બ્રોકન કમ્પાસઃ સાહસનું એક નવું ‘સફરનામા’

0

છેલ્લાં કેટલાક વર્ષોમાં એક્સપિરિન્સિયલ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનો વ્યાપ વધ્યો છે. ખર્ચની ચિંતા કર્યા વગર અનેક લોકો અજાણ્યા સ્થળોની સફર ખેડવા જતા થયા છે. બજારમાં અત્યારે એવા ટ્રાવેલ સ્ટાર્ટઅપ્સની માગ છે જે માત્ર પેકેજ ટૂર કરતાં કંઈક વિશેષ અનુભવ કરાવતા પ્રવાસો આપે. આ માગ પૂરી કરવા ઘણા સ્ટાર્ટઅપ્સ બજારમાં આવ્યા પણ છે.

મંજરી વર્મા અને અવની પટેલ નામની બે બહેનપણીઓ તેમની નોકરીથી કંટાળી ત્યારે તેમને એમ થયું કે કંઈક નવું કરવું. નવું શું કરવું તેનો જવાબ આવ્યો ટ્રાવેલ.

મોટાભાગે ટ્રાવેલ કંપની શરૂ કરનારા લોકો પહેલેથી જ બીજાના પ્રવાસ માટે આયોજનો કરતા હોય છે. આ બંને સાથે પણ તેવું જ હતું. અવની જણાવે છે, "અમે બાળપણથી અનેક પ્રવાસો કરતા આવ્યા છીએ. વિવિધ સ્થળો માટેનું અમારું આકર્ષણ અને જીજ્ઞાસાવૃત્તિના કારણે અમે કાયમ અમારા મિત્રો અને પરિવારને અમારા માટે પ્રવાસના આયોજનો કરવા કહેતા. ત્યારથી મને એમ હતું કે ભવિષ્યમાં અમે પ્રવાસને લગતું જ કંઈક કરીશું."

લશ્કરી પરિવારમાં જન્મેલી મંજરીએ મોટાભાગે પ્રવાસો કર્યા હતા. તેનો પરિવાર જ્યાં રહેવા જાય ત્યાં તેને પણ જવું પડતું. મુંબઈમાં સ્થાયી થયા પહેલાં તે આઠ અલગ અલગ સ્કૂલમાં ભણી હતી. મુંબઈમાં તે એડવર્ટાઈઝિંગનો અભ્યાસ કરતી હતી. આ સહાસ શરૂ કર્યાના પાંચ વર્ષ પહેલાં મંજરી એડવર્ટાઈઝિંગ કંપનીમાં કોપીરાઈટર હતી. ત્યારપછી તેણે કેટલોક સમય પ્રવાસમાં પસાર કર્યો. પ્રવાસ માટેનો તેનો બાળપણનો પ્રેમ પાછો જાગ્રત થયો અને તેણે તેને અપનાવવાનું નક્કી કર્યું.

મંજરીએ જ્યારે એડવર્ટાઈઝિંગમાં કારકિર્દી શરૂ કરી હતી ત્યારે અવની લક્ષદ્વિપ ખાતે મરિન બાયોલોજીમાં સંશોધન કરતી હતી અને તેને દરિયા પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો. અવનીએ બે વર્ષ બાદ પોતાની રિસર્ચની નોકરી છોડી દીધી અને એડવેન્ચર ટ્રાવેલ કંપનીમાં જોડાઈ જેથી તેને આ વ્યવસાય અંગે વિગતો શીખવા મળે. સ્ટાર્ટઅપ શરૂ કરવાની તલપ દિવસે ને દિવસે વધતી જતી હતી. મંજરી સાથે 'બ્રોકન કમ્પાસ'ની શરૂઆત કર્યા પહેલાં અવનીએ તે ટ્રાવેલ કંપનીમાં દોઢ વર્ષ નોકરી કરી.

'બ્રોકન કમ્પાસ' એવું ટ્રાવેલ વેન્ચર છે જે વૈયક્તિક અને સામૂહિક એમ બંને પ્રકારના પ્રવાસોનું આયોજન કરે છે. આ કંપની વિવિધ પ્રસંગે થિમેટિક ટ્રીપનું પણ આયોજન કરે છે જેથી વ્યક્તિ પ્રવાસના રોમાંચને માણી શકે. તેમની પાસે પ્રવાસના વિવિધ આયોજનોનું વિશાળ લિસ્ટ છે. તેમની ખાસિયત એ છે કે તેઓ લોકોની જરૂરિયાત પ્રમાણે તેમને ટ્રાવેલ પ્લાનિંગ કરી આપે છે.

તેમની સાથે પ્રવાસનું આયોજન કરનારા લોકોને એક ફોર્મ ભરવાનું રહે છે જેમાં પ્રવાસને લગતા અનેક સવાલો કરવામાં આવે છે. ફોર્મ ભરાયા બાદ તેઓ ગ્રાહકનું ઈન્ટરવ્યૂ લે છે જેમાં તેની પ્રવાસની જરૂરીયાત અને તેના બજેટ સિવાય કેટલીક બાબતોની માહિતી મળે છે. હોટેલ, સપ્લાયર, ટ્રાવેલ પાર્ટનર વગેરેનો સંપર્ક કરીને અંતિમ પ્લાન તૈયાર કરાય છે જે ગ્રાહકને જણાવવામાં આવે છે. તેમાં ગ્રાહક કોઈ ફેરફાર કરાવે તો તે પ્રમાણે ફેરફાર કરીને અંતિમ પ્લાન નક્કી કરાય છે.

