પર્યાવરણની સાથે સાથે હિમાલયની તળેટીમાં રહેલા ગામને પણ સાચવે છે આ દેવદૂત

0

કહેવાય છે કે દુનિયામાં મોટાભાગના લોકો માત્ર પોતાના માટે જ જીવે છે પણ ઈતિહાસમાં એક એવું ઉદાહરણ પણ છે જેમણે પોતાનું તમાન જીવન પરોપકાર અને બીજાની સેવામાં સમર્પિત કરી દીધું. પદ્મશ્રી ડૉ.અનિલ જોશી પણ એવા મહાન લોકોમાં સ્થાન ધરાવે છે જે માત્ર પોતાના દેશ માટે જ જીવે છે અને સમાજના કામ કરવા જ તેમનો ઉદ્દેશ છે, સાથે સાથે સમાજના લોકોનો વિકાસ કરવા મથતા હોય છે. તે એક સાથે બે મોરચે લડતા હોય છે. એક તરફ તેઓ લોકોને પગભર થતા શીખવે છે ત્યાં બીજી તરફ સરકાર પર પણ દબાણ ઉભું કરે છે કે સરકાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકહિતના કાર્યો કરતી રહે.

ડૉકટર અનિલ જોશીનો જન્મ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો છે. અભ્યાસમાં હોંશિયાર ડૉકટર જોશીએ પર્યાવરણ વિજ્ઞાનમાં પીએચડી કર્યા પછી કોટદ્વાર ગવર્મેન્ટ કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી સ્વીકારી લીધી. પહાડી વિસ્તારમાં રહેતા હોવાથી તેમણે નક્કી કર્યું કે અહીંયા લોકો માટે કંઈક કામ કરવું છે. આ વાતને જ મનમાં રાખીને તેમણે 1981 હિમાલય પર્યાવરણ અધ્યયન અને સંરક્ષણ સંગઠનની સ્થાપના કરી. ત્યાર પછી તેમની સાથે કેટલાક મિત્રો અને વિદ્યાર્થીઓ જોડાયા. તેમણે એવા ઘણા કામ કર્યા જેનો ફાયદો માત્ર ઉત્તરાખંડ નહીં પણ કાશ્મીર અને મેઘાલય સુધીના લોકોને મળે છે. ડૉકટર અનિલ જોશી જણાવે છે,

"દેશની સમૃદ્ધિ પાછળ ગામોનું મોટું યોગદાન છે અને ગામડાંના વિકાસ માટે સંસાધનો આધારિત અર્થવ્યવસ્થા હોવી જોઈએ. તેના દ્વારા સ્થાનિક ઉત્પાદનોને અર્થવ્યવસ્થા સાથે જોડી શકાય છે."

કોઈપણ દેશના વિકાસનો આધાર તેના જીડીપી પર હોય છે પણ ડૉકટર અનિલ જોશી માને છે કે જીડીપી ભલે દેશની અર્થવ્યવસ્થા રજૂ કરે પણ દેશના ગરીબ અને પછાત લોકોને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ બીજું એ પણ કહે છે,

"જ્યારે અર્થવ્યવસ્થાને માપવાનું કામ થાય છે તો ઈકોલોજિકલ ગ્રોથ પ્રત્યે પણ ધ્યાન જવું જોઈએ. આ રીતે ખ્યાલ આવશે કે કેટલા જંગલ વધ્યા, કેટલી માટીનું ધોવાણ અટક્યું, વાતાવરણની હવા કેટલી શુદ્ધ થઈ અને પાણીને કેટલું રિચાર્જ કરવામાં આવ્યું જેથી તે વધારે સારું બની શકે."

ઉત્તરાખંડની રચનાને 15 વર્ષ થઈ ગયા પણ સરકારનું ધ્યાન માત્ર શહેરી વિકાસ તરફ જ છે. આ વાતને ધ્યાનમાં રાખીને ડૉકટર અનિલ જોશી અને તેમની ટીમ દ્વારા 'ગામ બચાવો'ની કવાયત શરૂ કરવામાં આવી. તેમણે સરકાર પર પણ દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો કે વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે. આ અભિયાન હેઠળ ડૉકટર જોશીએ વિવિધ ગામનો પ્રવાસ કર્યો. તેમના મતે આજે ગામમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીના સાધનો ઓછા છે. તેઓ આ અભિયાન દ્વારા સરકાર પર દબાણ વધારી રહ્યા છે જેથી તેઓ ઈકોલોજી ઝોનના આધારે ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારોનું બ્રાન્ડિંગ કરે જેથી તેનો વિકાસ થાય અને તેનો આર્થિક વિકાસ પણ થાય. 90ના દાયકામાં ઉત્તરાખંડના ગામડાઓમાં વોટર મિલ ઘઉંનો લોટ બનાવવાનું કામ કરતી હતી, પણ ધીમે ધીમે તેમણે કામ બંધ કરી દીધું અને લોકોનું ધ્યાન ડિઝલ અને વીજળીથી ચાલતી ઘંટીઓ તરફ ગયું. આ કારણે અનિલ જોશીએ ગામડે ગામડે ફરીને તેના માટે આંદોલન કર્યું. તેનું એ પરિણામ આવ્યું કે રાષ્ટ્રીય સ્તરે ઘરાટ વોટર મિલ ડેવલપમેન્ટની શરૂઆત થઈ. ત્યારબાદ આ ઘરાટોને ટર્બાઈનમાં બદલવામાં આવ્યા જેણે વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું.

ડૉકટર અનિલ જોશીની મહેનતનું જ પરિણામ છે કે, આજે ઉત્તરાખંડના 100થી વધારે ગામડામાં તેમના દ્વારા શીખવવામાં આવેલી પદ્ધતિ પ્રમાણે ખેતી થાય છે જેથી જમીન વધારે ઉપજાઉ બને. તે ઉપરાંત સ્થાનિક રીતે ઉત્પન્ન થનારા મડુઆ, ચૌલાઈ, કુટ્ટૂ જેવા પાકની પણ ઘણી પેદાશો બનાવવામાં આવી. તેમણે કેદારનાથ અને બદ્રીનાથ જેવા મંદિરોને વિનંતી કરી કે ત્યાં ચૌલાઈ અને કુટ્ટૂનો જ પ્રસાદ ચઢાવવામાં આવે અને જો કોઈ તેનો પ્રસાદ ન ધરાવવા માગે તો તેમાંથી લાડુ બનાવવામાં આવે જેથી પર્યટકોને ખાવાની વસ્તુ મળવાની સાથે સાથે સ્થાનિક સ્તરે લોકોને રોજગારી પણ મળથી રહે. ઉત્તરાખંડમાં જ નહીં જમ્મુના કટરા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાઈનું વાવેતર થાય છે. અહીંયા તેમણે લોકોને મકાઈના લાડુ બનાવતા શીખવ્યું અને આજે માત્ર પરખલ ગામની વાર્ષિક આવક 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે તેમના પ્રયાસોના કારણે જ પર્વતિય વિસ્તારોમાં આવતા ધાર્મિક સ્થળોની આસપાસ જે પણ સંશાધનો છે તેનો વધારે ઉપયોગ થાય છે અને પ્રસાદ તૈયાર થાય છે. મંદિરોમાં ઉપયોગમાં લેવાતા ધૂપ અને અગરબત્તી પણ તેઓ તૈયાર કરાવે છે. આ રીતે સ્થાનિક લોકોને મંદિરો દ્વારા સીધો ફાયદો મળે છે.

અનિલ જોશીની મહેનતના પરિણામે જ ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ ફૂડ પ્રોસેસિંગની શાખા ખોલવામાં આવી છે, જ્યાં મહિલાઓ કામ કરે છે અને તેઓ સાથે મળીને જામ, જેલી અને વિવિધ પ્રકારના પીણાં તૈયાર કરે છે. આ રીતે મહિલાઓએ બ્રાન્ડ તૈયાર કરવાની સાથે સાથે રોજગારીનું એક સાધન વિકસાવ્યું. આવી જ રીતે અનાજ દ્વારા બેકરી ઉત્પાદનો તૈયાર કરવાનું કામ મોટાપાયે શરૂ થયું છે. અનિલ જોશી અને તેમની ટીમ દ્વારા સમગ્ર ઉત્તરાખંડમાં મોટાપાયે આ કામ થાય છે. એટલું જ નહીં અહીંયાના લોકો કુર્રી (સ્થાનિક જંગલી ઘાસ) દ્વારા ફર્નિચર પણ બનાવે છે. આજે ઉત્તરાખંડ ઉપરાંત બિહાર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને અન્ય જગ્યાઓ પર તેઓ તેનું પ્રશિક્ષણ પણ આપે છે. તેના દ્વારા બનતા ફર્નિચર એટલા જ મજબૂત અને સુંદર હોય છે જેટલા વાંસ દ્વારા બનતા હોય છે.

આજે અનિલ જોશી કોઈ એક કામ સાથે, કોઈ એક જગ્યાએ બંધાયેલા નથી. તે હિમાલય સાથે જોડાયેલા દરેક વિસ્તારમાં કામ કરે છે જ્યાં તેમની જરૂર હોય છે. તે કાશ્મીરથી માંડીને મેઘાલય સુધીના ગામડાને વિકસાવવા કામ કરે છે. હાલમાં તેમની યોજના 'ગામ બચવો' આંદોલનને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની છે જેથી પર્વતિય વિસ્તારોનો વધુમાં વધુ વિકાસ થાય.


લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- એકતા રવિ ભટ્ટ