કર્ણાટકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટઃ તર્કબદ્ધ અને આયોજનબદ્ધ શહેરીકરણ તરફ આગેકૂચ

0

બેંગલુરુની વસ્તીમાં મોટો વધારો થયો છે. મહાનગરની વસ્તી 1971માં 16.5 લાખ હતી, જે 2011માં વધીને 50 લાખ અને 2015માં વધીને 1.1 કરોડ થઈ ગઈ છે. વર્ષ 2030માં બેંગલુરુમાં 1.4 કરોડ લોકો રહેતા હશે તેવો અંદાજ ઉદ્યોગ અને સરકારી નિષ્ણાતોએ ઇન્વેસ્ટ કર્ણાટક 2016 સમિટમાં વ્યક્ત કર્યો છે.

બેંગલુરુ જેવા ભારતીય મહાનગરો માટે શહેરી માળખાગત સુવિધાઓનું આયોજન અને તેનો અમલ મુખ્ય પડકારો છે અને તેને ઝીલવા માટે સરકારી-ખાનગી ભાગીદારીની વિસ્તૃતપણે જરૂર પડશે. કર્ણાટક બેંગાલુરુ અને અન્ય શહેરોના વિકાસ માટે માટે રૂ. 90,000 કરોડના મૂલ્યોના 44 નવા પ્રોજેક્ટ ધરાવે છે તેવી માહિતી કર્ણાટક સરકારના શહેરી વિકાસ વિભાગના એસીએસ ટીએમ વિજય ભાસ્કરે આપી હતી.

બેંગલોર વિકાસ પ્રધાન કે જે જ્યોર્જે ઉમેર્યું હતું કે, “બેંગલુરુ માટે એલીવેટેડ રોડવેઝ સહિત ફ્લાયઓવર અને અંડરપાસ પ્રોજેક્ટ્સનું મૂલ્ય રૂ. 20,000 કરોડ હશે અને લોકલ રેલવે પ્રોજેક્ટ માટે વધુ રૂ. 9,000 કરોડ ફાળવવામાં આવશે."

સિંગાપોરમાંથી બોધપાઠ લેવા અપીલ

સીએચ2એમ એન્જિનીયરિંગ સર્વિસીસના વાઇસ-પ્રેસિડન્ટ વિનોદ સિંહે બેંગલુરુના પ્લાનર્સને સિંગાપોરના ઉદાહરણમાંથી બોધપાઠ મેળવવાની વિનંતી કરી હતી, જેને એશિયામાં શ્રેષ્ઠ આયોજિત અને મેનેજડ શહેર ગણવામાં આવે છે. બેંગલુરુમાં પ્રોજેક્ટના બજેટનો ફક્ત આઠ ટકા હિસ્સો ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે ફાળવવામાં આવે છે, જ્યારે સિંગાપોરમાં આ માટે 20 ટકા હિસ્સો ફાળવવામાં આવે છે.

સિંગાપોરમાં શહેરી આયોજન સાર્વત્રિક અને લાંબી રેન્જ ધરાવે છે અને તેનો આધાર પારદર્શકતા, વ્યાવસાયિકતા અને પ્રામાણિકતા છે. રોડના વિકાસ સાથે પગદંડીઓ અને હેન્ડિકેપ રેમ્પ તેમજ વધારાના પાણીના નિકાસ માટે નહેરોને સામેલ કરવા પ્રયાસ ચાલુ છે. પીવાના પાણીના સંસાધનોનો બગાડ ઘટાડવા તેના પર નજર રાખવામાં આવે છે.

વિદેશોમાંથી લેવા જરૂરી અન્ય ઉદાહરણો સ્ટાર્ટ મીટરિંગ અને ટ્રેકિંગના છે. વોડાફોન ઇન્ડિયાના સીટીઓ સતિષ મિત્તલે કહ્યું હતું કે, “વોડાફોને ન્યૂઝીલેન્ડમાં સ્માર્ટ પાર્કિંગનો અમલ કર્યો છે અને કોરિયામાં ઇન્ટેલિજન્ટ ડસ્ટબિન ઊભા કર્યા છે.”

ભારતના અન્ય વિસ્તારોમાંથી કેસ સ્ટડીઝ

વેઓલિયાના જનરલ મેનેજર એમ જે આર ચૌધરીએ કહ્યું હતું કે, “નાગપુર જેવા શહેરો પાણીના નિકાલ અને મેનેજમેન્ટ સોલ્યુશનનો અસરકારક રીતે અમલ કર્યો છે.” આ પ્રકારની ગોઠવણ જોખમ-આધારિત કોન્ટ્રાક્ટ્સ પર નિર્ભર છે, જે ભારતમાં પાણીનો પ્રવાહ અનિયમિત હોય અને શહેરીકરણ ઝડપી હોય ત્યાં મહત્ત્વપૂર્ણ બની રહેશે.

આઇએલએફએસે બુરારીમાં અસરકારક રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ અને ગાઝીપુરમાં વેસ્ટમાંથી એનર્જી કન્વર્ઝન પ્રોજેક્ટનો અમલ કર્યો છે. બુરારીમાં 20 લાખ ટન કચરા પર પ્રક્રિયા થાય છે અને તેને રોડ બિલ્ડિંગ મટિરિઅલ્સમાં ફેરવવામાં આવે છે.

સ્માર્ટ સિટી અને આઇઓટી

ક્રિસિલના એસોસિએટ ડિરેક્ટર દર્શન પરીખે કહ્યું હતું કે, “ભારતના 100 સ્માર્ટ સિટીને 150 અબજ ડોલરના ભંડોળની જરૂર પડશે, જેમાંથી 120 અબજ ડોલર ખાનગી ક્ષેત્ર પાસેથી મળશે.” સ્માર્ટ સિટીઝ માટે સફળતાના પરિબળો સામાજિક અને ભૌતિક માળખાગત સુવિધા તેમજ પર્યાપ્ત આર્થિક સહકાર સાથે સંસ્થાકીય સહકાર છે.

ભારત સરકારના મહત્ત્વાકાંક્ષી 100 સ્માર્ટ પ્રોજેક્ટ માટે કર્ણાટકમાંથી દેવનાગરી અને બેલગાવીની પસંદગી થઈ છે, જેમને રૂ. 1,000 કરોડનું ભંડોળ મળશે. તેમાં સ્માર્ટ પાર્કિંગ અને સ્ટ્રીટ પાર્કિંગ, અંડરગ્રાઉન્ડ યુટિલિટી ડક્ટિંગ, સીસીટીવી, ચાલી શકાય તેવા વિસ્તારો અને નાગરિકોની અનુકૂળતા વધારતું સંચાલન જેવી વિશિષ્ટતાઓ સામેલ હશે.

કેઆરડીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કે એસ ક્રિષ્ના રેડ્ડીએ કહ્યું હતું કે, “કર્ણાટક સરકારે બેંગલુરુ માટે છ નવા એલીવેટેડ રોડ પ્રોજેક્ટની દરખાસ્ત રજૂ કરી છે. તેમાં બે ઇસ્ટ-વેસ્ટ, એક નોર્થ-સાઉથ અને ત્રણ કનેક્ટિંગ કોરિડોર સામેલ છે.” તેમણે આ પહેલોમાં સરકારી-ખાનગી ભાગીદારી વધારવાની અપીલ કરી હતી.


લેખક- ટીમ વાયએસ

અનુવાદક- કેયૂર કોટક