આત્મહત્યાનો વિચાર મનમાંથી કાઢી, કપરી પરિસ્થિતિનો અડગપણે સામનો કરી, સફળ ઉદ્યોગસાહસિક બન્યા એચ. સરોજા  

0

કહેવાય છે કે મહેનત કરનારાનો ક્યારેય પરાજય થતો નથી. હાર તેની જ થાય છે જે ઝડપથી ઘૂંટણીયા ટેકવી દે છે. પોતાના સ્વપ્નો સાથે સમજૂતી કરી લેનારા હારી જાય છે. કહેવાય છે કે આ વાતો કરવી સરળ છે પણ તેનો અમલ કરવો ખાંડાની ધારે ચાલવા જેવું છે. આવી જ એક મહિલા છે એચ. સરોજા. સરોજાની જિંદગી માત્ર એક ઉદાહરણ છે પણ તૂટતા, વિખેરાતા અને લક્ષ્ય માટે ઝઝૂમલા લોકો માટે સાહસ અને તાકાત આપવાનું કામ કરે છે. એચ સરોજાએ ક્યારેય હાર માની જ નહોતી. તેના કારણે જ આજે તેઓ આપબળે કર્ણાટકના સિમોગા જિલ્લાના ભદ્રાવતી વિસ્તારમાં ખાદ્ય પદાર્થ બનાવતી Nandi Vermicelli Industries કંપની ચલાવે છે. આ તેમનું પહેલું સાહસ નથી. આ પહેલાં તેમણે બ્યૂટી પાર્લર, મીણબત્તી, પાપડ, ડેરી પ્રોડક્ટ, ફટાકડા અને ટેક્સટાઈલ સાથે જોડાયેલા વ્યવસાયમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. તેમાં ઘણા વ્યવસાય એવા હતા જે મજૂરોના કારણે બંધ કરવા પડ્યા હતા. તેઓ જણાવે છે કે, તેમના મતે તેઓ કોઈપણ વ્યવસાય બંધ કરવા માગતા નહોતા પણ તેમને નુકસાન ઉઠાવવું પડતું હતું અને વિકાસ પણ ઝડપી નહોતો થતો.

આ બધું જ કર્યા બાદ એચ સરોજાએ સેવઈ ઉદ્યોગ શરૂ કર્યો. ખરેખ તેમની યાત્રા શરૂ થઈ હતી 1994માં. તે સમયે તેમણે સ્વરોજગાર અંગે વિચાર્યું હતું. સરોજા સારા પરિવારમાંથી આવતા હતા છતાં તેઓ આત્મનિર્ભર અને સ્વતંત્ર રહેવા માગતા હતા. સરોજાએ પોતાના કાકાના દીકરા સાથે લગ્ન કર્યા હતા. તે વર્ષભર સરોજાના ઘરમાં જ રહ્યો. સરોજા જણાવે છે કે, તેના પતિ આખો દિવસ તેના ઘરે રહેવા માગતા હતા અને તેના પિતાના પૈસે જલસા કરવા હતા. તેમના પતિને નોકરી કરવી નહોતી. તે અલગ વિચારો ધરાવતા હતા. તે પોતાના જીવનમાં આત્મનિર્ભર થવા અને સ્વરોજગાર શરૂ કરવાનો મત ધરાવતા હતા. સરોજાએ આ કારણે પોતાના પિતાનું ઘર છોડીને પોતાના સાસરે રહેવાનું શરૂ કર્યું. અહીંયા તેમને પરિવાર તરફથી કોઈ મદદ મળતી નહોતી તથા તેમને આર્થિક કે નૈતિક મદદ કરનાર પણ કોઈ નહોતું. આ સંજોગોમાં તેમનું જીવન વધારે કપરું થઈ ગયું. કપરી સ્થિતિમાંથી બહાર આવવા સરોજાને ખ્યાલ નહોતો આવતો કે શું કરવું જોઈએ. તે અત્યાર સુધી ગૃહિણી તરીકે જ જીવતા આવ્યા હતા અને તેમની પાસે સારી શૈક્ષણિક લાયકાત પણ નહોતી. તેમણે તો 10મા ધોરણ સુધીનો પણ અભ્યાસ કર્યો નહોતો. તેમણે નક્કી કર્યું કે તેઓ કોઈપણ સ્વરોજગાર શરૂ કરીને આત્મનિર્ભર બનશે. તે ઉપરાંત તેઓ એવી મહિલાઓ માટે પણ કામ કરવા માગતી હતી જે કંઈક કરવા માગે છે પણ લાચાર છે. એવી મહિલાઓ જેમની પાસે પારિવારિક સમર્થન નથી પણ તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે. આ રીતે તેમણે 1994માં પાયાગત સ્તરે કામ શરૂ કર્યું અને આજે તેમની કંપનીમાં 26 કર્મચારીઓ છે. તેના કારણે જ તેઓ આજે ગર્વ સાથે કહે છે કે, તેઓ Nandi Vermicelli Industriesના માલિક છે. આજે ભદ્રાવતી વિસ્તારમાં તેમની કંપનીના બે યૂનિટ ચાલે છે. સરોજા પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. તે પોતાના કર્મચારીઓના બાળકોના અભ્યાસને પણ મહત્વ આપે છે.

