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બછેન્દરી પાલને મળી તેમની પાસે સહયોગ અને તાલીમ પ્રાપ્ત કરી એવરેસ્ટ વિજય પ્રાપ્ત કરી લીધો.

image


આ સિદ્ધિ મેળવતા પહેલા તેણે જિંદગીના ઘણા ચડાવ ઉતાર જોયા. અનેક મુસીબતોનો સામનો કર્યો. અનેક અપમાનો સહન કર્યા , બદમાશો અને તોફાની તત્વોએ તેના પર લગાડેલા અત્યંત અભ દ્ર આક્ષેપો સહન કર્યા પણ તેણે પોતાની ખામીઓને જ પોતાની તાકાત બનાવી. અને આત્મશ્રદ્ધાના જોશને કારણે તેણે અસાધારણ સફળતા હાંસલ કરી.

દુનિયાના લાખો લોકો માટે બહાદુરીની મિસાલ બનનાર અરુણિમા મૂળ બિહારની છે. તેના પિતા ભારતીય સેનામાં હતા. દેશભરમાં બદલીઓ થવી સ્વાભાવિક હતી, આ જ કારણોસર આખા પરિવારને ઉત્તરપ્રદેશમાં સુલતાનપુર આવવાનું થયું. અહી તો સૌ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. પિતાનું અવસાન થઇ ગયું, હસતો-ખેલતો પરિવાર જાણે નિર્જીવ બની ગયો.

અરુણિમાની ઉંમર પણ નાની, પરિવારની જવાબદારી માતાના ખભા પર. પરંતુ મા પણ મુશ્કેલીઓથી હારનારી ન હતી.. એણે મક્કમ નિર્ણયો લીધા. તે મોટી પુત્રી લક્ષ્મી, અરુણિમા અને નાના પુત્ર સાથે આંબેડકરનગર આવી ગયા. માને અહીં સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી મળી ગઈ. પરિવાર ધીમે ધીમે ગોઠવાવા લાગ્યો. પણ અરુણિમાનું મન જેટલું રમત-ગમતમાં લાગતું તેટલું ભણવામાં ન લાગતું. અને તે રમતગમતના ક્ષેત્રમાં જ ચેમ્પિયન બનવાના સ્વપ્નાઓ જોવા લાગી. એ રમવા જવા લાગી પણ ત્યાં પણ કેટલાક લોકો નડતર બનવા લાગ્યા. પણ મા અને બહેને અરુણિમાને ટેકો આપ્યો. ફૂટબોલ, વોલીબોલ, હોકી તેની પ્રિય રમતો. તક મળતાં જ તે મેદાનો માં દોડી જતી. ખૂબ રમતી. પણ આસપાસના છોકરાઓ એના માટે અભદ્ર ટીપ્પણીઓ કરતા રહેતા. છેડછાડની પણ કોશિશ કરતા. પણ વિદ્રોહી સ્વભાવ અને તેજસ્વીની પ્રતિભા ધરાવતી અરુણિમા કોઈથી દબાતી નહીં.

એકવાર બંને બહેનો કોઈ કામ માટે સાઈકલ લઈને નીકળી હતી. અરુણિમા આગળ નીકળી ગઈ. પાછળ આવતી લક્ષ્મીને કેટલાક બદમાશોએ રોકી. તેને રસ્તો આપવા કહ્યું તો તેણે લક્ષ્મીને તમાચો મારી દીધો. અરુણિમા આવે તે પહેલાં તો તે રફુચક્કર થઇ ગયો. અરુણિમાએ ઠાની લીધું કે તે છોકરાને બરાબર પાઠ ભણાવવો. આખરે તેણે પાનનાં ગલ્લે ઉભા રહેલા એ છોકરાને શોધી કાઢ્યો. અને તેની ભરબજારે ભારે ધોલાઈ કરી. મોટું ટોળું જમા થઇ ગયું. અને એ વિસ્તારમાં એવો પડઘો પડી ગયો કે અરુણિમાની ચર્ચાઓ તો થઇ જ, પણ તે પછી છોકરાઓની છેડખાની સંપૂર્ણ રીતે બંધ થઇ ગઈ.

