'ક્રિએટ કનેક્ટ' સાથે જોડાઓ અને તમારા ઇ-કોમર્સ વેપારને સરળ બનાવો!

ભારતીય પરંપરાગત વેપારીઓ માટે ઇ-કોમર્સનો માર્ગ સરળ કરતાં બે યુવાન ઉદ્યોગસાહસિકો 

'ક્રિએટ કનેક્ટ' સાથે જોડાઓ અને તમારા ઇ-કોમર્સ વેપારને સરળ બનાવો!

Wednesday March 09, 2016,

5 min Read

સમયની સાથે ટેકનોલોજી અને ટેકનોલોજીની સાથે વ્યવસાયના સ્વરૂપ બદલાઈ રહ્યાં છે. 21મી સદીમાં ઇ-કોમર્સની બોલબોલા વધી રહી છે અને ભારતમાં કોમર્સના આ સ્વરૂપે હરણફાળ ભરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં વર્ષ 2009માં ઇ-કોમર્સનું ટર્નઓવર 3.8 અબજ ડોલર હતું, જે વર્ષ 2013માં વધીને 12.6 અબજ ડોલર થયું હતું. બજારમાં ઇ-કોમર્સ કંપનીઓ વધી રહી છે અને તેના પગલે દરેક વેપારી માટે ઇ-કોમર્સમાં પોતાનું સ્થાન બનાવવાની ફરજ પડી છે. પણ મુશ્કેલી એ છે કે વેપારીઓ પાસે વેપાર કરવાની કળા છે, નહીં કે ટેકનોલોજી સાથે સમન્વય સાધવાની. તેમની આ જ મુશ્કેલીમાં અભિષેક જૈન અને પિયૂષ પાંડેને તક દેખાઈ અને તેમણે 'ક્રિએટ કનેક્ટ'ની સ્થાપના કરી છે. તેઓ આ પ્લેટફોર્મ પર એન્ડ-ટૂ-એન્ડ કોમર્સ સોલ્યુશન આપે છે.

ક્રિએટ કનેક્ટની મુખ્ય ટીમ

ક્રિએટ કનેક્ટની મુખ્ય ટીમ


કોમનમેનની ભાષામાં કહીએ તો આ પ્લેટફોર્મ વેપારીઓને તેમના ઉત્પાદનો ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે મદદ કરે છે અને તે પણ અતિ સરળ પ્રક્રિયા દ્વારા. અભિષેક અને પિયૂષે ટેકનોલોજીની મદદથી વેપારવાણિજ્ય સાથે સંબંધિત તમામ પ્રક્રિયાઓ, તેનું સંચાલન અને વ્યવસ્થાપન વગેરેનું ઓટોમેશન કર્યું છે.

પાશેરામાં પહેલી પૂણી

પિયૂષ જયદેવ છેલ્લાં બે વર્ષથી ઓનલાઇન વિક્રેતા છે અને ‘વિન્ટફ્લી’ બ્રાન્ડ નેમ હેઠળ આંતરરાષ્ટ્રીય રિટેલ બિઝનેસ સફળતાપૂર્વક ચલાવે છે. બીજી તરફ અભિષેક સ્થાનિક બજારમાં વિવિધ ચીજવસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરતાં હતાં. આ દરમિયાન અભિષેકને અહેસાસ થયો હતો કે ઓનલાઇન વેચાણ પ્રક્રિયામાં પ્રોડક્ટ લિસ્ટિંગ્સ, કીવર્ડ મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સીઆરએમ અને માર્કેટપ્લેસ પોલિસીઓના ઓનલાઇન વેચાણમાં વિવિધ પડકારો સંકળાયેલા છે. દરમિયાન તેમની મુલાકાત પિયૂષ સાથે થઈ હતી અને તેમણે વિચાર્યું કે તેઓ બંને ભેગા થઈને આ પડકારો ઝીલી શકે છે અને બજારને ઓનલાઇન સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરી શકે છે. તેમાંથી ક્રિએટ કનેક્ટની સ્થાપનાનું બીજ રોપાયું હતું.


પ્રારંભિક પડકાર

તેમણે ક્રિએટ કનેક્ટની સ્થાપના કરી હતી અને કામગીરી શરૂ કરી હતી. પણ તેમની સૌથી મોટો અને પહેલો પડકાર હતો – પરંપરાગત વેપારી માનસિકતા બદલવાની. સામાન્ય રીતે પરંપરાગત વેપારીઓ અને હોલસેલ વેપારીઓ તેમની ચીજવસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરવા ઝડપથી તૈયાર થતા નહોતા. તેઓ ટેકનોલોજીથી દૂર ભાગતા હતા અને ઇ-કોમર્સથી ડરતાં હતાં.

આ અંગે 29 વર્ષીય અભિષેક કહે છે કે, “હોલસેલર્સ અને ઉત્પાદકો સ્ટોક ઊભો કરવા ટેવાયેલા નહોતા. એટલે તેમને સ્ટોક માટે તૈયાર કરવા માટે બહુ સમજાવવા પડ્યાં હતાં. અમારે સમયસર ડિલિવરી કરવા માટે સ્ટોકની જરૂર હતી.”

ઉપરાંત વેપારીઓ પહેલાં જ દિવસથી વેચાણ થશે તેવી અપેક્ષા રાખતા હતા, પણ તેમને સમજાવવું પડ્યું હતું કે, ઓનલાઇન વેચાણને વેગ પકડવામાં સમય લાગે છે અને તબક્કાવાર રીતે વેચાણ વધે છે. વળી પ્રોડક્ટ લિસ્ટિંગ, ડેશબોર્ડ, પ્રોડક્ટ રિવ્યૂ અને રેટિંગ્સની દ્રષ્ટિએ દરેક માર્કેટપ્લેસ બીજા માર્કેટપ્લેસથી અલગ હોવાથી દરેક પ્લેટફોર્મની સમજણ તેની સાથે સંબંધિત વેપારીઓને આપવી જરૂરી હતી.

ક્રિએટ કનેક્ટ વેપારીઓને તેમની ચીજવસ્તુઓનું વેચાણ આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં મદદરૂપ થાય છે એટલે ટીમને આંતરરાષ્ટ્રીય શિપિંગ ખર્ચ, કરવેરા, કસ્ટમ ડ્યુટીનું વ્યવસ્થાપન અને આંતરરાષ્ટ્રીય વેરહાઉસ વગેરે પર કામ કરવું પડ્યું હતું.

નફાકારકતા

અભિષેક જણાવે છે કે યુનિટની આવક સતત જળવાઈ રહે એ માટે તેમણે ઇનહાઉસ કેલ્ક્યુલેટર વિકસાવ્યું છે, જે નાનામાં નાના ખર્ચનો હિસાબ રાખે છે અને યુનિટ દીઠ નફાનું ધોરણ ચોકસાઈપૂર્વક આપે છે. આ કેલ્ક્યુલેટર્સની ડિઝાઇન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સ ખર્ચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

અભિષેક ઉમેરે છે કે, “કંપની ઇઆરપી સોફ્ટવેર પર પણ કામ કરી રહી છે, જે ઇ-કોમર્સ બિઝનેસ શરૂ કરવા અને તેનું મેનેજમેન્ટ કરવા આવશ્યક ફિચર્સની યાદી વેપારીઓને પ્રદાન કરશે. આ સોફ્ટવેરનું હાર્દ ઓટોમેશન અને ડેટા એનાલિટિક્સ હશે.”

ક્રિએટ કનેક્ટ ક્લાયન્ટના સંકુલમાં તેના કર્મચારીઓને પણ તાલીમ આપે છે. તેમાં ક્રિએટ કનેક્ટની ટીમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, ઓર્ડર પ્રોસેસિંગ અને સીઆરએમ જેવી ઇ-કોમર્સ સાથે સંબંધિત વિવિધ રોજિંદા કામગીરીનું મેનેજમેન્ટ કરવાની સમજણ પૂરી પાડે છે.

મજબૂત ટીમનું નિર્માણ

મજબૂત ટીમ ઊભી કરવા અભિષેક અને પિયૂષે પોતાની સાથે અંકિતા રાયને સામેલ કરી છે, જે ઇમ્પ્રિમિસ પીઆર, આઇવીએફ ગુરુ અને ધ યેલો કોઇન કમ્યુનિકેશન માટે કન્સલ્ટન્ટ હતી. અભિષેક અને પિયૂષે યોજના બનાવીને લક્ષ્યાંક નિર્ધારિત કર્યા પછી અંકિતા ટીમમાં સામેલ થઈ.