એક વ્યવસાયી હોવાના કારણે સરોજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરોજા જણાવે છે કે, સેવઈના ઉત્પાદન અને તેની ગુણવત્તાના મેનેજમેન્ટમાં તે સક્ષમ હતા પણ તેના માર્કેટિંગમાં નહીં. તેમની પાસે નવા અને પ્રતિસ્પર્ધિ વિચારોનો અભાવ હતો અને તેના કારણે જ તેઓ પોતાના પ્રોડક્ટ વેચવામાં સફળ ગઈ નહીં. આ સમસ્યાનો ઉકેલ લાવવા અને માર્કેટમાં ટકી રહેવા માટે તેમણે ઓછા માર્જિન સાથે પોતાના ઉત્પાદનો વેચવાનું નક્કી કર્યું. તે ઉપરાંત બીજી સમસ્યા હતી મજૂરોની, કારણ કે જ્યારે મોટો ઓર્ડર મળતો ત્યારે મજૂરો મળતા નહીં. આ સમસ્યાનો ઉકેલ તેમણે પોતાના મશિનો ખરીદીને લાવી દીધો. તેઓ પહેલાં સેમી ઓટોમેટિક મશીનો ઉપયોગમાં લેતા હતા હવે તેઓ ઓટોમોટિક મશીનોનો ઉપયોગ કરે છે.

વ્યક્તિગત રીતે પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં પરિવારનું કોઈ તેમને સમર્થન નહોતું આપતું ત્યાં તેમણે એક નાનકડી ઝૂંપડીમાં રહેવાનો વારો આવ્યો હતો. અહીંયાં સાફસફાઈ પણ પૂરતી થતી નહોતી. તેમણે ઘણા એવા કામ કર્યા જે મોટાભાગે પુરુષો જ કરતા હોય છે. માતા તરીકે પણ તેમણે પોતાના સંતાનો માટે જે કરી શકાય તે કર્યું હતું. વધારે શિક્ષિત ન હોવાથી અને કોઈ ડિગ્રી ન હોવાથી તેમના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળતો નહોતો. સરોજાએ આ પડકાર ઝીલી લીધો અને તેમાંથી બહાર આવવાનું નક્કી કર્યું. તેમણે પહેલાં પોતે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. તેમણે નક્કી કર્યું કે તેઓ અંગ્રેજી શીખશે અને તેના માટે એક શિક્ષક પણ રાખ્યા જે તેમને સ્કૂલમાં પૂછાતા પ્રશ્નોના અંગ્રેજીમાં જવાબ આપવાનું શીખવતા હતા. આ ટ્રેનિંગ બાદ સરોજાનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને તેમણે તમામ જવાબો ખૂબ જ સારી રીતે અંગ્રેજીમાં આપ્યા જેના કારણે તેમના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળી ગયો.

