ઓક્સફોર્ડ ડીક્ષનરી પ્રમાણે ‘ગે’ શબ્દનો બીજો અર્થ થાય છે કુમળા હ્રદયના અને બેફિકરા. દિલ્હી હાઈકોર્ટના 2009ના ચૂકાદાને નકારી જ્યારે સુપ્રિમ કોર્ટે સમલૈંગિક સંબંધોને ફરીથી અપરાધિક જાહેર કરવામાં આવ્યા ત્યારે આખી કમ્યુનિટીને ખૂબ દુઃખ પહોંચ્યું. આમ છતાં કેટલાંક લોકોએ તેમના અધિકાર મેળવવા માટેની ઝુંબેશ સતત ચાલુ રાખી. YourStoryએ એવા ૪ લોકો સાથે વાત કરી જેઓ LGBT કમ્યુનિટીના અધિકારો માટે લડત આપી રહ્યાં છે અને સમગ્ર કમ્યુનિટીનો પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં છે.

નીતિન રાવના જુસ્સાને સલામ

નીતિન બટવાલ રાવનો ઉછેર બેંગ્લોર અને પૂણેમાં થયો. તેને પહેલેથી જ ગણિતમાં ખાસ રસ હતો અને સાથે જ નવી નવી વસ્તુઓ જાણવાની તીવ્ર ઇચ્છા પણ. તેણે NIT સુરથકલમાંથી ITની ડિગ્રી લઇને માનવઅઘિકારને લગતું શિક્ષણ મેળવવામાં લાગી ગયો. ત્યારબાદ તેણે MITમાંથી MBA પણ કર્યું અને સીલીકોન વેલીમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યુ.

તેની આટલી સિદ્ધિઓ બાદ તે આસપાસના લોકોને એ કહી નહોતો શક્યો કે તે ગે છે. ખૂદ નીતિનના શબ્દોમાં જ જાણીએ તેની વાત: “હું હંમેશાં પુરૂષો તરફ આકર્ષાતો. પરંતુ આપણી સામાજીક માનસિકતાના કારણે હું કોઈને કંઈ કહી નહોતો શકતો. જ્યારે મેં મારા માતા-પિતાને આ વાત કહી ત્યારે તેમણે પણ મને કહ્યું કે આ એક બિમારી છે. અને આ પ્રકારની અવગણના જોઇને હું આશ્ચર્યચકીત થઇ ગયો.”

નીતિનના માનવા પ્રમાણે LGBT લોકો પાસે કોઇ એક રોલ મોડલની ઉણપ છે માટે તેમની વાત કોઇ મોટા પાયે કહી નથી શક્યું. તેના કહેવા પ્રમાણે તેની કોલેજમાં જ કેટલાક લોકો LGBT લોકોને ગાળો આપતા. નીતીનનું માનવું છે કે જાહેરમાં લોકો સામે આવવું તે એક હિંમતની વાત છે પરંતુ આમ કરવુ એ પણ વ્યક્તિગત ચોઈસ છે. નીતિનના માનવા પ્રમાણે નવી જનરેશન આ બધી બાબતો માટે વધુ ખુલીને વાત કરી શકે છે. “એક સમાજ તરીકે આપણે લોકોને સ્પેસ આપવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ પ્રકારની કોઈ વાત બધાની સામે મૂકવા માંગે છે તો તેને સાંભળવા પણ તત્પર રહેવું જોઈએ અને તેવા લોકોને આવકારવા પણ જોઇએ. જો કોઈ તમારી હાજરીમાં ગે અથવા લેસ્બિયન વિશે ખરાબ બોલે તો તેમણે રોકવા એ તમારા સૌની ફરજ છે.”

વર્ષ 2010 માં નીતિને ‘ઇક્વલ ઇન્ડિયા એલાયન્સ’ નામની એક નોન પ્રોફિટ સંસ્થાના નિર્માણ માટે મદદ કરી હતી. અને આ સંસ્થા દ્વારા LGBT લોકોના હક્કો માટે ‘I, Ally’ કેમ્પેઇન પણ કર્યું હતું.

