કર્ણાટકમાં સ્ટાર્ટઅપ્સને બેંગલુરુમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં પ્રોત્સાહન મળશે

કર્ણાટકમાં સ્ટાર્ટઅપ્સને બેંગલુરુમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં પ્રોત્સાહન મળશે

Friday February 05, 2016,

3 min Read

રાજ્યનો સંતુલિત વિકાસ કરવા બેંગલુરુ સિવાય અન્ય વિસ્તારોમાં પણ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઇન્વેસ્ટ કર્ણાટકમાં દેશના ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ રાજ્યની સંપૂર્ણ અને સર્વગ્રાહી વૃદ્ધિની આશા વ્યક્ત કરી છે. આ ઇવેન્ટમાં આઇઆઇએમ બેંગલુરુના ડિરેક્ટર ઋષિકેશ ક્રિષ્નન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે બેંગલુરુ અને સ્ટાર્ટઅપ્સને એકબીજાના પર્યાય ગણાવ્યાં હતાં અને રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ્સ નીતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું,

"ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ્સને બેંગલુરુ સાથે ગાઢ સંબંધ છે. હકીકતમાં બેંગલુરુ અને સ્ટાર્ટઅપ્સ એકબીજાના પર્યાય છે. રાજ્યમાં પ્રતિભા અને સંસાધનોની કમી નથી, ત્યારે સરકારનો આ ક્ષેત્રમાં સહકાર જોઈને ખરેખર આનંદ થાય છે."

ઇવેન્ટમાં હુબલીનું સ્ટાર્ટઅપ નવ્યા બાયોટેકનોલોજીસ, ધારવાડનું સેન્સગિઝ, મૈસૂરનું ઇમ્પ્લાન્ટેઇર અને બેંગલારુના ટીમ ઇન્ડુસની ચર્ચા જોરમાં હતી, ત્યારે સરકાર બેંગલુરુ ઉપરાંત સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં સંસાધનોની ઉપલબ્ધતાના આધારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા દ્રઢ છે.

image


કર્ણાટકમાં સ્ટાર્ટઅપ્સ

અગ્ર સચિવ વી મંજુલાએ કહ્યું હતું કે, સરકાર ફક્ત ડિજિટલ વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે ઉત્પાદન ક્ષેત્ર સાથે સંબંધિત સ્ટાર્ટઅપ્સને મદદ કરવા પણ આતુર છે. તેમાં સ્ટાર્ટઅપ વેરહાઉસ, ઇન્ક્યુબેશન પહેલ, મોબાઇલ ઇન્ક્યુબેટર્સ, આઇઓટી લેબ્સ અને બાયોટેક સ્થાપિત કરવાથી લઈને 40,000 ચોરસ ફૂટ એરિયામાં વેટ લેબ્સ સાથે ક્લસ્ટર બાયો-ઇન્નોવેશન સેન્ટર્સ સામેલ છે.

ઇમ્પ્લાન્ટેઇરના સીઇઓ યોગેશ દુબેએ ઉમેર્યું હતું કે, પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ અને વેન્ચર ફંડ્સ ટિઅર ટૂ શહેરોમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો વિચાર કરતાં નથી. સેન્સગિઝના સ્થાપક અને સીઇઓ અભિષેક લાટ્ટેએ આવો જ મત રજૂ કરીને જણાવ્યું હતું કે, જો સરકાર સ્ટાર્ટઅપ્સને મદદ નહીં કરે, તો તેમને કોઈ પ્રારંભિક ફંડ કે સપોર્ટ નહીં મળે.

મંજુલા ઉમેરે છે,

"અમે ટિઅર ટૂ શહેરોમાં પણ વૈશ્વિક કક્ષાની ઇકોસિસ્ટમ ઊભી કરવા માંગીએ છીએ. આ માટે સ્ટાર્ટઅપ્સ પર ફંડ ઊભું કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમને સમાજમાં હકારાત્મક અસર કરે તેવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની સૂચના આપવામાં આવી છે."

સ્ટાર્ટઅપ્સ માટે અત્યારે શ્રેષ્ઠ સમય

ભારત સરકારની સ્ટાર્ટઅપ નીતિઓ, ઇન્ક્યુબેશન કેન્દ્રો અને એસએમઈને મદદ કરવા વધારે ધ્યાન કેન્દ્રિત કરવા જેવા પરિબળો સાથે ભારત અત્યારે સ્ટાર્ટઅપ નવીનતા અને વૃદ્ધિના માર્ગે ઝડપથી દોટ મૂકી રહ્યો છે.

સાગા ફંડ્સના સ્થાપક અંકિતા વશિષ્ઠ ઉમેરે છે કે જ્યારે બેંગલુરુમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કમનસીબે અનુચિત લાભ ઉઠાવવા માટેના સ્ટાર્ટઅપ વધી રહ્યાં છે.

ઉપરાંત સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન વધારે કેન્દ્રિત થવાથી રાજ્યમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે 10 ટકા ફંડ અનામત રાખવામાં આવ્યું છે અને તેમને વિશેષ લાભ આપવામાં આવે છે. અંકિતાને આશા છે કે સરકારના સાથસહકાર સાથે વધુને વધુ મહિલા ઉદ્યોગસાહસિકો મળશે.

જ્યારે સ્ટાર્ટઅપ નીતિ મદદરૂપ અને પ્રગતિશીલ જણાય છે, ત્યારે ઉત્પાદન અને નવીનતામાં સ્ટાર્ટઅપ્સ માટે જરૂરી ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

રાજ્યની સ્ટાર્ટઅપ નીતિ અને ટિઅર ટૂ શહેરોમાંથી સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ઇકોસિસ્ટમને ટિઅર-ટૂ અને ટિઅર-થ્રી શહેરોમાંથી વધુને વધુ નવીન સ્ટાર્ટઅપ શરૂ થવાની આશા છે.


લેખક- સિંધુ કશ્યપ

અનુવાદક- કેયૂર કોટક