સમય જતા અરુણિમાએ અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો. જીત પણ મેળવતી ગઈ. પોતાની પ્રિય રમતોમાં વોલીબોલ રમી. રાષ્ટ્રીય સ્તરે ભાગ લીધો. મોટી બહેનના વિવાહ પછી પણ તેનો ખૂબ સહયોગ મળતો રહ્યો. રમતો સાથે તેણે કાયદાનો અભ્યાસ કરી એલ.એલ.બી. પાસ કરી લીધું. નોકરી શોધવાની શરુ કરી ત્યાં તો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાંથી કોલ લેટર આવ્યો. તે પદ્માવત એક્સપ્રેસમાં નોઇડા જવા રવાના થઇ. અને આ જ ટ્રેનમાં એક બદમાશે તેની સોનાની ચેન છીનવવા ઝાપટ મારી. અરુણિમાએ તેનો જબરદસ્ત પ્રતિકાર કર્યો. પણ બદમાશોની ટોળકીએ અરુણિમાને ઘેરી લીધી. ઝપાઝપી ઉગ્ર બની ને એક છોકરાએ તેને લાત મારતા જ તે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. તેનો એક પગ કચડાઈ ગયો. રાતભર તે બેહોશ હાલતમાં રેલ્વેનાં પાટા પર પડી રહી. સવારે ગામ લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. પણ તેને બચાવવા તેનો ડાબો પગ કાપવો પડ્યો..


બસ આ ઘટનાને મીડિયાએ કવરેજ આપતાં જ અરુણિમાનું નામ ચર્ચામાં આવી ગયું. અનેક સંગઠનો અને મીડિયાના દબાણ સામે સરકારે તેને લખનૌનાં ટ્રોમા સેન્ટરમાં સારવાર આપી. તત્કાલીન રેલ્વે મંત્રી મમતા બેનર્જીએ તેને નોકરી આપવાની જાહેરાત કરી અને સીઆઈએફએસ પણ નોકરી આપવા તૈયાર થઇ ગઈ. પણ અરુણિમા વિરુદ્ધ પ્રચાર શરૂ થયો. જેમ કે અરુણિમા કોઈ સાથે ટ્રેનમાં ભાગી રહી હતી. તેણે આપઘાત કરવા કોશિશ કરી હતી. તે રાષ્ટ્રીય સ્તરે રમી જ નથી. તે ઇન્ટરપાસ પણ નથી. આવી અનેક અફવાઓનાં કારણે અરુણિમાનું મનોબળ તૂટી રહ્યું હતું. એ મજબૂર હતી, પથારીવશ હતી. પણ મા અને બહેને તેને તૂટવા દીધી નહીં.

એવામાં તેણે છાપામાં સમાચાર વાંચ્યા કે 17 વર્ષના યુવા પર્વતારોહી અર્જુન વાજપાયીએ એવરેસ્ટ સર કર્યો છે. અરુણિમાએ વિચાર્યું કે તે આ કરી શકે તો હું કેમ ના શકું? જો યુવરાજસિંહ કેન્સર સામે જીતી શકે તો હું કેમ નહીં? અને તેણે અમેરિકાના ડૉ.રાકેશ અને શૈલેષ શ્રીવાસ્તવની ઇનોવેટીવ સંસ્થા દ્વારા કૃત્રિમ પગ મેળવ્યો. ધીમે ધીમે તેણે ચાલવાની શરૂઆત કરી.

પણ ન તો મમતાની જાહેરાત મુજબ તેને રેલ્વે વિભાગમાં નોકરી મળી, કે ના તો તેના વિકલાંગ હોવા પર કોઈએ વિશ્વાસ કર્યો. આખરે તેણે જમશેદપુર જઈને એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બછેન્દરી પાલનો સંપર્ક કર્યો. તેમની મદદથી જ અરુણિમાએ ઉત્તરાખંડના ‘નેહરૂ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ’માં માત્ર 28 દિવસની તાલીમ સમાપ્ત કરી. અને 31 માર્ચ 2012માં તેનું મિશન એવરેસ્ટ શરૂ થયું. ‘તાતા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશન’નું આ આયોજન હતું. એશિયન ટ્રેકિંગ કંપનીએ ફરી અરુણિમાને નેપાળનાં આઈલેન્ડ શિખર પર 52 દિવસ સુધી ચઢાણ કરાવ્યું. એ પછી જે બન્યું તે ઈતિહાસ બની ગયો. 21 મે, 2013ની સવારે માઉન્ટ એવરેસ્ટ સર કરી તેણે માત્ર 26 વર્ષની ઉંમરે વિકલાંગોના બધા રેકોર્ડ તોડી નાખ્યા. અને એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવી દીધો.

હજુ પણ તે નવી બુલંદીઓ સર કરવા ઈચ્છે છે. અને વિકલાંગો માટે એવા કામ કરવા ઈચ્છે છે કે તે બધા પણ સામાજિક સન્માન પ્રાપ્ત કરે.