શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ 5 શ્લોક દરેક ઉદ્યોગસાહસિક માટે મેનેજમેન્ટના મહામંત્ર છે!

કૃષ્ણએ અર્જુનને માધ્યમ બનાવી સમગ્ર દુનિયાને ઉપદેશ આપ્યો છે, જે સફળતા અને સંતોષ મેળવવા અમૃત સમાન છે

શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ 5 શ્લોક દરેક ઉદ્યોગસાહસિક માટે મેનેજમેન્ટના મહામંત્ર છે!

Friday April 15, 2016,

4 min Read

આપણે ઘણી વખત ટોચના ઉદ્યોગપતિ કે જીવનના વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિઓ પાસે મેનેજમેન્ટના પાઠ જાણવા ગૂગલ પર સર્ચ કરીએ છીએ. પણ હકીકત એ છે કે આપણે આપણા જ આધ્યાત્મિક વારસાને વિસરી ગયા છીએ. આપણા અધ્યાત્મશાસ્ત્રોમાં જ તમને મેનેજમેન્ટના મહામંત્રો મળી જાય છે. રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા તો આપણા જીવનના પથપ્રદર્શક છે. મને ખાતરી છે કે આપણામાંથી ઘણાં બધાંએ ભગવદ્ ગીતામાં છૂપાયેલા રહસ્યો વિશે સાંભળ્યું હશે કે ક્યારેક અભ્યાસ કર્યો હશે. 

image


ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં કૃષ્ણએ અર્જુનને આપેલા આ સંદેશમાં જીવનનું મેનેજમેન્ટ છુપાયું છે. જીવનના તમામ રહસ્યો ભગવદ ગીતામાં સમાયેલા છે. અહીં મેં કેટલાંક શ્લોકનું અર્થઘટન કર્યું છે. મને ખાતરી છે કે તે ઉદ્યોગસાહસિકો અને યુવાનોને મેનેજમેન્ટ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં દિવાદાંડી સમાન બનશે.

________________________________________

‘કર્મ’ વિશે ઘણું બધું કહેવાયું છે, પણ તેનો સાર આ સરળ શ્લોકમાં સમજાઈ જાય છે. આ શ્લોક કૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, તને કર્મ કરવાનો અધિકાર છે, ફળની આશા ન રાખ.” ઉદ્યોગસાહસિકો માટે અતિ ઉપયોગી શ્લોક છે. દરેક ઉદ્યોગસાહસિકોએ પરિણામની આશા રાખ્યાં વિના તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે અંતિમ ઉત્પાદન કે પરિણામ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. કહેવાનો અર્થ એ નથી કે તમારે આશા કે અપેક્ષા ન રાખવી જોઈએ, પણ તમે કર્મથી વિચલિત ન થવા જોઈએ. તમારું ધ્યાન કર્મ પર જ રહેવું જોઈએ, નહીં કે ફળ પર.

એક ઉદાહરણ આપું. તમે ક્યારેક છોકરાને દોરડા પર ચાલતા જોયો હશે. તે એક છેડેથી ચાલવાનું શરૂ કરે છે. પછી તેનું ધ્યાન બીજા છેડા પર નથી હોતું. તે દોરડા પર સંતુલન જાળવીને આગળ વધે છે. તેનું લક્ષ્યાંક બીજા છેડા પર પહોંચવાનું હોય છે, પણ ધ્યાન દોરડા પર સંતુલન જાળવવા પર જ હોય છે. ઉદ્યોગસાહસિકોએ પણ લક્ષ્યાંક નક્કી કર્યા પછી મંઝિલ પર સતત આગળ વધવાનું હોય છે.

________________________________________

આ શ્લોકનો સંબંધ વિવિધતા અને સ્વીકારક્ષમતા સાથે છે. વિવિધતા અને સ્વીકાર્યતા સફળતાના આવશ્યક અંગો છે. જીવન સતત બદલાતું રહે છે અને તમારે પરિવર્તનને અનુરૂપ બદલવું જ પડે. ઉદ્યોગસાહસિકને પણ આ વાત લાગુ પડે છે. તેમણે ઝડપથી પરિવર્તન સ્વીકારવા જોઈએ. તમારા શરૂઆતના વિઝનને વળગી ન રહેવું જોઈએ. સ્વીકાર કરવાનું શીખો, નવીનતા લાવો અને નવી તકો શોધો. એક પ્રવાસીની જેમ આગળ વધો. તે શહેર સાથે જોડાયેલ હોતો નથી. તે કોઈ શહેરની મુલાકાત લે છે, કોઈ હોટેલમાં ઉતરે છે અને પ્રવાસની મજા માણીને આગળ વધે છે.

