‘Startup Saturday’માં ‘ફૂડ ઇન્ડસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો’ પર ચર્ચા

‘Startup Saturday’માં ‘ફૂડ ઇન્ડસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો’ પર ચર્ચા

Sunday November 01, 2015,

3 min Read

‘HeadStart Ahmedabad’ની મુખ્ય ઇવેન્ટ એટલે ‘Startup Saturday’ જે આન્ત્રપ્રેન્યોરશિપના તમામ વિષયો અને મુદ્દાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જો તમારે પણ એક આન્ત્રપ્રેન્યોર (ઉદ્યોગસાહસિક) બનવું હોય અને એ પહેલાં તેને લગતા તમામ પાસાઓને નજીકથી સમજવા હોય, એક્સપર્ટનું માર્ગદર્શન જોઈતું હોય કે પછી તમારું સ્ટાર્ટઅપ હજી બેબી સ્ટેપ્સ ભરી રહ્યું છે તો સ્ટાર્ટઅપ સેટરડેના વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ શકો છો. અને હાલમાં જ IIM અમદાવાદના સ્ટાર્ટઅપ સેટરડે દ્વારા એક ઇવેન્ટનું આયોજન થયું જેમાં CIIE હૉલમાં 100થી વધુ લોકો ભેગા થયા. આ ઇવેન્ટનો વિષય હતો ‘ફૂડ ઇન્ડસ્ટ્રી, ફૂડ ટેકનોલોજી ક્ષેત્રમાં રહેલી તકો અને પડકારો’ (Opportunities & challenges in Food industry & foodtech). આ ઇવેન્ટમાં સ્ટુડન્ટ્સ, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, વિવિધ ક્ષેત્રના જાણીતાં લોકોએ ભાગ લીધો અને આજના સમયમાં ફૂડ ઇન્ડસ્ટ્રી ક્યાં છે અને તેમાં કેવી કેવી તકો અને સાથે જ પડકારો રહેલા છે તે વિશેની સમજ કેળવી. સાથે જ ફૂડ ઇન્ડસ્ટ્રીના નામી લોકોએ પોતપોતાના અનુભવો પણ શેર કર્યા.

image


‘ButterCup’ના અમર પટેલ, ‘FoodAHolics of Ahmedabad’ના એશા શાહ, ‘Foodella’ના કૉ-ફાઉન્ડર યશ ઠક્કર તેમજ ‘Jolly Food Fellow’નાં ફાઉન્ડર્સ રાજીવ શર્મા, નીરજ હરલંકા તેમજ ખુશ્બુ શર્મા આ ઇવેન્ટના વક્તાઓ હતાં.

પેશન હોય તો જ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જોડાઓ

એશા અને રોહને જણાવ્યું કે આ ક્ષેત્રમાં તમારું પેશન જ તમને આગળ લઇ જઈ શકે છે. શરૂઆતી તબક્કામાં જ્યારે તમને કોઈ મોનીટરી ફાયદો ન થતો હોય ત્યારે તમારા કામ અને ફૂડ પ્રત્યેનું પેશન જ તમને આ ઇન્ડસ્ટ્રીમાં ટકવા દેશે. ‘FoodAHolics of Ahmedabad’ સાથે આજે હજારો અમદાવાદીઓ જોડાયેલા છે ત્યારે કલાકોનો સમય ફાળવીને તેને મેનેજ કરવું ત્યારે જ શક્ય બને છે જ્યારે તેમના કામ પ્રત્યે તેઓ જુસ્સો ધરાવે છે. અમદાવાદમાં આજકાલ દરેક નાની અમથી ગલીમાં પણ કોઈ ફૂડ જોઈન્ટ જોવા મળે, અને આ ટ્રેન્ડ જોઇને જ એશાને ‘FoodAHolics of Ahmedabad’ ગ્રુપ શરૂ કરવાનો વિચાર આવ્યો. એશાએ કહ્યું કે, “તમને જે કામ ગમતું હોય તે જ કામ કરો. જેમાં તમને રસ હોય તે કામ કરો. સફળતા ચોક્કસ મળશે.”

image


સાથે જ આ ઇવેન્ટમાં ફોરેન યુનીવર્સિટીની માસ્ટર્સ ડીગ્રી ધરાવનાર એન્જિનિયર અમર પટેલ કેવી રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને એક કેવી રીતે એક ડેઝર્ટ હાઉસ શરૂ કર્યું તે જાણવું પણ રસપ્રદ રહ્યું.

તો Foodellaના કૉ-ફાઉન્ડર યશ ઠક્કરે એક સારી ટીફીન સર્વિસને કેવી રીતે ટેકનોલોજી સાથે જોડી શકાય તે વિશે વાત કરી. આ ક્ષેત્રમાં રહેલા પડકારો વિશે વાત કરી Jolly Food Fellowના ફાઉન્ડર્સે. સાથે જ ત્યાં હાજર લોકોના સવાલોના જવાબ પણ આપ્યાં.

image


અમદાવાદની વાત કરીએ તો અહીં આ પ્રકારના એક પ્લેટફોર્મની ઘણી જરૂર છે જ્યાં વિવિધ ક્ષેત્રના લોકો, બિગિનર્સ, એક્સપર્ટ, સ્ટુડન્ટ્સ, ઉદ્યોગસાહસિકો, સૌ કોઈ ભેગા મળી, સાચા અર્થમાં એકબીજાને માર્ગદર્શન આપે, વિવિધ મુદ્દાઓ અને પડકારો પર ચર્ચા કરે અને સાથે જ પોતપોતાના અનુભવો પણ શેર કરે. તેવામાં ‘Startup Saturday’ એ એક મદદરૂપ પ્લેટફોર્મ બની રહ્યું છે.