ભારતમાં પ્રદૂષણ અટકાવવા માટે જીવનશૈલીમાં લાવો 8 શક્તિશાળી પરંતુ સરળ પગલાં

5

ભારત વિશ્વમાં પ્રદૂષણ ફેલાવવામાં મોખરે છે. તે ચીન અને યુએસ કરતાં થોડું જ પાછળ છે. ચીનમાં હવામાં રહેલા કાર્બન ઘટાડવાનું પ્રમાણ 6 ટકાનું છે. પ્રાઇસવોટરકૂપર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલો અહેવાલ લ઼ો કાર્બન ઇકોનોમી ઇન્ડેક્સ 2015માં એવો સંકેત આપવામાં આવ્યો છે કે વર્ષ 2014માં ભારત ખાતે વીજળી ઉત્પાદનના કારણે કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ 8.2 ટકાએ પહોંચ્યું છે.

ભારતે ગ્લોબલ વોર્મિંગનાં ક્ષેત્રે પોતાનું અર્થસભર પ્રદાન આપવા માટે આ ક્ષેત્રે ઝડપી પગલાં લેવાં પડશે. ગત વર્ષે યોજાયેલી પેરિસ ક્લાયમેટ કોન્ફરન્સમાં ભારતે પોતાનો ક્લાયમેટ એક્શન પ્લાન રજૂ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાનાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વર્ષ 2005નાં સ્તરેથી 33થી 35 ટકા ઘટાડશે. ઉપરાંત તેના માટેની તે પ્રણાલી પણ અમલમાં મૂકશે. તેનો મતલબ એ થાય કે દેશમાં 40 ટકા વીજળીનું ઉત્પાદન રિન્યૂએબલ સ્રોતો જેમ કે પવન ઊર્જા અને સૂર્ય ઊર્જા મારફતે થશે. અને 2030માં તમામ ઊર્જાનું ઉત્પાદન આ સ્રોતો મારફતે કરવામાં આવશે.

પરંતુ મુંબઈ સ્થિત no2co2ના સ્થાપક વિવેક ગિલાનીનું કહેવું છે,

"આ માટે જેટલી જવાબદારી સરકારની છે તેટલી જ જવાબદારી નાગરિકોની પણ છે. કુદરત પાસેથી આપણે ઘણી વસ્તુઓ લઈ લઈએ છીએ પરંતુ તેની ફરીથી પૂર્તિ કરતા નથી. તેના માટે આપણે આ મુદ્દાનાં મૂળ સુધી જવું જોઇએ. જેમાં વ્યક્તિગત રીતે થતાં વપરાશ ઉપર ધ્યાન આપવું જોઇએ."

તેમણે વધુમાં જણાવ્યું,

"દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળ કોર્પોરેટ કન્ઝ્યુમર સંસ્કૃતિ મોટા પાયે જવાબદાર છે. આ સંસ્કૃતિ ખોટી નથી પરંતુ તેના કારણે વપરાશમાં અતિશયોક્તિ થાય છે. તેમાં સુધારો કરી શકાય તેમ છે. જો આપણે પ્રશ્નો ઊભા કરી શકતાં હોઈએ તો તેનાં નિરાકરણ માટેના ઉકેલો પણ શોધી રાખવા જોઇએ."

અહીં 8 એવા શક્તિશાળી બદલાવો આપવામાં આવ્યા છે કે જેને અપનાવીને નાગરિકો ભારતને પ્રદૂષણમાંથી મુક્ત કરવા માટેના પ્રયાસો કરી શકે છે:

1. ડોલમાં પાણી ભરીને નહાવાનું રાખો – નહાવા માટે ફુવારાનો ઉપયોગ બંધ કરો અને ડોલમાં પાણી ભરીને નહાવ. જો આપણે એક વખત નહાવામાં 30 લિટર પાણી બચાવીએ અને એક બિલ્ડિંગમાં 30 ફ્લેટ આવેલાં હોય તો વાર્ષિક ધોરણે તે 13 લાખ લિટર પાણીની બચત થશે કે જે 10 વૃક્ષો વાવવા બરાબર છે.

2. એસી 24થી 26 સે. ઉપર પંખા સાથે ચલાવો – તેના કારણે એસીની વીજળીમાં 12 ટકાની બચત થશે. તેના કારણે જે એસી દિવસમાં 8 કલાક વપરાતું હશે તેના બિલમાં છ મહિને રૂ. 2500ની બચત થશે. જો બિલ્ડિંગમાં 30 ફ્લેટ આવેલા હોય તો તે 45 વૃક્ષો વાવવા બરાબર થશે.

