'બિઈંગ જૂલિયટ' મહિલાઓને દર્દમાં પણ આપે છે સ્મિત!

0

Being Juliet’ની સ્થાપક રાશિ બજાજ કહે છે,

"વર્તમાન સમયમાં મોડર્ન યુવતી અથવા તો મહિલાની જીવનશૈલી, બોર્ડરૂમ, ઘર, બાળકોની પેરેન્ટ્સ-ટીચર મીટિંગ વગેરેમાં જ અટવાયેલી છે. આ વ્યસ્તતાના કારણે તે પોતાના માટે સમય જ ફાળવી શકતી નથી અને આગામી માસિકધર્મના સમયને પણ ભૂલી જાય છે."

રાશિ આ મુદ્દાને 'બિઈંગ જૂલિયટ' દ્વારા રજૂ કરે છે, જે સભ્યપદના મોડલ પર કામ કરે છે. તે યુવતીઓ અને મહિલાઓને સેનેટરી નેપકિન્સ અને અન્ય વસ્તુઓની ભેટ આપે છે.

નાનકડા શહેરની યુવતી રાશિને શરૂઆતથી જ અભ્યાસમાં અત્યંત રસ હતો. તેણે પોતાના અભ્યાસ અને નોકરી માટે દેશના ઘણા વિસ્તારોનો પ્રવાસ કર્યો છે. તેના માતા-પિતાએ તેને નૈનીતાલની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ માટે મોકલી હતી. ત્યારપછી તેનો અભ્યાસ વેલ્હમ્સ દેહરાદૂનમાં થયો. અભ્યાસમાં ટોચના સ્થાને રહેવાના કારણે તેને દિલ્હી યૂનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં બી.કૉમ.ઓનર્સમાં પ્રવેશ મળ્યો. કોલેજ દરમિયાન રાશિએ પુસ્તકો બહારના જીવનને જોયું અને માણ્યું. રાશિ પોતાના પિતાથી ખૂબ જ પ્રભાવિત હતી. પોતાના પિતા પાસેથી રાશિએ અનુશાસન અને કોર્પોરેટ કાર્યો કરવાની શીખ મેળવી હતી.

રાશિએ પોતાનું એમબીએ પૂણેથી કર્યું અને ઈન્ફોસિસ હૈદરાબાદ સાથે એક વર્ષ કામ કર્યું. ત્યારપછી તેણે લગ્ન કરી લીધા અને દિલ્હી આવી ગઈ.

તેના બંને સાહસ 'કાર્પેટ કૉચર' અને 'બિઈંગ જૂલિયટ' બજારની ઉણપને સરભર કરવા જ શરૂ કરાયા છે. મોટાભાગના લોકોએ તેમને સમજાવ્યા હતા કે પતિ-પત્ની બંનેએ ઉદ્યોગસાહસિક ન બનવું જોઈએ કારણ કે જીવનમાં સ્થિરતા હોવી જોઈએ અને તેના માટે બેમાંથી કોઈ એક વ્યક્તિએ તો નોકરી કરવી જરૂરી છે.

રાશિ જણાવે છે,

"અનેક પ્રકારના વિચારવિમર્શ પછી પણ અમે એકમત નહોતા થયા. મારા પતિ પહેલેથી જ વ્યવસાય કરતા હતા અને મારી વાત સમજી શકતા નહોતા. છતાં પણ મેં શરૂઆત કરી અને આ બે સાહસના કારણે જીવનમાં વધારે પડકારો આવવા લાગ્યા. કોઈ એક વ્યક્તિએ તો મજબૂત રહેવાનું હતું અને મેં તે જ કર્યું. હું ફોર્મ્યુલા તો નથી જાણતી પણ મારી પાસે સારી રણનીતિ અને આયોજન હતા. કોઈ એક પાત્રએ તો વિનમ્ર બનવાની જરૂર હતી. ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમારે પરિવારને પ્રાથમિકતા આપવી પડે છે. સકારાત્મકતા તેના માટે ચાવીરૂપ છે."

આજે તેમનું કામ સારી રીતે ચાલે છે અને રાશિ પોતાની તમામ તાકાત 'બિઈંગ જૂલિયટ'માં જોડી રહી છે. રાશિ માટે સૌથી મોટો પડકાર ગ્રાહકોને પ્રોડક્ટ માટે વિશ્વાસ અપાવવાનો હતો.

"હું પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ભેટ મોકલતી હતી, તે પ્રોડક્ટના પ્રચાર માટેનો કોઈ કીમિયો નહોતો."

રાશિને તેના પરિવાર અને પતિનો પૂરતો સાથ મળ્યો.

"મેં પોતાના બાળપણમાં મારા પિતાને જોયા હતા જે મારી માતાને પૂરતો સહયોગ આપતા હતા. મારા પિતા 18 કલાક કામ કરતા હતા અને સકારાત્મક રહેતા હતા. આ જ બાબત ક્યાંકને ક્યાંક 'બિઈંગ'નો ભાગ બની ગઈ. મારા પિતા સાથે પણ આવું જ કંઈક છે."

રાશિના મતે, સમાજ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. એક મહિલા ઉદ્યોગસાહસિક હોવાના કારણે તેને લાગે છે કે, મોડી રાત સુધી ફરવું અને ઈન્ટર સિટી કેબ હાલમાં પણ મહિલાઓ માટે પડકારજનક છે.

રાશિ વધારેમાં વધારે મહિલાઓને ખુશ કરવા ઈચ્છે છે અને ગ્રાહકો દ્વારા મળેલી સકારાત્મક પ્રતિક્રિયા તેના માટે પ્રેરણા બની રહે છે. તે જણાવે છે,

"ક્યારેક ક્યારેક આપણને જે ઈ-મેઈલ મળે છે તે ખૂબ જ ઉત્સાહિત કરનારા હોય છે. એમ લાગે કે લખનાર પાસે પહોંચી જઈએ અને તેને ભેટી પડીએ."

વેબસાઈટ- Being Juliet

લેખક – તન્વી દુબે

અનુવાદક – મેઘા નિલય શાહ

Related Stories