સ્કાય ડાઈવિંગ કરવું હોય તો પહોંચી જાઓ મહેસાણા, હવે ગુજરાતમાં એડવેન્ચર સ્પોર્ટનો રોમાંચ!

સ્કાય ડાઈવિંગ કરવું હોય તો પહોંચી જાઓ મહેસાણા, હવે ગુજરાતમાં એડવેન્ચર સ્પોર્ટનો રોમાંચ!

Sunday April 03, 2016,

4 min Read

સાહેબ..શોખ બડી ચીજ હૈ, આજનો યુવાન સમાજના વાડા છોડીને હવે યલગારી બની ગયો છે. પરિવારને સંભાળવા સાથે યુથ પોતાના સપના પૂરા કરવા પાછળ ધૂની થયું છે. અને હવે પાછા સપના માત્ર હરવા-ફરવા અને કરિઅર પૂરતાં નહીં, પણ મોજની સાથે ખોજ અને ખોજની સાથે રોમાંચ મેળવવા જાતજાતના અખતરા કરતા થયા છે. ગુજરાતીમાં કહેવત છે ને કે ‘હિંમતની કિંમત છે’.. હવે જાણે લોકો હિંમતની એટલી કિંમત સમજી ગયા છે કે સામાન્ય ટુરને છોડીને એડવેન્ચર ટુરને વધારે પસંદ કરતા થયા છે. આજની જનરેશન શિમલા-ગોવા જેવી સામાન્ય ટુરને છોડીને ટ્રેકિંગ, સ્કુબા ડાઇવિંગ, સ્કાય ડાઇવિંગ, બાઇક રાઇડિંગ, સેન્ચ્યુરી-ફોરેસ્ટ સ્પોટીંગ જેવી એડવેન્ચર ટ્રીપને વધુ યોગ્યતા આપી રહ્યા છે. દરરોજની રૂટિન લાઇફને છોડીને યુવાનો ફક્કર મૌલા બનીને પોતાના શોખ પૂરા કરવા સાથે મરજીની લાઇફ જીવવાના શોખીન બન્યા છે. આજની વાત પણ એક એવા એડવેન્ચર સ્પોર્ટની છે, જેને યુવાનો વધારે પસંદ કરી રહ્યાં છે અને તે છે સ્કાય ડાઈવિંગ. 

image


જોકે આપણા દેશમાં આ પ્રકારના એડવેન્ચર સ્પોર્ટ ખૂબ જ ઓછા આયોજીત થતા હોય છે, ત્યારે આજ સ્કાય ડાઇવિંગ તમને જો ગુજરાતમાં મળી રહે અને એ પણ તમારા શહેર નજીક મહેસાણામાં આયોજીત થાય તો કેવી મજા પડે! હા, ખરેખર સ્કાય ડાઈવિંગ એડવેન્ચર સ્પોર્ટ ગુજરાતના મહેસાણમાં આયોજીત થઇ રહ્યું છે, ભારતમાં દુર્લભ એવી સ્પોર્ટ જ્યારે ઘરઆંગણે થતી હોય તો અચૂક ફાયદો ઉઠાવવો જોઇએ.

image


જયપુરની NTC એડવેન્ચર કંપની દ્વારા દેશ-દુનિયાના એડવેન્ચર સ્પોટ પર ટ્રીપ કે કેમ્પસનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આ વખતે આ કંપની દ્વારા પહેલીવાર સ્કાય ડાઈવિંગ સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે તેના માટે કંપની દ્વારા પહેલા આ આયોજન કિશનગઢ અજમેર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ વિવિધ પરવાનગીઓના અભાવે સ્થ‌ળ બદલવું પડ્યું અને બાદમાં ગુજરાતના મહેસાણા પર પસંદગી ઉતારવામાં આવી. મહેસાણાના એરપોર્ટ પર આ એડવેન્ચર સ્પોર્ટ સ્કાય ડાઇવિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેની એક બેચ 27 માર્ચના રોજ આ સ્પોર્ટનો ફાયદો ઉઠાવી ચૂકી છે અને તેની બીજી બેચ 9 અને 10 એપ્રિલ માટે બૂકિંગ થઇ રહ્યું છે. જો જીવનમાં પક્ષીની જેમ વિહંગાવલોકન કરવાની ઇચ્છા હોય તો સ્કાય ડાઇવિંગ તેના માટે એક માત્ર ઉપાય છે.

image


સ્કાય ડાઈવર બનતા પહેલા આ બાબતનું ધ્યાન રાખજો

સ્કાય ડાઈવર બનવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ અને તમારું વજન 100 કિલોથી વધારે ન હોવું જોઇએ. તમને કોઇ પણ પ્રકારની બિમારીથી હોય અથવા તો તમને કોઇ હૃદયને લગતી બીમારી કે પછી હાઇટથી ડર લાગતો હોય તો તમે સ્કાય ડાઈવિંગ કરી નહીં શકો. આ સ્પોર્ટમાં ભાગ લેતા પહેલા તમારે તમારું ફિટનેસ સર્ટીફિકેટ પણ આપવાનું રહેશે. જોકે ડાઈવિંગ કરતા પહેલા પેટ હળવું રાખવાનું રહે છે અને કપડામાં હળવી ટી શર્ટ - ટ્રેક કે કેપ્રી અને સ્પોર્ટ્સ શૂઝ પહેરવાના રહેશે.

