'ઉપાસના' દ્વારા નેત્રહીનોને મળ્યું લાઇફસ્ટાઇલ મેગેઝિન

0

જ્યારે કોઈ વ્યક્તિ અન્યોની જરૂરીયાતોને પોતાના જીવનનું લક્ષ બનાવી દે છે ત્યારે તે લક્ષની સફળતા વ્યક્તિને એ સુખ આપે છે જેની તુલના દુનિયાની કોઇ પણ વસ્તુ સાથે ન કરી શકાય. આવું જ કઇંક લક્ષ ઉપાસના નામની એક પત્રકારનું હતું. જેમણે નેત્રહીન લોકો માટે એક મેગેઝિન બહાર પાડ્યું. જેમનો હેતુ એ હતો કે નેત્રહીન લોકોને સમાચાર ઉપરાંત પ્રેરણાદાયી લેખો અને નોલેજ મળે તેવી બાબતો પણ વાંચવા મળે.

નેત્રહીનો માટે લાઇફસ્ટાઇલ મેગેઝિન

મુંબઇની એક પીઆર કંપનીમાં કામ કરતી વખતે ઉપાસનાના મનમાં વાંરવાર નેત્રહીન લોકો માટે કંઇક કરવાના વિચારો આવતા. તેમના મનમાં ખ્યાલ આવ્યો કે બ્રેલ લિપીમાં એક લાઇફસ્ટાઇલ મેગેઝિન લોન્ચ કરવામાં આવે તો કેવું! ઉપાસનાના મનમાં આવેલ આ વિચારની રજૂઆત તેણે પોતાના મિત્ર સાથે કરીને અને બસ બંને જણાએ ભેગા મળીને મેગેઝિન લોન્ચ કરી દીધું. મે, 2013માં ઉપાસનાએ ‘વાઇટ પ્રિન્ટ’ નામનું 64 પેજનું અંગ્રેજી લાઇફસ્ટાઇલ મેગેઝિન લોન્ચ કર્યું. આ મેગેઝિન એટલા માટે ખાસ છે કારણ કે લાઇફસ્ટાઇલ પર બ્રેલ લિપીમાં પ્રકાશિત થતું આ પહેલું મેગેઝિન છે.

મેગેઝિનનું પ્રિન્ટીંગ મુંબઇમાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્લાઇન્ડસ’ દ્વારા કરવામાં આવ્યું. જેમાં વિવિધ મુદ્દાઓ જેવા કે રાજકારણ, સંગીત, ફિલ્મ, ટેકનોલોજી વિષય, કલા, ફૂડ તથા યાત્રા જેવા વિષય પર આર્ટિકલ્સ આપવામાં આવે છે. આ મેગેઝિનમાં પ્રસિદ્ધ પત્રકાર બરખા દત્ત પણ લખે છે. આ ઉપરાંત મેગેઝિનમાં લઘુ વાર્તાઓ પણ પ્રકાશિત કરવામાં આવી. આ મંથલી મેગેઝિનમાં એક મહત્વપૂર્ણ કોલમ છે રિડર્સ સેક્શન. આ સેક્શન મેગેઝિનના વાંચકો માટે છે, જેમાં વાંચકો તેમના મનપસંદ વિષય પર આર્ટિકલ, કવિતા, સંસ્મરણ, યાત્રા વગેરે લખીને મોકલી પણ શકે છે.

નેત્રહીનો માટે મેગેઝિન શરૂ કરવાનું કારણ?

ઉપાસના જણાવે છે કે, “લોકો મને હંમેશા પૂછતા હોય છે કે એવું તો શું કારણ હતું કે મેં નેત્રહીનો માટે આ પ્રકારનું મેગેઝિન શરૂ કર્યું.” તેના જવાબમાં ઉપસાના જણાવે છે કે, “માત્ર આ એક મેગેઝિન જ એવી વસ્તું છે જેના દ્વારા તે નેત્રહીન વ્યક્તિઓ સાથે પ્રથમ વખત જોડાઇ છે. ઘણાં સમયથી હું નેત્રહીન વ્યક્તિઓ માટે કંઇક કરવા માંગતી હતી. આ માટે મેં વિચાર્યું કે નેત્રહીનો માટે આવું કોઈ મેગેઝિન બજારમાં નથી, તો આ દિશામાં જ કંઇક વિચારવાનું મેં શરૂ કર્યું. અને આજે આ મેગેઝિન અનેક નેત્રહીન લોકો વાંચી રહ્યાં છે.”

ઉપાસનાએ જયહિંદ કોલેજ, મુંબઇથી જ માસ મીડિયામાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ ઓટાવા, કેનેડાના વિશ્વવિદ્યાલયમાંથી કોર્પોરેટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.

