250 રૂપિયાથી શરૂ થયેલી SIS કંપની આજે 4 હજાર કરોડની બની ગઈ છે!

0

કહેવાય છે કે, ઈચ્છા દ્રઢ હોય તો કોઈપણ લક્ષ્ય મુશ્કેલ નથી હોતું. તમારે માત્ર અર્જુની જેમ માછલીરૂપી લક્ષ્ય પર નજર અને સંક્લપ સાથે નિશાન સાધવાનું હોય છે. સફળતા ક્યારે પરિસ્થિતિની ગુલામ રહી નથી અને રહેશે પણ નહીં. સંઘર્ષના સમયે વ્યક્તિ પોતાની વિપરિત સ્થિતિઓનો ગુલામ થઈ જાય છે. વ્યક્તિ જો આ જ ગુલામી અને બંધનોને છોડીને આગળ વધે તો નક્કી ઈતિહાસ રચી શકે છે.

એક સમયે પોતાના 250 રૂપિયાથી શરૂ કરેલા વેપારને 4,000 કરોડ સુધી પહોંચાડનારા એસઆઈએસ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન રવીન્દ્ર કિશોર સિંહાએ પણ સાચા અર્થમાં ઈતિહાસ રચ્યો છે. એક એવો પ્રેરણાદાયક ઈતિહાસ જે આધુનિક યુગના યુવાન ઉદ્યોગસાહસિકોનો ઉત્સાહ વધારનાર અને રાહ ચિંધનાર છે. રવીન્દ્ર કિશોર સિંહાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક શ્રમજીવી પત્રકાર તરીકે કરી હતી. સિંહા જણાવે છે,

1971 પછી ભારત-પાક યુદ્ધ કવરેજ કરવા દરમિયાન તેમની ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો સાથે સારી મિત્રતા થઈ ગઈ. બાંગ્લાદેશની આઝાદી બાદ સિંહા પટના પાછા આવ્યા અને રાજકીય સંવાદદાતા તરીકે દૈનિક સર્ચલાઈટ અને પ્રદીપ માટે કામ કરવા લાગ્યા.

સિંહા 1970માં લોકનાયક જયપ્રકાશ નારાયણ (જે.પી) દ્વારા મુઝફ્ફરપુરના મુશહરી વિસ્તારમાં નક્સલીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા આંદોલન દ્વારા જેપીના સંપર્કમાં આવ્યા હતા. સમયાંતર તે જે.પીની વધુ નજીક પહોંચી ગયા. તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સિંહાએ ડઝનો કટાર લેખ લખ્યા અને અંતે 1974માં તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

સિંહા જણાવે છે,

"તે દિવસે સાંજે જ્યારે હું જે.પી પાસે પહોંચ્યો ત્યારે મારી નોકરી જતા રહ્યાના સમાચાર પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હતા. જે.પી.એ મને પૂછ્યું કે હવે શું કરીશ. મેં કહ્યું ફ્રીલાન્સિંગ કરીશ. ત્યારે જે.પી.એ સલાહ આપી કે કંઈક એવું કરું જેનાથી ગરીબોના મન જીતી શકું."

સેનાના અધિકારીઓ અને જવાનોની મદદથી તે કપરા કાળમાં સિંહાએ મુખ્ય રીતે ભૂતપૂર્વ સૈનિકોના પુનર્વાસ માટે સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ સર્વિસ ચલાવવાનું નક્કી કર્યું. આ એક એવું કામ હતું જેનો સિંહાને કોઈ જ અનુભવ હતો નહીં. તેમણે જણાવ્યું કે, તેમનો એક મિત્ર સ્ટીલ પ્લોટ ચલાવતો હતો જેને રામગઢમાં આવેલી પોતાની પ્રોજેક્ટ સાઈટની સુરક્ષા માટે સેનાના નિવૃત્ત જવાનોની જરૂર હતી. સિંહાએ પોતાના મિત્રને કહ્યું કે, તે કેટલાક જવાનોને જાણે છે. આ વાત બાદ તેમના મિત્રે તેમને સિક્યોરિટી કંપની ખોલવાનું કહ્યું. આ સલાહ પર સિંહાએ તરત જ અમલ કર્યો. સિંહા તે સમયે માત્ર 23 વર્ષના હતા. તેમણે સૌથી પહેલાં સેનાના 35 નિવૃત્ત જવાનોને નોકરી આપી. તેમાં 27 ગાર્ડ, ત્રણ સુપરવાઈઝર, ત્રણ ગનમેન અને બે સુબેદાર હતા. આ રીતે 1974માં એસઆઈએસ અસ્તિત્વમાં આવી. ત્યારબાદ રવીન્દ્ર સિંહા અને એસઆઈએસએ ક્યારેય પાછાવળીને જોયું નથી. શરૂઆતના વર્ષોમાં જ સિંહાની મહેનત અને નિષ્ઠા દેખાવા લાગ્યા. કેટલાક વર્ષોમાં જ ગાર્ડની સંખ્યા વધીને લગભગ 5,000 થઈ ગઈ અને તેનું ટર્નઓવર એક કરોડની ઉપર પહોંચી ગયું.

