ઉદ્યોગસાહસિકો માટે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરતા સ્ટાર્ટઅપ મેન્ટર શ્રીનિવાસ

શ્રીનિવાસનું સ્વપ્ન હૈદરાબાદને વિશ્વમાં સ્ટાર્ટઅપ્સનું શ્રેષ્ઠ કેન્દ્ર બનાવવાનું છે!

ઉદ્યોગસાહસિકો માટે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરતા સ્ટાર્ટઅપ મેન્ટર શ્રીનિવાસ

Sunday March 06, 2016,

7 min Read

બાળકના મનમાં અનેક જિજ્ઞાસા જન્મે છે. તેમને અનેક પ્રશ્રો થાય છે. તેઓ જુદી જુદી ચીજવસ્તુઓ વિશે જાણવા અને તેમને સારી રીતે સમજવામાં રસ ધરાવે છે. આકાશમાં વાદળોને જોઈને તે પોતાના પપ્પાને પૂછે છે કે, "વાદળનો રૂપ, રંગ અને આકાર કેવો હોય છે?" તે પોતાના પપ્પાને સવાલ કરે છે કે આપણને તાવ કેમ આવે છે? બાળક ઘડિયાળ ખોલીને તે કેવી રીતે ચાલે છે તે સમજવાનો પ્રયાસ કરે છે. આ બાળકના મનમાં પણ એક સવાલ હતો અને તે પોતાના સવાલોના જવાબ મેળવવા તેના પપ્પાને પૂછતો હતો. તેમના પિતા બ્રિટનના પ્રસિદ્ધ ડૉક્ટર હતા અને તેઓ તેમના પુત્રને ક્યારેય નિરાશ કરતા નહોતા.

image


જ્યારે બાળક મોટો થયો ત્યારે તેને પિતા સાથેના સવાલ-જવાબના લાંબા અનુભવમાંથી એક મંત્ર શીખી લીધો. તેને સમજાઈ ગયું કે યોગ્ય મનુષ્યને ઉચિત પ્રશ્ર પૂછવાથી જ સફળતા મળે છે. અને પછી આ જ મંત્રએ તેમની સફળતાનો માર્ગ પ્રશસ્ત કર્યો. પછી તેણે એવી સફળતા મેળવી કે આજે તે આખી દુનિયામાં અનેક ઉદ્યોગસાહસિકો અને પ્રતિભાશાળી યુવાનોના સ્વપ્નો સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવા લાગ્યો છે.

આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યાં છે તેમનું નામ છે શ્રીનિવાસ કૉલ્લિપારા. તેઓ હૈદરાબાદમાં ઉદ્યોગસાહસિકો માટે એક ઉચિત વાતાવરણ અને વ્યવસ્થા બનાવવાના હેતુ સાથે સ્થાપિત કરવામાં આવેલા 'ટી-હબ'ના સીઓઓ એટલે ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. હકીકતમાં તેઓ જ આ કેન્દ્રના સ્થાપક છે. બાળપણમાં પોતાના પપ્પા પાસે સલાહ મેળવીને મોટા થયેલા શ્રીનિવાસ અત્યારે ઉદ્યોગસાહસિકોના 'વિશ્વાસુ સલાહકાર' છે. 'યોરસ્ટોરી' સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેઓ ઉદ્યોગસાહસિકોને સવાલ પૂછે છે. બસ સવાલ સાચા હોવા જોઈએ. પછી તેઓ સવાલને આધારે ઉદ્યોગસાહસિકોને તેમનું યોગ્ય બિઝનેસ મોડલ જણાવી દે છે.

image


શ્રીનિવાસે કહ્યું કે, 

"હું ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા લોકોની સમસ્યાનું સમાધાન જણાવતો નથી. પણ તેમને સવાલો પૂછીને તેમની પાસેથી જ સમાધાન મેળવું છે. ભારતમાં ઉદ્યોગસાહસિકતામાં પ્રચૂર સંભવિતતા છે અને દુનિયામાં પરિવર્તનનો પવન ફૂંકવાની તાકાત ધરાવે છે. જો કોઈ રાષ્ટ્રને સફળતા મેળવવી હોય તો તેના અનેક વિકાસ કેન્દ્રો હોવા જોઈએ."

આ જ કારણે તેમણે બેંગલુરુની સાથે સાથે હૈદરાબાદને સ્ટારઅપનું મોટું કેન્દ્ર બનાવવાની જવાબદારી લીધી છે. જે રીતે 'ટી-હબ'ની સ્થાપના થઈ છે અને જે રીતે તેણે કામ કરવાની શરૂઆત કરી છે તેને જોતા એવું લાગે છે કે શ્રીનિવાસ તેમના ઉદ્દેશમાં સફળ રહ્યાં છે. આ કેન્દ્રની સ્થાપના 5 નવેમ્બર, 2015ના રોજ થઈ હતી અને જગપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા, તેલંગાણાના રાજ્યપાલ નરસિમ્હન અને આઈટી મંત્રી તારક રામા રાવ જેવી હસ્તીઓએ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહીને તેની શોભા વધારી હતી. આ કેન્દ્ર સરકારી અને ખાનગી ભાગીદારીનો વિશિષ્ટ નમૂનો છે. આ તેલંગાણા સરકાર, ભારતીય ઇન્ફોમેર્શન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ – હૈદરાબાદ (આઇઆઇઆઇટી-એચ), ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ અને નલસાર ઉપરાંત દેશની પ્રસિદ્ધ ખાનગી સંસ્થાઓના સંયુક્ત વિચાર, મહેનત અને સહકારનું પરિણામ છે.

આ કેન્દ્રનો ઉદ્દેશ હૈદરાબદમાં ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપના વિકાસ માટે અનુકૂલ વાતાવરણ તૈયાર કરવાનો છે. તે 70,000 ચોરસ ફૂટમાં પથરાયેલ છે, જેમાં અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ સ્થાપિત છે. તેમાં ઘણાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત થયા છે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમાં ઇન્ક્યુબેટર્સ અને ઓક્સેલેટર્સ માટે અલગ જગ્યા છે. તેમાં ઉદ્યોગસાહસિકોને વેન્ચર કેપિટાલિસ્ટ અને અન્ય રોકાણકારોને મળવાની સુવિધા છે. શ્રીનિવાસને વિશ્વાસ છે કે આ કેન્દ્ર સફળતાની એક નહીં અનેક ગાથા લખશે.

શ્રીનિવાસ કહે છે, "આ કેન્દ્રની સ્થાપના બેંગલુરુને પાછળ પાડવા માટે થઈ નથી. હકીકતમાં મહાનગરો કે શહેરો વચ્ચેની સ્પર્ધા કે લડાઈ સંપૂર્ણપણે ખોટી વાત છે. દેશના વિકાસ માટે શહેરોએ એકબીજાને સહયોગ આપવો જોઈએ. ભારતમાં વિકાસ માટે આવા અનેક કેન્દ્રો ઊભા થવા જોઈએ. સ્વસ્થ સ્પર્ધા સારી વાત છે, પણ ગળાકાપ સ્પર્ધા વિકાસ માટે હાનિકારક છે."

તેઓ હૈદરાબાદની પસંદગીનું કારણ સમજાવતાં કહે છે, 

"હૈદરાબાદ સાથે મારો સંબંધ બહુ મજબૂત છે અને લાગણીનો છે. મારા અનેક મિત્રો હૈદરાબાદમાં રહે છે. વળી અહીંના પ્રભાવશાળી, પ્રસિદ્ધ અને શક્તિશાળી કુટુંબો સાથે મારા સંબંધો સારાં છે. મને લાગ્યું કે હૈદરાબાદમાં કામ કરવું સરળ છે. મને રાજકારણી, સરકારી અધિકારી કે ફિલ્મના કલાકાર – કોઈ પણ પાસેથી મદદ મળવાની છે. ઉપરાંત હૈદરાબાદ જીવવિજ્ઞાન, ફાર્મસી, મેડિકલ અને ખેતીવાડીનું મોટું કેન્દ્ર છે. તેમની સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો અમારા કેન્દ્રમાં કામ કરશે તો તેમને ઘણી મદદ મળશે, ખાસ કરીને રિસર્ચ અને ડેવલપમેન્ટના ક્ષેત્રમાં."

અમેરિકા અને બ્રિટનમાં પોતાના અભ્યાસ અને કામકાજના અનુભવ વિશે શ્રીનિવાસ કહે છે કે "ઘણાં દેશોએ સિલિકોન વેલીની આંધળી નકલ કરી છે. આ કારણે આ દેશોમાં પોતાનું મોટું ઔદ્યોગિક કેન્દ્ર વિકસી શક્યું નથી. આ દેશોએ પોતાની જરૂરિયાત પ્રમાણે કામગીરી કરી નથી, પોતાના દેશના લોકોની મૂળભૂત જરૂરિયાતોને સમજ્યાં નથી. હવે હૈદરાબાદ જરૂરિયાત અને સંસાધનને અનુરૂપ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે."

હૈદરાબાદ સામે હાલના પડકારો વિશે શ્રીનિવાસ કહે છે, 

"ત્રણચાર વર્ષ અગાઉ વાતાવરણ અલગ હતું. બધાં બેંગલુરુની વાત કરતા હતા. પણ મેં મારા કેટલાંક સાથીદારો સાથે હૈદરાબાદમાં વાતાવરણ બદલવાનો પ્રયાસ કર્યો છે. પ્રયાસો ફળ્યાં છે અને તેમાં આઇઆઇઆઇટી-હૈદરાબાદની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે."

વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય બન્યું અને નવી સરકાર બની પછી કામ ઝડપથી થયું છે. નવી સરકારમાં આઈટી પ્રધાન કે તારક રામા રાવની સક્રિયતા, લગન અને મહેનત રંગથી એક ઉત્તમ નીતિએ આકાર લીધો છે અને ટી-હબની સ્થાપના થઈ છે.

કોર્પોરેટની દુનિયા અને પોતાના વ્યવસાય સાથે સંબંધ તોડીને સ્ટાર્ટઅપ સાથે સંબંધ જોડવા અંગે શ્રીનિવાસ કહે છે કે "મારા પરિવારના લોહીમાં ઉદ્યોગસાહસિકતા છે. હું મારા નાના ડૉ. સી એલ રાયુડૂથી પ્રભાવિત છું. તેઓ ડાબેરી નેતા હતા. અવિભાજ્ય આંધ્રપ્રદેશની વાણિજ્યિક રાજધાની વિજયવાડા અને તેની બાજુમાં ગન્નવરમના વિકાસમાં રાયુડૂએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઘણી શાળાઓ શરૂ કરી હતી. તેમણે નિઃસ્વાર્થ ભાવથી સેવા કરી હતી. તેમણે સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. હું પણ તેમની જેમ સમાજને કશું સારું આપવા ઇચ્છું છું. સમાજ અને દુનિયાના મારા સારાં કાર્યોથી પ્રભાવિત કરવા ઇચ્છું છું."

શ્રીનિવાસ નૈતિકતા અને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવામાં માનતા નથી. આ બાબતે તેમના પર તેમના મામા ડૉ. બસંત કુમારનો પ્રભાવ છે. તેઓ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડીની સાથે અભ્યાસ કરતા હતાં અને તેમના મિત્ર હતા. પણ તેઓ ક્યારેય કોંગ્રેસમાં સામેલ થયા નહોતા અને સત્તાથી દૂર જ રહ્યાં હતાં. શ્રીનિવાસનું બાળપણ બ્રિટનમાં પસાર થયું હતું. તેમના પપ્પા પ્રસિદ્ધ ડૉક્ટર હતા, જે આગળ જઈને સફળ ઉદ્યોગસાહસિક બન્યા હતા. કિશોરાવસ્થામાં શ્રીનિવાસ કોલેજના અભ્યાસ માટે વિજયવાડા ગયા. બ્રિટનમાં મોટા થયેલા શ્રીનિવાસને વિજયવાડા વિચિત્ર શહેર લાગ્યું હતું. બ્રિટન અને ભારતની સંસ્કૃતિ, લોકોની રહેણીકરણીમાં બહુ ફરક લાગ્યો હતો. હવામાન પણ અલગ હતું. એટલે શ્રીનિવાસને એડજસ્ટ થવામાં સમય લાગ્યો હતો.

image


પણ શ્રીનિવાસને ભારતમાં નવું શીખવા મળ્યું હતું. તેઓ ભારતની સંસ્કૃતિ, કળા, લોકોની ક્ષમતા અને સમસ્યાને સમજ્યાં. પોતાના નાના અને મામા સાથે રહીને સમાજને બદલવાના પ્રયાસોના સાક્ષી બન્યા. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શ્રીનિવાસે ઓમેગા ઇમ્મ્યુનોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. આ કંપની બ્રિટનમાં ડાયગ્નોસ્ટિક એન્ઝાઇમની આયાત કરી હતી. થોડા વર્ષ પછી શ્રીનિવાસની આ કંપનીએ આ મોટી ફાર્મા કંપનીને ટેકઓવર કરી હતી. પછી શ્રીનિવાસે પોતે મોટી કોર્પોરેટ કંપનીઓમાં અલગ-અલગ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું.

તેઓ ટ્રાન્સજીન બાયોટેક લિમિટેડ, કમ્પૂલર્નટેક પ્રાઇવેટ લિમિટેડ, કેએકઆઈ કોર્પોરેશન આસ્પેક્ટ સોફ્ટવેર, પીપલસોફ્ટ જેવી મોટી પ્રસિદ્ધ કંપનીઓમાં જોડાયેલા હતા. પણ વર્ષ 2007માં તેમણે સ્ટાર્ટઅપની દુનિયાને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. પછી તેમણે 'સ્ટાર્ટ-અપ મેન્ટર' સ્વરૂપે દુનિયાભરમાં નામના મેળવી અને અલગ ઓળખ બનાવી.

શ્રીનિવાસ 'ટી-હબ'ની સ્થાપનાને પોતાના જીવનની સૌથી સિદ્ધિ ગણાવે છે. આ વિશે તેઓ ભાવવિભોર કહે છે, "જ્યારે દુનિયાના લોકો આ કેન્દ્રને સ્ટાર્ટઅપનું સૌથી ઉત્તમ સેન્ટર ગણશે અને અહીંની સફળતાની વાતો કરશે ત્યારે મારું સ્વપ્ન સાકાર થશે."

શ્રીનિવાસે આ વાતચીતમાં પોતાના સંઘર્ષ વિશે પણ જણાવ્યું હતું. તેઓ કહે છે,

"મેં મારા જીવનમાં ઘણી ચડતીપડતી જોઈ છે. પણ દરેક અનુભવમાંથી કશું શીખવા મળે છે. જ્યારે મારા પપ્પાની કંપનીને મોટું નુકસાન થયું હતું ત્યારે મારા જીવનનો એ ગાળો મુશ્કેલ હતો. હકીકતમાં અમે નાદારી નોંધાવી હતી. ઋણ લેનાર સંસ્થાઓ અમારી પાછળ પડી ગઈ હતી. અમારો એ સમય કસોટીનો હતો. મારા મિત્રોએ પીઠ ફેરવી લીધી હતી અને મને વાસ્તવિક દુનિયાનો અહેસાસ થયો હતો. પણ એકાએક કેટલાંક અજાણ્યા લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. તેઓ અમારા સારાં કામથી પ્રભાવિત થયા હતા. તેમણે અમને મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરી. પછી મને અહેસાસ થયો કે સારા કામનું પરિણામ સારું જ મળે છે. મુશ્કેલીના દિવસોમાં મને સમજાઈ ગયું કે જીવનમાં સારા લોકો શોધવા જરૂરી છે અને તેનાથી વધારે જરૂરી છે સારા લોકોની શક્ય તેટલી મદદ કરવી, કારણ કે સારા લોકો જ સારું કામ કરે છે."

ઉદ્યોગસાહસિકો પાસેથી સફળતાની નવી ગાથા લખાવતા શ્રીનિવાસ કહે છે કે કોર્પોરેટની દુનિયા છોડીને સ્ટાર્ટઅપની દુનિયાને અપનાવવા પાછળ ત્રણ હેતુ છે – એક, દુનિયાભરના લોકોની ભલાઈ માટે કામ કરવું અને દરેકના જીવન પર સારી છાપ છોડવી, બે, મજા આવે અને પસંદ હોય એ જ કામ કરવું અને ત્રણ, કુટુંબના સમાજસેવાના વારસાને આગળ વધારવો.

લેખક પરિચય- અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી (ઇન્ડિયન લેંગ્વેજીસ)

અનુવાદક- કેયૂર કોટક


image