જરૂરિયાતમંદોના 'વિકાસ' થકી તેમના ચહેરા પર 'ખુશી' લાવતું વડોદરાનું દંપત્તિ

0

વડોદરાની આસપાસ એવા ઘણાં ગામો છે જ્યાંની બહેનો આજે આત્મનિર્ભર બની છે. એક સમય હતો કે એ બહેનોએ કોઈના પર આધાર રાખવો પડતો. પરંતું વડોદરાના એક દંપતીની અનોખી પહેલના કારણે આજે આ બહેનો પગભર બની છે અને તેમના ચહેરા પર 'ખુશી' આવી છે. આ દંપતી એટલે વડોદરા વિકાસ ટ્રસ્ટ NGOના ફાઉન્ડર ટ્રસ્ટી જોહર ડૉક્ટર અને તેમના પત્ની દુરૈયા જોહર. છેલ્લા ૫થી વધુ વર્ષોથી વડોદરા અને વડોદરાની આસપાસ રહેતા જરૂરીયાતમંદોના જીવનને સમૃદ્ધ બનાવવા તેઓ પ્રયત્નશીલ છે.

વિકાસ ટ્રસ્ટના 'ખુશી' પ્રોજેક્ટ થકી વડોદરાની આસપાસ રહેતી બહેનોને સિલાઈકામ શીખવાડવામાં આવે છે. તે બહેનોને પૂરતી ટ્રેઈનિંગ આપ્યા બાદ ૧૫-૨૦ બહેનો જ્યાં એક જગ્યાએ ભેગી થઇ શકે ત્યાં સિલાઈ મશીન મૂકી ગારમેન્ટ યુનિટ ખોલવામાં આવે છે જેથી આ બહેનો પોતાની રીતે જ પોતાના જીવનનું ગુજરાન ચલાવી શકે. 

તો વળી, જ્યાં કેટલીક બહેનો રોટલી બનાવે છે તે કોર્પોરેટ્સ સુધી પહોંચાડવામાં આવે છે કે પછી રસોઈમાં પાવરધી છે અને તેના થકી તેમને રોજગારી મેળવવાની તાલીમ આપવામાં આવે છે. 

આ અંગે જોહર કહે છે,
"જો કોઈને તમે આજે કંઇક ખાવા આપશો તો આજે તો તેનું પેટ ભરાઈ જશે. પણ આવતીકાલનું શું? મારો આશય તેમનું એક કે બે વખત પેટ ભરવાનો નથી પણ દરરોજ તેઓ જાતે પોતાનું પેટ ભરી શકે તે રીતે તેમણે તૈયાર કરી પગભર અને આત્મવિશ્વાસુ બનાવવાનો છે."

તેઓ વધુમાં જણાવે છે,

"આપણા દેશની ૩૦% વસ્તી એવી છે જેમને આપણી જરૂર છે અને તે અમારા ધ્યાનમાં છે. આ એવા લોકો છે જેમના પર બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે અને ક્યાંક ને ક્યાંક તેમનું શોષણ પણ થતું હોય છે. અમારા સર્વે દરમિયાન માલૂમ પડ્યું કે જો આ લોકોને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે અને તેમના પર થોડું ધ્યાન આપવામાં આવે તો તેઓ આપણા સમાજ અને દેશનો સૌથી મોટી સંપત્તિ બની શકે તેમ છે."

વિકાસ ટ્રસ્ટ વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા જરૂરિયાતમંદોના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે. અને અત્યાર સુધી તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૮ હજાર લોકોને આર્થિક રીતે પગભર બનાવી શક્યા છે. 

કોઈ આજે સાઈકલ રીપેરીંગનું કામ કરે છે તો કોઈ શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. તો કોઈ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપત્તિ લોકોની જરૂરીયાત સમજી તેમણે મદદ કરી આર્થિક રીતે સક્ષમ બનાવે છે. સાથે જ સૌ કોઈને ટાઈમ મેનેજમેન્ટ, આરોગ્ય અંગે પણ જાગરૂક કરવામાં આવે છે. 

દુરૈયા જોહર યોરસ્ટોરીને જણાવે છે,

"અમે ઘણી જગ્યાએ ફરીએ છીએ, કેટલાંયે લોકોને મળીએ છીએ, ત્યારે અમને ખબર પડી કે મોટા ભાગના લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય છે પણ તેમણે ક્યાંયથી યોગ્ય માર્ગદર્શન કે સહકાર નથી મળતો હોતો. અને એટલે અમે તેમનું કાઉન્સેલિંગ કરી તેમના જીવનનું સ્તર સુધારવાનું નક્કી કર્યું."

વિવિધ પ્રોજેક્ટ્સ થકી હજારો લોકો સુધી પહોંચ્યા!

- ઉદ્યોગસાહસિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવો

- લઘુ ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો વચ્ચે બ્રીજ બની માઈક્રો ફાઈનાન્સ ઉપલબ્ધ કરાવવું. 

- ડાયલ 4 સર્વિસ અંતર્ગત આર્થિક રીતે નબળા લોકોને તેમને ગમતા કામમાં તાલીમ આપવામાં આવે છે. અને ત્યારબાદ એક કોલ સેન્ટર થકી ૨૦ જેટલી સર્વિસીસ માત્ર એક ફોન કોલ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈને મોબાઈલ રીપેરીંગ કામની તાલીમ આપી હોય તો તે વ્યક્તિની માહિતી NGOના કોલ સેન્ટરમાં અપડેટ કરવામાં આવે છે. અને કોઈ પણ વ્યક્તિને મોબાઈલ રીપેર કરાવવો હોય અને NGOના કોલ સેન્ટર પર ફોન આવે તો જે તે તાલીમ લઇ ચૂકેલી વ્યક્તિને તે કામ ફોરવર્ડ કરવામાં આવે છે. 

- કળા-કારીગરીને પીછાણી તેવા લોકોને રૉ-મટેરિયલ પૂરું પાડીને, માર્કેટિંગ સેટઅપ ઉભું કરી આપવામાં આવે છે. કપડાં સીવવા, ઘરેણાંની બનાવટ, વિવિધ વાનગીઓ બનાવવા જેવા કામો માટે જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે.

- ગામોને દત્તક લઇ તેમના ઉત્થાન માટે કામ કરવું.

ભવિષ્યની યોજનાઓ

ભવિષ્યમાં હજી પણ આ દંપત્તિ ગામડાંમાં રહેતા લોકો માટે ઘણું કરવા માગે છે. આ અંગે વાત કરતા જોહર જણાવે છે, 

"સરકારી સ્કૂલ્સના શિક્ષણની ગુણવત્તા સુધરે તેના પર કામ કરવું છે. સાથે જ ગામડાંમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, પાણી, ગટરવ્યવસ્થા, ગૃહ ઉદ્યોગ સાથે મહિલાઓને જોડવા જેવી ઘણી પ્રવૃત્તિઓ કરવી છે." 

આમ તો આ દંપત્તિ સમાજમાં તેમના અનોખા યોગદાનના કારણે ૨ અવોર્ડસ જીતી ચુક્યું છે, પણ તેમના મતે તો, તેમના કામ થાકી લોકોના ચહેરા પર જે સ્માઈલ, ખુશી આવે છે તે જ તેમનો સાચ્ચો અવોર્ડ છે. 

ફેસબૂક પેજ


Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories