વડોદરાથી LA સુધી: અભિનેત્રી ઍલિશા ક્રીસની સફર

0

ઍલિશાએ ‘ટાઈગ્રેસ પિક્ચર્સ’ નામની એક ફિલ્મ પ્રોડક્શન કંપની લૉન્ચ કરી છે, જેથી મહિલા આધારિત પ્રેરણાદાયી ફિલ્મ્સ બનાવી શકે!

હૉલિવુડ મોશન ફિલ્મ્સની અભિનેત્રી ઍલિશા ક્રીસ, જે મૂળ વડોદરાની નિવાસી છે તે આનંદ સાથે જણાવે છે, “હું નાની હતી ત્યારની વાત છે. દરરોજ સાંજે જ્યારે મારા માતા-પિતા તેમની ઓફિસથી ઘરે આવતાં હતાં ત્યારે હું ગાઈને તથા ડાન્સ કરીને તેમનું મનોરંજન કરતી હતી. તે સમયે મને ખબર નહોતી કે પર્ફોર્મિંગ આર્ટ્સ પ્રત્યેનું મારું આકર્ષણ, મને હૉલિવુડ સુધી ખેંચી જશે."

તેમણે હાલમાં જ, ‘હ્યુમન ટ્રાફિકિંગ’ (માનવ તસ્કરી) પર આધારિત એક ફિલ્મમાં કામ કર્યું છે. નૅન્સી બૅકર દ્વારા નિર્મિત અને ચક વૉકર, જે ભૂતપૂર્વ મિડલ વેઈટ ઓલમ્પિક બૉક્સર છે, તેમના દ્વારા લખવામાં આવેલી ફિલ્મ ‘બોર્ડર ક્રોસ’ માં ઍલિશા હૉલિવુડનાં પીઢ અભિનેતા Lorenzo Lamas અને Danny Trejo સાથે, એક સંવેદનશીલ ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની છે.

આ ફિલ્મને ટૅક્સાસ સ્ટેટ કે જે ટ્રાફિકિંગના રિપોર્ટમાં વધુ આંકડા ધરાવે છે, તેનાં મલ્ટિપલ લોકેશન્સ પર શૂટ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અહીયાં 35 મિલિયનથી વધુ લોકોને હ્યુમન ટ્રાફિકિંગમાં ગુલામ બનાવીને રાખવામાં આવ્યાં છે. અને સૌથી ખરાબ વાત એ છે કે, તેમાં બાળ તસ્કરી, સેક્સ ટ્રાફિકિંગ અને આધુનિક યુગની ગુલામીનાં કેટલાક ઉદાહરણો શામેલ છે.

ઍલિશા કહે છે, 

"મેં ઑફર મળતાની સાથે જ આ ફિલ્મને સ્વીકારી લીધી. હું હંમેશા એવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા ઈચ્છતી હતી, જે લોકોને મનોરંજન કરાવવાની સાથે-સાથે તેમને શિક્ષણ પણ આપે, તેથી મને લાગ્યું કે સમાજમાં અન્યાય સામે લડવા માટે, આ એક ઉત્તમ પસંદગી છે. હું ભારપૂર્વક માનું છું કે આવા સામાજીક વિષયો માટે, મજબૂત પગલા લેવા જોઈએ તથા તેમના પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂર છે."

ઍલિશાની ‘ફેરીટેલ સ્ટોરી’

ઍલિશાનાં માતા-પિતા જજ હોવાને લીધે, તેનો ઉછેર, મોટાભાગે વડોદરામાં જ થયો છે. તેના માતાએ જ તેને પ્રોત્સાહન આપ્યું હતું, એ શરતે કે તેઓ ફાર્મલૅન્ડમાં કામ કરવાની સાથે શરૂઆત કરશે.

ઍલિશા કહે છે કે, તેમણે ભણવામાં ઘણી મહેનત તો કરી જ પણ સાથે એ વાત પણ ધ્યાનમાં રાખી કે, તેમની મોટી બહેન સાથે અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ભણે. "તે એક નિર્ણયે, મને આજે હું જ્યાં છું ત્યાં પહોંચવામાં ખરેખર મદદ કરી છે." આ શબ્દો છે ઍલિશાના.

પર્ફોર્મિંગ આર્ટ્સ પ્રત્યે ઍલિશાનાં રસને ઘણી પ્રશંસા મળી હતી, અને તેઓ એ જ વિશ્વાસ સાથે મોટા થયાં કે, તેઓ જો અત્યંત મહેનત કરશે, તો કંઈ પણ બની શકશે. શિક્ષણ તથા ચારિત્ર્યમાં પ્રામાણિકતા પર બાળપણથી ભાર મૂકવામાં આવ્યો હતો, જેનાં લીધે ઍલિશા મૂળભૂત રીતે સક્ષમ હતી. ફિલ્મોની શોખીન ઍલિશાને નાની ઉંમરથી સાહિત્ય વાંચવામાં પણ ઘણો રસ હતો. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, દિપક ચોપડા તેમના પસંદગીના લોકો છે, જેમની પાસેથી તેમણે ઘણી પ્રેરણા મેળવી છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી BBAની ડિગ્રી મેળવનાર ઍલિશા રાજ્ય, શહેર તથા કૉલેજની ઘણી સૌંદર્ય સ્પર્ધાઓ જીતવા લાગ્યાં હતાં. તે સમયે તેમણે કેટલાક કૉર્પોરેટ શો પણ હોસ્ટ કરવાનું શરૂ કર્યું, જેથી જાહેર ઈવેન્ટ્સમાં પણ આત્મવિશ્વાસ વધી શકે.

"મારી માતાએ મને વચન આપ્યું હતું કે જો હું ગ્રેજ્યૂએશનમાં 70%થી ઉપર લાવીશ તો તેઓ મને ફિલ્મ્સમાં કારકિર્દી બનાવવાં દેશે. અને તેવું જ થયું." ઍલિશાએ તે દિવસો યાદ કરતાં કહ્યું, જ્યારે તેમણે ફિલ્મ્સ તથા ટેલિવિઝનમાં કારકિર્દી બનાવવા માટે, તેમના માતા-પિતાને મુંબઈ શિફ્ટ થવાનો પ્લાન જણાવ્યો.

તેઓ આ વિચાર સાથે સહમત ન હોવા છતાં, તેમણે ઍલિશાને પોતાનાં સપના પૂરા કરવા માટે પરવાનગી આપી દીધી.

એક વાર મુંબઈ પહોંચ્યાં બાદ, તેમણે ઍક્ટિંગ અને ફિલ્મ મેકિંગનાં કોર્સમાં ડિપ્લોમા કર્યું. ચાર મહિના બાદ, તેમને તેમને પ્રથમ ચાન્સ મળ્યો - ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ચેનલ Travelxp માટે એક શો હોસ્ટ કરવાની.

તેમણે આ શો માટે, દુનિયાભરમાં મુસાફરી તથા ફિલ્મિંગ કરવાનું શરૂ કર્યું, અને દરેક પળનો આનંદ માણતા ગયાં. તેમણે લગભગ 3 વર્ષ સુધી આ કામ કર્યું અને યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા અને મિડલ ઈસ્ટનાં કેટલાક ક્ષેત્રોમાં ફિલ્મિંગ કર્યું. તેઓ તેમના ખાલી સમયને ફિલ્મો માટે ઑડિશન્સ આપવામાં વિતાવતા હતાં. વર્ષ 2013માં, ઍલિશા ‘વેક અપ ઈન્ડિયા’, ‘ઝંજીર’ જેવી ફિલ્મ્સ તથા NDTV Good Times માટેનાં એક ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ શો માં જોવા મળ્યાં હતાં.

Hollywood calling...

મુંબઈમાં થોડો સમય કામ કર્યા બાદ વર્ષ 2013 માં તેઓ Los Angeles જતાં રહ્યાં.

ઍલિશા જણાવે છે, 

"LAમાં મને અભિનેત્રી તરીકે કામ કરવાની તથા હું જે પ્રોજેક્ટ્સમાં વિશ્વાસ ધરાવતી હતી તેવાં પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સ્વતંત્રતા હતી. ફિલ્મ કૉન્ફરેન્સિસમાં ભાગ લઈને હું ઘણાં સુપ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર્સ તથા ફિલ્મ મેકર્સને મળી, જેઓનાં વિચારો મારી સાથે મેળ ખાતા હતાં. તે વર્ષનાં અંતમાં, મેં ‘ટાઈગ્રેસ પિક્ચર્સ’ નામની એક ફિલ્મ પ્રોડક્શન કંપની લૉન્ચ કરી, જેથી મહિલાઓ આધારિત હોય તેવી પ્રેરણાદાયી ફિલ્મ્સ બનાવી શકું." 

આજની તારીખમાં, તેમની પાસે ઘણાં પ્રોજેક્ટ્સ લાઈન્ડ-અપ છે, જે ત્રણ વર્ષની અંદર શૂટ થશે.

તેમના ટ્રાવેલ શો કરવા દરમિયાન, ઍલિશાનું વલણ, આતંરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કામ કરવા તરફ વધતું ગયું.

મુંબઈમાં પાઠ શીખતાં

ગરીબી તથા પછાત વર્ગનાં બાળકોના શિક્ષણ પામવા માટેના પ્રયત્નો સાથે ઍલિશાનો સામનો તેમનાં જીવનમાં પરિવર્તન લાવ્યો.

ઍલિશા કહે છે, “તેણે મારું પરિપ્રેક્ષ્ય બદલી નાખ્યું. હું જાણતી હતી કે, હું એવી ફિલ્મ્સ કરવા ઈચ્છું છું, જે સામાજીક સમસ્યાઓની આસપાસ ફરતી હોય. મારી અત્યંત પસંદગીની ફિલ્મ છે ‘The Pursuit of Happiness’, જે મેં ઘણી વાર જોઈ છે. સાહિત્ય તથા ફિલ્મ્સે, મારી જીંદગી બદલી નાખી છે. હું સમજું છું કે આ એવા બળવાન માધ્યમ છે જે – યુવા માનસ પર ઊંડી છાપ છોડે છે. મેં એ વાત સમજી લીધી કે, ગ્લોબલ પ્લેટફોર્મ પર, હું એક જવાબદાર મનોરંજક બનવા માંગું છું."

ઍલિશાની ભાવિ યોજનાઓ

હાલમાં, ઍલિશા કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાં છે. એકનું ટાઈટલ છે ‘સ્કેટ ગૉડ’, જે એક અપરંપરાગત ફિલ્મ છે, જેમાં ભવિષ્યમાં, સ્કેટબોર્ડિંગને 'ઍક્ટ ઑફ સર્વાઈવલ' તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા અલેક્ઝૅન્ડર ગાર્સિયાએ લખી છે, જેઓ ભૂતપૂર્વ સ્કેટબોર્ડર છે જેમને, હૉલ-ઑફ-ફેમ 2008 માં ફ્રિ-સ્ટાઈલ સ્કેટબોર્ડિંગમાં સમાવવામાં આવ્યાં હતાં.

અન્ય એક ફિલ્મ, જેનાં પર ઍલિશા કામ કરી રહી છે, તેને ચક વૉકર દ્વારા લખવામાં તથા ડાયરેક્ટ કરવામાં આવી છે, અને તેને હાલમાં ‘Treasure Within’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ, Jesse James Treasure ના સાહસિક રિસર્ચ પર આધારિત છે.

અને પછી એવું પણ કંઈક છે, જે ઍલિશાનાં હૃદયમાં વસે છે – એક રંગીન પ્રેમ કહાની, જે ભારતીય પૃષ્ઠભૂમિ પર, સૉકર માટેનાં પૅશનને દર્શાવે છે.

અંતમાં તેઓ જણાવે છે કે, “અત્યારે, હું ખરેખર મારા કરિયરના અત્યંત ઍક્સાઈટિંગ સમય પર છું. હું ઈચ્છું છું કે બધું આમ જ સારી રીતે ચાલતું રહે અને સામાજીક વિષયો પ્રત્યે જાગૃતિ લાવવાનાં મારા ધ્યેય વિશે હું કંઈક કરી શકું."

લેખક: સાસ્વતિ મુખર્જી

અનુવાદક: નિશિતા ચૌધરી

Related Stories