આજે એવી સ્થિતિ છે કે એસઆઈએસ ગ્રૂપમાં સવા લાખથી વધારે સ્થાયી કર્મચારીઓ છે. ભારતમાં 250થી વધુ સ્થળે ઓફિસ છે. 28 રાજ્યોના 600થી વધુ જિલ્લામાં વેપાર ફેલાયેલો છે. એસઆઈએસે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કરતા 2008માં ઓસ્ટ્રેલિયાની એક કંપની ચબ સિક્યોરિટીને ખરીદી લીધી. 2016માં કંપનીનું ટર્નઓવર 4,000 કરોડ પહોંચી ગયું.

રવીન્દ્ર સિંહા યુવાનોને સંદેશ આપતા જણાવે છે,

"આજના યુવાનોએ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવું જોઈએ. તેણે રોજગારી મેળવનાર નહીં પણ રોજગારી આપનાર બનવું જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ વિશેષ બિઝનેસમાં પહોંચવા ઈચ્છતી હોય તો તેણે તે બિઝનેસ સાથે જોડાયેલી કંપનીમાં જોડાઈને કંપનીમાં જોડાઈને અનુભવ મેળવવો જોઈએ. આ બિઝનેસ પર સંશોધન કરીને તેની બારીકાઇને જાણવી જોઈએ."

સિંહા જણાવે છે કે, બિઝનેસને આગળ વધારતા સમયે એવા ઘણા પડકારો આવો છે જેને દૂર કરવા મુશ્કેલ લાગે છે પણ તમારી ધીરજ, સમર્પણ અને મહેનત જ તેને પરાસ્ત કરી શકે છે.

યુવા ઉદ્યોગસાહસિકોને સફળતાનો મંત્ર આપતા સિંહા જણાવે છે,

"બિઝનેસમાં આવનારા પડકારો અને સમસ્યાઓથી ગભરાવાના બદલે તેનો ઉકેલ શોધવો જોઈએ, તેના માટેના વિકલ્પો શોધવા જોઈએ. બિઝનેસના શરૂઆતના વર્ષોમાં રેવન્યૂને વધારે મહત્વ આપવાના બદલે માર્કેટ અને લોકો વચ્ચે પોતાની કંપનીની ગુડવિલ વધારવા મહેનત કરવી જોઈએ."

તમને જાણીને નવાઈ લાગશે કે સિંહા ઘણા વર્ષોથી રાજકારણમાં પણ સક્રીય છે. તે જનસંઘના દિવસોથી જ ભાજપ સાથે જોડાયેલા છે. તે બિહાર ભાજપના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને બે વખત ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઐતિહાસિક જે.પી આંદોલન દરમિયાન તેઓ સક્રીય હતા. જયપ્રકાશ નારાયણના નજીકના સહયોગી તરીકે પણ જાણીતા હતા. તે 2014માં બિહાર ભાજપમાંથી રાજ્યસભા માટે પસંદગી પામ્યા હતા. આજે ભાજપના ટોચના નેતાઓમાં તેમનું નામ લેવાય છે. ભાજપે 2013માં સિંહાને દિલ્હી વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી બનાવ્યા હતા જ્યારે ભાજપ માત્ર બે બેઠકોની ઘટના કારણે સરકાર ન બનાવી શકી. તે ઘણી વખત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્ય રહી ચૂક્યા છે.

હાલમાં આર કે સિંહા એસઆઈએસ ગ્રૂપના ચેરમેન ઉપરાંત ભાજપના રાજ્યસભાના સાંસદ અને ઘણા સમાજસેવી સંગઠનોના સંરક્ષક છે. તે દેહરાદૂનની જાણીતી બોર્ડિંગ સ્કૂલ ઈન્ડિયન પબ્લિક સ્કૂલ પણ ચલાવે છે. તે પટનાના આદિ ચિત્રગુપ્ત મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. સિંહા એક સમર્પિત સમાજસેવક છે. તે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મદદ માટે હંમેશા તત્પર રહે છે. પોતાના એક સામાજિક અભિયાન ‘સંગત પંગત’ હેઠળ તે કોઈપણ ગરીબ વ્યક્તિ ઈલાજ વગર ન રહે તેની તકેદારી રાખે છે. બીજી તરફ ગરીબ અને હોંશિયાર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે પણ પ્રયાસ કરતા હોય છે. સિંહા દહેજમુક્ત લગ્નોના સમર્થક છે. સંગત-પંગત અને તત્વાધાનમાં તેમણે પોતાની દેખરેખ હેઠળ અનેક સમૂહલગ્નો કરાવ્યા છે.

આ અભિયાન હેઠળ તેઓ ટૂંક સમયમાં જ દિલ્હીમાં એક સ્થળે મફળ અને વિવિધ સુવિધાઓ ધરાવતું ઓપીડી સેન્ટર શરૂ કરવાના છે જ્યાં ગરીબો પોતાની મફતમાં સારવાર કરાવી શકે. ટૂંક સમયમાં જ એવા ઘણા મફત ઓપીડી સેન્ટર પટના, કાનપુર અને લખનઉમાં પણ ખોલવાના છે.

લેખક- રોહિત શ્રીવાસ્તવ

અનુવાદક- મેઘા નિલય શાહ

Related Stories