કોઇ પણ નવા બિઝનેસને ડેવલપ કરવામાં થોડી ઘણી મુશ્કેલીઓ તો આવે જ છે. ઉપાસનાની સામે પણ કેટલીક મુશ્કેલીઓ આવી. જ્યારે મુશ્કેલીઓ આવી ત્યારે લોકોએ તેની મદદ કરવાની જગ્યાએ તેને નોકરી અને પોતાના કરિયર પર ધ્યાન આપવાની સલાહ આપતા. પરંતુ ઉપાસનાએ નક્કી કરી જ લીધું હતું કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ આ મેગેઝિન તો લોન્ચ કરવું જ છે.

ફંડ એકઠું કરવું હતી સૌથી મોટી ચેલેન્જ!

ઉપાસનાની સામે તેના આ લક્ષને સિદ્ધ કરવા માટે સૌથી મોટી જરૂરીયાત હતી ફંડ, પરંતુ રૂપિયા આવશે ક્યાંથી? વાઇટ પ્રિન્ટ મેગેઝિન એ એક ચેરિટી વ્યવસાય નથી કે જે લોકોના સહયોગથી ચલાવવામાં આવે. વધારે પડતી જાહેરાત ફોટોગ્રાફના માધ્યમ દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ હવે ઉપાસનાએ મેગેઝિન માટે ઓડિયો જાહેરાતની શક્યતાઓ પણ ચકાસવા લાગી છે.

કોર્પોરેટ દ્વારા મળ્યો સહયોગ

મેગેઝિનને વીતેલા કેટલાંક મહિનાઓમાં મોટી મોટી કોર્પોરેટ કંપની જેવી કે કોકાકોલા, રેમંડસ તથા ટાટા ગ્રૂપનો સહયોગ મળ્યો છે. પરંતુ જાહેરાત માટે હજી પણ મોટી મોટી કંપનીઓને સમજવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. આજની તારીખમાં વાઇટ પ્રિન્ટની દર મહિને 300 જેટલી કોપી છપાય છે. જે દેશના વિવિધ ભાગોમાં જાય છે. ઉપાસના જણાવે છે કે અમને સૌથી વધારે ખુશી ત્યારે થાય છે જ્યારે કોઇ દૂરની જગ્યાએથી પણ મેગેઝિનની માંગ આવે. જ્યારે લોકો મેગેઝિન વિશે પોઝીટિવ રિવ્યુ આપે છે ત્યારે આ મેગેઝિનને વધારે સારું બનાવવાનો અમારો ઉત્સાહ બમણો થઇ જાય છે. “મને યાદ છે કે એક વખત ઉત્તર ભારતમાંથી ફોન આવ્યો હતો અને તે છોકરીએ મને જણાવ્યું હતું કે તે એક જ દિવસમાં આ મેગેઝિન આખું વાંચી ચૂકી છે અને તે નવા અંકની રાહ જોઇ રહી છે. તેની આ વાત સાંભળી હું ખૂબ જ ખુશ થઇ ગઇ હતી.” ઉપાસનાએ તેની ખુશી વર્ણવતા કહ્યું.

કિંમત અને મેગેઝિનનો વિસ્તાર

વાઇટ પ્રિન્ટ મેગેઝિનની કિંમત માત્ર 30 રૂપિયા છે, આ માટે રેવેન્યુ માટે મેગેઝિને જાહેરાતો પર સપૂર્ણ રીતે આધારિત રહેવું પડે છે. સોશિયલ મીડિયા દ્વારા મેગેઝિનનો પ્રચાર ઘણો સારી રીતે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ માધ્યમો દ્વારા પણ આ મેગેઝિનની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવે છે જેથી કરીને વધુમાં વધુ જાહેરાતો મેળવી શકાય.

લક્ષ્ય - આંતરરાષ્ટ્રીય સ્તર પર મેગેઝિનનો ફેલાવો

ઉપાસના જણાવે છે કે, “અમારું લક્ષ બહું મોટું છે. અમારી ઇચ્છા છે કે ભવિષ્યમાં વધુને વધુ લોકો સુધી આ મેગેઝિન પહોંચે. માત્ર ભારત જ નહીં પરંતુ અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મેગેઝિનને લઇ જવા માંગીએ છીએ. અમે એક નાનકડી મ્યુઝિક ફિલ્મ, ‘બી ફોર બ્રેલ’ બનાવી છે જે યુટ્યુબ પર પણ છે. જેના દ્વારા પણ બ્રેલ લિપીનો પ્રચાર કરી રહ્યાં છીએ. અમે જાણીએ છીએ કે સંગીત દ્વારા લોકો સુધી કોઇ પણ વાત સરળતાથી પહોંચાડી શકાય છે, એટલા માટે જ અમે સંગીતનો આશરો લીધો છે.”

Related Stories