3. ગિઝરને 500 સે. ઉપર સેટ કરી રાખો – જો આમ સભાનપણે કરવામાં આવે તો ગિઝરના વીજ વપરાશમાં 29 ટકાની બચત થાય છે. જે 30 ફ્લેટ ધરાવતાં બિલ્ડિંગ માટે વાર્ષિક ધોરણે રૂ. 1,83,000 બચાવ્યા બરાબર છે અને 102 વૃક્ષો વાવ્યા બરાબર છે.

4. દાદરામાં રહેલી લાઇટમાં મોશન સેન્સર્સ લગાવો – ફ્લેટના દાદરાઓમાં રહેલી 20 ટ્યુબલાઇટમાં મોશન સેન્સર્સ લગાવવાથી વાર્ષિક ધોરણે રૂ. 21,000ની બચત થશે કે જે પ્રતિ બિલ્ડિંગ પ્રતિ વર્ષ 12 વૃક્ષો રોપ્યા બરાબર છે.

5. ઘન કચરાનો ઉપયોગ ખાતર તરીકે કરો – તમારા ઘરનાં કચરાને કૂંડામાં નાખીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરો તેના કારણે બિલ્ડિંગ દ્વારા કરવામાં આવતા 22 ટન કચરામાં તમારું પ્રદાન ઘટશે કે જેનો નિકાલ નકામી જગ્યાએ જમીન ઉપર કરવામાં આવે છે. જે દર વર્ષે 29 વૃક્ષો રોપ્યા બરાબર છે.

6. માંસનો ઉપયોગ ઘટાડો – સપ્તાહમાં ત્રણ દિવસ માંસ આધારિત ભોજનનો ઉપયોગ ઘટાડવાથી વર્ષમાં એક વૃક્ષ રોપ્યા બરાબરનું યોગદાન થાય છે.

7. ઓછાં અંતરે જવા માટે હવાઈ મુસાફરી ટાળો – ટૂંકા અંતરે જવા માટે ચાર વખત ફ્લાઇટના બદલે એસી ટ્રેનનો ઉપયોગ કરવાથી પ્રતિ વ્યક્તિ વર્ષમાં બે વૃક્ષ વાવ્યા જેટલું યોગદાન થાય છે.

8. ચાલો – ચાર વ્યક્તિનું કુટુંબ જો સપ્તાહમાં બે વખત દોઢ કિમી. ચાલે તો તે ચાર વૃક્ષો વાવ્યા બરાબર છે.

વિવેક ગિલાની દ્વારા સંચાલિત no2co2 સંસ્થા નફો નહીં કરતી સંસ્થા છે અને તે ત્રણ વપરાશકારલક્ષી સ્રોતોનું આયોજન કરે છે. જેના કારણે જે લોકો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરવા માગે છે તેમને માહિતીનો ખજાનો મળી રહે છે. એક વ્યક્તિ ખોરાક, પાણીનો વપરાશ, વીજળી, સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રવાસ મારફતે કેટલો કાર્બન ઉત્સર્જિત કરે છે તેની માહિતી મેળવી શકે છે. તે પછી તેઓ 'મિનિમાઇઝ એનર્જી કેલ્ક્યુલેટર'નો ઉપયોગ કરીને તેઓ પોતાના દ્વારા કરવામાં આવતાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકે છે અને અંતે તેઓ 'સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ડિરેક્ટરી' મારફતે શહેરવાર એવા લોકોની યાદી મેળવી શકે છે કે જેઓ વિવિધ શહેરોમાં કાર પૂલિંગ અને હોમ કમ્પોસ્ટિંગ સિસ્ટમ પૂરી પાડે છે.

વિવેક ગિલાનીએ તેમની સાઇટ ઉપર સાચું જ કહ્યું છે,

"જો આપણે આ વાતોનો અમલ કરીશું તો અન્ય લોકો માટે દાખલો બેસાડીશું. જો અન્ય લોકો તેના ઉપર અમલ કરશે તો લોકોનાં બદલાવની એક સાંકળ બનશે. ગ્રીન વસ્તુઓ બજારમાં મળશે તો તેનો ઉપયોગ વધશે."

વેબસાઇટ

લેખક- શ્વેતા વિટ્ટા 

અનુવાદક- YS ટીમ ગુજરાતી

પર્યાવરણની વિવિધ પહેલને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો