ગુજરાતની સ્ટાર્ટ-અપ પોલિસીમાં ઉમેરાશે નવા આયામો, ડીજીટલ મીડિયાના માધ્યમથી યુવાનો અને સ્ટાર્ટઅપ્સને અપાશે માર્ગદર્શન

0

ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો પ્રત્યેક વિદ્યાર્થી તેનો નાનો-મોટો બિઝનેસ શરૂ કરી શકશે, તેના ઇનોવેશન્સ રજૂ કરી સહાય મેળવી શકશે, વર્ષે 10 હજાર કરતાં વધારે ઉદ્યોગકારો પેદા કરવાનો સરકારનો દાવો છે

ગુજરાતમાં બિઝનેસ કરવો ખૂબ સરળ બની ચૂક્યો હોવાનો દાવો કરવામાં આવે છે. 7 ‘વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ’માં થયેલા મૂડીરોકાણના કરારો પછી રાજ્ય સરકારે તેનો પ્રતિ માસ રિવ્યુ કરવાનું નક્કી કરતાં ઉદ્યોગો માટે ગુજરાતમાં બિઝનેસ વધુ સરળ બન્યો છે. બીજી તરફ રાજ્યની 55 જેટલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આન્ત્રપ્રેન્યોર્સની એક સ્કીમ બનાવવામાં આવી છે.

ગુજરાત સરકારે સ્કીલ ડેવલપમેન્ટ, કોલેજોમાં જેવો ઉદ્યોગ તેવો અભ્યાસક્રમ, મહિલા સશક્તિકરણ અને સ્ટાર્ટઅપ પોલિસીના માધ્યમથી તાલીમી મેનપાવર અને નવા ઇનોવેટર્સ ઉભા કરવાની કોશિશ કરી છે. વિશ્વના લગભગ 125 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાત લઇ ચૂક્યાં છે અને તે પૈકી 40 ટકા દેશો ગુજરાતની એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ સાથે આદાન-પ્રદાનમાં સંકળાયેલા છે.

ગુજરાતના નાણાપ્રધાન સૌરભ પટેલનું આ અંગે કહેવું છે કે સ્ટાર્ટઅપ પોલિસી એ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર માટે ખૂબ ઉપયોગી છે. એટલે કે માઇક્રો, સ્મોલ અને મધ્યમ ઉદ્યોગો માટે એક નવી દિશા ચિંધનારી સાબિત થાય તેમ છે. રાજ્ય સરકારે હવે તેમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. સરકાર ‘સોશિયલ એન્ટરપ્રાઇઝિસ’, ‘ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર’, ‘સીડ ફંડ’ અને ‘કૉ-વર્કિંગ’ સ્પેસ જેવા નવા આયામો ઉમેરી રહી છે.

ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ પોલિસીની જાહેરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની સાથે કરી હતી. ગુજરાત આવી પોલિસી બનાવનારૂં આંધ્રપ્રદેશ પછીનું બીજું રાજ્ય છે. આ પોલિસીમાં ઇનોવેટર, ઇન્સ્ટીટ્યુશન અને ગવર્નમેન્ટ કમિટી એ મુખ્ય પાસા છે.

ગુજરાત સરકારની જાહેરાત પ્રમાણે આ પોલિસીના આધારે પ્રતિ વર્ષ 10 હજાર જેટલા ઇનોવેટર્સને લાભ મળે છે. ઇન્સ્ટીટ્યુશન સર્વિસને પાંચ લાખ સુધીની સહાય મળે છે. રૉ-મટેરિયલ્સ અને કોમ્પોનન્ટ્સ માટે 10 લાખ સુધીની સહાય અપાય છે. સ્ટાર્ટઅપ સાથે વેટના લાભ વધારાના આપવામાં આવે છે.

સ્ટાર્ટઅપ પોલિસીની હાઇલાઇટ્સ:

વાયબ્રન્ટ ગુજરાત 2015ના ભાગ સ્વરૂપે ગુજરાત સરકારે નવા બિઝનેસ આઇડિયાને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ સ્કીમ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના શિક્ષિત યુવાનોના નવપ્રવર્તક વિચારો, ઇનોવેટિવ આઇડિયાને પણ રાજ્યના વિકાસ સાથે જોડવા આ પોલિસીમાં ભાર મૂકવામાં આવ્યો છે. સરકારે આ માટે નવી સ્ટાર્ટઅપ સ્કીમ અમલમાં મૂકી છે.

ઉચ્ચ શિક્ષણ મેળવીને તૈયાર થતા યુવાનોમાં નવા વિચારો, ઇનોવેટિવ આઇડિયા અને ટેક્‌નિકલ સંશોધન માટેની ઉત્કંઠા હોય છે. આ યુવાનો તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવી શકે તેવી તક ઊભી થાય તે માટે તદ્દન નવી યોજના તૈયાર કરવામાં આવી હોવાનું નાણાપ્રધાન કહે છે.

1. યુવાનોને ખાસ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા મેન્ટર સર્વિસ પૂરી પાડવામાં આવશે.

2. મેન્ટર સર્વિસની મદદ લઇને યુવાનો ઇનોવેટિવ આઇડિયાને વાસ્તવિક સ્વરૂપ આપીને રિયલ બિઝનેસ તરીકે શરૂ કરવામાં મદદ મેળવી શકશે.

3. યુવાનોને મેન્ટરની સેવા પૂરી પાડતી યુનિવર્સિટી જેવી સંસ્થાઓને વિશેષ પ્રોત્સાહન અપાશે. સરકાર આવી સંસ્થાને રૂપિયા 5 લાખ સુધીની સહાય આપશે.

4. સ્ટાર્ટઅપ માટે સંશોધન દરમિયાન ટેક્‌નોલોજી વિકસાવવા માટે જરૂરી કાચો માલ, સાધનોમાં થતા ખર્ચ માટે સંસ્થાને ખાસ રૂપિયા 10 લાખની સહાય પણ અપાશે.

5. નવા ઉદ્યોગસાહસિકોને યુનિવર્સિટી, સરકારી લેબોરેટરી, પીએસયુ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ વગેરેની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.

6. યુવા સંશોધકોને પ્રોત્સાહન સ્વરૂપે તેમના પ્રાથમિક નિભાવ માટે 1 વર્ષ માટે માસિક રૂપિયા 10,000નું માનદ્ ભથ્થું આપવામાં આવશે.

7. નવયુવાનોને MSME યોજના હેઠળ મળતી સહાય ઉપરાંત વેન્ચર કેપિટલ ફંડ માટે રૂપિયા 50 લાખ સુધીની મદદ રાજ્ય સરકાર કરશે.

8. સ્ટાર્ટઅપ એકમોએ ઉત્પાદન કરેલી ઉત્પાદિત વસ્તુને પાંચ વર્ષ માટે તેમણે ભરેલા ટેક્સના 70 ટકા રકમ રીફંડ તરીકે મળશે. આવું રીફંડ મૂડીરોકાણના 100 ટકાની મર્યાદામાં મળશે.

પોલિસીમાં હવે નવા સેક્ટર્સ ઉમેરાશે:

રાજ્ય સરકારે શરૂઆતમાં પોલિસી માત્ર મેન્યુફેકચરિંગ ક્ષેત્રને પ્રાધાન્ય આપવાનાં સંદર્ભે બનાવી હતી હવે તેમાં હવે ટૂંક સમયમાં સર્વિસ અને સોશિયલ સેકટરને પણ સમાવવામાં આવશે. સરકારે એક કમિટી બનાવી છે અને હવે તે નોડલ ઇન્સ્ટિટ્યૂટ નક્કી કરવાની કામગીરી કરશે. ઇન્સ્ટિટ્યૂટને સ્ટાર્ટઅપની પસંદગી અંગે વધુ સત્તા આપવામાં આવશે. આગામી દિવસોમાં આ દિશામાં ઝડપથી કામગીરી હાથ ધરાશે.

સરકારના સલાહકાર રહી ચુકેલા અને ગ્લોબલ શેપર્સ ઇનિશિયેટિવ્સના સ્થાપક અને મેન્ટર સુનિલ પારેખે જણાવ્યું હતું કે રાજય સરકાર નોડલ ઇન્સ્ટિટ્યૂટ નિયુક્ત કરશે અને તે સ્ટાર્ટઅપ પાસે પ્રોજેકટ મંગાવી તેને મંજૂર કે નામંજૂર કરવાની કામગીરી કરશે. ત્યારબાદ તેના આધારે સરકાર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોજેકટ માટે નાણા ફાળવશે.

યુવાનોને પ્રેરણા આપતાં સુનિલ પારેખે જણાવ્યું છે, “ઘણીવાર સ્ટાર્ટઅપના પ્રશ્નો ઉકેલાતા નથી કે આવશ્યક માહિતી મળતી નથી. આવા સંજોગોમાં શરૂ કરવામાં આવેલા આ નવા માધ્યમથી ગુજરાતના તમામ ઉદ્યોગસાહસિકો એકબીજા સાથે જોડાશે અને એકબીજાને મદદ પણ કરશે. તેના માટે ન્યૂઝલેટર જેવા ડિજિટલ માધ્યમ તથા ટ્વિટર, ફેસબૂક જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાશે.”

વિદ્યાર્થીઓ માટે GTUની સ્ટાર્ટઅપ પોલિસી:

ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી દ્વારા વિદ્યાર્થીઓને ક્‍લાસરૂમમાં થીયરીકલ ટ્રેનિંગ આપવાની જગ્‍યાએ હવે ફીલ્‍ડની પ્રેક્‍ટીકલ ટ્રેઇનિંગ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ નીતિના કારણે જીટીયુનો કોઇ પણ વિદ્યાર્થી આઠમાંથી કોઇપણ સેમેસ્‍ટર દરમિયાન પોતાના પસંદગીના વિષય અથવા ક્ષેત્રમાં પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે જરૂર પડે તો વધારાના વિષયનું શિક્ષણ મેળવી શકે છે. તે તેના અંતિમ વર્ષના એજ્‍યુકેશનલ પ્રોજેક્‍ટને પણ પોતાના ઉદ્યોગમાં બદલી શકે છે.

ચાર વર્ષના ડિગ્રી અભ્‍યાસક્રમને આઠ વર્ષમાં પૂરો કરવાની છૂટ સાથે અભ્‍યાસના સમય ઉપરાંત વધારાના એક વર્ષનો પણ લાભ વિદ્યાર્થીઓ લઇ શકશે. જેના માટે તેમના સભ્‍યોને વર્તમાન 75 ટકા હાજરીની જરૂરિયાતમાં 10 થી 25 ટકા સુધીની છૂટ મળી શકે છે.