ગુજરાતી સિનેમાને પૂરા થયા વર્ષ 84 અને અત્યારે ફ્લોર પર પણ એકસાથે 84 ગુજરાતી ફિલ્મો!

0

9 એપ્રિલ, 1932ના રોજ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ પ્રદર્શિત થઇ હતી. એટલે કે આજે ગુજરાતી સિનેમાનો 84મો જન્મદિવસ છે. ત્યારે આવો, આજે આજના ગુજરાતી ફિલ્મઉદ્યોગ વિશે થોડી વાતો કરીએ:

ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં 2015-16 એ ઈતિહાસ સર્જનારું વર્ષ છે. સિનેમાના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો એકસાથે 84 ફિલ્મ ઓન ફ્લોર હોય એવું આ પહેલું વર્ષ છે. છેલ્લા થોડાં વર્ષોથી તો 'વિક્રમ'ને આધિન રહેનાર ગુજરાતી સિનેમામાં એકસાથે આટલી ફિલ્મ ઓનફ્લોર હોય એ વાત પણ 'વિક્રમ' સર્જનારી જ ગણાય. આ જ વર્ષમાં 'છેલ્લો દિવસ' નામની એક ફિલ્મ બહુ મોટો બિઝનેસ કરી ગઈ. કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મે 'વિક્રમ' સર્જયો એમ કહી શકાય. આટલા ટૂંકાગાળામાં કોઈ ફિલ્મે છેલ્લો દિવસ જેટલી મોટી કમાણી કરી નથી. આ પહેલા કમાણીનો રેકોર્ડ 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના નામે બોલે છે. 

છેલ્લો દિવસની આવક જોતાં ઘણાં નિર્માતાઓએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પોતાનો પહેલો દિવસ તત્કાલ શરૂ કર્યો. પરિણામ એ આવ્યું કે, એક પછી એક ટાઈટલ રજીસ્ટર થવા માંડ્યા અને ફિલ્મ ફ્લોર પર જવા લાગી. નવા નવા ચહેરાઓ, નવા નવા દિગ્દર્શકો, નવા લેખકો સાથે નવા 84 ટાઈટલની યાદી તૈયાર છે. તમે આ વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં એમાં બીજા બે-ચાર નામ ઉમેરાવાની શક્યતાઓ છે. ને વાંચવાનું પૂરું કરો ત્યાં સુધી બીજા કેટલાક લોકો પણ અત્યારે ઉભા થયેલા માહોલનો લાભ લેવાનું વિચારી લે તો આ જ વર્ષે ફિલ્મ નિર્માણના આંકડાની સેન્ચ્યુરી લાગી જાય એમ છે. 

ફિલ્મ જગતમાં ઉભો થયેલો આ માહોલ ગુજરાતી સિનેમાને તારશે કે મારશે ? તે સૌથી મોટો સવાલ છે. આટલી મોટી સંખ્યામાં ફિલ્મ બની રહી છે એટલે તેમાં બિન-અનુભવી કે સિનેમાનું ગણિત ન જાણનારાઓ કે સમજનારાઓની સંખ્યા પણ ઘણી જ મોટી છે. બસ ફિલ્મ બનાવવી છે! માત્ર આટલું વિચારીને આવનારા મેકર્સથી માહોલ બને છે કે બગડે છે એ સવાલના જવાબ પરથી આપણને ખ્યાલ આવી જ જાય કે, ફિલ્મનો ફુગાવો તારશે કે મારશે ?