'બ્રોકન કમ્પાસ'ની ખાસિયત એ છે કે તે પોતાના ગ્રાહકો માટે પ્રવાસ પૂરો ન થાય ત્યાં સુધી 24/7 ઉપલબ્ધ હોય છે. તેનો સીધો અર્થ છે કે તેમના ગ્રાહકને ક્યાંય કોઈ મુશ્કેલી આવતી નથી.

તેમની આવકનો મુખ્ય સ્ત્રોત પ્લાનિંગ જ છે જે દરેક ગ્રાહક પ્રમાણે અલગ અલગ હોય છે. તેના કારણે જ તેમણે દરેક આયોજન પ્રમાણે નવા એજન્ટ, પાર્ટનર, હોટેલ્સ અને અન્ય બાબતો સાથે જોડાવું પડે છે. તેમની થોડીઘણી આવક તેમના કન્સલ્ટિંગ દ્વારા પણ થાય છે. જે લોકો બૂકિંગ નથી કરવતા તેમની પાસેથી આ ફી વસુલવામાં આવે છે. તેના છેલ્લાં પાંચ વર્ષના અનુભવ અને નિરિક્ષણના આધારે અવની કહે છે,

"કસ્ટમાઈઝડ ટ્રાવેલનો કોઈ વૈયક્તિક ડેટા ન હોવાથી આ ક્ષેત્રમાં વિકાસની ઘણી તક છે. અહીંયા વેપારનો વિકાસ થાય તેમ છે. અમે છેલ્લાં પાંચ વર્ષમાં એવા પરિવાર જોયા છે જે પહેલાં અમારી પાસે પર્સનલ કે ગ્રૂપ ટૂર માટે આવ્યા હતા અને હવે કસ્ટમાઈઝડ હોલિડે માટે આવે છે. બજાર જેમ જેમ વિકસી રહ્યું છે તેમ તેમ ગ્રાહકો પણ મુક્ત મને ચર્ચા કરતા થયા છે અને તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને માગણી કરતા થયા છે."
તેઓ આ સમયમાં ઘણું શિખ્યા છે અને ઘણું જોયું છે, હવે તેઓ સખત મહેનત દ્વારા ભાગ્યને આધારે આગળ વધી રહ્યા છે. અવની કહે છે,
"અમે 2010માં સત્તાવાર રીતે 'બ્રોકન કમ્પાસ' લોન્ચ કરી હતી. અમે તેમાં માત્ર 10,000નું સામાન્ય રોકાણ કર્યું હતું. ત્યારથી અમે વિકાસના તબક્કા વટાવતા ગયા. માત્ર આર્થિક જ નહીં, બિઝનેસ ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ અને માર્કેટિંગ ક્ષેત્રે અમે આગળ વધતા ગયા. વર્ષ 2013-14માં અમારું ટર્નઓવર 1.5 કરોડ હતું. આગામી સમયમાં ગ્રૂપ ટૂર અને અન્ય વિસ્તરણ દ્વારા અમે વધુ 10 ટકાનો વિકાસ થાય તેવો અંદાજ લગાવી રહ્યા છીએ."

લોકો માટે આયોજન કરવું ખરેખર કંટાળાજનક નથી. અવની એક યુગલની વાત કરતા જણાવે છે કે, તે યુગલને તેમના લગ્નની 50મી એનિવર્સરીએ બેટમેન દ્વારા બ્લેસિંગ્સ આપવામાં આવે તેવી ઈચ્છા હતી. અવનીએ જણાવ્યું કે, અમેરિકા પ્રવાસ કરવા ઈચ્છતા યુગલે જણાવ્યું કે, તેઓ તેમના લગ્નની 50મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માગે છે અને ફરીથી લગ્નની યાદો તાજી કરવા માગે છે પણ સામાન્ય પ્રિસ્ટ દ્વારા નહીં પણ બેટમેન દ્વારા અમે તેને શક્ય બનાવ્યું. આ કરવા દરમિયાન અમે જોયું કે ફિલ્મના અન્ય પાત્રો પણ મળી શકે તેમ હોય છે. અમારા માટે તે બેજોડ અને આનંદદાયક આયોજન હતું.

સ્ટાર્ટઅપ શરૂ કરતા લોકો માટે અવની કહે છે, "સખત મહેનત કરો અને તમારી ભૂલોથી ભય રાખવાના બદલે તેમાંથી બોધપાઠ લો. તમારા માર્કેટનું સંશોધન યોગ્ય રીતે કરો અને તમારે જે કરવું છે તેના માટેનું યોગ્ય આયોજન પણ કરો."

લેખક – આદિત્ય ભુષણ દ્વિવેદી

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ

Related Stories