સ્કાય ડાઈવિંગ સ્પોર્ટની ફી અને ઉંચાઈ

સ્કાય ડાઈવિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટનો રોમાંચ અનુભવવા માટે તમારે થોડી વધુ રકમ તો ચૂકવવી પડશે. આ સ્પોર્ટને માણવા તમારે રૂપિયા 35700/- વ્યક્તિ દિઠ ખર્ચવાના રહેશે. જોકે તેમાં તમારે એરપોર્ટ એન્ટ્રન્સ ફી અલગથી ચૂકવવાની રહેશે.

image


જમ્પિંગ પહેલાની ટ્રેઈનિંગ,ઇન્શ્યોરન્સ, તમારા ડાઇવની વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, તમામ પરવાનગીનો ચાર્જ તેમાં જ સામેલ રહેશે, જેના માટે તમારે અલગથી પૈસા ખર્ચવાના રહેશે નહીં. જોકે આટલી હાઇટ અને સાથે સ્પીડ હોય તો સામાન્ય કેમેરાથી ફોટા પાડવા શક્ય બનતું નથી, જેથી ડાઈવિંગ કંપની દ્વારા સ્પેશિયલ કેમેરા, ડાઈવ કરનારા ટ્રેઈનરના હાથમાં અને ડાઇવરના માથા પર લગાવવામાં આવે છે, જેમાં માત્ર વીડિયો રેકોર્ડિંગ થતું હોય છે. જેના આધારે ડાઇવરના ફોટો લઇને કંપની દ્વારા ડાઈવિંગમાં ભાગ લેનારને આપવામાં આવે છે. જો તમે તમારા મિત્રો સાથે ડાઇવ કરવા માગતા હોય તો તે રજિસ્ટ્રેશન સમયે જ જાણ કરવાની રહે છે.

image


કેસેના 172R અથવા કેસેના કેરેવાન 208 જેવા એરક્રાફ્ટ પરથી 12,000 ફીટની ઉંચાઇથી જમ્પ કરવાનું રહેશે. આ એરક્રાફટથી 12000 ફીટ આકાશમાં જતા 45 મિનિટ જેટલો સમય લાગતો હોય છે, તમારી ડાઈવ સ્પીડ 180 કિ.મી/કલાકની રહેશે. જોકે ડાઇવ દરમિયાન માત્ર 40થી 80 સેકન્ડ પૂરતું જ હવામાં ડાઇવ કરવાનું રહે છે પછી પેરાશૂટ ખોલી દેવાનું રહેશે, જ્યારબાદ હવામાં 15થી 20 મિનિટ અને હવામાંથી નીચે ઉતરીને ઘાંસના ગ્રાઉન્ડ પર લેન્ડિંગ કરવાનું હોય છે.

સેફટી ઝોન પર જ કરાય છે સ્કાય ડાઈવ

NTC કંપની દ્વારા સેફ્ટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે વિશ્વની સર્વશ્રેષ્ઠ અને છેલ્લા 67 વર્ષથી સ્કાય ડાઈવિંગ કરાવતી ગવર્નિંગ બોડી (USPA)યુનાઇટેડ સ્ટેટ પેરાશુટ એસોશિયેશન પાસેથી સેફ્ટી મેળવવા સાથે સેફ્ટી પ્રમાણિત સર્ટીફિકેટ લીધું છે. USPA દ્વારા વિશ્વમાં સૌથી વધુ સ્કાય ડાઈવિંગ કરાવવામાં આવ્યું છે. આ આખી પ્રક્રિયા ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલી હોય છે. સેફ્ટી ઝોન જાળવવા છતાં કોઇ દુર્ઘટના ઘટે તો પગલા લેવા માટે અમદાવાદ સ્કૂલ એવીએશનની એમ્બ્યુલન્સ અને ડૉક્ટર સ્ટેન્ડ બાય એરપોર્ટ પર રાખવામાં આવે છે.

image


ટ્રેઈનિંગ અને સ્ટાફ

સ્કાય ડાઈવિંગ કરતા પહેલા ડાઈવરને 20થી 30 મિનિટની ખાસ ટ્રેઈનિંગ આપવામાં આવે છે, ડાઈવિંગની ટ્રેઈનિંગ આપનારા તમામ ટ્રેઈનર્સ અને સ્ટાફ વિદેશી છે જેઓ સ્કાય ડાઈવિંગના ખાસ જાણકાર છે. આ ડાઈવિંગમાં ડાઈવરની સાથે ટ્રેઈનર પણ સાથે જમ્પ કરતા હોય છે. જેથી કોઇ પણ પ્રકારની ચૂક ન રહે અને દુર્ઘટના ન ઘટે.

image


દરેક બેચમાં વધુમાં વધુ 30 ડાઈવર જમ્પ કરી શકતા હોય છે, જોકે 27 માર્ચના રોજ યોજાયેલી ડાઈવિંગમાં 8 ડાઈવરે જમ્પ કર્યું હતુ. આવનારી 9 અને 10 એપ્રિલે થવાના ડાઈવિંગમાં 12 જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

આવી જ અન્ય અપડેટ્સ મેળવવા અમારું Facebook Page લાઈક કરો