વિદ્યા પાઈ, એક ઉદ્યોગસાહસિક અને LGBT કાર્યકર

ઘણા લોકોને પોતાની સેકસ્યુઆલિટી જાણ પહેલેથી જ થઇ જતી હોય છે. પરંતુ વિદ્યા સાથે એવું નહોતું બન્યું. વિદ્યા લગભગ ૩૦ વર્ષની થવા આવી ત્યારે તેને આ અહેસાસ થયો કે તે બાયસેક્સ્યુઅલ છે. વિદ્યા LGBT, મહિલાઓના અધિકાર, પ્રાણીઓના હિત માટેના હક્કો જેવા ઘણાં ક્ષેત્રે સામાજિક કાર્ય કરી રહી છે. જ્યારે એક LGBT ચળવળ દરમિયાન તેનો ફોટો એક કાર્યકર તરીકે છાપાના પહેલા પાને આવ્યો ત્યારે તેના માતા પિતા તેમજ પિતરાઇ ભાઇ બહેનોને વિદ્યા LGBT કમ્યુનિટીની હોવાની શંકા ગઇ પરંતુ ત્યાં સુધી વિદ્યાને પોતાને પણ આ વિશે ખ્યાલ નહોતો. જોકે તેના મિત્રો અને ભાઈ-બહેનોને પણ જ્યારે વિદ્યાની સેકસ્યુઆલિટી વિશે જાણ થઇ ત્યારે તેમણે પણ કોઈ રીએક્શન ના આપ્યું.

LGBT સમુદાયના લોકો ભાગ્યે જ પોતાની હકીકત લોકોની સામે લાવે છે અને તેના કારણે તેમને સમાનતાની નજરે નથી જોવાતા તેમ વિદ્યાનું માનવું છે. “હું મારી મરજીની માલિક છું. મેં કોમ્પ્યુટર એન્જિનિયરીંગ કર્યું પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવાનુ પસંદ કર્યું. અને હવે હું હોસ્પિટાલિટી સેક્ટરથી ઘણી નજીક છું. મારું માનવું છું કે આ મામલે ધાર્મિક માન્યતાઓને વચ્ચે લાવવી તે ખૂબ જ જોખમી છે. સામાજિક ધોરણે સમાનતા લાવવાની જરૂર છે. આપણે સૌ પોતાની સાથે પ્રામાણિક રહીએ તે ખૂબ જરૂરી છે.”

ભરથ જયરમણ: માનવસંશાધનથી માનવ અધિકાર સુધી

કોરનેલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવતાં ભરથ એમેઝોનમાં કાર્યરત છે અને આ પહેલા ગૂગલ ગલ અને વિપ્રોમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે.

ભરથનું ગે સંબંધો વિશે કહે છે કે, “ઘણાં લાંબા સમય સુધી મને ખચકાટ થયા કરતો. જોકે વિવિધ માધ્યમો અને ખાસ કરીને ઈન્ટરનેટની મદદથી મને માલૂમ પડ્યું કે ‘ગે’ શબ્દ શું છે અને તેનો અર્થ સમજ્યો. અને એ સમજણ બાદ મને વિશ્વાસ થયો કે હું ગે છું. હા, એક વાત ચોક્કસ છે કે મારી કમ્યુનિટીના અન્ય લોકો કરતાં હું થોડો વધુ નસીબદાર છું. હું ગે છું તે વાત જ્યારે મારા મિત્રો અને પરિવારને ખબર પડી ત્યારે તેમને કોઈને આ વાતથી ફર્ક ના પડ્યો. નહિ કે તેમાંના કોઈના પણ વર્તનમાં બદલાવ આવ્યો. તે બધાએ આ બાબતને સરળતાથી સ્વીકારી લીધી.”

