રિક્ષાની મુસાફરી દરમિયાન જ પતાવો ઘરના અધૂરા કામ! 

0

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, રિક્ષામાં પ્રવાસ કરવા દરમિયાન તમે તમારા અન્ય કામ પણ કરી શકો? 'યાત્રા સ્માર્ટ'ના સ્થાપકોને પણ આવું વિચાર્યું અને તેનો સંતોષકારક જવાબ ન મળતાં તેનો ઉકેલ લાવવા તમારી યાત્રાના સમયને વધારે અસરકારક બનાવી દીધો.

અપર્ના ટી.એસ., નજીબ નારાયણ અને સૌરભ કુલશ્રીસ્થાએ બેંગલુરુના રસ્તા પર પસાર કરવા પડતાં કંટાળાજનક કલાકોના પ્રવાસે સુગમ બનાવવાનું નક્કી કર્યું. તેમણે નક્કી કર્યું કે લોકો પોતાનો જે સમય રસ્તા પર પસાર કરે છે તેને સારા કામમાં પસાર કરે તો વધારે સારું. તેમના સંશોધને જણાવ્યું કે, અહીંયા લોકો સરેરાશ 20 થી 25 મિનિટ રિક્ષાનો પ્રવાસ કરતા જ હોય છે.

રિક્ષામાં ફરતા દરેક લોકો પાસે સ્માર્ટફોન હોતા નથી અને હોય છે તેમાંથી તમામને તેનો સંપૂર્ણ ઉપયોગ આવડતો નથી. તેથી તેઓ મુસાફરી દરમિયાન સતત ફોન પર જડાયેલા રહે તેવું બનતું નથી. હાલમાં નોન-ટેક સેવી તરીકે ઓળખાતા મિડલ ક્લાસના લોકો ઈ-કોમર્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને તેમને પેમેન્ટ પ્રોસેસની પણ સંપૂર્ણ માહિતી હોતી નથી. તેમ છતાં તેઓ ઈ-કોમર્સ સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.

આ કારણે જ 'યાત્રા સ્માર્ટ' તેના આસિસ્ટેડ કોમર્સના કોન્સેપ્ટ સાથે બજારમાં આવી છે. કંપનીના સ્થાપક અને ડાયરેક્ટર નજીબ નારાયણના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે લોકો મુસાફરી કરતા હોય ત્યારે તેમને ફ્રી અને પ્રમોશન ઓફર વિશે જાણવામાં વધારે રસ હોય છે. 'યાત્રા સ્માર્ટ' પ્રવાસ દરમિયાન સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને પેમેન્ટ કરવાની અને તેના દ્વારા ડિસ્કાઉન્ટ કુપન અને અન્ય ફાયદા લેવામાં મદદ કરે છે. તેના માટે લોકોને સ્માર્ટફોન કે ઈન્ટરનેટ કનેક્શનની પણ જરૂર પડતી નથી. "અમે લોકો ટ્રાફિક જામ સમયે વધારે કમાણી કરીએ છીએ અને લોકોને પણ સમય પસાર કરવા માટે વિકલ્પ પૂરા પાડીએ છીએ. તે ઉપરાંત અમે રિક્ષાચાલકોને પણ તેમના કામ સિવાય અન્ય રીતે આવક ઉભી કરવાના વિકલ્પ આપીએ છીએ."


જરૂર છે માત્ર મોબાઈલ અને કેટલીક રોકડની!

2015માં કંપનીની સ્થાપના થઈ હતી. કંપનીએ પાઈલટ પ્રોજેક્ટ દરમિયાન કેટલાક રિક્ષાચાલકો સાથે જોડાણ કર્યું હતું અને તેમની રિક્ષામાં 'સ્માર્ટ યાત્રા'ના ટેબલેટ અને મોબાઈલ કિઓસ્ક લગાવ્યા હતા. આ ટેબલેટ અને કિઓસ્ક વાયરલેસ હોય છે અને તે સીધા જ કંપનીના મેઈન કન્ટ્રોલ સાથે જોડાયેલા હોય છે. તેના દ્વારા લોકો પોતાના ઈલેક્ટ્રિસિટી કે અન્ય બિલ ભરી શકે છે, મોબાઈલ રિચાર્જ કરાવી શકે છે, તે ઉપરાંત સારી ઓફર અને અન્ય સ્ટોર પર ચાલતા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. લોકોને કોઈ ઓફર પસંદ પડે તો તેમણે માત્ર ટેબલેટ કે કિઓસ્કમાં તેમનો મોબાઈલ નંબર નાખવાનો હોય છે જેથી તે ઓફર સામાન્ય મેસેજ સ્વરૂપે તેમના ફોનમાં આવી જાય છે.

રિક્ષાચાલકોને ટેબલેટ ચલાવવાની તાલિમ આપવામાં આવી હોય છે અને તેઓ પેસેન્જરને જણાવે પણ છે કે તે કેવી રીતે કામ કરે છે. ઘણી વખત જો મુસાફર કોઈ કામ કરતા કરતા અટકી જાય અને તેને યોગ્ય રીતે પૂરું ન કરી શકે તો રિક્ષા ચાલક જાતે જ ટેબલેટ કે કિઓસ્કને ચકાસી જૂએ છે જેથી યોગ્ય સમસ્યાનો ખ્યાલ આવી જાય. દરેક ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે દરેક બટનને અલગ અલગ રંગના બનાવવામાં આવ્યા છે. એક વખત મુસાફર તેની તમામ વિગતો ભરી દે પછી રિક્ષાચાલક તેને એક વખત ચકાસી પણ લે છે જેથી ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતે થાય. એક વખત ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી મુસાફરે તેટલી રકમ રિક્ષાચાલકને આપી દેવાની હોય છે. હવે મુસાફરે રિચાર્જ કરવા માટે કિઓસ્ક પાસે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી. હવે વરસતા વરસાદમાં પણ જવાની જરૂર નથી. બીજી તરફ રિક્ષાચાલકને તેનું કમિશન મળી જાય છે. યાત્રા સ્માર્ટને વેપારી દ્વારા કરાતા વકરાની કેટલીક ટકાવારી મળે છે. નાના પાયે વ્યવસાય કરતા લોકો પણ પોતાની જાહેરાત કરવા માગતા હોય તો તેઓ એન્ડ્રોઈડ એપની મદદથી તેમ કરી શકે છે.

નજીબ જણાવે છે કે, દરેક પ્રવાસને દરેકના લાભ માટેના અવસરમાં બદલી નાખવામાં આવ્યો. પેસેન્જર, રિક્ષાચાલક, નાના વેપારીઓ તમામને લાભ થાય છે. તેને મોટા ફલક પર વિચારીએ તો, લોકોને ડિજિટલ વિશ્વ તરફ લઈ જવાની પહેલ છે તથા મધ્યમ વર્ગ તેમના જ કમ્ફર્ટ ઝોનમાં રહીને ઝડપથી વિકસતી ટેક્નોલોજીને અપનાવે તેવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

રિક્ષાચાલકોને કમિશન મળતું હોવાથી તેઓ પોતાના મુસાફરો સાથે સારી રીતે વ્યવહાર કરે છે તે ઉપરાંત તેમને આધુનિક ટેક્નોલોજી સાથે જોડાવા સમજાવે છે. આ રીતે તમે તેમની જીવનશૈલી બદલો છો. તેઓ પોતાના ગ્રાહકો પ્રત્યે સહજ અને સરળ રહે છે. દરેક ડ્રાઈવર પોતાનો બિઝનેસ કરતો જ હોય છે પણ આ રીતે વધુ સક્ષમ બને છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, રિક્ષાચાલક દિવસના 35 કિમી માત્ર પેસેન્જર શોધવામાં ફરી લે છે અને તેમાં તેનું ઈંધણ વપરાય છે, તો ક્યારેક ટ્રાફિકમાં કલાકો સુધી અટવાય છે.

અમારા માટે મોટો પડકાર એ છે કે, યોગ્ય ડ્રાઈવરની શોધ કરવી અને તેમને આ ટેક્નોલોજી અંગે સમયાંતરે તાલિમ આપતા રહેવું. અપર્ણા કે જે એક શિક્ષક છે તે બિઝનેસવુમન તરીકે પણ સફળ છે. બહુભાષી હોવાના કારણે તે પોતાનું કામ સફળતાથી કરી શકે છે. તેણે માત્ર છ અઠવાડિયામાં 450થી વધુ રિક્ષાચાલકોને તાલિમ આપી હતી. તેની આવડતના પરિણામે રિક્ષાચાલકોને ઓપરેશનલ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવતા અને તેમની ક્ષમતામાં વધારો કરવામાં આવતો.

નજીબ અને સૌરભ કે જે, ઈન્ટ્યુટના કર્મચારીઓ હતા તેઓ સાથે આવ્યા કારણ કે તે માનતા હતા કે ટેક્નોલોજી દ્વારા બ્લ્યૂ કૉલર જોબ કરતા લોકોના જીવન પર સકારાત્મક અસર લાવી શકાય છે. સૌરભ કે જેણે માઈક્રોસોફ્ટ ખાતે કામ કર્યું છે તેણ એઝ્યોર સર્વિસ સાથે જોડાઈને યોગ્ય કામગીરી અને પેમેન્ટ તથા વોલેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું.

સુમિત બંસલ કે જે ઈન્ટ્યુટનો પૂર્વ કર્મી હતો તેણે કંપનીના ટેક્નોલોજી ડેવલપમેન્ટ માટે યોગદાન આપ્યું. હાલમાં આ ટીમ આયોજન કરી રહી છે કે, તેમના સભ્યોમાં વધારો થાય જેથી બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગને વધુ સારો ન્યાય આપી શકાય.

'યાત્રા સ્માર્ટ' દ્વારા બેંગલુરુના 1000 ઓટોરિક્ષાનું તેમની સેવાઓ માટે રજિસ્ટ્રેશન કરેલું છે અને તેમાંથી 90થી વધારે રિક્ષામાં પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. તે ઉપરાંત તેમણે 'પીસ ઓટો ઈનિશિયેટિવ' સાથે જોડાણ કર્યું છે. પોતાની અન્ય સેવાઓ અને મોબાઈલ પેમેન્ટની સેવા આપવા ઉપરાંત કંપનીએ રીઅલ એસ્ટેટ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે જેથી સેલ્સ વધારી શકાય અને સમયાંતરે સર્વે કરી શકાય. તે ઉપરાંત પેસેન્જરને ટોકન ગિફ્ટ તરીકે ડિસ્કાઉન્ટ કૂપન અથવા તો ફ્રી મોબાઈલ રિચાર્જ વાઉચર વગેરે સરવે દરમિયાન આપી શકાય. ડેટા પ્રાઈવસીની ખાતરી આપવામાં આવે છે.


ગૃહિણીઓ મોટાભાગે રિક્ષામાં પ્રવાસ કરતી હોય છે અને આ દરમિયાન તે ઘણી માહિતી ભેગી કરતી હોય છે જે ઘરના નિર્ણયો લેવામાં ઉપયોગી સાબિત થયા. તેના દ્વારા એવી પણ માહિતી મળે છે કે કયો ફ્લેટ ખરીદવો અને ક્યાં ખરીદવો જે આપણા બજેટમાં હોય. નજીબ જણાવે છે કે, અમે સરવે દરમિયાન તેમની પ્રોફાઈલ લઈ લઈએ છીએ. યાત્રા સ્માર્ટ કંપની નોકરી અપાવતી કંપનીઓ સાથે પણ જોડાણ ધરાવે છે જેથી રિક્રુટમેન્ટનો ઉકેલ પણ મળી શકે છે. તમામ રિક્ષાચાલકો ઓછામાં ઓછા પાંચ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, તેથી તેમને જેમાં રસ પડે તે કામ આપવામાં આવે છે અને તે જે જાહેરાત લાવે તેના પર તેમને ઈન્સેન્ટિવ્સ આપવામાં આવે છે.

યાત્રા સ્માર્ટ ઈન્ટરનેટ કનેક્ટેડ હાર્ડવેર અને મોબાઈલ ફોનને જોડતી ક્લાઉડ આધારિત સેવા છે. નજીબે માઈક્રોસોફ્ટના એઝ્યોરને અપનાવવાનું નક્કી કર્યું જ્યારે તેણે ટેક્નોલોજીનો વિકાસ કરવાનું વિચાર્યું. તેણે ઘણી બાબતો અજમાવી તેમાં તેને આ ટેક્નોલોજી ઉપયોગમાં વધારે સુગમ લાગી. તે જણાવે છે કે, આ પહેલાં મેં ક્યારેય ક્લાઉડનો અનુભવ નહોતો કર્યો. તેના કારણે જ હું મારું નેટવર્ક ઉભું કરવામાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યો હતો અને ક્લાઉડ દ્વારા બધું જ યોગ્ય રીતે ગોઠવાઈ ગયું. તેની પાસે ક્લાઉડનો વધુ અનુભવ હોત તો પણ હવે તે એઝ્યોરના માધ્યમથી પોતાનું ક્લાઉડ નેટવર્ક અમલમાં મૂકી શક્યો છે જેના દ્વારા તે પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને સારું ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર તૈયાર કરી શકે.

હાલમાં તેમનું અભિયાન પ્રાથમિક તબક્કામાં છે છતાં સારો પ્રતિભાવ મેળવી રહ્યું છે. કંપની જાહેરાત અને વિચાણ દ્વારા તેમની કંપનીના સ્તર, સંચાલન અને આવક વધારવા માગે છે. તેઓ ભંડોળ માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સતત એવા પ્રયાસમાં છે કે લોજિસ્ટિક કંપનીઓ યાત્રા સ્માર્ટનો ઉપયોગ કરે. તેઓ અન્ય શહેરોમાં પણ પોતાનો વિસ્તાર કરવા માટે તત્પર છે. તે મુસાફરોની સંખ્યા વધે તે માટે ચોક્કસ અલગોરિધમ અપનાવવા જઈ રહ્યા છે.

લેખક- સ્નેહા મસેલકર

અનુવાદ- રવિ ઈલા ભટ્ટ

Related Stories