રક્તની જરૂરિયાત હોય કે રક્તદાન કરવા ઈચ્છો છો તો જાઓ 'easyblood.info' પર...

0

આપણામાંથી મોટા ભાગના લોકો કોઇને કોઇ બીમારી સામે લડી રહ્યાં છે. જેના કારણે મોટા ભાગના લોકોને આકસ્મિક પરિસ્થિતિઓમાં લોહિની જરૂરિયાત રહે છે. ભારતમાં રક્ત ઉપલબ્ધતા સંબંધિત કેટલાંક જરૂરી આંકડા કંઇક આ રીતના છે.

આપણાં દેશમાં લગભગ દર વર્ષે 110 લાખ યૂનિટ લોહીની જરૂરિયાત રહે છે, પરંતુ વિવિધ પ્રકારના જાગરૂકતા અભિયાન થતા હોવા છતાં પણ માત્ર 48 લાખ યૂનિટ લોહી જ દાન સ્વરૂપે મળી રહે છે. જેના પરિણામરૂપે દર વર્ષે દેશને 62 લાખ યુનિટ લોહી ઓછું મળે છે. ડીમાન્ડ અને સપ્લાય વચ્ચેના આ અસંતુલનના કારણે દર કલાકે 7 લોકો લોહીની જરૂરિયાતના કારણે મૃત્યુ પામે છે. જ્યારે દર બે સેકન્ડે કોઇને કોઇ વ્યક્તિને લોહીની જરૂરિયાત રહેતી હોય છે. આ ઉપરાંત રક્તદાન સંબંધિત સંકળાયેલા કેટલાંક તથ્યો પણ ઘણાં ભયાનક છે. ભારતમાં જે રક્તની માત્રા મળી આવે છે, તેમાંથી 30 ટકા તો ભેળસેળ અને અશદ્ધ હોય છે. આ ઉપરાંત અમેરિકાની આબાદી પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછા 8 ટકા લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે છે જ્યારે ભારતમાં રક્તદાન કરનારની સંખ્યા માત્ર 3 ટકા જ છે.

લોહીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શૌવિક શાહ અને ભાસ્કર ચૌધરીએ એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. તેઓએ આ સમસ્યાના નિરાકારણ માટે easyblood.infoની સ્થાપના કરી. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટ ભારતના 2500 શહેરોમાં કોઇને પણ સ્વૈચ્છિક રક્તદાન કરવાની ઇચ્છા હોય તો તેની શોધ કરીને તેને એક સારું મંચ પૂરું પાડે છે. તેમના મૂળ સંગઠન ‘પીપલ ફોર ચેન્જ’ ના અંતર્ગત સંચાલિત થનાર આ ઓનલાઇન પોર્ટલ દેશભરના રક્તદાતાઓ વિશે એક જ સ્થાન પર માત્ર એક માઉસના ક્લિક દ્વારા જાણકારી ઉપલબ્ધ કરાવે છે.

કેવી રીતે થઇ ઇઝીબ્લડની સ્થાપના?

આ નવા વેન્ચરની શરૂઆત અંગે જણાવતા શૌવિક જણાવે છે,

"'પીપલ ફોર ચેન્જ'ના કામ માટે અમે આખા દેશની યાત્રા કરી તે સમયે, ભારતમાં રક્તદાન સંબંધિત કેટલાંક આશ્ચર્યચકિત કરી દે તેવા તથ્યો અમારી સામે આવ્યા. ત્યારે અમે પોતે આ દિશામાં કેટલાંક અનુસંધાન અને શોધ કરી. ત્યારે અમને લાગ્યું કે જો ભારતદેશના નાગરિકો સ્વૈચ્છિક રક્તદાન કરવાની શરૂઆત કરે તો આ સમસ્યાનો એક સકારાત્મક નિર્ણય આવી શકે તેમ છે. બસ ત્યાંથી જ 'ઇઝીબ્લડ'ની સ્થાપનના થઇ."

શૌવિક 'ઇઝીબ્લડ'ની સ્થાપના અંગે વધુમાં જણાવે છે, 

"ઇઝીબ્લડની સ્થાપના રક્તદાતાઓ અને આકસ્મિક સ્થિતિમાંથી પસાર થઇ રહેલા લોકો એકબીજાનો સીધો સંપર્ક કરી શકે તે માટે શરૂ કરવામાં આવી છે. તેમના આ પ્રયાસ દ્વારા કોઇ પણ જરૂરિયાતના સમયે સરળતાથી રક્તદાતોઓ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત આ પ્રક્રિયાના અંતર્ગત બ્લડગ્રૂપને મેચ પણ કરવામાં આવે છે અને દેશભરના રક્તદાન કરનાર ઇચ્છુક દાતાઓ સુધી પહોંચવા માટે એક સીધો સંપર્ક ઉપલબ્ધ કરાવે છે."

નોકરી છોડી શરૂ કર્યું એનજીઓ!

શૌવિક અને ભાસ્કરે ચોલામંડલમ અને એચડીએફસી બેંકની આકર્ષક નોકરીઓને છોડીને વર્ષ 2009માં 'પીપલ ફોર ચેન્જ' નામથી એક એનજીઓની શરૂઆત કરી, જે હાલમાં જમશેદપુરની બહારથી સંચાલિત થઇ રહ્યું છે. શૌવિક કહે છે કે, “હાલમાં દેશભરમાં ક્યાંય પણ ઇઝીબ્લડના ભૌતિક કાર્યાલય નથી, છતાં પણ અમે ખડગપુર, હજારીબાદ, મુગ્મા અને પતરાતૂમાં અમારી સ્થાનીય શાખાઓ શરૂ કરી છે.’’

આંકડાંકીય માહિતી અંગે વાત કરતા શૌવિક કહે છે,

"ભારતમાં લગભગ 14 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેમાંથી 12 કરોડ લોકો 18 વર્ષથી પણ નીચેની ઉંમરના યુવાનો છે. એટેલે કે તેઓ બાલિક છે અને રક્તદાન કરી શકે છે. જો ઇન્ટરનેટ ઉપયોગ કરનાર વ્યક્તિ વર્ષમાં એકવાર સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે તો ભારતમાં જે રક્તની અછત પડે છે તે દૂર કરી શકાય છે, અને દર વર્ષે હજારો લોકોની જિંદગી બચાવી શકાય છે. ઇઝીબ્લડના માધ્યમ દ્વારા અમે આ વિશેષ સમૂહને લક્ષમાં રાખીને રક્તની જે અછત છે તેને પૂરી કરવા માગીએ છીએ.’’

'ઇઝીબ્લડ' કેવી રીતે કાર્ય કરે છે?

'ઇઝીબ્લડ'ની કાર્યપ્રણાલી અંગે વાત કરતા ભાસ્કર જણાવે છે,

"રક્તદાન કરવા માટે વ્યક્તિએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, અને રક્તદાન માત્ર ત્યારે જ કરવાનું હોય છે જ્યારે લોહીની જરૂરિયાત ધરાવતી વ્યક્તિ સંપર્ક કરે છે. રજીસ્ટ્રેશનની આ પ્રક્રિયા સંપૂર્ણપણે ફ્રી છે, અને તેના સભ્ય બનવા માટે કોઇ પણ પૈસા ચૂકવવા પડતા નથી. આ ઉપરાંત ઇઝીબ્લડનો સૌથી મોટો ફાયદો એ છે કે રક્તદાન કરનાર વ્યક્તિ રક્ત લેનાર વ્યક્તિને જોઇ પણ શકે છે. જેથી દાન કરનારને પ્રોત્સાહન પણ મળી રહે છે."

આ વેબસાઇટ 17 ડિસેમ્બર 2011ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ વેબસાઇટ દ્વારા અનેક પ્રકારની પ્રતિક્રિયા મળી રહે છે. અત્યાર સુધીમાં 500થી પણ વધુ લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવાના ઉદ્દેશથી અમારા સદસ્ય બની ચૂક્યા છે. અમારી સામે ઘણાં એવા પણ કેસ આવ્યા છે જેઓને આ વેબસાઇટ દ્વારા રક્તની જરૂરિયાતના સમયે સરળતાથી રક્તદાઓ શોધવામાં મદદ મળી છે.’’

ભવિષ્યની યોજનાઓ

'ઇઝીબ્લડ'ની ભવિષ્યની યોજનાઓ પ્રોત્સાહિત કરે તેવી છે અને તેમનો ઉદ્દેશ્ય આવનાર વર્ષોમાં સ્થાનીય શાખાઓના માધ્યમથી દેશના 2500 શહેરોમાં પોતાની ઉપસ્થિતિ રજૂ કરવાની છે. શૌવિક કહે છે, "સરકારી હોસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્રો અને બ્લડ બેન્કસ સાથે જોડાઇને વધુમાં વધુ લોકો સુધી અમારે પહોંચવું છે."

ભાસ્કર અને શૌવિક દ્વારા આ ખૂબ જ સુંદર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. અમે યોરસ્ટોરીના વાંચકોને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ આ પહેલના ભાગીદાર બનીને અન્યનું જીવન બચાવવાનો પ્રયાસ કરો. વ્યક્તિ ક્યારે કોઇને કામ આવી શકે છે તે અંગે આપણે પણ જાણતા નથી. તમે પણ 'ઇઝીબ્લડ' વિશે વધુમાં વધુ જાણકારી મેળવો અને તેના સભ્ય બનો.

ફેસબુક પેજ

લેખક- નિશાંત ગોએલ

અનુવાદક- શેફાલી કે. કલેર

Related Stories