પત્ની PhD કરી વિદેશ જઈ શકે તે માટે રાત્રે રસ્તા પર પરાઠા વેચે છે આ દંપત્તિ!

2

પરાઠા બનાવતી સ્નેહા કેરળ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહી છે અને પ્રેમશંકર CAG વિભાગની નોકરી છોડી સ્નેહાનો સાથ આપે છે. આ બંને ઓરકુટ પર એકબીજા સાથે વાતો કરતા અને વાતો-વાતોમાં જ આ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો!

વર્ષ 2014માં સ્નેહા કેરળ એમ.ફિલ. કરવા આવી હતી અને ત્યારથી અહીં જ રહે છે. પોતાનો અભ્યાસ પૂરો કરીને સ્નેહા જર્મનીમાં સ્થાયી થવાનું સપનું જોવે છે. તે જર્મનીથી રીસર્ચ પણ કરવા માગે છે. કોલેજથી પરત ફરીને સ્નેહા તરત જ દુકાને જાય છે અને થાક્યા વગર પતિને કામમાં મદદ કરે છે. 

કેરળના તિરુવનંતપુરમના ટેકનોપાર્ક વિસ્તારમાં પરાઠાની એક દુકાન છે જ્યાં એક કપલ સાથે મળીને પરાઠા બનાવે છે. આ દંપત્તિનું નામ છે પ્રેમશંકર મંડલ અને સ્નેહા લિંબગાઓંકર. તેમની સફર આપણને આશ્ચર્ય પમાડે તેવી છે. પરાઠા બનાવતી સ્નેહા કેરળ યુનિવર્સિટીથી પીએચડી કરી રહી છે અને પ્રેમશંકર CAG વિભાગની નોકરી છોડી સ્નેહાનો સાથ આપી રહ્યાં છે જેથી સ્નેહા તેનો અભ્યાસ પૂરો કરી શકે. ઓરકુટ પર મળીને, એકબીજા સાથે વાતો કરી પ્રેમશંકર અને સ્નેહાએ એકબીજા સાથે લગ્ન કરી લેવાનો નિર્ણય કરી લીધો.

પરંતુ મુશ્કેલી એ હતી કે પ્રેમશંકર ઝારખંડના રહેવાસી અને સ્નેહા મહારાષ્ટ્રની. બંનેના ઘરવાળા આ લગ્ન માટે રાજી ન હતાં તેમણે પોતપોતાના પરિવારજનોને મનાવવાની ઘણી કોશિષ કરી પરંતુ તે લોકો માન્યા નહીં. આખરે થાકી હારીને બંનેએ પરિવારની મરજી વગર લગ્ન કરવાનો મક્કમ નિર્ણય કરી લીધો. 2016માં તેમણે લગ્ન કરી લીધા. એ દિવસોમાં પ્રેમશંકર દિલ્હીમાં નોકરી કરતા હતાં. સ્નેહાને ઉચ્ચ અભ્યાસ કરવો હતો, તે પીએચડી કરવાની તૈયારી કરી રહી હતી. પ્રેમશંકર પણ સ્નેહાની આ ઈચ્છા પૂરી કરવા ઈચ્છતા હતાં.   

એ સમય દરમિયાન સ્નેહાને રીસર્ચ કરવા કેરળ યુનિવર્સિટીથી પોસ્ટ ડૉકટરલ ફેલોશિપ મળી ગઈ. પ્રેમશંકર દિલ્હીના CAG ઓફિસમાં નોકરી કરતા હતાં, પરંતુ સ્નેહાની સાથે રહેવા તેઓ કેરળ આવી ગયા. સ્નેહાની ફેલોશિપના પૈસા જ્યારે ખતમ થઇ ગયા ત્યારે પ્રેમે પરાઠા બનાવવાની દુકાન શરૂ કરી દીધી જેથી સ્નેહાને તેના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના નડે. સ્નેહાનું કેમ્પસ માત્ર 10 મિનીટના અંતર પર છે એટલે ક્લાસથી છૂટીને સ્નેહા સીધી જ પહોંચી જાય દુકાન પર અને પરાઠા બનાવવા લાગે છે. પ્રેમશંકર સોશિયલ વર્કમાં ગ્રેજયુએટ થયેલા છે. રસ્તાના કિનારે તાડપત્રી લગાવીને પરાઠા વેચતું આ દંપત્તિ સેંકડો લોકોના પેટ ભરવાની સાથે પોતાના સપના પણ પૂરા કરી રહ્યું છે.

સ્નેહાની દુકાન પર પરાઠાની સાથે સાથે ડોસા અને ઓમલેટ પણ બને છે. પ્રેમ કહે છે,

"અમે આ દુકાનથી અમારી રોજીંદી જરૂરિયાતો પૂરી કરીએ છીએ અને ભવિષ્ય માટે પણ પૈસા બચાવીએ છીએ."

પ્રેમ ઈચ્છે છે કે સ્નેહા ભણીને વૈજ્ઞાનિક બને. અને ત્યારબાદ પ્રેમ એક મોટું રેસ્ટોરન્ટ ખોલવા માગે છે. તો સ્નેહા પોતાના અનુભવો જણાવતાં કહે છે,

"કેટલીક વાર લોકો મારી પાસે આવે અને પૂછે કે એક રીસર્ચ સ્કોલરને આ કામ કેવી રીતે શોભે છે. પણ મને આવા સવાલ પર ખૂબ જ આશ્ચર્ય થાય કે હું કંઈ કોઈનું ખૂન કરીને કે લૂંટીને ભણવાની ઈચ્છા નથી રાખી રહી. હું પહેલેથી જ એક ફાઈટર રહી છું અને મને વિશ્વાસ છે કે હું બધું મેળવીને જ રહીશ."


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ... 

Related Stories