MNCની નોકરી છોડી બે મિત્રો વેચવા બેઠા ‘‘ચાય વાય’’, 1 વર્ષમાં 7 આઉટલેટસ!

0

- કહેવાય છે ધંધો તો ગુજરાતીઓની રગે રગમાં છે, કદાચ એટલા માટે જ 10 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી નોકરી કર્યા પછી દેવેન્દ્ર અને કંદર્પે નક્કી કર્યું કે, બહું થઇ હવે નોકરી, ચાલો હવે પોતાના ધંધાના શ્રીગણેશ કરીએ

- ધંધો શરૂ કર્યાના એક જ વર્ષમાં ‘‘ચાય વાય’’ને 1 બ્રાન્ચથી 7 બ્રાન્ચીસ સુધી ફેલાવનાર દેવેન્દ્ર અને કંદર્પનો લક્ષ્ય છે 5 વર્ષમાં ‘‘ચાય વાય’’ની 100 બ્રાન્ચીસ ખોલવી

- ચા સાથે સ્વાસ્થ્યપ્રદ નાસ્તાનો પણ વિકલ્પ

નોકરી કરનાર દર બીજી વ્યક્તિ ધંધો કરવા અંગે વિચારતી હોય છે, અને ખાસ કરીને મહિનાના છેલ્લા દિવસોમાં જ્યારે ખિસ્સામાં બેલેન્સ તળિયે હોય ત્યારે તો કંઇક વધુ કરવાની ઇચ્છા વધુ પ્રબળ બની જાય છે, પણ નોકરી છોડીને ધંધો શરૂ કરવાનું સાહસ કરવું પણ મુશ્કેલ છે. જો તમે નોકરી કરી કરીને કંટાળી ગયા છો અને પોતાનો ધંધો શરૂ કરવાનો વિચાર તમારા મનમાં પણ અવારનવાર આવતા હોય તો દેવેન્દ્ર ખુમણ અને કંદર્પ ઉપાધ્યાયની સ્ટોરી તમારે અચૂક વાંચવી જોઇએ:

‘ચા’ની જેમ દેવેન્દ્ર અને કંદર્પની પ્રોફાઇલ પણ કડક છે!

કંદર્પ ઉપાધ્યાય અને દેવેન્દ્ર ખુમાણે સપ્ટેમ્બર, 2013માં ‘ચાય વાય’ની શરૂઆત કરી હતી અને હાલ ‘ચાય વાય’ની અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 7 બ્રાન્ચ સફળતાપૂર્વક ચાલી રહી છે. આજે કંદર્પ અને દેવેન્દ્રની ગણના અમદાવાદના સફળ ઉદ્યોગસાહસિકોમાં થાય છે પરંતુ બે વર્ષ પહેલાં સુધી તેઓ નોકરી કરી રહ્યાં હતાં. 1993માં બી.કોમ કરનાર કંદર્પ ઉપાધ્યાય આણંદના છે, તેમણે પેપ્સી, કોકાકોલા અને પાર્લે જેવી કંપનીઓમાં 20 વર્ષ સુધી નોકરી કરી અને સેલ્સ એક્ઝેક્યુટીવથી ટેરેટરી મેનેજરની પોસ્ટ સુધી પહોંચ્યા. ‘ચાય વાય’ના કો-ફાઉન્ડર દેવેન્દ્ર ખુમાણ અમદાવાદ નજીક નડીયાદના છે. 1995માં ડીડીઆઇટી એન્જીનિયરિંગ કોલેજથી બી.ઇ કર્યા પછી દેવેન્દ્ર ખુમાણે એમબીએ કર્યુ. પેપ્સીમાં નોકરીથી શરૂઆત કરનાર દેવેન્દ્રે હચ મોબાઇલ નેટવર્ક અને ટાટા જેવી કંપનીઓમાં 16 વર્ષ નોકરી કરી.

પગાર 18 લાખ હોય ત્યારે નોકરી છોડવી વધુ મુશ્કેલ અને જોખમી લાગે!

1998માં પેપ્સીકોમાં નોકરી દરમિયાન દેવેન્દ્ર અને કંદર્પની મુલાકાત થઇ અને બન્ને મિત્ર બની ગયા. બન્ને મિત્રો નોકરીમાં ખૂબ મહેનત કરતા અને દરેક પ્રકારના ટાસ્ક અને ટાર્ગેટ સફળતાપૂર્વક સિદ્ધ કરતા. નોકરીમાં સેલ્સ ટાર્ગેટ પૂરો કરતા કરતા દેવેન્દ્ર અને કંદર્પને સમજાઇ ગયું હતું કે, હવે નોકરીમાં સમય બગાડવાનું બંધ કરી પોતાનો ધંધો શરૂ કરવાનો સમય પાકી ગયો છે. આ અંગે વાત કરતા દેવેન્દ્ર કહે છે, “અમે કંપનીને કરોડો રૂપિયા કમાવીને આપી રહ્યા હતા. ફિલ્ડમાં કામ કરતા તેથી માર્કેટ અને ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં હતા. વર્ષો સુધી નોકરી કર્યા પછી અમને વિચાર આવ્યો કે આપણે નોકરી કરીને કંપનીને કરોડો રૂપિયા કમાવી આપીએ છીએ એના કરતા પોતે કોઈ ધંધો કરીએ, કરોડો નહીં તો લાખો તો કમાઇ જ લઇશું. કંદર્પે જ્યારે નોકરી છોડી ત્યારે તેમનું વાર્ષિક પેકેજ રૂ.18 લાખ હતું. અને દેવેન્દ્ર પણ નોકરી કરીને લગભગ આટલું કમાઇ લેતા હતા.

આખરે એ દિવસ આવી જ ગયો...

કંદર્પ અને દેવેન્દ્ર નોકરીની સાથે સાથે પોતાના ધંધાનું પ્લાનિંગ પણ કરતા અને એકબીજા સાથે આઇડીયાઝની ચર્ચા કરતા. ખાણીપીણીના ધંધામાં બન્ને મિત્રોને વધુ સંભાવના દેખાતી તેથી પૂરતો વિચાર કર્યા પછી તેમણે ચાના ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું. દેવેન્દ્ર કહે છે, “મોટાભાગના લોકો ધંધામાં ભાગીદારી કરવાથી ડરે છે પરંતુ આજના જમાનામાં ભાગીદારી એ પસંદગીનો વિષય નહીં પણ ધંધાની જરૂરીયાત બની ગઇ છે. બે વ્યક્તિઓ સાથે મળીને કોઇ ધંધો કરે તો ધંધાને બે વ્યક્તિયોની કુશળતાનો ફાયદો મળે તેમજ કામનું ભારણ અને રિસ્ક પણ વહેંચાઇ જાય છે.

શરૂઆતમાં ‘ચા’ વેચી હવે ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે

જ્યારે ‘ચાય વાય’ની શરૂઆત થઇ ત્યારે કંદર્પ અને દેવેન્દ્ર પોતે ચા બનાવતા, ધીરે ધીરે એક એક કરીને સ્ટાફની ભરતી કરવામાં આવી. બન્નેએ કંપનીના સંચાલન તેમજ ભવિષ્યના આયોજનો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2013માં ‘ચાય વાય’ની પ્રથમ બ્રાન્ચ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ખૂલી, પ્રથમ બ્રાન્ચ ખૂલવાના પાંચ મહિનામાં જ ‘ચાય વાય’ની બીજી શાખા પણ ખૂલી ગઇ, 10માં મહિને ત્રીજી પાલડીમાં શરૂ થઇ અને 11મા મહિને વસ્ત્રાપુર તળાવ નજીક ચોથી શાખા ખૂલી. આજે ‘ચાય વાય’ની 7 બ્રાન્ચ છે અને આવનારા 6 મહિનામાં શાખાઓની સંખ્યા 10 થઇ જશે.

દરરોજ 50,000 કપ ચા વેચવાનો પ્લાન

વર્ષ 2013માં દેવેન્દ્ર અને કંદર્પે અમદાવાદમાં શિવરંજીની ચાર રસ્તા નજીક ‘ચાય વાય’ની પ્રથમ બ્રાન્ચ શરૂ કરી હતી. અને જોત જોતામાં વસ્ત્રાપુર, પાલડી, વિજય ચારરસ્તા અને ગાંધીનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ‘ચાય વાય’ની 7 શાખાઓ ખુલી ગઇ. ‘ચાય વાય’ના શરૂઆતના દિવસોમાં દરરોજ 100 કપ ચા વેચાતી હતી અને આજે ‘ચાય વાય’ દર રોજ 3000 કપ ચા વેચે છે. 5 વર્ષમાં ‘ચાય વાય’ની 100 બ્રાન્ચ શરૂ કરવાનો અને દરરોજ 50000 કપ ચા વેચવાનું ધ્યેય છે.

વ્હોટ નેક્સ્ટ, હવે ઓફિસ બેઠે હો જાએ ‘ચાય વાય’!

એમાં કોઇ બેમત નથી કે, ‘ચાય વાય’ એ સફળ બિઝનેસ પ્લાન છે, દેવેન્દ્ર અને કંદર્પ સતત ‘ચાય વાય’ના વિસ્તરણ અંગે આયોજન કરતા રહે છે. પોતાના ભવિષ્યના પ્લાન અંગે વાત કરતા દેવેન્દ્ર કહે છે, “આવનારા સમયમાં અમેં ચાની ફ્રી ઓફિસ ડિલિવરી કરવાના છીએ, અમે અમારી ‘ચાય ઓન કૉલ ઓફિસ ડિલિવરી’ સર્વિસનું સોફ્ટ લૉન્ચ પણ કરી દીધું છે, આવનારા સમયમાં ‘ચાય ઓન કૉલ’નું વાજતે ગાજતે લૉન્ચ પણ કરીશું.

ચા સાથે હેલ્ધી નાસ્તાનો પણ વિકલ્સ

અહીં વિવિધ પ્રકારની ચા તો માણવા મળશે પરંતુ સાથે સાથે હવે ચા સાથે હેલ્ધી નાસ્તાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. સામાન્ય રીતે, આપણાં અમદાવાદીઓને મન ચા અને મસ્કાબનનો કોમ્બો હોટ ફેવરિટ. પણ ચા સાથે જો ઘઉંના લોટમાંથી બનેલો મસ્કા બન હોય તો સ્વાદ તો મળે જ અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય. ત્યારે છેલ્લા થોડા સમયથી 'ચાય વાય'માં વ્હીટ બ્રેડ સેન્ડવીચ, ઝીરો ઓઈલ ફ્રેંચ ફ્રાઈઝ જેવા કેટલાંયે સ્વાસ્થ્યપ્રદ નાસ્તાનો સ્વાદ પણ લોકો માણી રહ્યાં છે.