પતિના મૃત્યુ બાદ ઓચિંતી આવી પડેલી જવાબદારીને અનુ આગાએ બખૂબી નિભાવી, સંઘર્ષ અને મહેનત બાદ બની દેશની આઠમા ક્રમની ધનિક મહિલા!

પતિના મૃત્યુ બાદ ઓચિંતી આવી પડેલી જવાબદારીને અનુ આગાએ બખૂબી નિભાવી, સંઘર્ષ અને મહેનત બાદ બની દેશની આઠમા ક્રમની ધનિક મહિલા!

Friday April 29, 2016,

8 min Read

મધ્યમવર્ગમાં જન્મ લીધો હોવાથી તમે, તમારા સમયના અભિનેતા, અભિનેત્રીઓ, પોપસ્ટાર, બિઝનેસ ટાયકૂન, વૈશ્વિક નેતાઓ, વગેરેને આદર્શ માનીને જીવતા હોય છે પણ તમને એ જાણ નથઈ હોતી કે તમારી સામાન્ય મૂળ તમને ક્યારેય તે સ્તર સુધી નહીં લઈ જાય. તમે જ્યારે ઉંમરની વીસી વટાવો છો ત્યારે આ અનુભૂતિ વધારે અકળાવનારી બને છે અને તમને સતત એવી લાગણી થયા કરે છે કે તમે તે સ્તરે ક્યારેય નહીં પહોંચી શકો. આ દરમિયાન ત્રીસીએ પહોંચી ગયા હોવ છો અને વાસ્તવિકતાને સ્વીકારી લો છો. તમે સ્થાયી થવાનું શરૂ કરી દો છો.

અનુ આગા, થર્મેક્સ લિમિટેડના પૂર્વ ચેરપર્સન અને એક સમયે દેશની સૌથી ધનિક મહિલાઓમાં આઠમો ક્રમ મેળવનાર જણાવે છે, 

"આવી મહાનતા સુધી પહોંચવાના આપણા વિચારો ભૂલભરેલા હોય છે. કોઈ વ્યક્તિ મહાન જન્મતું નથી, મહાનતા ત્યારે જ આવે છે જ્યારે જીવન તમને ચોક્કસ તબક્કે લઈ જાય અને ત્યાં તમે યોગ્ય પસંદગી કરો. સરળતા અને સહજતા તમારા મૂળ છે, તે જ તમને જીવનના વાસ્તવિક અનુભવો કરાવે છે. ક્રોધની અહીંયા બાદબાકી કરવાની છે. તે ઉપરાંત ભયને પણ દૂર કરી દેવાનો છે. આ અભિગમ જ મક્કમતા અને બાદમાં સફળતા લાવે છે. તેમનું જીવન, તેમની કામગીરી અને જીવનના પ્રસંગો આપણને આ જ બાબતની સાક્ષી પુરાવે છે."
image


સરળતા

અનુ આગા પણ મારી અને તમારી જેમ જ સામાન્ય પરિસ્થિતિમાં જન્મ્યા હતા. તેઓ મુંબઈના મધ્યમાં માટુંગામાં બે મોટા ભાઈઓ સાથે ઉછર્યા હતા. સેન્ટ ઝેવિયર્સ ખાતે ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યા બાદ તેમણે જીવનમાં કંઈક અનોખું કરવાનું નક્કી કર્યું હતું.

અનુ જણાવે છે,

"મારી ડિગ્રી એટલી સારી હતી કે મને સરળતાથી અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન મળે તેમ હતું છતાં એક યુવતી તરીકે મેં પહેલાં લગ્ન કરવાનું અને પરિવારમાં સ્થાયી થવાનું નક્કી કર્યું."

સદનસીબે તેમને એક પ્રેમાળ સાથી રોહિન્ટન આગા મળી ગયા, જે તેમના મોટા ભાઈના ખાસ મિત્ર હતા. રોહિન્ટને કેમ્બ્રિજ ખાતેથી અભ્યાસ કર્યો હતો અને ઘણી મલ્ટિનેશનલ સાથે કામ કરી ચૂક્યા હતા. તે માનતા હતા કે આ નોકરીઓ ગળામાં સોનાની ચેન જેવી હતી. તેમાં મોટા પેકેજ હતા પણ સંતોષ નહોતો. અનુ જણાવે છે,

"મારા ભાઈએ તેમની સાથે જોડાણ કરવાની અને અમારી કંપની સાથે જોડાવાની ઓફર કરી. તેનો આ નિર્ણય અત્યંત કપટી હતો જેની અમને શરૂઆતમાં ખબર પડી નહોતી. મારા પિતા (એ.એસ. ભાથેના, એનર્જી અને એન્વાર્યમેન્ટ સેક્ટરની એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રોવાઈડર કંપની થર્મેક્સ લિમિટેડના સ્થાપક હતા) તે તેમના પગારના સ્તરે પગાર આપી શકે તેમ નહોતા પણ તેમણે તક ઝડપી. આજે થર્મેક્સ 4,935 કરોડની કંપની છે."

આ દરમિયાન આ યુગલ પૂણે ગયું અને થર્મેક્સ કંપનીનો વ્યાપ કરવા લાગ્યું.

આ દરમિયાન અનુએ ચાઈલ્ડ ગાઈડન્સ ક્લિનિક સાથે જોડાણ કર્યું અને પરિવાર પણ વિસ્તાર્યો. રોહિન્ટન તેના પિતાના સફળ વારસ તરીકે ઉભરી આવ્યા અને કંપનીના ચેરપર્સન બન્યા.

ગુસ્સો

તેમનો આ સુખી સંસાર લાંબો સમય ચાલ્યો નહીં અને તેમના પતિને તેમની 40 વટાવ્યા બાદ એટેક આવ્યો. આ માણસને જીવનના તમામ એકડા નવેસરથી ઘુંટવાના આવ્યા. તેઓ જણાવે છે,

"સામાન્ય રીતે સારવાર દરમિયાન દર્દી ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે પણ મારા પતિને ગુસ્સો આવતો હતો. તે સતત લોકો પર ગુસ્સો કરતા રહેતા. તેમના ગુસ્સામાં સતત વધારો થતો. તેઓ આ રીતે પણ સાજા થતા ગયા અને તેમણે સારવાર દરમિયાન એક પુસ્તક પણ લખ્યું."

ભય

આ દરમિયાન તેમનો પરિવાર અનુને સતત કહ્યા કરતો કે તેમણે પરિવારના બિઝનેસમાં ધ્યાન કેન્દ્રીત કરવું. આ સૂચન બાદ અનુએ કંપનીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સાથે કામ શરૂ કર્યું.

અનુ જણાવે છે,

"મેં જ્યારે કંપનીમાં કામ કર્યું ત્યારે મારી પ્રાથમિકતા માત્ર પડકારોનો સામનો કરવાની જ નહીં પણ અમારી બ્રાન્ડને ઈનોવેટર તરીકે જાળવી રાખવાની અને કંપનીનો વિકાસ કરવાની પણ હતી. મારા હૃદયમાં એક વાત સ્પષ્ટ હતી કે કર્મચારીઓને પણ ખુશ રાખવાના. હું સતત એવો પ્રયાસ કરતી કે કેવી રીતે આ કંપનીના કર્મચારીઓ વચ્ચે જોડાયેલી રહું. હું તેમની સાથે કંપનીની સ્થાપક કે માલિક તરીકે નહીં પણ અનુ તરીકે જોડાયેલી રહેવા ઈચ્છતી હતી."

નિરાશા

અનુની દીકરી કે જે કેમિકલ એન્જિનિયર છે અને લંડનમાં રહે છે, તે પોતાના પહેલા સંતાનને જન્મ આપવાની હતી. અનુએ તેને વાયદો કર્યો હતો કે આ સમયે તે તેની સાથે રહેશે. જ્યારે અનુ પાછી આવી ત્યારે રોહિન્ટન ખૂબ જ ઉત્સાહિત હતા અને છ મહિના પછી અનુ આવી હોવાથી તેને લેવા જાતે જ કાર ચલાવીને પૂણે આવતા હતા. અનુ જણાવે છે,

"તેઓ મને લેવા આવે તે પહેલાં જ તેમના સમાચાર મારી પાસે આવ્યા કે તેમને બીજો એટેક આવ્યો છે અને આ જીવલેણ સાબિત થયો છે."

તેમના જીવનનો આ સૌથી મોટો ઘાતક તબક્કો હતો. તેમણે પોતાના પતિ અને બેસ્ટ ફ્રેન્ડ ગુમાવી દીધો હતો જ્યારે કંપનીએ લિડર ગુમાવ્યો હતો. અનુ પોતાની જાતને સંભાળે ત્યાં જ કંપનીના એક્ઝિક્યુટિવ્સે બીજા જ દિવસે મિટિંગ કરીને તેમને જણાવ્યું કે તેમને બધું સંભાળવું પડશે. અનુ જણાવે છે,

"હું તે સમયે તૈયાર નહોતી. હું સતત મારી જાતને વામણી સાબિત કરી રહી હતી અને મને માત્ર એટલા માટે બોલાવવામાં કે રાખવામાં આવી હતી કારણકે તે અમારો ફેમિલી બિઝનેસ હતો. હું ખરેખર મારી જાતને નિઃસહાય માનતી હતી, મારા પતિને યાદ કરી રહી હતી અને છતાં તેની ભૂમિકા ભજવવા તૈયાર થઈ રહી હતી."

આ તમામ મૂંઝવણોના જવાબ શોધવા તેમણે વિપસ્યનાનો આધાર લીધો. તેઓ બુદ્ધિસ્ટ પ્રણાલીની આ મેડિટેશન પ્રણાલીમાં દસ દિવસ જઈ આવ્યા. તે જણાવે છે,

"મારી પાસે મારી જાતને, મારા ધ્યેયને સમજવા અને અજમાવવા માટે યોગ્ય સમય હતો. હું મારા પતિ સાથે મારી જાતની સરખામણી કરતી હતી અને જે ખરેખર અયોગ્ય હતું કારણ કે તેનાથી મારી ક્ષમતા ઘટતી હોય તેમ લાગતું હતું. હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગતી હતી, જે મારા પતિની સરખામણીએ શ્રેષ્ઠ સાબિત કરવાનું હતું."

14 મહિના બાદ અનુનો 25 વર્ષનો દીકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આ ઘટનાએ તેમની પીડામાં અસહ્ય વધારો કરી દીધો પણ તેમણે દુઃખી નહીં થવાનો રસ્તો શોધી લીધો હતો. તે જણાવે છે,

"આ બધું નિયત જ હતું. તે જીવનનો એક ભાગ જ હતો. મૃત્યુ એ દુ:ખદ ઘટના નથી પણ તે સૂર્યોદય અને સૂર્યાસ્ત જેટલી સાહજિક ઘટના છે. દુઃખ અનિવાર્ય છે, પણ પીડા ત્યારે થાય છે જ્યારે તમે તેનો સ્વીકાર નથી કરતા. તમે જો દુઃખને કાબુ કરી શકો તો પીડા ઓછી થાય છે."

પુર્નજીવન

તેમણે ડૂબવા તત્પર થયેલા જીવનના જહાજને સંભાળ્યું અને લાંગર્યું. આ સમયમાં અનુએ તમામ શંકાઓ દૂર કરીને માત્ર પડકારોનો સામનો કરવા માટે ઝંપલાવી દીધું. અનુ જણાવે છે,

"મને બિઝનેસમાં ખાસ સમજ પડતી નહોતી અને ફાઈનાન્સ બાબતે હું અત્યંત ખરાબ હતી. કેપિટલ ગુડ્સ ઈન્ડસ્ટ્રીની પ્રસ્થાપિત કંપનીના વડા તરીકે મારે બંને શીખવાનું હતું. હું સતત એવા લોકોને મારી આસપાસ રાખતી જે મને માર્ગદર્શન આપે અને હું પણ ક્યારેય કોઈની મદદ લેવામાં ખચકાટ અનુભવતી નહીં. આ બાબતે મને સૌથી વધુ મદદ કરી."

આ દરમિયાન ભારતીય અર્થતંત્ર પણ ડામાડોળ થયું હતું. રોહિન્ટનના મોતના એક વર્ષ પહેલાં થર્મેક્સે શેર ઈશ્યુ કર્યા હતા. તે સમયે 400 રૂપિયાનો શેર હતો જે હવે 36નો થઈ ગયો હતો.

અનુએ કેટલાક નક્કર અને કડક નિર્ણયો લીધા, જો કે ઘણા લોકો તેમના આ નિર્ણયોના વિરોધમાં હતા. તે જણાવે છે,

"હું બોસ્ટન કન્સલટન્ટ ગ્રૂપની નિમણૂંક કરવા માગતી હતી જેથી ડેમેજ કન્ટ્રોલ કરી શક્યા પણ અમારી ટીમ અર્થતંત્રને સ્થિર થવા દેવા સુધી રાહ જોવા ઈચ્છતી હતી."

અનુ વધુમાં જણાવે છે,

"મને વિચાર આવતો કે આમાં જે ફરક પડશે તે મને અને મારા પરિવારને પડશે કારણ કે અમે માલિકો છીએ. મને એક વખત શેરહોલ્ડર પાસેથી અનામી ચીઠ્ઠી આવી કે તમે અમને પાડ્યા. મારા અને મારા પતિ માટે કોઈ વ્યક્તિ એમ કહે કે અમે તેમને પાડ્યા કે નુકસાનીમાં નાખ્યા તે અસહ્ય હતું. મને ઘણા દિવસો સુધી ઉંઘ પણ આવતી નહોતી."