કોઈ પણ મુદ્દે જક્કી કે જિદી વલણ ન અપનાવવું જોઈએ. મનને નવા વિચારો સ્વીકારવા તૈયાર કરો. જેટલી ઝડપથી તમે પરિવર્તન સ્વીકારશો, તેટલું જ તમારા માટે ઉચિત છે. યાદ રાખો, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે.

________________________________________

અહીં કૃષ્ણ અર્જનને કહે છે કે, “પાર્થ, ક્રોધમાંથી મોહ જન્મે છે, મોહથી સ્મૃતિમાં ભ્રમ પેદા થાય, સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી સર્વનાશ થાય છે.”

એટલે ક્રોધને નિયંત્રણમાં રાખવો દરેક ઉદ્યોગસાહસિક માટે આવશ્યક છે. ક્રોધ તમારી ક્ષમતાનો નાશ કરે છે અને તેમને વિચલિત કરે છે. ક્રોધથી મૂંઝવણ પેદા થાય અને મૂંઝવણમાંથી અવ્યવસ્થા સર્જાય છે. તેના પગલે તમે તમારા લક્ષ્યાંકને જ ભૂલી જાવ છો. જે વ્યક્તિ દિશા ભૂલી જાય છે તેને ક્યારેય મંઝિલ મળતી નથી. એટલે ક્રોધને કાબૂમાં રાખો, તમારા લક્ષ્યાંક સ્પષ્ટ રાખો, પછી જુઓ સફળતા તમારા કદમ ચૂમશે.

________________________________________

અહીં કૃષ્ણ અર્જુનને કાર્ય પ્રત્યે આસક્ત ન થવાની સલાહ આપે છે. કર્મ કરો, પણ તેની સાથે બંધાઈ ન જાવ. તમારે કર્મને પ્રેમ કરવો જોઈએ, પણ એક મર્યાદામાં. સાથે સાથે તેઓ ઇચ્છાઓને નિયંત્રણમાં રાખવાની સલાહ આપે છે. કોઈ ચીજવસ્તુ મેળવવાની કે કશું પામવાની ઝંખના નુકસાન કરી શકે છે. તે લાંબા ગાળે લોભમાં ફેરવાઈ જાય છે અને તમને તમારા પોતીકાપણાથી જ દૂર લઈ જાય છે. તમે તમારા મૂળને જ ભૂલી જાવ છો અને તમારી અંદર રહેલી સ્વાભાવિકતા ગુમાવી દો છો.

એટલે તમારા કાર્ય પ્રત્યે વધુ લગાવ ન રાખો, કારણ કે તેનાથી તમારી ઉદ્યોગસાહસિકતાની સફર જટિલ બનશે. તમારે ક્યાંય થંભી જવાનું નથી. સતત વહેતાં રહો. જીવનમાં જે મળે છે તેને સ્વીકારો, ન મળે તેનો શોક ન કરો.

________________________________________

આ શ્લોક સરળ છે, પણ તેનો અર્થ બહુ ઊંડો છે. તેનો સંબંધ વિવેકબુદ્ધિ સાથે છે. તમારે શું છોડવું જોઈએ અને શું પસંદ કરવું જોઈએ તેનો વિવેક તમારી પાસે હોવો જોઈએ. દરેક ઉદ્યોગસાહસિકે આ ગુણ કેળવવો જોઈએ. તેનાથી તમારી અંદર તમારા માટે શું કામનું છે અને શું વ્યર્થ છે તેનો વિવેક ખીલે છે. દુનિયામાં દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે કામની હોતી નથી. તમારે તમારી પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત સમજીને પસંદગી કરવાની હોય છે. શાણો માણસ એ જ છે જે પોતાના લાભ-હાનિને સમજે છે.

લેખક પરિચય- અતુલ પ્રતાપ સિંહ

અતુલ પ્રતાપ સિંહ સ્ટાર્ટઅપ્સ માટે બ્રાન્ડિંગ એજન્સી વી સ્પાર્ક કમ્યુનિકેશન્સના સહસ્થાપક અને ડિરેક્ટર છે

(અહીં પ્રસ્તુત વિચારો લેખકના અંગત છે.)

અનુવાદકઃ કેયૂર કોટક