તે પછી તરત અભિષેકની બહેન આરુષી તેમની સાથે જોડાઈ. તેના લગ્ન જયપુરમાં થયા હતા. તે જયપુરથી ઇ-કોમર્સમાં કામ કરવા ઇચ્છતી હતી અને ટીમ જયપુરમાં પોતાની હાજરી સ્થાપિત કરવા આતુર હતી. અભિષેક ઉમેરે છે કે, “જયપુર ઉત્પાદકોનું કેન્દ્ર હોવાથી અમે આરુષી સાથે અમારા વિચારની ચર્ચા કરી અને તાત્કાલિક તે અમારી ટીમમાં સામેલ થઈ ગઈ.”

ક્રિએટ કનેક્ટ ત્રણ સ્ત્રોતોમાંથી કમાણી કરે છેઃ

• સીધું વેચાણ

• વિન્ટફ્લી હેઠળ પિયૂષના પ્લેટફોર્મ ક્રિએટ કનેક્ટ દર મહિને 2,000 પાર્સલ રવાના કરે છે અને અત્યાર સુધી 50થી વધારે દેશોમાં વેચાણ કર્યું છે

• કમિશન

• કંપની

o કંપની કમિશન મારફતે પણ કમાણી કરે છે, જેમાં તે દરેક વેચાણ પર ક્લાયન્ટ પાસેથી ચાર્જીસ લે છે

o કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાં રિટેલ અને હોલસેલ એમ બંને પ્રકારના વ્યવહારો પર કમિશનની કમાણી કરી છે

o સેવાઓ અને જોડાણો

o કંપની વિવિધ સેવાઓ મારફતે પણ કમાણી કરે છે, જે તેના આનુષંગિક કાર્યક્રમોમાંથી વેચાણ અને ચુકવણી દ્વારા થાય છે

કંપની 12 ક્લાયન્ટ ધરાવે છે, જેના માટે તે સંપૂર્ણ ઇ-કોમર્સ કામગીરીનું મેનેજમેન્ટ કરે છે અને શરૂઆતથી અત્યાર સુધી રૂ. 2 કરોડનું ટર્નઓવર કર્યું છે. ઉપરાંત તેઓ દર મહિને લગભગ 2,000 પાર્સલ દુનિયાના વિવિધ દેશોમાં મોકલે છે.

ભવિષ્ય

કંપની હજુ તેની પાસે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરે છે અને રોકડ હકારાત્મક છે. અભિષેક ઉમેરે છે કે, “અમે ફંડિંગના પ્રથમ રાઉન્ડ માટે રોકાણકારો અને એચએનઆઇ સાથે વાટાઘાટ કરી રહ્યાં છીએ." 

ક્રિએટ કનેક્ટનું લક્ષ્ય ઇ-કોમર્સ સેટઅપમાં વિવિધ તબક્કાઓમાં જુદી જુદી જરૂરિયાતો પૂર્ણ કરવા સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડર બનવાનું છે. તેઓ ઇ-કોમર્સ સેટઅપમાં પ્રોડક્ટ રિસર્ચ અને સોર્સિંગ, પ્રોડક્ટ લિસ્ટિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, વેરહાઉસિંગ, સીઆરએમ અને ડેટા એનાલિટિક્સ માટે દરેક પ્રક્રિયાને ઓટોમેટિક બનાવવા ઇચ્છે છે.

ઇકોમર્સ સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડરની માગ વધી રહી છે. ક્રિએટ કનેક્ટની સૌથી નજીકની હરિફ કંપની કાર્ટરોકેટ છે. દિલ્હી સ્થિત સાસ પ્લેટફોર્મે ભારતમાં ઇ-ટેલર્સ માટે મૂલ્ય સંવર્ધિત સેવાઓ ઓફર કરવા ભાગીદારોની ઇકોસિસ્ટમ ઊભી કરી છે. કાર્ટરોકેટે ઓપરેશન બ્રેક-ઇવન મેળવી લીધો છે અને આગામી વર્ષમાં 10,000 ગ્રાહકો બનાવવાની યોજના છે.

વેબસાઇટ

લેખક- સિંધુ કશ્યપ

અનુવાદ- કેયૂર કોટક