‘પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ઘટાડો'ના વૈશ્વિક મુદ્દાને અનુસરી અંકલેશ્વરના સ્થાનિકોની અનોખી પહેલ

0

'ગ્લોબલ વોર્મિગ' કહો કે પછી વોર્નિગની આ પરિસ્થિતિ જોતા સમગ્ર વિશ્વના માંધાતાઓ પર્યાવરણમાં થતાં પ્રદૂષણને ઓછુ કરવા અને તેનાથી પૃથ્વીને થતી અસર ઘટાડવા માટે પેરિસમાં ભેગા થયા હતા અને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર મુદ્દે ચર્ચા કરી. દરેક દેશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આવનારા સમયમાં કેવા પ્રકારના પગલા લેવામાં આવે કે વિશ્વમાં કથળતી પર્યાવરણની સ્થિતિને સંભાળી શકાય. તે બાબતે કરારો પણ કરવામાં આવ્યા હતા. આ રીતે જોઇએ તો ભારતમાં દિવસે ને દિવસે વધી રહેલી વાહનોની સંખ્યા અને નવા ઓદ્યોગિક એકમોને પગલે પ્રદૂષણનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણને લઇને કોર્ટે એવી ટીપ્પણી કરી કે દિલ્હી ગેસ ચેમ્બર છે, જેને પગલે દિલ્હીની રાજ્ય સરકારે આ પ્રદૂષણને ઘટાડવા માટે પ્રાથમિક તબક્કે ઓડ-ઇવન નંબરની સ્ટ્રેટજી લઇને આવ્યા. જોકે શરૂઆતમાં વિરોધ થયો પણ સ્થાનિકોએ તેને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. આજ પ્રકારની પર્યાવરણની ચિંતાને લઇને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કેટલાક લોકો અઠવાડિયામાં એકવાર સાઈકલિંગ કરીને લોકોમાં પર્યાવરણની જાળવણીના મેસેજને ફેલાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પર્યાવરણ દિવસ-2015ના રોજ કેટલાક યુવાન મિત્રો ભેગા થયા હતા. અને તેમણે વિચાર્યુ કે આપણે પણ પર્યાવરણ અને સમાજ પ્રત્યે યોગદાન આપી સારા નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઇએ. જોકે આ યુવાનો પહેલેથી જ સાઈકલ ચલાવવાના શોખીન હતા અને પર્યાવરણમાં વધતા પ્રદૂષણ મુદ્દે મનોમન થોડા દુ:ખી પણ હતા. જેથી તેમણે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રણ લીધો અને તેમાં પોતાનું પ્રત્યક્ષ યોગદાન હોય તેમ નક્કી કર્યું. જે હેતુથી કેટલાક મિત્રોએ સપ્તાહમાં એક વાર સાઈકલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેમણે તે માટે શનિવારનો દિવસ નક્કી કર્યો. જેમાં શરૂઆતના દિવસોમાં તો થોડાક જ મિત્રો ભેગા થયા તેમ છતાં હિંમત ન હાર્યા અને પોતાના ધ્યેયથી જરાય ચૂક્યા નહીં. 

પણ સમય જતા આ 'પર્યાવરણ બચાવો' વિચારની જાણ શહેરના બીજા નાગરિકોને થઇ તેમ જોતજોતામાં 30થી વધુ લોકો આ ઝુંબેશમાં જોડાઇ ગયા. જેમાં અબાલ વૃદ્વ સૌ કોઇ સાઈકલિંગ કરી 'પર્યાવરણ બચાવો'ના મેસેજને લોકો સુધી પહોંચાડવામાં મચી પડ્યા. આ માટે આ ગ્રુપને તેમણે ‘અંકલેશ્વર બાઈસિકલ ક્લબ’ નામ આપ્યું. આ ક્લબનો દરેક સભ્ય, દર શનિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ નક્કી કરેલા સ્થળે ભેગા થાય છે અને ત્યારબાદ સાઈકલિંગના નિયમોનું પાલન કરીને અંકલેશ્વરની નજીકના ગામોમાં 30થી 40 કિલોમીટરના વિસ્તારમાં સાઈકલિંગ કરતા હોય છે. અને જે કોઇ ગામમાં જાય ત્યાં લોકોને પ્રદૂષણ નિવારવા માટે મેસેજ આપતા રહે છે. પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરતા રહે છે. શોખથી શરૂ થયેલી ક્લબ પ્રેરણાત્મક ઇવેન્ટ સુધી પહોંચી ગઇ છે. સાઈકલિંગ કરવાની સાથે સૌકોઇ ઘણીવાર હેન્ગઆઉટ જેવા પ્રોગ્રામ પણ બનાવે છે. 

છેલ્લા છ મહિનાથી શરૂ થયેલા આ ક્લબની ઓળખ એટલી થઇ ગઇ છેકે લોકો સામે ચાલીને તેમાં જોડાવા આવી રહ્યા છે.આ ક્લબ અને તેની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવા માટેે ક્લબના યુવાનોએ ફેસબુક અને સોશિયલ નેટવર્કનો પણ સહારો લીધો છે, તેના થકી પણ તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

'અંકલેશ્વર બાઈસિકલ ક્લબ'ને મળેલા સારા પ્રતિસાદને પગલે અને લોકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવાના હેતુથી ક્લબ દ્વારા આવનારા સમયમાં 'સિટી સાઇકલોથોન'નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે તે ઇવેન્ટની જાહેરાત સોશિયલ સાઇટ પર મૂકવામાં આવી છે. તેના કારણે મોટી સંખ્યામાં લોકો જોડાઇ શકે. જોકે હાલ સુધીમાં ક્લબને 400થી વધુ લોકો જોડાવા માટે સંપર્ક કરી ચૂક્યા છે. જેના માટે તંત્ર દ્વારા સહાય કરવાની બાંહેધરી આપવામાં આવી છે.આ સાઇકલોથોન સાત કિલોમીટરના વિસ્તારમાં યોજવામાં આવી છે. 

જોકે આ મુદ્દે કલેક્ટર સાથે ચર્ચા કરતા આ ગ્રુપની સાઈકલોથોનને ખેલમહાકુંભમાં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે આ સાઈકલોથોનને તંત્ર તરફ સહાય મળશે, જેમાં સાઈકલોથોનમાં અગ્ર ક્રમ આવનારા વચ્ચે બાદમાં રેસ કરવામાં આવશે અને આ રેસ જીતનારને સરકાર તરફથી ઇનામ આપવામાં આવશે.

આવતા વર્ષથી સાઇકલોથોન ખેલમહાકુંભમાં સામેલ કરાશે!

જોકે આ વખતની સાઇકલોથોન માટે તંત્ર તરફથી સારા સહકારની બાંહેધરી આપવામાં આવી છે. અને આવતા વર્ષથી ખેલમહાકુંભમાં સાઈકલોથોનનો સમાવેશ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે કહેવામાં આવ્યું છે. જોકે તે આખી ઇવેન્ટ એટલે કે સાઈકલોથોન અંકલેશ્વરમાં જ થશે તેવું કહેવામાં આવ્યું છે.

સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ એજ મુખ્ય ઉદેશ

'અંકલેશ્વર બાઈસિકલ ક્લબ'નો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જેમાં જો લોકો એક દિવસ પણ વાહનો છોડીને સાઈકલ વાપરે તો આવનારા સમયમાં પૃથ્વી પરના પ્રદૂષણ ઘટાડવામાં આપણે થોડોક તો ભાગ ભજવ્યો છે તેમ કહી શકીશું. આ સાથે સાઈકલિંગ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ઉપયોગી હોવાથી સપ્તાહમાં એક વાર સાઈકલિંગ કરીને સમાજ, વિશ્વને પ્રદૂષણથી બચાવી રહ્યા છે તો પોતાની જાતને પણ રોગોથી બચાવી રહ્યા છે. આ પ્રકારની ઇવેન્ટમાં બાળકો અને વૃદ્વો દ્વારા વધુ ભાગીદારી કરાતી હોય છે તો આપણે કેમ તેમાં ભાગીદાર ન થઇ શકીએ તે વિચારીને આપણે પર્યાવરણ બચાવવા સાથે આવનારા ભવિષ્યને સારી હવા આપવામાં મદદરૂપ થવું જોઇએ.

ફેસબુક પેજ

Related Stories