જો કે તે માને છે કે આપણા સમાજમાં ગે તરીકેની ઓળખ છતી કરવી એ બિલકુલ સરળ નથી. ઘણાં લોકોને કેટલાક સામાજિક તત્ત્વો તરફથી હિંસાનો પણ ડર રહે છે. જો કે લોકોના આવા વ્યવહારથી ડરવું ન જોઇએ તેવું ભરથ માને છે.

જોકે ભરથનું એમ પણ કહેવું છે કે કોપોર્રેટ સેક્ટર હોય કે કોઈ સરકારી ઓફીસ, LGBT કમ્યુનિટીના લોકો ક્યારેય ઉચ્ચ હોદ્દા પર નથી હોતા અને તે બદલવાની જરૂર છે. હા, ફેશન ઇન્ડસ્ટ્રીમાં જરૂરથી LGBT કમ્યુનિટીના ઘણાં લોકો આગળ પડતા છે કારણ કે ત્યાં તેમને ખુલ્લા દિલથી આવકારવામાં આવે છે.

ઈન્ટરનેટના માધ્યમથી શંકર ગણેશ કરે છે LGBT કમ્યુનિટીની મદદ

શંકરનો જન્મ અને ઉછેર તમિલનાડુના તૂટીકોરીનમાં થયો. ઘણી નાની ઉંમરમાં જ તેને પોતે ગે હોવાનો અહેસાસ થઇ ગયો હતો. આ માટે તેણે ઇન્ટરનેટ પરથી પણ ઘણી માહિતી મેળવી. મુખ્યત્વે ઓરકુટ નામની વેબસાઇટ પરથી તે ગે કમ્યુનિટીના સંપર્કમાં આવ્યો. પરંતુ મોટા ભાગના લોકો બાયસેક્સ્યુઅલ હોવાનું તેને જાણવા મળ્યું જેના કારણે તે ખૂબ હતાશ પણ થયો. સમાજ તેને સ્વીકારશે કે નહીં, તેના માતા-પિતાની પ્રતિક્રિયા કેવી હશે તે તેના માટે એક ચિંતાનો વિષય હતો.

જ્યારે તેણે તેના પિતાને આ વાત કહી ત્યારે તેના પિતાએ કહ્યું કે આ એક મેડીકલ સમસ્યા છે અને તેનું સમાધાન પણ શક્ય છે. પરંતુ તે પહેલેથી જ એ સમજી ગયો હતો કે આ કોઈ મેડીકલ સમસ્યા નહીં પરંતુ વાસ્તવિકતા છે. “ઘણાં ગ્રામિણ વિસ્તારમાં તો LGBT લોકોને માટે ખૂબ ધૃણાની નજરે જોવામાં આવે છે. એ પણ ઘણા દુઃખની વાત છે કે કેટલાક તમિલ ન્યૂઝપેપર્સમાં તો સેક્શન 377 વિશે વાત કે ચર્ચા પણ કરવામાં નથી આવતી.” શંકરે દુઃખ સાથે જણાવ્યું.

તે હાલ ફ્રેશડેસ્ક નામની કંપનીમાં કાર્યરત છે અને તેના સહકર્મચારીઓ પણ તેને ઘણો જ સહકાર આપે છે. જોકે એક સમય હતો કે તેના કામમાં તેની આ પરિસ્થિતિના કારણે ઘણી હેરાનગતિ પણ સહન કરવી પડી હતી. દરેક વ્યક્તિમાં કોઇને કોઇ છૂપી કલા હોય છે. આ સમાજના લોકોને જો યોગ્ય કેળવણી નહીં અપાય અને તેમને તરછોડવામાં આવશે તો તે દેશ માટે પણ યોગ્ય ન ગણી શકાય. અને એટલે જ દરેક વ્યક્તિ વ્યક્તિ પોતાના હક્કો માટે લડત આપે તે જરૂરી છે.