‘પ્લેનેટ ફોર ગ્રોથ’, જ્યાં પોતાની જૂની વસ્તુ આપીને જરૂરિયાતની વસ્તુ લઈ જાઓ

0

ક્યારેય વિચાર્યું છે કે, જે વસ્તુઓને આપણે ઘણી વખત ઉપયોગ કર્યા પછી એમ જ ફેંકી દઈએ છીએ તે કદાચ બીજા કોઈને કામમાં આવી જાય. અથવા તો એવું પણ બને કે તમારા ઘરના ખૂણામાં પડી રહેલી નકામી વસ્તુ બીજા માટે મહત્વની હોય. ખાસ વાત એ છે કે, તમે તમારા એ માલ-સામાનને કોઈ બીજી વ્યક્તિને આપો અને તે તમને બદલામાં બીજી કોઈ વસ્તુ આપે જે તમારા માટે કામની હોય તો કેવી મજા પડે. આવા સંજોગોમાં બંનેની જરૂરિયાત પૂરી થશે સાથે આ પ્રક્રિયામાં પૈસાની કોઈ લેવડદેવડ પણ નહીં થાય. ‘પ્લેનેટ ફોર ગ્રોથ’ એવું જ એક પ્લેટફોર્મ છે જેને વરુણ ચંદોલાએ શરૂ કર્યું છે.

વરુણ ચંદોલાનો શરૂઆતનો અભ્યાસ હલદ્વાનીમાં થયો હતો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તે દિલ્હી આવી ગયો. અહીંયા દિલ્હી યુનિવર્સિટીમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું અને બાદમાં એમબીએ કર્યું. તેને શરૂઆતથી જ સંગીત, તબલા અને સામાજિક કાર્યો પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. આ દરમિયાન તે એવા લોકો માટે કામ કરવા માગતો હતો જે સમાજના મુખ્ય પ્રવાહથી સાવ ફંટાઈ ગયા છે.

વરુણ જણાવે છે,

"એક દિવસ મારા ધ્યાનમાં વસ્તુ વિનિમય પ્રણાલીની પદ્ધતિ આવી. મેં વિચાર્યું કે, જૂના જમાનામાં લોકો પાસૈ પૈસા નહોતા ત્યારે તે એકબીજા સાથે વસ્તુઓનું આદાનપ્રદાન કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરતા હતા. આ કામને તેઓ ખૂબ જ સરળતાથી અને કોઈપણ પ્રકારના વિવાદ વગર કરી શકતા હતા. તો હાલમાં આપણે કેમ તે ન કરી શકીએ. આ વિચાર સાથે મેં જાન્યુઆરી 2015માં પ્લેનેટ ફોર ગ્રોથનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને નવેમ્બર 2015થી કામગીરી શરૂ કરી."

વરુણ યોરસ્ટોરીને વધુમાં જણાવે છે,

"આજે લોકો પોતાની એ વસ્તુઓને ફેંકી દે છે જેનો ઉપયોગ ન કરતા હોય. મેં વિચાર્યું કે આજે જે વસ્તુ આપણા માટે નકામી છે તે બીજા માટે કામની પણ હોઈ શકે છે, તો આપણે કેમ એવું સામાજિક પ્લેટફોર્મ તૈયાર ન કરીએ જેના દ્વારા વસ્તુવિનિમય થઈ શકે."

ત્યારે તેણે એક એવું પ્લેટફોર્મ બનાવ્યું જેમાં વસ્તુ વિનિમયના માધ્યમથી બીજાની મદદ કરી શકાય અને ઘણા લોકો આ વસ્તુઓ ખરીદીને પણ બીજાની મદદ કરી શકે.

પ્લેનેટ ફોર ગ્રોથની કામ કરવાની પદ્ધતિ અંગે વરુણ જણાવે છે કે, આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાનું અને બીજાનું કલ્યાણ કરી શકે છે. તેણે જણાવ્યું કે, બજારમાં રોજ નવો સામાન આવે છે. તેના કારણે લોકો નવો સામાન ખરીદે છે અને જૂનો સામન ફેંકી દે છે પણ આ જૂનો સામાન ખરેખર કોઈના માટે કામનો હોઈ શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા આપણે વસ્તુવિનિમય કરી શકીએ છીએ. આ પ્લેટફોર્મના માધ્યમથી લોકો પુસ્તકો, જૂતા, બેગ, કપડાં વગેરે સામાનની અદલા બદલી કરતા હોય છે અને સાથે સાથે પોતાની સેવાઓનું પણ આદાનપ્રદાન કરે છે. જેમ કે કોઈ રશિયન કે ફ્રેન્ચ જેવી વિદેશી ભાષા શીખવા ઈચ્છતું હોય તો અન્ય વ્યક્તિ તેને આ વેબસાઈટ દ્વારા શિખવાડી પણ શકે છે. એટલું જ નહીં ભોજન બનાવવાની રેસિપી અને પોતાની કળા પણ એકબીજાને શીખવી શકાય છે.

પ્લેનેટ ફોર ગ્રોથ એક સામાજિક મંચ છે જ્યાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી ગ્રામ્ય મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ અને ઓર્ગેનિક પદાર્થો ખરીદી શકે છે. વરુણ પોતાની વેબસાઈટ અને ફેસબુક દ્વારા લોકોને જાગરૂક કરીને તેમને જણાવે છે કે તેઓ નકામી વસ્તુઓને બીજાને આપીને મદદ કરે. તે ઉપરાંત તેઓ ઘણી હોટેલ્સ સાથે વાત કરે છે જેથી તેઓ પોતાનું વધેલું ખાવાનું ફેંકે નહીં અને ગરીબો સુધી પહોંચાડે. વરુણ જણાવે છે,

"હું લોકોને એવું નથી કહેતો કે તમે બીજાને પરાણે મદદ કરો. હું માત્ર એટલું જ કહ્યું છું કે તમે જે વસ્તુઓનો ઉપયોગ નથી કરતા તેનું દાન કરીને બીજાની મદદ કરો."

વરુણ જણાવે છે કે, હાલમાં તેનો ઉત્તરાખંડ સરકાર સાથે એક કરાર થયો છે જેમાં તેમની સંસ્થા એવા સંગઠનો, એનજીઓ પાસેથી હેન્ડિક્રાફ્ટનો સામાન ખરીદશે અને પોતાની વેબસાઈટ દ્વારા વેચશે. હાલમાં આ વેબસાઈટ દ્વારા રશિયા, બ્રાઝિલ, તૂર્કી, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોના એનજીઓ તેની સાથે જાડાયા છે.

વરુણ એપ્રિલમાં પોતાની વેલફેર શોપ લોન્ચ કરવાનો છે. તેણે જણાવ્યું કે, તેની આ શોપ હાલમાં ઓનલાઈન છે. આ વેબસાઈટ સામાન્ય વેબસાઈટ નથી જેમાં માત્ર સામાન વેચવામાં આવે. તે જણાવે છે કે, તાજેતરમાં જ તેઓ ઉત્તરાખંડના કેટલાક અધિકારીઓ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગયા હતા અને તેમણે જોયું કે મહિલાઓ ઘણી મહેનતથી પોતાનો સામાન બનાવે છે પણ તેઓ બજારમાં તેને વેચી નથી શકતી. વરુણ જણાવે છે કે તે વેલફેર શોપ દ્વારા લોકોને એ બતાવવામાગે છે કે કેવા લોકોએ કેટલી મહેનતથી તૈયાર કર્યું છે જેથી ખરીદનારને તેનું સાચું મૂલ્ય પસંદ પડે.

હાલમાં વરુણ અને તેની ટીમે 'હર પૈર ચપ્પલ' નામનું અભિયાન ચલાવ્યું હતું, જેમાં એક હજાર બાળકોને તેમણે નવા ચંપલ અપાવ્યા હતા. આ પ્રોગ્રામને તેઓ મોટાપાયે કરવા માગે છે અને હાલમાં રિલેક્સો કંપની સાથે તેમની વાતચીત ચાલી રહી છે. આ વખતે તેમની યોજના દેશના 10,000 લોકોને ચંપલ પહેરાવવાની છે. તેઓ લોકોને જાગરૂક કરી રહ્યા છે કે તેઓ પોતાના જૂના કપડાં સિગ્નલ પર ભીખ માગનારા અને ઝૂંપડાઓમાં રહેનારા લોકોને આપે. એટલું જ નહીં તે ગરીબ અને ભીખારીઓને સમજાવે છે કે તેમની પાસે કામ કરવા માટે ઘણું બધું છે અને તેઓ સ્વચ્છ કપડાં પહેરીને કામ માગવા જશે તો તેમને કામ મળી શકશે.

ફંડિંગ અંગે વરુણ જણાવે છે કે, શરૂઆતમાં 20-25 લાખનું રોકાણ તેણે જાતે જ કર્યું છે. મોટાભાગનું કામ વસ્તુ વિનિમયનું હોય છે તેથી તેમાં વધારે રોકાણની જરૂર પડતી નથી. ભવિષ્યમાં તેમની યોજના પોતાના કામને દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તારવાની છે. આ યોજનામાં રોકાણ અંગે તેઓ રાજ્ય સરકારો અને અન્ય સંસ્થાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. પ્લેનેટ ફોર ગ્રોથમાં છ લોકો તેની સ્થાપનાથી જોડાયેલા છે જે તેના અલગ અલગ વિભાગો સાથે જોડાયેલા છે. 20 લોકોને તેમણે પોતાને ત્યાં કામ માટે રાખ્યા છે. તે ઉપરાંત 200 લોકો તેમની સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે. હાલમાં વરુણ પોતાનું આ કામ દિલ્હી અને દેહરાદૂનમાં ચલાવી રહ્યો છે.

લેખક- હરિશ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

Related Stories