તેમણે ગમે તે ભોગે બીસીજીની નિમણૂંકનો નિર્ણય કર્યો અને તે શ્રેષ્ઠ નિર્ણય હતો.

અનુ જણાવે છે,

"અમારા આ નિર્ણયથી અમારા ટર્નઓવરમાં વધારો થયો. અમારે કેટલાક જોખમી નિર્ણયો પણ લેવાના હતા. આ દેશમાં જ્યાં સુરક્ષાના કોઈ ઠેકાણા નથી ત્યાં અમારે કેટલાક બિનઉપયોગી લોકોની સાથે પણ કામ ચલાવવાનું હતું. અમે આ બદલવા માગતા હતા."

તેમણે એચઆર સાથે કામ શરૂ કર્યું હોવાથી તેમના કર્મચારીઓ તેમને જાણતા હતા અને તેમની સાથે જોડાવા લાગ્યા. આ અંગે અનુ જણાવે છે,

"મારી ટીમ મને અને કંપનીને સફળ બનાવવા માગતી હતી. ચારે તરફથી મને સપોર્ટ મળતો હતો. મારી દીકરી અને તેનો પતિ પણ સંતાનો સાથે ભારત પરત આવી ગયો. તેમને લંડન પાછા મોકલ્યા અને જે પ્લાન્ટ તેમણે ત્યાં શરૂ કર્યો હતો તે યોગ્ય રીતે ચાલતો નહોતો તેથી તેને ફરી સક્રિય કરવા જણાવ્યું. મેહેર અને તેના પતિ ટ્રેઈની એન્જિનિયર તરીકે જોડાયા અને બે વર્ષમાં તેમને વિકાસની અતુલ્ય તક મળી ગઈ."

કેમિકલ એન્જિનિયર તરીકે તેને પ્રોડક્ટની સમજ હતી અને ફાઈનાન્સમાં તેને સારું જ્ઞાન હતું. અનુએ દુકાનો મેહેરને સોંપી અને નિવૃત્તિ લઈ લીધી.

સફળતા

અનુ હવે પોતાનો સમય અને સંપત્તિ યોગ્ય કામમાં વાપરવા માગતા હતા તેથી તેમણે આકાંક્ષા નામના એનજીઓ સાથે જોડાવાનું નક્કી કર્યું. તે જણાવે છે,

"મને તેમની કામગીરી પસંદ હતી અને ખૂબ જ સારી રીતે ચાલતી પણ હતી. હું તેમને પૂણે લઈ આવી અને થર્મેક્સે તેમને જગ્યા પૂરી પાડી અને ત્યાં એક ઓફિસ પણ ખોલી."

અનુ આકાંક્ષા અને ટેક ફોર ઈન્ડિયાના બોર્ડ ઓફ એડવાઈઝર તરીકે જોડાયા અને બંને સંસ્થાઓ ક્વોલિટી એજ્યુકેશનમાં પ્રગતિ કરવા માગતી હતી. ડિજિટલાઈઝેશન અને ઈનોવેશનના કારણે અનુએ આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું. ટેક ફોર ઈન્ડિયામાં તેમણે ફિરકી બનાવી, જે ઓપન સોર્સ કરિક્યુલમ ટિચર ટ્રેનિંગ કોર્સ હતો.

તેઓ જણાવે છે,

"તમારી વાત બહાર પાડવી જરૂરી છે કારણ કે, તેનાથી લોકોને જાણવા મળશે અને તેઓ પણ અનુસરણ કરશે. હાલમાં સંસોધનો થઈ રહ્યા છે જે અત્યંત સુંદર છે. આ ક્ષેત્રમાં ખાસ કોઈને સફળતા કે નામના મળી નથી છતાં મેરિકોસ ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડ દ્વારા આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રોત્સાહન મળી રહે છે."

તેમના માર્ગદર્શનના કારણે ચાર વિદ્યાર્થીઓને દુનિયાની કેટલિક યુનિવર્સિટીઓમાં સંપૂર્ણ સ્કોલરશિપ સાથે અભ્યાસની તક મળી છે. પાંચ લોકોની અઝિમ પ્રેમજી યુનિવર્સિટીમાં પણ પસંદગી થઈ છે. અનુને સમાજિક ક્ષેત્રમાં કામ કરવા બદલ 2010માં પદ્મ શ્રી પણ અપાયો હતો.

અનુ અંતે જણાવે છે,

"મને જીવન કરતા વિશેષ બનાવશો નહીં. હું સામાન્ય મહિલા છું. સામાન્ય વ્યક્તિ છું."

લેખક- બિંજલ શાહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો