હવે નવા કલાકારોએ ફિલ્મોમાં તક મેળવવા ધક્કા નહીં ખાવા પડે! એક વેબસાઈટ થકી જ આપી શકાશે ઑડિશન!

0

હવે નવા કલાકારોએ ફિલ્મોમાં તક મેળવવા માટે મુંબઈમાં નિર્માતાઓને ત્યાં ધક્કા નહીં ખાવા પડે કારણ કે એક વેબ પોર્ટલે ઑડિશન એવોર્ડ શરૂ કરીને આવા કલાકારોને એક પ્લેટફોર્મ પૂરૂં પાડવાની સુવિધા શરૂ કરી છે. તેના થકી કલાકારો ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોના સંપર્કમાં આવી શકે છે. અને તેમને ફિલ્મોમાં કામ મળી શકે છે.

મુંબઈમાં એક એક વેબ પોર્ટલ 'બોમ્બે કાસ્ટિંગ ડૉટ કૉમ'ની શરૂઆત કરવામાં આવી છે. જેણે ભારતનો પ્રથમ ઑડિશન એવોર્ડ શરૂ કર્યો છે. જેમાં કોઈ પણ કલાકાર પોતાના અભિનયનું ત્રણ મિનિટનું રેકોર્ડિંગ મોબાઇલ કે અન્ય કેમેરા થકી કરીને આ પોર્ટલ ઉપર અપલોડ કરી શકે છે. જો તેની પસંદગી કરવામાં આવે તો પ્રથમ પુરસ્કારના વિજેતાને રૂ. 11 લાખ, દ્વિતિય પુરસ્કારના વિજેતાને રૂ. 5 લાખ અને તૃતિય વિજેતાને રૂ. 3 લાખનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત વિજેતા કલાકારોને ફિલ્મો, ટીવી શ્રેણીઓ, અને જાહેરખબરોમાં 180 દિવસ કામ આપવાની ગેરંટી પણ આપવામાં આવી છે. આ વેબસાઇટના સ્થાપક ફિલ્મ નિર્માતા સુનિલ વોરા છે કે જેઓ તાજેતરમાં જ બનેલી ફિલ્મ તનુ વેડ્સ મનુ, ગેંગ્સ ઓફ વાસેપુર શાહિદ વગેરે જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે. વેબસાઇટ ઉપર ઑડિશનની ક્લિપિંગ 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી ગમે ત્યારે અપલોડ કરી શકાશે.

આ ટેલેન્ટ એવોર્ડ માટે ત્રણ લોકોની જ્યુરી પેનલ બનાવવામાં આવી છે. જેમાં પાનસિંહ તોમર ફિલ્મના ખ્યાતનામ નિર્દેશક તિગ્માંશુ ધુલિયા, નિર્દેશક હંસલ મહેતા, અને તનુ વેડ્સ મનુ (બંને ભાગ)ના નિર્દેશક આનંદ .એલ. રાયનો સમાવેશ થાય છે. તેઓ પ્રતિસ્પર્ધીઓમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરશે.

આ પોર્ટલને કરણ જોહર, રાજકુમાર હિરાણી, ઋષિ કપૂર, સુધીર મિશ્રા, સુજોય ઘોષ વગેરે જેવા દિગ્દર્શકો અને ફિલ્મી હસ્તિઓનો ટેકો મળ્યો છે. વોરાએ અમને જણાવ્યું,

"આ પોર્ટલ શરૂ કરવાનો વિચાર મને ગેંગ્સ ઓફ વાસેપુરનાં નિર્માણ દરમિયાન આવ્યો હતો. તે વખતે કાસ્ટિંગ માટે ફરીફરીને એક જ ચહેરાઓ ઓડિશન માટે અમારી સામે આવતા હતા. ત્યારે મને એમ લાગ્યું કે આવું એક પોર્ટલ શરૂ કરવામાં આવવું જોઇએ કે જ્યાં દેશભરની પ્રતિભાઓ કોઈ પણ જાતના ખર્ચ વિના પોતાની પ્રતિભા દેખાડી શકે. અને ફિલ્મ ઉદ્યોગને પણ નવા નવા ચહેરાઓ મળતા રહે."

આ પોર્ટલને મુંબઈ સ્થિત કોઈ પણ નિર્દેશક કે નિર્માતા તે કલાકારના પોર્ટલ ઉપર આપેલાં વર્ણનને આધારે તેને કામ આપવાની ઓફર કરી શકે છે. તેના વિજેતાઓને નિશ્ચિંતપણે 180 દિવસનું કામ આપવામાં આવશે. જેના આધારે તેઓ પોતાની પ્રતિભાને બોલિવૂડમાં સ્થાપવા માટેનો પ્રયાસ કરી શકશે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ પાનસિંહ તોમરના દિગ્દર્શક તિગ્માંશુએ જણાવ્યું,

"આ કલાકારો માટે સારી શરૂઆત છે. કોઈ પણ નવા કલાકારે પોતાની પ્રતિભા દેખાડવા માટે મુંબઈમાં ઠેકઠેકાણે રઝળવું નહીં પડે."

આ વેબસાઇટના કાસ્ટિંગ હેડ બૃજેશ કરનવાલે જણાવ્યું હતું કે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ નિર્દેશકો આ વેબસાઇટ મારફતે પોતાના મનપસંદ કલાકારોની પસંદગી કરી શકશે.


પીટીઆઈ

Related Stories