સરોજામાં આત્મવિશ્વાસ હતો તેથી તેમણે પોતાના પરિવારજનોને કહી દીધું હતું કે, તેઓ સફળ નહીં થાય ત્યાં સુધી ઘરે પરત નહીં આવે. આ જ કારણે તેઓ 10 વર્ષ સુધી પોતાના પરિવારથી દૂર રહ્યા. સરોજાને આ લડાઈ લડવામાં તાકાત મળી પણ એક સમય એવો હતો જ્યારે તેમની ચારેતરફ અંધકાર છવાયેલો હતો. સુંદર મહિલા હોવાના કારણે પુરુષો તેમના તરફ ગંદી નજરો નાખતા હતા. આ સમસ્યા ત્યારે વધી જતી જ્યારે તે પોતાના ઉત્પાદનો વેચવા કોઈના ઘરે જતા. પુરુષો તે સમયે ગંદી નજરે જોતા અને છેડતી કરવા ઉપરાંત બિભત્સ પ્રસ્તાવ મૂકતા.

સરોજાએ પોતાના સંતાનો સાથે એકલા રહેવાનો નિર્ણય કર્યો હતો જે સામાન્ય રીતે કોઈ મહિલા કરતી નથી. તે પોતાનો માલસામાન લઈ જવાનું વાહન પણ જાતે જ ચલાવતા હતા. તેમને ઘણી વખત વિચાર આવતો કે તે પોતાના સંતાનો સાથે આત્મહત્યા કરી લે. ઈશ્વરના આશીર્વાદ અને પોતાની મહેનતથી આજે તેઓ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવી ગયા છે. આજે તેઓ ગર્વ સાથે જણાવે છે કે, તેમની પાસે ભારે વાહનો ચલાવવાનું લાઈસન્સ છે.

સરોજાએ સતત પોતાનું કામ પ્રેમથી કર્યું છે અને તેના કારણે જ તેમને પ્રેરણા મળતી રહી છે. આત્મનિર્ભર બનવાનું કામ હોય કે બીજી મહિલાઓને રોજગાર આપવાનું કામ હોય, સરોજા આજે તેનાથી સંતુષ્ટ છે. વ્યવસાયમાં પ્રતિસ્પર્ધા તો હોય જ છે અને સ્પર્ધા તેમને વધારે મહેનત કરવા પ્રેરે છે. સરોજા પોતાના કામને ખૂબ જ પસંદ કરે છે અને વધારેમાં વધારે ઓર્ડર લેવા મહેનત કરે છે. પોતાની ડિમાન્ડ યથાવત રાખવા તે વિવિધ પ્રકારની સેવઈ બનાવે છે. હાલમાં તેમના દ્વારા બનાવવામાં આવેલી સેવઈ કર્ણાટકમાં વેચાય છે પણ તેઓ ઈચ્છે છે કે તેમની સેવઈને દિલ્હી સુધી પહોંચાડવામાં આવે, જ્યાં તેમને સારો પ્રતિભાવ મળવાની આશા છે. આટલા વર્ષોની મહેનત બાદ તેમણે સ્વીકારી લીધું કે કોઈ પણ વ્યવસાય પોતાની રીતે નુકસાન કરતો નથી. કોઈપણ વ્યવસાય નિષ્ફળ જવાના કારણે છે અજ્ઞાનતા, બેદરકારી અને આસપાસનું ન જોવાની નબળાઈ. વિકાસના રસ્તે તેમનો એક જ મંત્ર છે કે, કોઈ ઉંચે ઉડવા માગે છે તો તેણે પોતાની પાંખો ફેલાવવી પડશે અને ઉંચાઈએ પહોંચ્યા પછી પોતાના આસપાસના લોકોને ન ભૂલવા જોઈએ.

લેખકઃ હરિશ

ભાવાનુવાદઃ મેઘા નિલય શાહ 

વધુ હકારાત્મક અને સકારાત્મક જીવનસફર વિશે જણાવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સ્ટોરીઝ વાંચો:

દરેક મહિલાએ વાંચવા જેવી છે ચીલૂ ચંદ્રનના જીવનની આ સફર

ઈ-વાહનમાં ક્રાંતિનું બ્યુગલ ફૂંકનારાં ‘હેમલતા અન્નામલાઈ’

પહેલા નોકરી.. પછી ગૃહિણી અને હવે ‘બિઝનેસવૂમન’, વાંચો મોનિકા અરૂણની કહાની

Related Stories