ગુજરાતી સિનેમા સામેના પડકારો

આમ તો ઘણા પડકારો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સામે છે એમ કહી શકાય. હવે ગુજરાતી ફિલ્મને ઓડિયન્સ મળી રહ્યું છે.. ત્યારે જો સારી ગુણવત્તાની ફિલ્મ નહીં બને તો એ ઓડિયન્સ ફરી અળગું થઈ શકે તેવી શક્યતાઓને નકારી ન શકાય. આટલી બધી ફિલ્મ બની રહી છે તેમાંથી ઘણા મેકર્સ એવા પણ હશે કે, જેને સિનેમા શું છે અને સિનેમાનું ગણિત શું છે તેની જાણ નહીં હોય. ને આ જાણ્યા વિના ફિલ્મ બનાવીને રૂપિયા બનાવવા માગતા મેકર્સને ફિલ્મ સાથે જોડાયેલા ઘણાં લોકો ફિલ્મની સાથે 'બનાવી' જાય છે. રીઅલ મેકર ન હોય એવા મેકર્સની ફિલ્મ સાથે વધુ એક નિષ્ફળ અને ગુણવત્તાહીન ફિલ્મ, ફિલ્મની યાદીમાં ઉમેરાય છે. ક્વોન્ટીટી સાથે ક્વાલિટી જળવાય એ જરૂરી છે. ગુણવત્તા બાદ કમાણીનો મુદ્દો આવે. સારી ગુણવત્તા વિના કમાણી ક્યાંથી થાય? પછડાટ બાદ પ્રોડ્યુસર રિપિટ થાય? બોક્સઓફિસ કલેક્શન સિવાય ફિલ્મને ઈન ફિલ્મ બ્રાંડિંગ કે સેટેલાઈટ ચેનલ જેવા માધ્યમોથી કમાણીનો વિકલ્પ પણ ગુજરાતી ફિલ્મ પાસે નથી. ને સૌથી મોટો સવાલ, ફિલ્મને લોકો સુધી પહોચાડવાનો છે. હવે મલ્ટીપ્લેક્સ ગુજરાતી ફિલ્મને શો તો ફાળવે છે. પણ એ શોની ફાળવણી 'ઓડ ટાઈમિંગ' વાળી હોવાની ફરિયાદ કાયમ સાંભળવા મળે છે. કમાણી કરાવી આપતી હિન્દી ફિલ્મ હોય ત્યા સુધી આપણી ભાષાની ફિલ્મને શો ન ફાળવવામાં આવે તેવા ઘણાં કિસ્સાઓ સાંભળ્યા છે. આવું થાય તો તો સારી ફિલ્મ હોવા છતાં તેને કમાણી ન થાય એવું બનવાનું જ છે.

સબસીડી માટે ફિલ્મ કે ફિલ્મ માટે સબસીડી ?

એક ફિલ્મ મેકર સાથે વાત થઈ. સહજભાવે તેમને પૂછ્યુ કે, આપની ફિલ્મ કેવી છે? ને એમનો જવાબ મળ્યો. સબસિડીમાં માગવામાં આવ્યું છે તે તમામ આપણી ફિલ્મમાં આવી જશે.. !!! જવાબ સાંભળીને મનમાં પહેલો સવાલ એ થાય કે, આ ભાઈ સબસીડી માટે ફિલ્મ બનાવે છે કે ફિલ્મ બનાવીને એમાં આર્થિક સહકાર માટે સબસીડી મેળવવા માગે છે?

આ તો એક કિસ્સો છે, આવા અનેક કિસ્સાઓ હશે જેમાં તમને આવું જ જોવા મળશે.

ફેબ્રુઆરીમાં સરકારે ગુજરાતી ફિલ્મને સહકાર અને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે નવી પોલીસી જાહેર કરી. જેમાં ગુણવત્તાના આધારે ફિલ્મને સબસીડી આપવાનું નક્કી કર્યુ. આ ગ્રેડેશનની પ્રક્રિયા એવી છે કે, નબળા મેકર્સને તો સીધો ફટકાર પડશે. ને તેમની ફિલ્મ તો સબસીડીની લાઈનમાંથી જ ફેંકાઈ જશે. કદાચ એવું પણ બને કે સબસીડી માટેની પોલિસીમાં રાખવામાં આવેલા ધારાધોરણોના કારણે ફિલ્મની ગુણવત્તા સારી થશે. અથવા તો ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર ફિલ્મ મેકિંગના રસ્તેથી વળી જશે. મારુ તો સ્પષ્ટ માનવું છે કે, સબસીડી માટે ફિલ્મ બનાવવા કરતા ફિલ્મ બનાવીને આર્થિક સહયોગ માટે સબસીડી લેવાનું ધોરણ વધે એ જ આવશ્યક છે.

ગુજરાતી સિનેમાને જન્મદિવસની શુભકામનાઓ...

લેખક- જિતેન્દ્ર બાંધણિયા, ગુજરાતી ફિલ્મના સંશોધક